અમદાવાદ: અકસ્માતમાં દીકરીનું મૃત્યુ થયાનું કહેનાર 'પિતાપુત્ર જ દીકરીના હત્યા'ના આરોપમાં કેવી રીતે પકડાયા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અમદાવાદ પોલીસે ગત ઑગસ્ટ માસમાં પોતાની જ દીકરીની હત્યાના આરોપી પિતાપુત્રની જોડીની ધરપકડ કરી છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"ગત 12 ઑગસ્ટના રોજ અંધારી અને વરસાદી રાતે એક યુવાને લોહીલુહાણ અવસ્થામાં પોલીસ સ્ટેશને આવી અક્સમાતમાં પોતાની બહેનનું મોત થયું હોવાનું કહ્યું."

અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ યુબી ધાખડાના આ શબ્દો છે.

તેમણે કહ્યું કે, "અમે લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી અને તપાસ શરૂ કરી. શરૂઆતમાં આ એક માર્ગ અકસ્માતનો લાગી રહ્યો હતો."

"જોકે, બાદમાં સામેના વાહનના ચાલકને શોધતા એક એવી કડી હાથ લાગી કે કુટુંબની આર્થિક મદદ કરવા ભણીને નોકરીએ લાગેલી છોકરીની સગા ભાઈ અને પિતાએ ભેગા મળીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું."

હવે, અમદાવાદ પોલીસે આ મામલામાં મૃતક યુવતીના ભાઈ અને પિતાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસમાં સામે આવેલી વિગતો અને એકત્રિત કરાયેલા પુરાવાના આધારે આરોપીઓએ આ 'હત્યા'ના ગુનાને 'અકસ્માત બતાવવાનો પ્રયાસ કરાયો હોવાના પાકા સંકેત' મળ્યા છે.

પોલીસનું કહેવું છે કે, આરોપી પિતા-પુત્રે આ કેસમાં પોતાની જ દીકરીની 'હત્યા' કરવા માટે 'ત્રણ મહિના સુધી પ્લાનિંગ' કર્યું હતું, તેમ છતાં આખરે પોલીસ આ કેસમાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી શકી?

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ યુબી ધાખડા

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસે આ કેસ અંગે આપેલી વિગતો અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવનાર પિતા-પુત્ર અને એક ખાનગી દવાખાનામાં નર્સ તરીકે કામ કરતી દીકરી વચ્ચે પાછલા ત્રણ માસથી કંકાસ ચાલી રહ્યો હતો, પોલીસનું કહેવું છે કે દીકરીના 'સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને કારણે પરિવારને આબરૂની ચિંતા' હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી ભાઈ બનાવના દિવસે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને 'અકસ્માતમાં બહેનનું મૃત્યુ નીપજ્યા'ની વાત કરી હતી.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે, "પોતાની બહેન સાથે ઘરે પાછા ફરતી વખતે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બહેનનું મૃત્યુ થયું."

પોલીસ ઇન્સ્પેક્ટર યુબી ધાખડાએ ઘટના અંગેની વિગતો આપતાં જણાવ્યું, "તમામ કાગળ અને ઘટનાસ્થળના ફોટા જોતાં કેટલીક વાત અમને ખટકી હતી. જ્યાં આ બનાવ બન્યો હતો એ રસ્તો નવો બની રહ્યો હતો અને સૂમસામ હતો અને આખાય વિસ્તારમાં રસ્તા પર સીસીટીવી કૅમેરા લાગેલા નહોતા."

પીઆઇ ધાખડા આગળ કહે છે કે આરોપી ભાઈને બહેન સાથે ઘર તરફ જવા માટે ભારે વરસાદની રાત્રે સૂમસામ રસ્તો કેમ પસંદ કર્યો એ વિશે પૂછ્યું હતું. જોકે, પોલીસના જણાવ્યાનુસાર આરોપીએ જવાબ આપ્યો હતો કે તે ટ્રાફિક વિનાનો અને ઘર તરફ લઈ જતો 'ટૂંકો રસ્તો' હોઈ આ રસ્તો પસંદ કર્યો હતો.

પોલીસ ઇન્સપેક્ટર ધાખડા કહે છે કે પોલીસની ટીમે નોંધ્યું હતું કે, આ રસ્તો લઈને આરોપી 'માત્ર ત્રણ મિનિટ' વહેલા ઘરે પહોંચી શક્યો હોત.

"અમે આરોપીના દાવા પ્રમાણે અજાણ્યા વાહનને શોધવા અમે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આસપાસનાં રહેઠાણોમાં તપાસ કરી, જ્યાં ઘટનાસ્થળની પાસે આવેલા એક બંગલામાં સીસીટીવી કૅમેરા મળી આવ્યા અને ત્યાંથી ફૂટેજમાં ઘટનાસ્થળ દેખાઈ રહ્યું હતું."

કેવી રીતે સામે આવ્યું સંપૂર્ણ સત્ય?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

પોલીસે સીસીટીવીની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે બનાવના દિવસે આ રસ્તેથી ખૂબ ઓછાં વાહન પસાર થયાં હતાં, અને એક મોટરસાઇકલ બે વખત પસાર થઈ હતી, બાદમાં આ મોટરસાઇકલ ઊભી રહી હતી, જેમાંથી બે જણ કોઈ વસ્તુ રસ્તા પરથી બહાર નાખતા દેખાયા હતા, અને બાદમાં એક રિક્ષા ઊભી રાખવામાં આવી હોવાનું દેખાયું, જોકે, અકસ્માત થયાનું દેખાયું નહોતું.

પીઆઈ ધાખડા કહે છે કે, "અકસ્માતના ફોટો ફરી વાર જોતાં ખબર પડી કે મોટરસાઇકલના પાછળના ભાગે કોઈ વાહનની ટક્કરનું નિશાન નહોતું, બાદમાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતાં અમારી શંકા પાકી થઈ ગઈ."

"રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે મૃતકની હત્યા માથાના પાછળના ભાગે કોઈ વજનદાર બોથડ પદાર્થ મારીને ઈજા કરાઈ છે, જે મૃત્યુનું કારણ બની હતી."

"અમે હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી અને ટૅક્નિકલ સર્વેલન્સથી આરોપી ભાઈના ફોન લોકેશનની મૂવમેન્ટની તપાસ કરી તો ખબર પડી કે બનાવની રાત્રે એ ઘર તરફ ગયો જ નહોતો , ઘરે જવાના રસ્તેથી સૂમસામ રસ્તા તરફ વળ્યો હતો, એની સાથે જ એક બીજા ફોનનું લોકેશન સતત સાથે હતું, અને એ રાત્રે 11.30 વાગ્યા પછી અકસ્માતના સ્થળેથી આરોપીના રહેઠાણના વિસ્તાર ફતેહવાડી તરફ જતું હતું. અમને એ ફોનનું લોકેશન કઢાવતા માલૂમ પડ્યું કે તે આરોપી અને મૃતકના પિતાનો ફોન હતો."

પોલીસે જણાવ્યું કે અગાઉ બંને પિતાપુત્રની પૂછપરછ કરાતાં બંનેએ આપેલી વિગતોમાં 'વિરોધાભાસ' જણાયો હતો.

પીઆઈ ધાખડા કહે છે કે, "જોકે, બાદમાં પિતાપુત્રે કબૂલી લીધું કે મૃતક દીકરીના કેટલાક વીડિયો વાઇરલ થયા હતા, જેના કારણે ભાઈબહેન વચ્ચે ઝઘડો થતો હતો, જોકે, તકરાર વધતાં બાપદીકરાએ દીકરીની હત્યા માટે ત્રણ મહિના સુધી પ્લાનિંગ કર્યું, અને એ મુજબ દુકાનેથી લાવેલા હથોડાના ત્રણ ઘા દીકરીના માથાના પાછળના ભાગે મારી અને તેનું મૃત્યુ નિપજાવી દીધું હતું અને બાદમાં બાપદીકરો બંને વરસતા વરસાદમાં મોટરસાઇકલ પર મોડી રાત સુધી લાશને ઠેકાણે લગાવવા માટે લઈને ફર્યા હતા."

અમદાવાદમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલામાં પહેલાં અકસ્માતનો ગુનો નોંધ્યો હતો, જોકે, તપાસમાં નવી વિગતો બહાર આવતાં આ મામલે હત્યાનો ગુનો નોંધી સરખેજ પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપી દેવાયો છે.

આ સમગ્ર મામલે આરોપી પિતાપુત્રનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ મૃતકના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, મૃતકનાં બહેન ઘટના બાદ આઘાતમાં હોવાથી વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, તેમનાં કૌટુંબિક માસીએ ઘટના અંગે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ ઘટના અમારા કુટુંબ માટે દુઃખદ છે, ઘરમાં સોશિયલ મીડિયાના વીડિયોને કારણે ઝઘડા થતા હતા, પણ સગા બાપ અને ભાઈ દીકરીની હત્યા કરશે, એના પર મને હજી વિશ્વાસ નથી થઈ રહ્યો."

"અમે બધા આઘાતમાં છીએ, વતનમાંથી અમારાં બીજાં સગાં આવ્યા બાદ અમે પિતાપુત્રને વકીલ સાથે મળીશું . ત્યાર બાદ આગળની કાર્યવાહી કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન