You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
EPFO 3.0 : પ્રોવિડન્ટ ફંડમાંથી એક સાથે 100 ટકા રકમ કેવી રીતે ઉપાડી શકાશે?
એમ્પ્લૉયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા ટૂંક સમયમાં પ્રોવિડન્ટ ફંડનાં નાણાં ઉપાડવાના નિયમોમાં ફેરફાર થવાના છે અને EPFO 3.0 લાગુ થવાનું છે.
ઇપીએફઓમાંથી રકમ ઉપાડતી વખતે સૌથી વધારે સમસ્યા તેમાં થતા વિલંબની હોય છે.
અત્યાર સુધી કાગળિયાંની પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો, પરંતુ હવે વધુ સરળતાથી રકમ ઉપાડી શકાશે. ઇપીએફઓ દ્વારા એવા સુધારા થવાના છે જેથી યુપીઆઈ પેમેન્ટ ગેટ-વે મારફત તમારા પ્રોવિડન્ટ ફંડના રૂપિયા સીધા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. તેના કારણે પેપરવર્ક ઘટશે અને ઓછા સમયમાં રૂપિયા હાથમાં આવી જશે.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે હવે યુપીઆઈ અને એટીએમથી તાત્કાલિક રૂપિયા ઉપાડી શકાશે અને તેનો અમલ આગામી મહિનાથી થવાનો છે.
ઇપીએફઓના ઘણા સભ્યોને સવાલ હોય છે કે તેઓ ઇપીએફ એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકે અને તેમને 100 ટકા રકમ ઉપાડવાની છૂટ છે કે કેમ?
EPFO 3.0માં શું હશે?
EPFO 3.0ના અમલ વિશે સરકાર ગયા વર્ષથી વાત કરી રહી છે. અગાઉ તેનો અમલ જાન્યુઆરી 2026માં થવાનો હતો, ત્યાર પછી મેના અંતમાં આ વ્યવસ્થા લાગુ થશે તેવી વાત કરવામાં આવી હતી. હવે તેને જૂનમાં અમલમાં મુકવામાં આવશે એવું શ્રમમંત્રીએ કહ્યું છે. જોકે, હજુ આ વ્યવસ્થા અમલમાં આવી નથી.
EPFO 3.0માં જે ફેરફાર થવાના છે તેનાથી રકમ ઉપાડવાની કામગીરી પેપરલેસ થઈ જશે અને ખાતેદારો યુપીઆઈ અથવા યુપીઆઈ એનેબલ્ડ એટીએમ દ્વારા તેમના ઇપીએફ બૅલેન્સની 50 ટકાથી લઇને 75 ટકા સુધી રકમ ઉપાડી શકશે.
તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમ કે તમારા એકાઉન્ટમાં કોઈ પણ સમયે તમારા ઇપીએફ યોગદાનની 25 ટકા રકમ બફર તરીકે રાખવાની રહેશે. તમે તમારા કુલ ઇપીએસ ભંડોળમાંથી 50થી 75 ટકા રકમ ઉપાડી શકશો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત તાત્કાલિક કોઈ જરૂરી કામ માટે રૂપિયાની જરૂર પડે તો એક લાખ રૂપિયાના બદલે પાંચ લાખની ઑટો સેટલમેન્ટ લિમિટ પણ લાગુ કરવામાં આવી છે. તેથી તબીબી સારવાર, શિક્ષણ, લગ્ન કે મકાન ખરીદવા અથવા મકાન બાંધવા માટે ત્રણ દિવસની અંદર આટલી રકમ ઉપાડી શકાશે.
EPFOમાંથી રૂપિયા ઉપાડવા કેમ સરળ બનશે?
ઇપીએફના ખાતેદારો તેમના કેટલા બૅલેન્સને બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે તે જોઈ શકશે. ઉમંગ ઍપ દ્વારા આ રકમ જોઈ શકાશે.
ત્યાર પછી એક ક્યુઆર કોડ રચાશે જેનાથી ઇપીએફની રકમ સીધી બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. બૅન્ક ખાતામાંથી આ રકમને એટીએમ દ્વારા ઉપાડી શકાશે
અગાઉ પીએફનાં નાણાં ઉપાડવા માટે નોકરીના સમયગાળાના અલગ અલગ નિયમો હતા. તેમાં અમુક કૅટેગરી માટે સાત વર્ષ સુધીની સર્વિસ જરૂરી બનતી હતી. પરંતુ હવે દરેક કૅટેગરી માટે આ સમયગાળો ઘટાડીને 12 મહિના કરવામાં આવ્યો છે.
અગાઉ માત્ર કર્મચારીનું યોગદાન ઉપરાંત વ્યાજ (50થી 100 ટકા સુધી)ની રકમ ઉપાડી શકાતી હતી. હવેથી એમ્પ્લૉયરનું યોગદાન ઉપરાંત વ્યાજ ઉપાડી શકાશે.
અગાઉના માળખામાં પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવા પર મર્યાદાઓ હતી. પરંતુ હવે કોઈ પણ સમયે 75 ટકા સુધી રકમ ઉપાડી શકાશે.
બેરોજગાર વ્યક્તિ અગાઉ આંશિક ઉપાડ કરી શકતી હતી, પરંતુ હવે બેરોજગાર થયા પછી તરત 75 ટકા સુધી પીએફની બૅલેન્સ ઉપાડી શકાશે.
બાકીની 25 ટકા રકમ બેરોજગારીના 12 મહિના પછી ઉપાડી શકાશે.
અગાઉ નિવૃત્તિ પછી જ સમગ્ર રકમ ઉપાડી શકાતી હતી. પરંતુ નવા માળખામાં 55 વર્ષની ઉંમર પછી, વિકલાંગતા, નોકરીમાંથી છટણી, વીઆરએસ અથવા કાયમી ધોરણે દેશ છોડવા પર સંપૂર્ણ ઉપાડ કરી શકાશે.
જૂની સિસ્ટમ અને EPFO 3.0 વચ્ચે તફાવત
ઇપીએફઓ 3.0 લાગુ કરવા માટે સૌથી મોટું કારણ એ આપવામાં આવે છે કે તેમાં ખાતેદારોના સમયની બચત થશે.
જેમ કે હાલની વ્યવસ્થામાં ઇપીએફઓની વેબસાઇટ અથવા ઑફિસ પર વિડ્રોઅલનો ક્લેમ સોંપવો પડે છે, ત્યાર પછી કેવાયસી વેરિફિકેશન થાય છે. એમ્પ્લૉયરની મંજૂરી મળે તેની રાહ જોવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 10 દિવસ લાગી જાય છે. એક લાખ રૂપિયાથી વધારે રકમ ઉપાડવાની હોય તો મેન્યુઅલ વેરિફિકેશન કરવામાં આવે છે. જો ડૉક્યુમેન્ટ બરાબર મૅચ ન થાય તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
ઇપીએફઓ 3.0 લાગુ થયા પછી કેટલી રકમ ઉપાડી શકાય તેની બૅલેન્સ ઉમંગ ઍપ પર જોઈ શકાશે. તેના પરથી એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવશે અને યુપીઆઈ ટ્રાન્સફર કરવામાં આવશે. પાંચ લાખ રૂપિયા સુધીની રકમનું તાત્કાલિક સેટલમેન્ટ કરવામાં આવશે અને બૅન્ક ખાતામાં રકમ જમા થવામાં વિલંબ નહીં થાય.
જોકે, આના માટે તમારી બધી ડિટેલ એટલે કે આધાર, પાન નંબર અને બૅન્ક ખાતાનું યોગ્ય કેવાયસી થયેલું હોય તે જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન