You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જાણે દર મહિને યમરાજ જીવ લેવા આવતા હોય', મહિલાઓને થતી માનસિક બીમારી
- લેેખક, રૂથ ક્લેગ
- પદ, આરોગ્ય અને કલ્યાણ રિપોર્ટર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ચેતવણીઃ આ લેખમાં આત્મહત્યા વિશે ચર્ચા કરવામાં આવી છે.
અન્નિકા વહીદે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, તેના બીજા દિવસની સવારે તેમનો માસિક સ્રાવ શરૂ થઈ ગયો, તે સાથે જ નિરાશાની લાગણીઓ દૂર થઈ ગઈ અને તેમના જ શબ્દોમાં કહીએ તો, તેમના ઉપરથી જાણે "દુનિયાભરનો બોજ" ઊતરી ગયો.
અન્નિકાએ તેમનાં બહેનને પૂછ્યું હતું કે, "શું મેં સાચે જ એવું કર્યું હતું?"
અન્નિકા દવાનો ઓવરડોઝ લીધા બાદ નિદ્રાધીન થઈ ગયાં હતાં ત્યારે તેમનાં બહેન તેમને સલામત રાખવા માટે આખી રાત તેમને વળગીને રહ્યાં હતાં.
"હા, તેં આવું કર્યું હતું."
અન્નિકાને દર મહિને બે અઠવાડિયાં સુધી આત્મહત્યાના વિચારો ઘેરી વળતા હતા અને તે પછી તેમનો માસિક ધર્મ શરૂ થાય, એ સાથે જ જાણે સ્વિચ દબાવતાંવેંત અંધકાર ગાયબ થઈ જાય, એ રીતે એ વિચારો દૂર થઈ જતા અને તેઓ ફરી વખત સામાન્ય થઈને બધું કામ કરવા માંડતાં."
તેઓ સવાલ કરે છે કે, "મારા હોર્મોન્સ મારી સાથે આવું કેવી રીતે કરી શકે?"
42 વર્ષનાં અન્નિકા આઠ વર્ષ કરતાં વધુ સમયથી પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસૉર્ડર (પીએમડીડી)થી પીડાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમડીડી એ માનસિક આરોગ્યને લગતો વિકાર છે, જેના કારણે ગંભીર મનોવૈજ્ઞાનિક અને ક્યારેક શારીરિક લક્ષણો ઉદ્ભવે છે.
તે મહિલાઓને તેમના જીવનના કોઈપણ તબક્કે પ્રભાવિત કરી શકે છે, પણ ઘણી વખત તે હોર્મોન્સમાં નોંધપાત્ર ફેરફારોના સમય સાથે સુસંગત હોય છે - જેમાં યુવાવસ્થા, પ્રસૂતિ અથવા તો મેનોપોઝના તબક્કાનો સમાવેશ થાય છે.
પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ)ની માફક તે માસિક ચક્રના એકથી બે અઠવાડિયાં પહેલાં (લ્યુટેલ ફેઝ દરમિયાન) શરૂ થાય છે, પણ તેનાં લક્ષણો વધુ ગંભીર હોય છે.
પીએમએસને કારણે તમને થાક વર્તાય છે, ચીઢિયાપણું આવી જાય છે અને પેટ ફુલાઈ જવાનો અનુભવ થાય છે, જ્યારે પીએમડીડી તીવ્ર વ્યગ્રતા, હતાશા અને તીવ્ર માનસિક તણાવ જન્માવી શકે છે.
આ ઉપરાંત મહિલાઓને થાક, માથું દુખવું અને સાંધા દુખવા જેવાં શારીરિક લક્ષણોનો અનુભવ થઈ શકે છે, પણ પીએમડીડીનું નિદાન થવા માટે મૂડને લગતું લક્ષણ હોવું જરૂરી છે.
ડૉક્ટર કેમ કહે છે કે 'આમાં કશું થઈ શકે એમ નથી'
વૈશ્વિક સંશોધન ચેરિટી - ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ફૉર પ્રિમેન્સ્ટ્રુઅલ ડિસૉર્ડર્સ (આઇએપીએમડી)ના અંદાજ અનુસાર, બ્રિટનમાં દસ લાખ કરતાં વધુ મહિલાઓ પીએમડીડીથી પીડિત હોઈ શકે છે, પણ માત્ર અમુક મહિલાઓનું જ નિદાન થયું છે.
આત્મહત્યા એક જટિલ મુદ્દો છે, પણ કેટલાક અભ્યાસો સૂચવે છે કે, સામાન્ય મહિલાઓની તુલનામાં પીએમડીડીથી પીડાતી મહિલાઓને આત્મહત્યાના વિચારો આવવાની અને તેઓ તેમના જીવનનો અંત આણવાનો પ્રયત્ન કરે, તેવી શક્યતાઓ વધુ રહે છે.
હૃદયના ધબકારા વધી જવા, પીઠનો ગંભીર દુખાવો અને પેટ ફુલાઈ જવું જેવાં શારીરિક લક્ષણોનો પણ અનુભવ કરનારાં અનિકા કહે છે, "પીએમએસ ખરેખર મુશ્કેલ હોઈ શકે છે, પણ આ? આ તો કંઈક અલગ જ છે."
"જાણે દર મહિને યમરાજ જીવ લેવા આવતા હોય. તમે તે અનુભવી શકો છો, પણ તેના વિશે કશું કરી શકતાં નથી."
એવું માનવામાં આવે છે કે, પીએમડીડીથી પ્રભાવિત થનારી મહિલાઓના શરીરમાં માસિક ધર્મ પહેલાં થતા કુદરતી હોર્મોનલ ફેરફારોની ગંભીર તેમજ નકારાત્મક પ્રતિક્રિયાઓ ઉદ્ભવતી હોય છે.
તે પ્રતિક્રિયા મુખ્યત્વે પ્રોજેસ્ટરોનના સ્તરમાં થતા ફેરફારો અને ઍસ્ટ્રોજનના સ્તરની અસ્થિરતાથી પ્રેરિત હોય છે. તેના કારણે નિયંત્રણનો અભાવ તથા નિરાશાની દૃઢ લાગણીઓ જન્મે છે.
અને અમુક મહિલાઓમાં પીએમડીડી શા માટે આવે છે, તે વિશે હજુયે ઘણી ઓછી વૈજ્ઞાનિક સમજ પ્રવર્તે છે, ત્યારે સ્કૉટલૅન્ડના સંશોધકોએ મહિલાઓમાં પીએમડીડીનાં લક્ષણોને ઓળખવામાં તબીબોને મદદરૂપ બનવાના આશય સાથે આત્મહત્યા નિવારણ માટેનું અભૂતપૂર્વ ઉપકરણ તૈયાર કર્યું છે.
સંશોધનની આગેવાની લેનારાં યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઑફ સ્કૉટલૅન્ડનાં ડૉક્ટર લિન્સે મૅથ્યૂઝ જણાવે છે, "ઘણા લાંબા સમય સુધી મહિલાઓએ આ સ્થિતિમાં જીવવું પડ્યું છે અને આમ થવા પાછળનાં કારણનો પણ તેમને કોઈ અંદાજ હોતો નથી. માસિક ચક્ર મહિલાના આરોગ્યમાં ઘણો મોટો ભાગ ભજવતું હોવા છતાં ડૉક્ટરો સમક્ષ આ મુદ્દા વિશે વાત કરવામાં આવતી નથી."
મૅથ્યૂઝ કહે છે કે, મહિલાઓને તેમના માસિક ચક્ર વિશેના સવાલો પૂછવાથી પણ ડૉક્ટર અને દર્દીઓને પેટર્ન જાણવામાં અને તેમનું માનસિક સ્વાસ્થ્ય તેમના માસિક ચક્ર સાથે જોડાયેલું છે કે કેમ, તે સમજવામાં મદદ મળવી જોઈએ.
આ મોડલ હવે તબીબોના ઉપયોગ માટે ઉપલબ્ધ છે અને આત્મહત્યાની વાત આવે, ત્યારે બાકીની સામાન્ય મહિલાઓની તુલનામાં પીએમડીડી ધરાવતી મહિલાઓ કેવી રીતે અલગ પ્રતિક્રિયા આપી શકે છે - એ મુદ્દા પર તે અગત્યની માહિતી આપે છે.
મૅથ્યૂઝ સમજાવે છે કે, આગામી તબક્કો આ મૉડલ મહિલાઓને મદદ કરવામાં કેટલું અસરકારક છે, તે માપવાનો છે, જેથી આગામી સમયમાં તેને એનએચએસ (નેશનલ હેલ્થ સર્વિસ)માં લાગુ કરવામાં આવે.
જો તમે આ લેખમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નોથી પ્રભાવિત થયેલા હો, તો બીબીસીની ઍક્શન લાઇન સહાય પૂરી પાડી શકતાં સંગઠનોની યાદી ધરાવે છે.
બોલ્ટનમાં મહિલાઓના આરોગ્યનાં નિષ્ણાત તથા જનરલ પ્રૅક્ટિશનર (જીપી) ડૉક્ટર હેલન વૉલ કહે છે કે, ડૉક્ટરો હજુયે અમુક બાબતોને મહિલાઓના પિરિયડ સાથે જોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
"આપણે મહિલાઓની વાતો સાંભળવી પડશે અને જે થઈ રહ્યું છે, તેને તેમના હોર્મોન્સના સંદર્ભમાં સમજવું પડશે."
પરંતુ તેઓ કહે છે કે, આરોગ્ય તકેદારીની વ્યવસ્થા તે કાર્ય મુશ્કેલ બનાવી શકે છેઃ "અમને એક દર્દી સાથે 10 મિનિટ, વધુમાં વધુ 15 મિનિટનો સમય મળે છે."
"પીએમડીડી ધરાવતી ઘણી મહિલાઓ કટોકટીની સ્થિતિમાં હોય અને જવા માટે બીજું કોઈ સ્થાન ન હોય, તેવા વખતે જ ડૉક્ટરો સમક્ષ હાજર થાય છે. આટલા થોડા સમયમાં સંપૂર્ણ ઇતિહાસ મેળવવો તેમજ જટિલતાઓને સમજવી મુશ્કેલ છે."
વધુને વધુ મહિલાઓ પીએમડીડી વિશેનો તેમનો અનુભવ સોશિયલ મીડિયા પર જણાવી રહી છે - #PMDD પોસ્ટ્સ ટિકટૉક પર 23 કરોડ કરતાં વધુ વખત જોવામાં આવી છે.
તે પૈકીનાં એક છે કૅટી કૂક, જેઓ શારીરિક અને માનસિક આરોગ્ય સામે એક દસકા સુધી લડ્યા બાદ તેમને 21 વર્ષની વયે 2025માં પીએમડીડી હોવાનું નિદાન થયું હતું.
તેમનું માનવું છે કે, 12 વર્ષની વયે જ્યારે તેમનો માસિક ધર્મ શરૂ થયો, ત્યારથી જ પીએમડીડી પણ શરૂ થયું હતું. તેઓ કહે છે કે, તે પછી તેમના દિમાગમાં સંઘર્ષ શરૂ થયો.
"એવું લાગે છે કે, હું જેકિલ અને હાઇડ છું," એમ તેઓ કહે છે.
કૅટી કહે છે કે, જ્યારે તેમનો લ્યુટેલ તબક્કો (માસિક ધર્મ શરૂ થાય, તે પહેલાંનો સમયગાળો) ચાલી રહ્યો હોય, ત્યારે જીવન અંધકારમય બની જાય છે. તેમનું શરીર દુ:ખે છે, તેઓ પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલ થઈ જાય છે અને કશું જ ગમતું નથી.
પરંતુ કૅટીના જનરલ પ્રેક્ટિશનર તેમને કહેતા કે, તેમના મૂડમાં આવી રહેલા આ ફેરફારો મોટા થવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે.
કૅટીએ સમગ્ર મહિના દરમિયાન તેમના બદલાતા રહેતા મૂડ અને અન્ય લક્ષણોની નોંધ રાખવા માંડી, જેને પગલે ચોક્કસ પેટર્ન તરફ તેમનું ધ્યાન ગયું.
ત્યાર બાદ યુનિવર્સિટીમાં તેમના પ્રથમ વર્ષમાં જનરલ પ્રેક્ટિશનરે કૅટીને સવાલ કર્યો કે, તેમણે પીએમડીડી વિશે સાંભળ્યું છે? અને બસ, "સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું."
નિદાન માટે સંઘર્ષ કેમ કરવો પડે છે
નિદાન થવાથી સારવારના ઘણા વિકલ્પો ખૂલી શકે છે, પણ અન્નિકા કહે છે કે, "લોકો મારી સ્થિતિ સમજી રહ્યા છે," એ વાત જ "રાહત આપવા માટે પૂરતી છે."
ચિકિત્સકો પીએમડીડીનાં લક્ષણો વહેલા પારખી શકે, તે માટે મદદરૂપ થવા માટે મૅથ્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલું કાર્ય તેમને મદદરૂપ થઈ શક્યું હોત? કદાચ તેમને જીવનમાં આટલી નિરાશાજનક સ્થિતિ સુધી પહોંચતાં પણ અટકાવી શક્યું હોત?
"બિલકુલ," અન્નિકા કહે છે, "એમ થયું હોત, તો ડૉક્ટરો મને ગેરમાર્ગે ન દોરી શક્યા હોત."
"જો ડૉક્ટરો સમજે છે, તો દર્દીઓ સમજે છે. હું મારાં મિત્રો અને પરિવારજનોને આત્મહત્યાના વિચારો વિશે સમજાવી શકી હોત અને કદાચ હું સ્વયંને પણ તેનાથી બચાવી શકી હોત."
પીએમડીડી માટે ઘણી સારવારો ઉપલબ્ધ છે, જેને બીમારીને અનુરૂપ અજમાવી શકાય છે, પણ અન્નિકા સહિત ઘણાં લોકો માટે અસરકારક રહે, તેવી સારવાર શોધવી એ પ્રયોગ અને ભૂલનો વિષય હોઈ શકે છે.
ઍન્ટિ-ડિપ્રેસન્ટ્સ (હતાશારોધક) દવાઓની સાથે-સાથે મહિલાઓને ગર્ભનિરોધક ગોળી ઉપરાંત મિરેના કોઇલ જેવા અન્ય ગર્ભનિરોધકો પણ આપી શકાય છે, જે હોર્મોન્સનું નિયમન કરવામાં મદદરૂપ બને છે.
આ સિવાય, કેમિકલ મેનોપોઝ તથા અમુક કિસ્સાઓમાં કુદરતી હોર્મોન ચક્રને બંધ કરવા માટે અંડાશય દૂર કરવા જેવા વધુ ગંભીર વિકલ્પો પણ મોજૂદ છે.
અન્નિકા પીએમડીડીની તેમની સારવારમાં માસિક ચક્રને અટકાવવા માટે હોર્મોન બ્લોક કરનારાં ઇન્જેક્શનો લઈ રહ્યાં છે.
પણ તેઓ કહે છે કે, દવાની અસર ઊતરે, તેની ગણતરીની મિનિટોમાં જ તેઓ તેમની અંદર ક્રોધ, રોષ કે નિરાશાની ભાવના વધતી અનુભવી શકે છે. આ લાગણીઓની તીવ્રતાનો આધાર તેમના માસિક ચક્રના તબક્કા પર રહે છે.
પીએમડીડીના પ્રભાવ સાથે જીવી રહેલાં અન્નિકા માટે ગર્ભાવસ્થા અને માતા બનવા વિશે વિચારવું અશક્ય થઈ ગયું છે - વળી, કેમિકલ મેનોપોઝમાં હોવાથી ગર્ભવતી થવાની તેમની શક્યતાઓ પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
કેટલીક વખત તેઓ વૈકલ્પિક જીવનની કલ્પના કરે છે, જ્યાં તેઓ માતા બની શક્યાં હોત, પણ તેઓ કહે છે, "પીએમડીડીએ તેમની પાસેથી તે જીવન આંચકી લીધું છે."
31 વર્ષનાં લિલી રોઝ વિન્ટર ઑનલાઇન વધી રહેલા પીએમડીડી સમુદાયનો ભાગ છે. તેઓ કેમિકલ મેનોપોઝનો વિકલ્પ અપનાવવા વિશે વિચારી રહ્યાં છે.
લિલીને પીએમડીડીનું નિદાન થવામાં વર્ષો નીકળી ગયાં હતાં અને તેમણે ઘણી સારવારો અજમાવી જોઈ હતી - પણ તેમણે દર મહિને વેઠવા પડતાં લક્ષણો ઉપર હજી સુધી એક પણ સારવારની નોંધપાત્ર અસર થઈ નથી.
"હું તેને નવેસરથી જોવાનું શીખી રહી છું. સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરીને મારે સારી લાગણી અનુભવવી જોઈએ - એમ કરવાને બદલે હું મારી જાતને કહું છું કે, જો મને જીવિત હોવા બદલ ખુશી ન થતી હોય, તો કશો વાંધો નહીં. આ સમય પસાર થઈ જશે. મારે બસ ધીરજ ધરવાની છે."
સરકાર સ્વીકારે છે કે, પીએમડીડી ધરાવતી મહિલાઓની ઘણા લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવી છે.
આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "ઘણી વખત તેમનાં લક્ષણોને નજરઅંદાજ કરવામાં આવે છે કે સામાન્ય માની લેવામાં આવે છે, પણ આ વલણ બદલવું પડશે."
તેમણે કહ્યું હતું કે, નવા સ્વરૂપ સાથેની વિમેન્સ હેલ્થ સ્ટ્રેટેજી એ સુનિશ્ચિત કરશે કે, મહિલાઓની વાતને તેમની પહેલી મુલાકાત સાથે જ ધ્યાનથી સાંભળામાં આવે તથા ગંભીરતાથી લેવામાં આવે અને તેમને પહેલી વારમાં જ હેલ્થકેર પ્રોફેશલ પાસે મોકલવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન