ગુજરાત હવામાન : ઑક્ટોબરના અંતમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો કઈ-કઈ સિસ્ટમ સક્રિય?

ઇમેજ સ્રોત, ANI
વાવાઝોડું 'અર્નબ' આંધ્ર પ્રદેશ ઉપર ત્રાટક્યું છે. આંધ્ર પ્રદેશના વિજયવાડા અને બાપટેલા વચ્ચેના વિસ્તારમાંથી તે પસાર થયું છે.
વાવાઝોડું જ્યારે ટકરાયું તે સમયે 140 કિલોમીટરથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડું દરિયાકાંઠે પહોંચતા તેની ગતિ ધીમી પડી હતી, તે હવે થોડું વધુ નબળું પડતું જશે અને આવનારા બે-ત્રણ દિવસમાં તે એકદમ નબળું પડી આખી સિસ્ટમ વિખેરાઈ જશે.
પરંતુ જ્યાં સુધી તે આગળ વધશે તેમ ઘણા વિસ્તારોમાં વરસાદ લાવશે, જેને કારણે ગુજરાતમાં પણ કેટલીક અસર થાય તેવી શક્યતા છે.
હવામાન ખાતા અનુસાર, ગુજરાતની અંદર બે સિસ્ટમ ભેગી થવાની શક્યતા છે.
એક તરફ વાવાઝોડા'અર્નબ' ની અસર તો જોવા મળશે બીજી તરફ, એક સિસ્ટમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે, તેમજ રાજસ્થાનની ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તેને કારણે પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું હવામાન સૂકું નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ સુધીમાં ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે.
ત્યારે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે? જાણીએ આ અહેવાલમાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડું 'અર્નબ' ક્યાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડાની અસર મહારાષ્ટ્રથી લઈ તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશથી લઈને નેપાળ સુધી થવાની છે.
દરિયામાં શક્તિશાળી બનેલું આ વાવાઝોડું ધીમે ધીમે જેમ જમીન પર આવ્યું છે તેમ હવે એની તાકાત ઓછી થશે. દરિયામાં જ્યારે વાવાઝોડું હોય ત્યારે એની તાકાત વધારે હોય, જમીન પર આવતા તેમાં ઘટાડો નોંધાય છે.
હવે આ વાવાઝોડું જેમ આગળ વધશે તેમ તેની તાકાત ઓછી થતી જશે.
પછી ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈને એક સિસ્ટમ તરીકે વિખેરાઈ જશે. પણ એના કારણે ઘણા વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
તેથી ઉત્તર ભારત તેમજ પૂર્વ ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે, બીજી તરફ, રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
એના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પણ આવનારા બે ત્રણ દિવસ સુધી થોડો વરસાદી માહોલ રહેશે તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગ અનુસાર, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને યાનમથી વાવાઝોડું હવે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે
હાલ વાવાઝોડાની સ્થિતિ દક્ષિણ પશ્ચિમમાં કાકીનાડા (આંધ્ર પ્રદેશ)થી 60 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, મછલીપટનમ્ આંધ્ર પ્રદેશ પર સ્થિત છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી અને ક્રમે-ક્રમે નબળું પડે તેવી સંભાવના છે.
તે આગામી છ કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં અને ત્યારબાદના છ કલાકમાં વધુ નબળા પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.
આગામી દિવસોમાં ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
29 ઑક્ટોબરની એટલે કે આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.
તેમજ દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ તેમજ બાકીના ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની પૂરી સંભાવના છે.
આવતીકાલે 30 ઑક્ટોબરને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે, આ દિવસે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે.
બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
31 ઑક્ટોબરે નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવા વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
ત્યારે નવેમ્બર એકથી લઈને ત્રણ નવેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં તથા દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























