'હૉસ્પિટલના બિછાને સિગારેટ પીતાં હતાં', અમદાવાદમાં છેલ્લા શ્વાસ લેતા પહેલાં બેગમ અખ્તરના કાર્યક્રમમાં શું થયું હતું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બેગમ અખ્તર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

'ગઝલસામ્રાજ્ઞી પદ્મશ્રી બેગમ અખ્તરનો કાર્યક્રમ, નવી જ ગઝલોનો રસથાળ. શનિવારે, રાત્રે 09.30 વાગ્યે, શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં. ટિકિટના દર 4,6,8 અને 10 રૂ.'

બેગમ અખ્તરના જીવવનો છેલ્લો કાર્યક્રમ અમદાવાદના ટાઉન હૉલમાં જ્યારે 26 ઑક્ટોબર, 1974ના રોજ યોજાયો ત્યારે આવી જાહેરખબરો અમદાવાદના ગુજરાતી સહિતના અન્ય ભાષાના અખબારોમાં પ્રકાશિત થઈ હતી.

તે જાહેરખબરોમાં એવું પણ લખ્યું હતું કે, 'અમેરિકા જતાં પહેલાં અમદાવાદમાં છેલ્લો શો'.

અમદાવાદ પછી ગુજરાતનાં અન્ય શહેરો વડોદરા અને સુરતમાં તેમનો કાર્યક્રમ અનુક્રમે 29 અને 30 ઑક્ટોબરે હતો. જે ક્યારેય થયો જ નહીં.

અમદાવાદનો કાર્યક્રમ બેગમના જીવનનો છેલ્લો કાર્યક્રમ બની રહ્યો. કોઈ જૂના વડલા કે પીપળાના વૃક્ષ સાથે યાદો જોડાયેલી હોય તેમ બેગમના કાર્યક્રમની યાદો સંઘરીને અમદાવાદનો ટાઉન હૉલ આજે પણ કોઈ જૂના વડલા કે પીપળાની જેમ ઊભો છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 26 ઓક્ટોબર, 1974ના રોજ બેગમ અખ્તરનો જે કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો તેની જાહેરખબરો ગુજરાતી સહિતના અન્ય ભાષાના અખબારોમાં પ્રકાશિત થઈ હતી.

કાર્યક્રમના દિવસે બેગમ હોટેલમાં લપસી પડ્યાં હતાં

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અમદાવાદના ટાઉન હૉલમાં યોજાયેલા બેગમ અખ્તરના જીવનના છેલ્લા કાર્યક્રમની તસવીર

અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલો ટાઉન હૉલ સાબરમતી નદીને કાંઠે છે. ટાઉન હૉલના નાકેથી 1930માં ગાંધીજીની દાંડીકૂચ નીકળી હતી.

26 ઑક્ટોબર, 1974ના રોજ અમદાવાદના ટાઉન હૉલમાં જે છેલ્લો કાર્યક્રમ બેગમ અખ્તરનો યોજાયો હતો તેનાં આયોજક નીલમબહેન ગામડિયા હતાં. તેઓ અમદાવાદમાં સંગીતના જલસા યોજવા માટે જાણીતાં હતાં.

નીલમબહેનના પુત્ર સુનિલભાઈ ગામડિયા જણાવે છે કે, "મારી મમ્મીએ બેગમ અખ્તર, તલત મહેમૂદ, જગજીત સિંહ સહિતના કલાકારોના કાર્યક્રમો અમદવાદમાં યોજ્યા હતા. નીલમબહેને અગાઉ પણ બેગમના કાર્યક્રમ અમદાવાદમાં યોજ્યા હતા તેથી બંને વચ્ચે સારો પરિચય કેળવાયેલો હતો."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુનિલભાઈ ગામડિયાની ઑફિસ ટાઉન હૉલની પાસે જ છે. બેગમ અખ્તરના કાર્યક્રમોના કેટલાંક દસ્તાવેજ, તસવીર અને તે વખતે અખબારમાં બેગમના અવસાનના જે સમાચાર અને શ્રદ્ધાંજલીના લેખ પ્રકાશિત થયા હતા, તેનો સંગ્રહ તેમની પાસે છે.

બેગમ દિલ્હીમાં એક સંગીત સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુંબઈ થઈને 26 ઑક્ટોબરે એટલે કે કાર્યક્રમ હતો તે દિવસે જ સવારની ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યાં હતાં.

બેગમના કાર્યક્રમની વ્યવસ્થામાં સુનિલભાઈ પણ જોડાયેલા હતા. તે વખતે તેમની ઉંમર 19 વર્ષ હતી.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "બેગમ અખ્તરનો ઉતારો શહેરની હોટેલ કેપ્રીમાં રાખવામાં આવ્યો હતો. હોટેલના બાથરૂમમાં તેઓ લપસી પડ્યાં હતાં. તેમની તબિયત થોડી નાદુરસ્ત તો વર્તાતી જ હતી."

અમદાવાદમાં રહેતાં મોનલ ફડિયા અને તેમના પિતા અનિલ ફડિયાએ બેગમ અખ્તરનો એ છેલ્લો કાર્યક્રમ શ્રોતા તરીકે સાંભળ્યો હતો.

અનિલ ફડિયા પણ અમદાવાદમાં સંગીતના જલસા યોજવા માટે જાણીતા હતા.

બેગમ તેમને પણ ઓળખતા હતા. અનિલ ફડિયા હવે હયાત નથી.

તેમના પુત્ર મોનલ ફડિયાએ તે પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે, "પ્રોગ્રામમાં આવ્યા ત્યારે બેગમના પગમાં દુખાવો હતો જ. તેમણે પપ્પાને કહ્યું કે અનિલજી, મેરે પૈરમેં બહોત દર્દ હૈ."

"ટાઉન હૉલની સામે નંદનવન બિલ્ડિંગ છે. ત્યાં અમારી ઑફિસ છે. ત્યાં ઑર્થોપેડિક ડૉ. સુમન શાહનું પણ દવાખાનું હતું."

"પપ્પાએ મને દોડાવ્યો કે તું સુમન શાહ પાસે જા. હું ત્યાં ગયો અને તેમણે પેઇન કિલર ગોળી આપી જે બેગમે લીધી અને રાહત થઈ. તે પછી તેમણે કાર્યક્રમ શરૂ કર્યો હતો."

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બેગમ અખ્તરના છેલ્લા કાર્યક્રમની ચૂકવણીની રશીદ છે. આયોજક નીલમબહેન ગામડીયાના પુત્ર સુનિલભાઈ ગામડીયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે નક્કી કરેલી રકમની કેટલીક કાર્યક્રમ અગાઉ એડવાન્સ પેેટે ચૂકવાતી હોય છે, જ્યારે કે બાકીની રકમ કાર્યક્રમ પૂરો થયે ચૂકવાતી હોય છે. એક હજાર રૂપિયાની આ રશીદ બેગમના છેલ્લા કાર્યક્રમની છે, જે કાર્યક્રમ પૂરો થયા પછી ચૂકવાઈ હતી. યોગાનુયોગ એ હતો કે જે દિવસે બેગમે છેલ્લા શ્વાસ લીધા તે દિવસે જ હોસ્પિટલમાં આ રશીદ પર તેમણે સહી કરી હતી.

ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌદીને જોઇને બેગમ અખ્તરે કહ્યું, 'હુઝુર, આપ આગે તશરીફ લે આઈયે'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અમદાવાદનો ટાઉન હૉલ

તે દિવસે રાત્રે પોણા દસ વાગ્યે બેગમ અખ્તરે ગઝલ ગાવાની શરૂ કરી હતી. જેમાં શ્રોતા તરીકે મોનલ ફડિયા પણ હતા. મોનલભાઈના પિતા અનિલભાઈ પણ શહેરમાં યોજાતા સંગીત જલસાના આયોજનમાં કાર્યરત રહેતા હતા. બેગમ અખ્તર તેમનાથી પરિચિત હતાં.

