મોતની સજા પામેલી મહિલા બબ્બે ઇન્જેક્શન આપ્યા બાદ પણ જીવિત, મૃત્યુદંડના પ્રયાસ નિષ્ફળ

ક્રિસ્ટા પાઇક
ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટા પાઇક
    • લેેખક, સરીન હેબેશિઆન
    • પદ, બીબીસી ન્યૂઝ
    • લેેખક, લોન વેલ્સ
    • પદ, નેશવિલથી રિપોર્ટિંગ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના ટેનિસી રાજ્યમાં ઘાતક ઇન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ક્રિસ્ટા પાઇક ગુરુવારે રાત્રે બેભાન અવસ્થામાં વૅન્ટિલેટર પર હોવાનું તેના વકીલોએ જણાવ્યું હતું. આ વાત વકીલે ફાઇલ કરેલા કોર્ટ દસ્તાવેજો પરથી સામે આવી હતી.

50 વર્ષીય પાઇકને બુધવારે પેન્ટોબાર્બિટલનાં ઘાતક ઇન્જેક્શન બે વખત અપાયાં હતાં, પરંતુ તે અજ્ઞાત કારણસર બચી ગઈ હતી. બાદમાં તેને ઍમ્બુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.

એ બાદથી તે પાટનગર નેશવિલ ખાતેની હૉસ્પિટલમાં ગંભીર અવસ્થામાં છે.

1996માં 19 વર્ષીય કોલીન સ્લેમરની હત્યાના ગુનામાં દોષિત સાબિત થતાં ક્રિસ્ટા પાઇકને મૃત્યુદંડની સજા કરાઈ હતી. તેના વકીલો હવે મૃત્યુદંડ આપવાના આ નિષ્ફળ પ્રયાસ બાદ તેની સજા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

બચાવ પક્ષના વકીલોએ શુક્રવારે ઇમર્જન્સી દાદ માગતી અરજી કરી હતી, જેમાં પાઇકને મૃત્યુદંડ આપવાના નિષ્ફળ પ્રયાસ સાથે સંકળાયેલા "તમામ પુરાવા" સલામત રાખવાની માગ કરાઈ છે.

સબમિટ કરાયેલા દસ્તાવેજો પ્રમાણે, હૉસ્પિટલ સ્ટાફ તેનું જીવન બચાવવા માટે અને તેના શરીરમાંથી પેન્ટોબાર્બિટલ દવા દૂર કરવા માટે તેની સારવાર કરી રહ્યા છે.

મૃત્યુદંડનો નિષ્ફળ પ્રયાસ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટા પાઇક

પાઇકના વકીલો પ્રમાણે, બુધવારે મૃત્યુદંડની પ્રક્રિયા દરમિયાન જેલના અધિકારીઓએ નસમાં પ્રવાહી પહોંચાડવા માટે પાઇકના શરીરમાં સોય નાખવાના સાત વખત પ્રયાસ કર્યા હતા.

એક સમયે તો પાઇકે ખુદ ક્યાં પ્રયાસ કરવો એ અંગે તેમને પોતાની સલાહ આપી હતી.

દસ્તાવેજોમાં જણાવાયું છે કે, "આ પૈકી એક સોય બહાર કાઢવામાં આવી ત્યારે 90 ડિગ્રી સુધી વળી ચૂકી હતી."

તેના વકીલોએ કહ્યું, બે ડોઝ આપતી વખતે "આખી પ્રક્રિયા દરમિયાન તેને રડતી અને ઊંડા શ્વાસ લેતી સાંભળી શકાતી હતી."

"એક સમયે શ્રીમતી પાઇકે કહ્યું, 'મને લાગે છે કે મારો હાથ ફાટવાનો છે,' અને બીજી ક્ષણે તેણે પૂછ્યું, 'શું આવું સામાન્યપણે થાય જ છે?'"

મહિલાના વકીલોએ અગાઉ ચેતવ્યા હતા કે તેમની થ્રોમ્બોસાઇટોસિસ, પોસ્ટ ટ્રોમેટિક ડિસૉર્ડર, નાની નસો જેવી સ્થિતિને કારણે ઘાતક ઇન્જેક્શનની પ્રક્રિયા વખતે તેને "બિનજરૂરી" દુખાવો અને પીડા અનુભવાય તેવું જોખમ રહેલું છે.

તાજેતરમાં ફાઇલ કરાયેલા દસ્તાવેજોમાં તેના વકીલોએ આરોપ કર્યો કે "મૃત્યુદંડ આપનારી ટીમના કોઈ સભ્યે ક્યારેય એ વાતની નોંધ નહોતી લીધી કે નસમાં સોય બરાબર રીતે નહોતી દાખલ કરાઈ કે નસો ફાટી ગઈ હતી અને પેન્ટોબાર્બિટલ સમગ્રપણે કે થોડી માત્રામાં શ્રીમતી પાઇકના શરીરમાં પહોંચી રહ્યું હતું."

તેથી, તેમણે તમામ લાગતાવળગતા ભૌતિક, લેખિત અને ઇલેક્ટ્રોનિક પુરાવા જાળવી રાખવાની વિનંતી કરી છે.

શું થઈ શક્યું હોત?

પાઇકના બચાવ પક્ષનાં સલાહકાર તરીકે કાર્યરત્ જોએલ ઝિવોટ કહે છે કે સામાન્યપણે પેન્ટોબાર્બિટલના બે ડોઝ જો યોગ્ય રીતે તેના રક્તપ્રવાહમાં પહોંચ્યા હોત તો એટલું "નિ:શંકપણે તેનું મૃત્યુ નિપજાવવા" માટે પૂરતા હતા.

તેમના બચી જવા પાછળનાં શક્ય કારણ અંગે વાત કરતાં ઝિવોટ કહે છે, "તેમના શરીરમાં પહોંચી રહેલા પેન્ટોબાર્બિટલનું પ્રમાણ ક્યારેય એટલું વધુ નહોતું કે તેમનું મૃત્યુ નિપજાવી શકે" અને તેમના હાથ પર દેખાતું ગૂમડું એ એ વાતનો પુરાવો હતો કે તેમનો મૃત્યુદંડ નિષ્ફળ ગયો હતો.

ઝિવોટ કહે છે કે પાઇકના રક્તપ્રવાહમાં પહોંચવાને સ્થાને પેન્ટોબાર્બિટલ મોટા ભાગે તેની ચામડીની નીચેની માંસપેશીમાં ફેલાઈ ગયું હતું.

પાઇકની આરોગ્ય સંબંધી સ્થિતિ,થ્રોમ્બોસાઇટોસિસે પણ આમાં ભૂમિકા ભજવી હોઈ શકે, આ સ્થિતિને કારણે જે જગ્યાએ સોય નાખવામાં આવી હતી ત્યાં લોહી ગંઠાઈ જવાને કારણે પેન્ટોબાર્બિટલને નસમાં જતું અટકાવ્યું હશે.

ઝિવોટે પેન્ટોબાર્બિટલની ગુણવત્તા ઓછી થઈ હોવાની શક્યતા અંગે કહ્યું, જો આવું થયું હોય તો આવું ખરાબ ઉત્પાદન અથવા અપૂરતા સ્ટોરેજને કારણે બન્યું હશે.

બીબીસી ગુજરાતી

મૃત્યુદંડનો આ પ્રયાસ છેલ્લી ઘડીએ પાઇકના વકીલો દ્વારા ઊભા કરાયેલા નિષ્ફળ કાયદાકીય પડકારો બાદ હાથ ધરાયો હતો.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે આવા બે પડકારો નકારી કાઢ્યા હતા.

ટેનિસીના ગવર્નર અને રિપબ્લિકન નેતા બિલ લીએ પણ રાજ્યમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી એકમાત્ર મહિલા એવી પાઇકની સજામાફીની અરજી નકારી દીધી હતી.

વર્ષ 1995માં પોતાના તત્કાલીન બૉયફ્રેન્ડ ટેડારિલ શિપ સાથે મળીને 18 વર્ષીય પાઇકે સ્લેમરને માર મારી, પ્રતાડિત કરી અને હત્યા કરી નાખી હતી.

ટેનિસીના ક્નોક્સવિલ ખાતે થયેલી આ હત્યાનો બનાવ મીડિયામાં ખૂબ ગાજતા બાદના વર્ષમાં તેને મૃત્યુદંડની સજા કરાઈ હતી.

આ બનાવ પહેલાં, પાઇકે સ્લેમર પર ફજેતી કરવાનો અને તેના તત્કાલીન બૉયફ્રેન્ડને છીનવી લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પાઇકનો બૉયફ્રેન્ડ અને આ બનાવમાં સહઆરોપી એવો શિપ ઘટના વખતે 17 વર્ષનો હતો, તેથી તેને રાજ્યના કાયદા અંતર્ગત મૃત્યુદંડમાંથી મુક્તિ મળી હતી.

તેને પેરોલની શક્યતા સાથે આજીવન કારાવાસની સજા કરાઈ હતી, તે હજુ જેલમાં જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન