શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા અને તેમનાં પત્નીની તાત્કાલિક ધરપકડનો આદેશ - ન્યૂઝ અપડેટ

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા (ફાઇલ ફોટો)
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

શ્રીલંકાની એક કોર્ટે બુધવારે પૂર્વ ક્રિકેટર અરવિંદ ડી સિલ્વા અને તેમનાં પત્નીને તાત્કાલિક ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા માટે વૉરંટ જારી કર્યું છે.

બીબીસી સિંહલાના અહેવાલ અનુસાર, મૅજિસ્ટ્રેટે આ આદેશ આપ્યો હતો ત્યારે અરવિંદ ડી સિલ્વા અને તેમનાં પત્ની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યાં નહોતાં.

આ બંને અગાઉ પ્રિયંકા નિયોમા વિરુદ્ધના એક કેસમાં જામીનદાર તરીકે હાજર રહ્યાં હતાં.

પ્રિયંકા નિયોમા, અરવિંદ ડી સિલ્વાનાં પત્નીનાં જોડિયા બહેન છે અને દિવંગત કપિલા ચંદ્રસેનાનાં પત્ની છે. આ કેસમાં તેઓ જામીનદાર તરીકેની પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માગતા હતા, જેના સંબંધમાં સુનાવણી થવાની હતી.

સુનાવણી દરમિયાન કોર્ટમાં ગેરહાજર રહેવા અંગે કોઈ યોગ્ય પુરાવો કે કારણ રજૂ કરવામાં આવ્યું ન હોવાથી કોર્ટે ધરપકડનો આદેશ આપ્યો હતો.

શ્રીલંકન ઍરલાઇન્સના પૂર્વ સીઇઓ કપિલા ચંદ્રસેનાનો મૃતદેહ અરવિંદ ડી સિલ્વાના ઘરેથી મળી આવ્યો હતો

ઇમેજ સ્રોત, Aviation Voice / Facebook

ઇમેજ કૅપ્શન, શ્રીલંકન ઍરલાઇન્સના પૂર્વ સીઇઓ કપિલા ચંદ્રસેનાનો મૃતદેહ અરવિંદ ડી સિલ્વાના ઘરેથી મળી આવ્યો હતો

કપિલા ચંદ્રસેનાનું મૃત્યુ

શ્રીલંકન ઍરલાઇન્સના પૂર્વ સીઇઓ કપિલા ચંદ્રસેનાનો મૃતદેહ અરવિંદ ડી સિલ્વાના ઘરેથી મળી આવ્યો હતો.

આ મામલે અરવિંદ ડી સિલ્વાએ 12 મેના રોજ ફોર્ટ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું.

ત્યાર બાદ અરવિંદ ડી સિલ્વાનાં પત્ની પ્રિયંકા અનુષ્કા વિજયનાયકેએ પણ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જાહેરાત

ગયા વર્ષે અનંત નાગને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મભૂષણ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે અનંત નાગને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મભૂષણ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા

કન્નડ અભિનેતા અનંત નાગને વર્ષ 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત થઈ છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઍક્સ પર નિવેદનમાં કહ્યું છે, "ભારત સરકારે ભારતીય સિનેમામાં તેમના ઉત્તમ યોગદાન અને શાનદાર કારકિર્દી માટે અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2024 એનાયત કરવાની જાહેરાત કરી છે. તેમણે અનેક પેઢીઓને પ્રેરિત કરી છે."

નિવેદન મુજબ, આ પુરસ્કાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે. આ સમારોહ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, "દિગ્ગજ કલાકાર અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળવા બદલ અભિનંદન. ઘણા દાયકાથી તેમના સહજ અભિનય, અદ્ભુત બહુમુખી પ્રતિભા અને ઉત્કૃષ્ટ કાર્યે ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર અમિટ છાપ છોડી છે."

ગયા વર્ષે અનંત નાગને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મભૂષણ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

UPI ચાર્જ મામલે કૉંગ્રેસનો આરોપ, 'વડા પ્રધાન મોદી ટ્રમ્પને ખુશ કરવા માગે છે'

મોદી, ટ્રમ્પ,યુપીઆઈ ચાર્જ, બીબીસી ગુજરાતી, narendra modi, donald trump, upi charge

ઇમેજ સ્રોત, Mandel NGAN / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે અમેરિકન કાર્ડ કંપનીઓના લાભ માટે યુપીઆઈ પર ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે (સાંકેતિક તસવીર: પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ).
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવામાં વ્યસ્ત છે.

તેમણે આરોપ લગાવ્યો, "મોદી સરકારે યુપીઆઈ પરનો ઝીરો એમડીઆર સમાપ્ત કરવાની અને શુલ્ક લગાવવાની અમેરિકાની માંગ સ્વીકારી લીધી છે."

જયરામ રમેશના જણાવ્યા અનુસાર, "અમેરિકન વેપારીઓએ આ વર્ષની શરૂઆતમાં યુપીઆઈની ટીકા કરી હતી કે તે મફત છે અને તેણે વીઝા તથા માસ્ટરકાર્ડને બજારમાંથી બહાર ધકેલી દીધાં છે."

"0.4 ટકા એમડીઆર શા માટે? શું તેનું કારણ એ છે કે ડેબિટ કાર્ડ પરનું એમડીઆર પણ 0.4 ટકા છે? શું આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે અમેરિકન કાર્ડ કંપનીઓને યુપીઆઈ સાથે સ્પર્ધા કરવાની તક મળી શકે?"

જયરામ રમેશે પ્રશ્ન કર્યો કે શું આથી યુપીઆઈ 'ટકાઉ' બનશે, જેમ સરકાર દાવો કરે છે?

તેમણે લખ્યું, "સમગ્ર યુપીઆઈ ઇકોસિસ્ટમ ચલાવવાનો અંદાજિત ખર્ચ દર વર્ષે લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે."

"આ રકમ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવેલી રકમના 10 ટકા કરતાં પણ ઓછી છે, જેથી મોદી સરકાર માટે સરકારી આર્થિક સ્થિતિ સ્વસ્થ દેખાઈ શકે."

જયરામ રમેશે લખ્યું, "આવતીકાલે અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં તે વિધેયક પર મતદાન થશે, જેમાં ભારત પર 100 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ છે. અમેરિકન સેનેટ પહેલેથી જ આ કડક કાયદાને મંજૂરી આપી ચૂકી છે."

તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી સતત ટ્રમ્પને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું, "તમારા પ્રિય મિત્ર 'અબકી બાર ટ્રમ્પ સરકાર' આદેશ આપે છે, તમે ઝુકી જાઓ છો અને 140 કરોડ ભારતીયોને તેના પરિણામો ભોગવવા માટે છોડીને દો છો."

હુતી વિદ્રોહીઓએ મક્કાને નિશાન બનાવવા પ્રયાસ કર્યો, સાઉદી અરેબિયાનો આરોપ

બીબીસી ગુજરાતી હુતી વિદ્રોહી સાઉદી અરેબિયા યમન મિસાઇલ હુમલો મક્કા

ઇમેજ સ્રોત, Khaled ZIAD / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હુતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેમણે હુતી વિદ્રોહીઓ દ્વારા છોડવામાં આવેલા એક ડ્રૉનને મક્કાના પ્રતિબંધિત હવાઈક્ષેત્રમાં પ્રવેશતા પહેલાં જ તોડી પાડ્યું છે.

સાઉદી અરેબિયાના કેટલાક ભાગોમાં હુતી હથિયારધારી જૂથોના હુમલા વધી ગયા પછી સાઉદી અરેબિયાની ઍર ડિફેન્સ સિસ્ટમે આ કાર્યવાહી કરી છે.

બીબીસી પર્શિયન મુજબ યમન યુદ્ધમાં સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ એક નિવેદનમાં જણાવ્યું કે હુતી જૂથ દ્વારા મક્કાને બીજી વખત નિશાન બનાવવામાં આવ્યું છે.

અગાઉ જુલાઈ 2017માં તેમણે મક્કા પર એક બેલિસ્ટિક મસાઇલ છોડી હતી. મંગળવાર, 15 સપ્ટેમ્બરે મક્કા, જેદ્દાહ અને તૈફમાં થોડા સમય માટે સુરક્ષા ઍલર્ટ જારી કરાયું હતું. ત્યાર પછી સાઉદી સિવિલ ડિફેન્સ અધિકારીઓએ જાહેરાત કરી કે "ખતરો ટળી ગયો છે."

અમેરિકામાં આજે ભારત સહિત અનેક દેશો પર 100 ટકા ટેરિફ પર વોટિંગ

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ અમેરિકા ભારત ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Charles McQuillan/Getty Images

ઇમેજ કૅપ્શન, વિધેયક પસાર થશે તો અમેરિકાના રાષ્ટ્રપતિને ભારત સહિત બીજા દેશો પર 100 ટકા વધારાનો ટેરિફ નાખવાનો અધિકાર મળશે.

અમેરિકન સંસદમાં આજે રશિયા પર પ્રતિબંધને લગતા વિધેયક પર મતદાન થવાનું છે. તેમાં ભારત સહિત અન્ય ચાર દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની પણ દરખાસ્ત છે.

અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં રશિયા વિરુદ્ધ પ્રતિબંધ લાદવા માટે વોટિંગ કરવાની તૈયારી છે.

આ પ્રસ્તાવિત કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર આપશે, જેમાં ભારત પણ સામેલ છે.

આ બિલને લિંડસે ઓ ગ્રાહમ સેંક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ 2026 નામ અપાયું છે જે અમેરિકન સેનેટમાં પહેલેથી જ ભારે બહુમતથી પસાર થઈ ચૂક્યું છે.

તેમાં ભારતનું નામ સ્પષ્ટ રીતે એવા દેશોમાં સમાવવા માંગણી કરવામાં આવી છે, જેના પર રશિયા સાથે કારોબાર કરવા બદલ 100 ટકા વધારાનો ટેરિફ લગાવી શકાય છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વોટિંગ થવાની સંભાવના છે.

ટી-20 ક્રિકેટમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

બીબીસી ગુજરાતી સંજુ સેમસન ભારત અફઘાનિસ્તાન ટી 10 ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સંજુ સેમસને પોતાની ઇનિંગમાં ચાર સિક્સર ફટકારી હતી.

ભારતે અફઘાનિસ્તાન સામે ત્રણ મૅચની ટી-20 સિરીઝની બીજી મૅચ સાત વિકેટે જીતી છે. આ મૅચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી.

ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધારે 57 રન બનાવ્યા હતા. તેમણે 22 બૉલમાં સાત બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી.

અભિષેક શર્માએ 39 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈશાન કિશન 38 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.

આ ઇનિંગ્સની મદદથી ભારતે 15 ઓવરમાં જ અફઘાનિસ્તાન તરફથી મળેલા 160 રનના પડકારને પાર કર્યો હતો.

ભારતે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બૅટિંગ કરીને 20 ઓવરમાં આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધારે રન ઇબ્રાહિમ જાદરાને બનાવ્યા હતા. તેઓ 37 રન બનાવીને આઉટ થયા હતા.

ત્રણ મૅચની શ્રેણીમાં ભારત 2-0ની લીડ સાથે આગળ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન