વંદે માતરમ્ વિવાદ: શું કૉંગ્રેસે ઇમરાન ખેડાવાલાને એકલા મૂકી દીધા?

ઇમરાન ખેડાવાલા, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખેડાવાલા જ્યારે ચૂંટણી જીત્યા હતા તે સમયની તસ્વીર.

"મેં કંઈ ખોટું નથી કર્યું. વંદે માતરમ્ જે રીતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ગાયું છે, તે જ રીતે અને તેટલું જ ગીત મેં આદરપૂર્વક ગાયું છે."

આ શબ્દો ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના છે. તેઓ અમદાવાદની જમાલપુર બેઠક પરથી કૉંકૉંગ્રેસના ધારાસભ્ય છે.

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ ગાવાને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કૉંગ્રેસ પક્ષે ઇમરાન ખેડાવાલાથી અંતર બનાવી લીધું છે?

બુધવારે વિધાનસભાની શરૂઆતમાં વંદે માતરમ્ ગવાયું ત્યારે ખેડાવાલા પ્રથમ બે અંતરા બાદ બેસી ગયા હતા. તેઓ ગીતના બાકીના અંતરા દરમિયાન ઊભા રહ્યા નહોતા.

આ ઘટનાને પગલે ભાજપના ધારાસભ્યોએ ખેડાવાલા સામે કાર્યવાહી કરવાની અને માફી માગવાની માંગ કરી હતી.

બીજી તરફ, ખેડાવાલાનું કહેવું છે કે તેમણે વંદે માતરમ્ કે દેશનું અપમાન કર્યું નથી. તેમના મતે તેમણે કૉંગ્રેસની 1937ની નીતિ અનુસાર વંદે માતરમ્ પ્રથમ બે અંતરા જ ગાયા હતા.

તેમણે કહ્યું છે કે, "ભાજપ નક્કી કરે તેટલું હું શું કામ ગાવું? મેં તેટલું જ રાષ્ટ્રગીત ગાયું છે, જેટલું આઝાદીના સમયે મોટા નેતાઓ ગાતા હતા. હું આ માટે માફી નહીં માંગું."

કૉંગ્રેસમાં જ અલગ-અલગ મત

ઇમરાન ખેડાવાલા, વંદે માતરમ્, કૉંગ્રેસ, ગુજરાત, બીબીસી ગુજરાતી, Imran Khedawala, Congress, Gujarat

ઇમેજ સ્રોત, Imran Khedawal/X

ઇમેજ કૅપ્શન, કોંગ્રેસ નેતા અમીત ચાવડા

આ વિવાદ બાદ ગુજરાત કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનોમાં પણ મતભેદ જોવા મળ્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે કૉંગ્રેસના અન્ય તમામ નેતાઓ વંદે માતરમ્ દરમિયાન ઊભા રહ્યા હતા. કૉંગ્રેસ રાષ્ટ્રગીતનું સન્માન કરવામાં અને તે મુજબનું વર્તન કરવામાં માને છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે જો વિધાનસભાના સ્પીકર ખેડાવાલાને નોટિસ આપીને તેમનો પક્ષ સાંભળવા માગે તો તેઓ પોતાની વાત રજૂ કરી શકે છે.

બીજી તરફ, ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ આ મુદ્દે કૉંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

ગુરુવારે વિધાનસભામાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પૉઇન્ટ ઑફ ઑર્ડર રજૂ કરીને ખેડાવાલા સામે પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ પર પણ રાષ્ટ્રગીતના અપમાનનો આક્ષેપ કર્યો હતો.

જોકે વડગામના કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આઝાદીની ચળવળ દરમિયાન અને ત્યાર બાદ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વંદે માતરમ્ ગાયું છે અને આ ગીત ગાતા-ગાતા અંગ્રેજોની ગોળીઓ પણ ખાધી છે.

પરંતુ સમગ્ર ઘટનામાં કૉંગ્રેસના કોઈ નેતા ઇમરાન ખેડાવાલાના સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યા નથી.