મોનલ ફડિયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "તે વખતે મારી ઉમર નાની હતી પણ એટલું યાદ છે કે બેગમે તેમની પ્રસિદ્ધ ગઝલ 'અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા'...ગાઈ હતી."

બેગમ અખ્તરના અંતિમ કાર્યક્રમ વિશે સ્થાનિક અખબારમાં 10 નવેમ્બર, 1974ના લેખક શશિકાન્ત નાણાવટીનો લેખ છપાયો હતો. જેમાં લખ્યું હતું કે, "તાળીઓનું અભિવાદન ઝીલતાં ઝીલતાં બેગમ અખ્તરે જે પ્રથમ રચના ગાઈ હતી તે 'પિયુ પિયુ કરત...' હતી. એક પછી એક ગઝલોનો દૌર ચાલ્યો અને બેગમની ગઝલો સાથે શ્રોતાઓની દાદથી વાતાવરણ તરબતર થઈ ગયું હતું."

તે દિવસોમાં અમદાવાદમાં ક્રિકેટ મૅચ રમાઈ રહી હતી. તેથી ક્રિકેટના કેટલાક જાણીતા ચહેરા અમદાવાદમાં હતા. તેમાંના મન્સૂર અલી ખાન પટૌદી, બિશનસિંહ બેદી અને ચંદ્રશેખર જેવા ક્રિકેટર્સ પણ કાર્યક્રમમાં બેગમ અખ્તરને સાંભળવા પહોંચ્યા હતા. બેગમ અખ્તરે પટૌદી તરફ ઇશારો કરીને કહ્યું કે હુઝુર, આપ આગે તશરીફ લે આઈયે, તા કિ યે લોગ આપકો દેખ સકેં.

બેદીને તેમણે કહ્યું કે સરદારજી આપ ભી આ જાઈયે.

સુનિલ ગામડિયા જણાવે છે કે, "ઇન્ટરવલમાં ક્રિકેટર્સ બેગમને રૂબરૂ મળવા પણ ગયા હતા."

રાત્રીના સાડા બાર વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયો. તે વખતે બેગમે કહ્યું હતું કે, તબિયત થોડી નરમ હોવાથી હું વધારે કાર્યક્રમ આપી શકું તેમ નથી માટે માફી ચાહું છું એટલું કહીને તેમણે કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.

કાર્યક્રમ પતાવીને હોટેલ પહોંચ્યાં અને છાતીમાં દુખાવો ઉપડ્યો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બેગમ અખ્તરનો પાર્થીવ દેહ

કાર્યક્રમ પૂરો થયા પછી બેગમ જ્યારે હોટેલ પહોંચ્યા ત્યારે રાતે બે વાગ્યે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

નીલમબહેનના ઘરની ફોનની ઘંડટી રણકી હતી અને તેમને જણાવવામાં આવ્યું હતું કે, તમે કોઈ સારા ડૉક્ટરને લઈને તરત હોટેલ પહોંચો. બેગમને હૃદયરોગનો હુમલો થયો છે.

શશિકાન્ત નાણાવટીએ પોતાના લેખમાં બેગમની બીમારી અને સારવારની વધુ વિગતો આપતાં લખ્યું હતું કે, "બેગમની તબિયતના સમાચાર પછી નીલમબહેને બેગમની ગઝલોના પ્રસંશક ડૉ.મેનનને ફોન કર્યો. તેઓ તરત હોટેલ પહોંચ્યાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી તેથી તેમણે તરત હૃદયરોગના નિષ્ણાત ડૉ. હસમુખ દેસાઈને બોલાવ્યા હતા. ડૉ. દેસાઈએ તરત જ બેગમને શહેરની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં અને ઑક્સિજન આપવાનો શરૂ કર્યો હતો."

બેગમની તબિયતને તત્પૂરતી રાહત મળી ગઈ હતી. ડૉક્ટરે તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. નીલમબહેન ત્યાં સતત ખડેપગે હતાં.

બેગમ અખ્તર સિગારેટના શોખીન હતાં. સુનિલભાઈ ગામડિયા બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવે છે કે, "બીજે દિવસે મમ્મીએ મને ચા ભરેલું થરમોસ લઈને મોકલ્યો હતો. હૉસ્પિટલમાં બેગમના શરીર પર નળીઓ લાગેલી હતી. મેં થરમોસ મૂક્યું. હૉસ્પિટલના બિછાને શરીર પર નળીઓ લાગેલી હતી ત્યારે પણ બેગમ કૅપ્સ્ટન સિગારેટ પીતાં હતાં. ડૉક્ટરે મને કહ્યું કે આ બહેન કોણ છે? સિગારેટ પીવે છે. મેં કહ્યું કે તમે મમ્મીને વાત કરજો."

જ્યારે હૉસ્પિટલના બિછાને બેગમ બોલ્યાં, 'ઘંટી મત બજાઓ, મૈં અભી પ્રોગ્રામ નહીં શુરૂ કરુંગી'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સુનિલભાઈ ગામડીયા

જે દિવસે અવસાન થયું તે દિવસે સાંજે સાત વાગ્યે બેગમે નાળિયેર પાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં નીલમબહેને તરત નાળિયેર પાણી મંગાવીને તેમને પીવડાવ્યું હતું. તે પછી હૉસ્પિટલના દરવાજા પર ઘંટડીનો સતત અવાજ સાંભળતા તેમણે કહ્યું હતું કે ઘંટી મત બજાઓ મેં અભી પ્રોગ્રામ શુરૂ નહીં કરુંગી. બસ, ત્યારથી બેગમે ભાન ગુમાવવાનું શરૂ કર્યું હતું. મૃત્યુના બે કલાક અગાઉ તેઓ ખૂબ અસ્વસ્થ હતાં. એવી સ્થાનિક અખબારમાં નીલમબહેનની નોંધ છે.

30 ઑક્ટોબરે સાંજે 08.40 વાગ્યે તેમના પર હૃદયરોગનો ફરી હુમલો થયો હતો. જે જીવલેણ નીવડ્યો હતો. 09.00 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

બેગમ અખ્તરના મૃતદેહને રાતે નવોઢાની જેમ શણગારીને પ્રાથમિક ધાર્મિક વિધિ માટે અમદાવાદનાં સુલતાન અહેમદ ઝનાના યતીમખાનામાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યતીમખાનાની બહેનોએ ગુસલવિધિ કરી હતી અને કુર્રાનનું વાંચન કર્યું હતું.

બેગમનો મૃતદેહ વિમાન માર્ગે દિલ્લી થઈને કાનપુર લઈ જવાયો હતો ત્યાંથી રોડ માર્ગે કારમાં લખનૌ લાવવામાં આવ્યો હતો. લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં પસંદબાગ ખાતે તેમનાં માતા મુશ્તરી બેગમની કબર પાસે બેગમ અખ્તરના પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો.

બેગમના અવસાનના સમાચાર પ્રસરતાં અમદાવાદમાં ચાલુ કાર્યક્રમો બંધ રાખીને મૌન પાળવામાં આવ્યું

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બેગમ અખ્તરના અમદાવાદના કાર્યક્રમના આયોજક નીલમબહેન ગામડીયા

રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદ એ વખતે સરદાર પટેલની જન્મ શતાબ્દી ઉજવણીના ઉપલક્ષે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. તેમણે બેગમના નિધનનો શોક સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, "સંગીતની આરાધનામાં સમગ્ર જીવન સમર્પિત કરનારા બેગમ અખ્તરનું અણધાર્યું અવસાન આઘાતજનક છે. તેમણે ગાયકીની કલાને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો અને એ રીતે ગઝલસામ્રાજ્ઞીનું બિરુદ મેળવ્યું હતું. તેમના મધુર સ્વરની ખોટ સંગીતના ચાહકોને સાલશે. સદગતના કુટુમ્બને હું મારી ઊંડી સહાનુભૂતિ પાઠવું છું."

30 ઑક્ટોબરે જ્યારે બેગમના અવસાનના સમાચાર અમદાવાદમાં પ્રસર્યા ત્યારે શહેરના ટાઉન હૉલ અને ટાગોર હૉલ ખાતે ચાલુ કાર્યક્રમો બંધ રાખીને મૌન પાળવામાં આવ્યું હતું.

બેગમના અવસાન પછી નીલમબહેન ગામડિયાએ તેમની પુણ્યતિથિ નિમિત્તે ઘણા વર્ષ સુધી શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજ્યા હતા. બેગમ અખ્તરની સાતમી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદના એ જ ટાઉન હૉલમાં યોજાયો હતો જ્યાં બેગમનો છેલ્લો શો થયો હતો. બેગમનાં શિષ્યા શાંતિ હીરાનંદે બેગમની પ્રિય તેમજ જાણીતી ગઝલો તે વખતે રજૂ કરી હતી.

અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અબ્બાસી ઉર્ફે બેગમ અખ્તર

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મર્હૂમ બેગમ અખ્તરનું કૉફીન લઇને લખનવ પહોંચેલા તેમના પતિ બેરીસ્ટર ઇસ્તીયાક એહમદ અબ્બાસી

1930ના દાયકામાં બેગમ અખ્તરે કોલકાતા(તે વખતે કલકત્તા)માં મંચ પર પહેલી વખત ગાયન પ્રસ્તુત કર્યું હતું. તે કાર્યક્રમ બિહારમાં ભૂકંપ પીડિતો માટે યોજવામાં આવ્યો હતો.

તે વખતે તેમના શ્રોતાઓમાં ભારત કોકિલા સરોજિની નાયડુ પણ હતાં. તેમની ગાયકીથી તેઓ એટલા પ્રભાવિત થયાં હતાં કે સ્ટેજ પાછળ જઈને તેમને વધામણી આપી અને પછી ખાદીની એક સાડી પણ ભેટ મોકલી હતી.

બેગમના અવસાન પછી 1 નવેમ્બરે ઇન્ડિયન ઍક્સપ્રેસમાં છપાયું હતું કે 1934માં કલકત્તાથી તેમની સંગીત સફરની જાહેર શરૂઆત થઈ હતી. ક્વૅટા(જે હાલ પાકિસ્તાનમાં છે)માં આવેલા ભૂકંપનો ભોગ બનેલાના રાહત ભંડોળ માટે કલકત્તાના આલફ્રેડ થિયેટરમાં સંગીત જલસો યોજાયો હતો. ત્યાંથી તેમના જાહેર કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

લખનૌથી થોડે દૂર ફૈઝાબાદમાં બેગમ અખ્તરનો જન્મ થયો હતો. તેથી તેઓ અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે પણ ઓળખાતાં હતાં.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ દ્વિવેદીએ નોંધ્યું છે કે બૅરિસ્ટર ઇસ્તિયાક અહમદ અબ્બાસી સાથે બેગમનાં લગ્ન થયાં પછી વર્ષો સુધી તેમણે ગાયું નહોતું. લખનૌ રેડિયોના અધિકારી લવકુમાર મલ્હોત્રાના આગ્રહથી તેમણે બેગમ અબ્બાસીના નામે પણ ગાયું હતું. બેગમ અખ્તર નામ પણ તેમને મલ્હોત્રાએ આપ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન