iPhone Duo : ઍપલે તેનો પ્રથમ ફોલ્ડેબલ આઇફોન લૉન્ચ કર્યો, જાણો કેટલી છે તેની કિંમત?

ઇમેજ સ્રોત, Apple/courtesy
- લેેખક, કાલી હેઝ
- પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
જૉન ટર્નસે ઍપલના સીઈઓ તરીકે પોતાનું બીજું અઠવાડિયું શરૂ કર્યું છે અને કંપનીએ આઇફોનના લગભગ 20 વર્ષ પહેલાં થયેલા લૉન્ચિંગ બાદ અત્યારસુધીનું પહેલું સૌથી મોટું પરિવર્તન સાથેનો આઇફોન બહાર પાડ્યો છે.
ટિમ કૂકે પદ છોડ્યા બાદ ઍપલની કમાન સંભાળનાર ટર્નસ બુધવારે કંપનીના વાર્ષિક પ્રોડક્ટ લૉન્ચ ઇવેન્ટમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમની પાછળ પહેલા ફોલ્ડેબલ આઇફોનની વિશાળ તસવીરો લગાવવામાં આવી હતી.
પુસ્તકની જેમ ખૂલતી ડિઝાઇનવાળા આ નવા આઇફોનને "ડુઓ" નામ આપવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇફોન છે. અમેરિકામાં તેની પ્રારંભિક કિંમત 1,999 ડૉલર (આશરે 1 લાખ 90 હજાર રૂપિયા) છે અને તે વધીને 3,200 ડૉલર સુધી જઈ શકે છે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન પણ છે.
ટર્નસે જણાવ્યું કે "ડુઓ" આઇપેડથી પ્રેરિત છે, પરંતુ તેમણે તેના ફોલ્ડિંગ ફિચરને ખૂબ જ સહજ અને સંપૂર્ણપણે કુદરતી ગણાવ્યું. ફોલ્ડેબલ ફોન પર ઍપલની અંદર ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું હતું.
ઍપલમાં ઘણાં વર્ષોથી ફોલ્ડેબલ ફોન પર કામ ચાલી રહ્યું હતું.
ખોલવા પર નવો ડુઓ એક નાના આઇપેડ જેવો લાગે છે અને અડધો ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તે એક પહોળા આઇફૉન જેવો લાગે છે.
ટર્નસે ઇવેન્ટ દરમિયાન કહ્યું કે "ઍપલ અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોન જેવો લૂક અને અનુભવ થાય તેવું નથી ઇચ્છતું. તેમના મતે, અન્ય ફોલ્ડેબલ ફોન એવા લાગે છે જાણે બે ફોનને એકસાથે જોડી દેવામાં આવ્યા હોય, જેનાથી મોટી સ્ક્રીન પણ ઘણી નાની લાગતી હોય છે."
તેમણે ઉમેર્યું કે ડુઓ એક અસાધારણ ઇનોવેશનની સિરીઝનું પરિણામ છે, જેને લઈને અમારું માનવું છે કે આ ફોલ્ડેબલ ફોનનો ઉપયોગ એક નવા અનુભવને એક નવા સ્તરે વ્યાખ્યાયિત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટર્નસ ફોલ્ડેબલ આઇફોનના વિકાસમાં સીધા જ સામેલ હતા. આ વર્ષની શરૂઆતમાં કૂકના ઉત્તરાધિકારી તરીકે નામ આપવામાં આવ્યું તે પહેલાં તેમણે ઘણાં વર્ષો સુધી ઍપલના હાર્ડવૅર વિભાગમાં ટોચના હોદ્દા સંભાળ્યા હતા.

ઇમેજ સ્રોત, Apple/courtesy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટૅક્નૉલૉજી રિસર્ચ ફર્મ એફડીએમ 'સીસીએસ ઇનસાઇટ'ના ચીફ ઍનાલિસ્ટ બૅન વુડે જણાવ્યું કે સંભવ છે કે ટર્નસના પ્રમોશનનો સમય જાણી જોઈને એવો રાખવામાં આવ્યો હોય જેથી ઘણાં વર્ષો જેની રાહ જોવાઈ રહી છે, તેવા મોટા આઇફોનનું લૉન્ચિંગ પણ એક સાથે થઈ શકે.
વુડે જણાવ્યું કે "ઍપલમાં કંઈ પણ આકસ્મિક રીતે થતું નથી."
બુધવારે લૉન્ચ સમયે હાજર રહેલા ક્રિએટિવ સ્ટ્રેટેજિસ્ટ્સનાં ઍનાલિસ્ટ કૅરોલિના મિલાનેસીએ જણાવ્યું હતું કે ટર્નસ પર આટલું ધ્યાન આપવામાં આવવું "એવું લાગતું હતું કે જાણે તે પોતે જ એક પ્રોડક્ટ હોય."
આઇફોનની ડિઝાઇનમાં ફેરફાર તે આલોચનાને દૂર કરી શકે છે કે ઍપલે 2007માં પહેલો આઇફૉન આવ્યા પછી અત્યારસુધી તેના તરફથી કોઈ મોટી પ્રોડક્ટ હિટ કે ખરેખરમાં રોમાંચક ઇનોવેશન બહાર પાડવામાં નથી આવ્યું.
ફૉરેસ્ટરના વિશ્લેષક દીપાંજન ચેટરજીએ જણાવ્યું કે ફોલ્ડેબલ ફોન ઍપલના પ્રોડક્ટ પૉર્ટફોલિયોમાં એક મોંઘો 'શો-પીસ' બનીને રહી જવાનું જોખમ છે, જે બ્રાન્ડની પ્રતિષ્ઠા વધારશે પરંતુ વાસ્તવિક ગ્રોથ નહીં આપે."
અગાઉ, નવા આઇફોનની કિંમત 900 ડૉલર હતી. ઍપલે બુધવારે નવો આઇફોન 18 પ્રો-મૅક્સ પણ રજૂ કર્યો હતો. આઇફોન-18 પ્રોની શરૂઆતમાં અમેરિકામાં કિંમત 1,199 ડૉલર (આશરે રૂ. એક લાખ 14 હજાર છે અને 18 પ્રો-મૅક્સની શરૂઆત 1299 ડૉલર (આશરે રૂ. એક લાખ 24 હજાર)થી થાય છે.
ચેટરજીએ કહ્યું કે ફોલ્ડેબલ આઇફોનનું ભવિષ્ય ઍપલના વિઝન પ્રો હેડસેટ જેવું જ હોઈ શકે છે. કંપનીએ તેની કિંમત 3,699 ડૉલર (લગભગ રૂ. ત્રણ લાખ 52 હજાર) રાખી હતી, પરંતુ તે ખરીદદારોમાં લોકપ્રિયતા મેળવવામાં નિષ્ફળ ગયો. તેમણે કહ્યું કે તે કંપનીની આગામી ઍપલ વૉચ જેવું સાબિત થઈ શકે છે, જે આઇફોન જેટલી લોકપ્રિય ન હોવા છતાં, દર વર્ષે લાખો લોકો દ્વારા ખરીદવામાં આવે છે.
લોકો જે રીતે આઇફોનના કામ કરવાની રીતથી ટેવાઈ ગયા છે તે પણ નવી ડિઝાઇનના મોટા પ્રમાણમાં વેચાણમાં સંભવિત અવરોધ છે.
મિલાનેસીએ કહ્યું, "ફોલ્ડેબલ ઉપકરણો રસપ્રદ છે. ઘણા લોકો તેમના વિશે ઉત્સુક છે, પરંતુ પરંપરાગત ફોનથી ફોલ્ડેબલ ફોન તરફ જવાનો વાસ્તવિક પડકાર સૉફ્ટવૅર અને તેનો ઉપયોગ કરવાની રીત શીખવાનો છે."

ઇમેજ સ્રોત, Apple/courtesy
વુડે કહ્યું કે સેમસંગ અને ખ્વાવે જેવી કંપનીઓના વર્તમાન ફોલ્ડેબલ સ્માર્ટફોન કુલ સ્માર્ટફોન વેચાણના માત્ર બે ટકા હિસ્સો ધરાવે છે.
ડેટા ઍનાલિટિક્સ કંપની એફડીએમ સીસીએમ ઇનસાઇટ અનુસાર, ઍપલના ફોલ્ડેબલ ફોનમાં રસ અને માંગમાં વધારો થવાની સંભાવના હોવા છતાં, આગામી દાયકામાં કુલ સ્માર્ટફોન બજારના માત્ર ચાર ટકા સુધી વેચાણ પહોંચવાનો અંદાજ છે.
આઇફોન એ ઍપલની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ છે અને દર વર્ષે કંપનીના કુલ વેચાણમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
કંપનીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આઇફોનની માંગ પહેલાં કરતાં વધુ છે. ઉપકરણનું નવીનતમ સંસ્કરણ કંપનીનું અત્યાર સુધીનું સૌથી સફળ ઉત્પાદન લૉન્ચ બનવા પામ્યું છે.
કંપનીએ તેના ઑડિયો અને ચૅટ આસિસ્ટન્ટ સિરી, જેને હવે સિરી એઆઈ કહેવામાં આવે છે, તેના આગામી રી-લૉન્ચ વિશે વધુ વિગતો પણ જાહેર કરી છે.
આઇફોન 18થી શરૂ કરીને, આ બૉટ હવે વ્યક્તિના ફોન પર સંગ્રહિત વિવિધ ડેટા, જેમ કે મૅસેજ અને ઇ-મેઇલ્સ દ્વારા માહિતી શોધવા, પ્રશ્નોના જવાબ આપવા અને યુઝર વતી કાર્યો પણ કરી શકે છે.
નવી ઍપલ વૉચમાં કેટલીક સિરી એઆઈ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે, જેમાં યુઝર જો તેને ચાલુ કરે તો નોંધ લેવાની અને વાતચીતોને ટ્રાન્સક્રાઇબ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.
ટર્નસે આઇફોનમાં નવી એઆઈ-સંચાલિત ક્ષમતાઓને "ઇન્ટેલિજન્ટ પર્સનલ હબ" તરીકે વર્ણવી અને સ્વીકાર્યું કે ઍપલ તમારા રોજિંદા જીવનમાંથી સૌથી વધુ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે "આ બધું ખાનગી રહેશે, અને એઆઈ સુવિધાઓ ઘણીવાર ડિવાઇસ પર" ચાલશે, જેનો અર્થ થર્ડ-પાર્ટી કંપનીઓ દ્વારા નહીં. જ્યારે કોઈ સુવિધાને થર્ડ-પાર્ટી સેવાની જરૂર હોય, ત્યારે ટર્નસે કહ્યું કે માહિતી રિમોટ સર્વર પર અથવા ક્લાઉડમાં ખાનગી રહેશે.
"અન્ય લોકો તે ડેટાને એકત્રિત અને સંગ્રહિત કરવા જેવી વસ્તુ તરીકે જુએ છે," ટર્નસે કહ્યું.
"ઍપલ પણ તમારી માહિતીને ઍક્સેસ કરી શકતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