એક તરફ ખેડાવાલા કહે છે કે તેમણે કૉંગ્રેસની 1937ની વર્કિંગ કમિટીના નિર્ણય પ્રમાણે વંદે માતરમ્ ગીતના પ્રથમ બે અંતરા જ ગાયા છે. બીજી તરફ ગુજરાત કૉંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે પ્રથમ બે અંતરા બાદ બેસી જવું એ ખેડાવાલાનો વ્યક્તિગત નિર્ણય છે અને તેનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, "આજે વિધાનસભાનું સત્ર વંદે માતરમના ગાન સાથે શરૂ થયું હતું. હું રાષ્ટ્રીય ગીતના સન્માનમાં ઊભો રહ્યો હતો, અને સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, મૌલાના આઝાદ, બાબાસાહેબ આંબેડકર અને રવીન્દ્રનાથ ટાગોર જેવી મહાન હસ્તીઓએ 1937માં સ્થાપિત કરેલી પરંપરાનું માન રાખીને મેં ઉભા રહીને સમગ્ર ગીત ગાયું હતું."

"પરંતુ, ભાજપે તેમાં નવા ઉમેરાયેલા અંતરાઓ સાથે જે રીતે તેનું ગાન શરૂ કર્યું છે, તે બાબતે મેં વાંધો વ્યક્ત કર્યો હતો."

"હું રાષ્ટ્રીય ગીત દરમિયાન બહાર નીકળી ગયો નહોતો, હું માત્ર મારી બેઠક પર બેસી ગયો હતો.

ભાજપનો અભિગમ આપણા દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર પૂજનીય નેતાઓનું અપમાન કરે છે."

કાંકરેજના કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ખેડાવાલાનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે અને તેનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.

તેમણે કહ્યું હતું કે જે થયું તે ન થવું જોઈએ, કારણ કે આ રાષ્ટ્રગીતના સન્માનની વાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે કૉંગ્રેસનું કોઈ અલગ સ્ટૅન્ડ નથી.

ચાણસ્માના કૉંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પણ કહ્યું હતું કે રાષ્ટ્રગીત દરમિયાન ઊભા ન રહેવું એ ખેડાવાલાની વ્યક્તિગત માન્યતા હોઈ શકે છે.

તેમણે કહ્યું, "અમે તો સ્પષ્ટ છીએ કે અમારે આ આખા ગીત દરમિયાન ઊભા રહેવાનું છે."

ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી આ મુદ્દે શુક્રવારે નિર્ણય લેવાના છે.

1937માં કૉંગ્રેસે માત્ર બે અંતરા ગાવાનો નિર્ણય કેમ કર્યો હતો?

આ સમગ્ર વિવાદમાં એક તરફ ભાજપનો દાવો છે કે વંદે માતરમ્ પ્રત્યે સંપૂર્ણ આદર દર્શાવવા માટે તેના સંપૂર્ણ સ્વરૂપનું ગાન થવું જોઈએ.

બીજી તરફ કૉંગ્રેસ 1937ના પોતાના ઐતિહાસિક નિર્ણયને આગળ ધપાવી રહી છે અને કહે છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પ્રથમ બે અંતરા ગાવાની પરંપરા પાછળ તે સમયની સર્વસમાવેશક વિચારસરણી હતી.

આ જ મુદ્દે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષ નૅશનલ કૉન્ફરન્સ વચ્ચે પણ તાજેતરમાં મતભેદ જોવા મળ્યા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા અને નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ્ તમામ છ અંતરા દરમિયાન ઊભા રહ્યા હતા.

આ અંગે કૉંગ્રેસ સાંસદ પવન ખેરાએ કહ્યું હતું કે કૉંગ્રેસ જ્યાં સરકારમાં છે ત્યાં તેની સરકારો વંદે માતરમ્ ગીતના એ જ બે અંતરા ગાય છે, જે તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ નક્કી કર્યા હતા.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમના સાથી પક્ષો સહિત અન્ય લોકો પણ આનું પાલન કરશે, કારણ કે આ બે અંતરા દેશને એકજૂટ કરવાનું કામ કરે છે.

એટલે ગુજરાત વિધાનસભામાં ઇમરાન ખેડાવાલા દ્વારા પ્રથમ બે અંતરા બાદ બેસી જવાનો મુદ્દો હવે માત્ર એક ધારાસભ્યના વ્યક્તિગત નિર્ણય પૂરતો રહ્યો નથી.

તેની સાથે એક મોટો પ્રશ્ન પણ જોડાઈ ગયો છે — રાષ્ટ્રગીતના સન્માનની સાથે શું તેની ઐતિહાસિક રીતે નક્કી થયેલી રજૂઆતની પરંપરાનું પણ સન્માન થવું જોઈએ? અને આ જ સવાલે ગુજરાત કૉંગ્રેસની અંદરના મતભેદોને પણ સામે લાવી દીધા છે.

'વંદે માતરમ'નો ઇતિહાસ શું છે?

'વંદે માતરમ'ની રચના બંકિમ ચંદ્ર ચટર્જીએ 1875માં કરી હતી.

ઇમેજ સ્રોત, Twitter@RailMinIndia

ઇમેજ કૅપ્શન, 'વંદે માતરમ'ની રચના બંકિમ ચંદ્ર ચટર્જીએ 1875માં કરી હતી.

બંકિમચંદ્ર ચટરજી (1838-1894) પ્રથમ હિંદુસ્તાની હતા, જેમને ઇંગ્લૅન્ડની રાણીએ ભારતીય ઉપનિવેશને પોતાના અધીન લીધા બાદ 1858માં ડેપ્યુટી કલેક્ટરના પદ પર નિયુક્ત કર્યા હતા.

તેઓ 1891માં નિવૃત્ત થયા હતા અને અંગ્રેજ શાસકોએ તેમને 'રાય બહાદુર' સહિત અનેક ઉપાધિઓથી સન્માનિત કર્યા હતા.

આ ગીત તેમણે 1875માં લખ્યું હતું, જે બાંગ્લા અને સંસ્કૃતમાં હતું. બાદમાં બંકિમે આ ગીતને પોતાની પ્રસિદ્ધ પરંતુ વિવાદાસ્પદ કૃતિ 'આનંદમઠ' (1885)માં સામેલ કર્યું.

આ ગીત સાથે જોડાયેલો એક રસપ્રદ તથ્ય એ છે કે તેમાં જેઓ પ્રતીકો અને દૃશ્યોનો ઉલ્લેખ છે, તે બધા બંગાળની ધરતી સાથે સંબંધિત છે.

આ ગીતમાં બંકિમે સાત કરોડ જનતાનો પણ ઉલ્લેખ કર્યો છે, જે તે સમયે બંગાળ પ્રાંત (જેમાં ઓડિશા અને બિહાર સામેલ હતા)ની કુલ વસ્તી હતી. એ જ રીતે જ્યારે અરવિંદો ઘોષે તેનો અનુવાદ કર્યો, ત્યારે તેને 'બંગાળનું રાષ્ટ્રગીત' શીર્ષક આપ્યું.

રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત માટે એક સુંદર ધૂન પણ બનાવી હતી.

બંગાળના વિભાજને આ ગીતને ખરેખર બંગાળનું રાષ્ટ્રગીત બનાવી દીધું. 1905માં અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલા બંગાળના વિભાજન વિરુદ્ધ ઊઠેલા જનઆક્રોશે આ ગીતને, ખાસ કરીને તેના મુખડાને, અંગ્રેજો સામેના એક હથિયારમાં બદલી દીધું.

ત્યારબાદ સ્વતંત્રતા સંગ્રામ આંદોલનમાં ભાગ લઈ રહેલા લોકોએ અંગ્રેજ શાસન વિરુદ્ધ પોતાનાં વિરોધ પ્રદર્શનોમાં આ ગીતનો ભરપૂર ઉપયોગ કર્યો. તેમાં હિંદુ અને મુસ્લિમ બંને સામેલ હતા.

વંદે માતરમનો નારો તે સમયે સમગ્ર બંગાળમાં આગની જેમ ફેલાઈ ગયો, જ્યારે બારીસાલ (હાલ બાંગ્લાદેશમાં)માં ખેડૂત નેતા એમ. રસૂલની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા બંગાળ કૉંગ્રેસના પ્રાંતીય અધિવેશન પર અંગ્રેજ સેનાએ 'વંદે માતરમ્' ગાવા બદલ ક્રૂર હુમલો કર્યો હતો. રાતોરાત આ નારો માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુંજવા લાગ્યો.

ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા સ્વતંત્રતા સેનાનીઓએ પણ 'વંદે માતરમ' ગાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન