ગુજરાતમાં ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત, ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળશે?

ઇમેજ સ્રોત, ANI/Getty
ગુજરાતમાં ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી છે.
આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે.
આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે આ જાહેરાત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ, આપ સહિતની રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા હતા.
સરકારે શું સહાયની જાહેરાત કરી?
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવા ઉદારતમ નિર્ણય કર્યો છે."
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે જાહેરાત કરી છે કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."
ગુજરાતમાં વરસાદની ઘટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આ વર્ષે કુલ 89.19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લામાં વરસાદની ભારે ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માત્ર 16.45 ટકા, પોરબંદરમાં માત્ર 30.85 ટકા, જામનગરમાં માત્ર 43.25 ટકા અને કચ્છ જિલ્લામાં માત્ર 57.6 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતના માત્ર નવ જિલ્લામાં જ 100 ટકા કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે.
જે જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો એ સિવાયના જિલ્લામાં પણ ઘણો ઓછો વરસાદ વરસેલો છે.
અરવલ્લીમાં 62.89 ટકા, સાબરકાંઠામાં 61.12 ટકા, બનાસકાંઠામાં 63.83 ટકા, રાજકોટમાં 61.85 ટકા તથા દાહોદમાં 63.95 ટકા, ગીર-સોમનાથમાં 63.1 ટકા અને જૂનાગઢમાં 67.94 ટકા જ વરસાદ વરસ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















