પિત્તાશયમાં પથરી કેવી રીતે બને છે, તેની જાણ કેવી રીતે થાય અને ઇલાજ શું છે?

બીબીસી ગુજરાતી, health, હેલ્થ, આરોગ્ય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉક્ટર હિમાની
    • પદ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"મારા પેટની જમણી બાજુ એકાએક સખત દુખાવો થવા માંડ્યો. મને લાગ્યું કે, કદાચ ગૅસ થયો હશે. પણ દવા લેવા છતાં દુખાવામાં ફર્ક ન પડ્યો. છેવટે, ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે, મને પિત્તાશયમાં પથરી (ગૉલસ્ટોન) છે."

ઘણા લોકો તેમના આવા અનુભવ જણાવે છે.

પિત્તાશયની પથરી એ સમગ્ર વિશ્વમાં જોવા મળતી પાચનતંત્રને લગતી એક સામાન્ય બીમારી છે.

આ સમસ્યા ધરાવનારા ઘણા લોકોમાં વર્ષો સુધી લક્ષણો દેખા દેતાં નથી, પણ કેટલાક લોકોને તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, જેમકે, તીવ્ર દુખાવો થવો, ચેપ, કમળો અને સોજો.

જો તેનું સમયસર નિદાન અને યોગ્ય ઉપચાર કરવામાં આવે, તો તે મટી શકે છે.

પિત્ત એટલે શું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૉલ બ્લેડરમાં પથરી એ ડાઇજેસ્ટિવ સિસ્ટમમાં થતી સામાન્ય સમસ્યા છે (સાંકેતિક તસવીર)

પિત્તાશય એ લીવરની નીચે આવેલું એક નાનું, કોથળી જેવું અંગ હોય છે. તે લગભગ સાતથી 10 સેન્ટીમીટર લાંબું હોય છે.

પિત્તાશયનું મુખ્ય કાર્ય લીવર દ્વારા રોજ ઉત્પન્ન થતા પિત્તનો અસ્થાયી રીતે સંગ્રહ કરવાનું છે.

પિત્તાશયમાં પથરી કેવી રીતે બને છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિત્તાશય (ગોલ બ્લેડર) એ લીવરની નીચે આવેલું એક નાનું, કોથળી જેવું અંગ છે (પ્રતીકાત્મક તસવીર)

પિત્તાશયમાં મુખ્યત્વે ત્રણ ઘટકો હોય છેઃ

  • કૉલેસ્ટરોલ
  • પિત્ત ક્ષાર
  • બિલીરુબિન

જ્યારે આ ત્રણેય ઘટકોનું સંતુલન ખોરવાઈ જાય, ત્યારે નાના સ્ફટિક બનવા લાગે છે. સમય જતાં આ સ્ફટિક મોટા થઈને પથરી બને છે.

પિત્તાશયમાં પથરી થવાનાં કારણોઃ

  • પિત્તમાં કૉલેસ્ટરોલનું ઊંચું પ્રમાણ
  • પિત્તાશય બિલકુલ ખાલી ન થઈ શકતું હોય
  • બિલીરુબિનનું વધુ પડતું ઉત્પાદન
  • પિત્તાશયમાં ચેપ કે સોજો.

પિત્તાશયની પથરી કેટલા પ્રકારની હોય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિત્તાશયની પથરી ભારતમાં એક ગંભીર સમસ્યા બની રહી છે (પ્રતીકાત્મક તસવીર)

1. કૉલેસ્ટરોલ સ્ટોન

આ પથરી સૌથી સામાન્ય છે અને લગભગ 80 ટકા કિસ્સાઓમાં તે જોવા મળે છે.

2. પિગમેન્ટ સ્ટોન્સ

તે બિલીરુબિનનું પ્રમાણ વધી જવાને લીધે થાય છે. સામાન્યપણે આ પથરી લીવરની બીમારી કે ચોક્કસ પ્રકારના લોહીના રોગોમાં થાય છે.

3. મિક્સ્ડ સ્ટોન્સ

આ પથરી કૉલેસ્ટરોલ, કેલ્શિયમ અને બિલીરુબિનના મિશ્રણમાંથી બને છે.

પથરી થવાનું જોખમ કોને સૌથી વધુ રહે છે?

ડૉક્ટરો આ માટે 5F ફૉર્મ્યૂલા યાદ રાખે છેઃ

  • મહિલાઃ આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે.
  • ચાળીસઃ 40 કરતાં વધુ વયના લોકો
  • મેદઃ વધુ પડતું વજન ધરાવતા લોકો
  • પ્રજનનક્ષમઃ ગર્ભવતી થઈ શકે, એવી મહિલાઓ
  • ગોરા લોકોઃ પશ્ચિમી દેશોમાં રહેતા શ્વેત લોકો.

અન્ય જોખમી પરિબળો કયાં છે?

  • મેદસ્વીતા
  • શુગર (ડાયાબિટીસ)
  • ઊંચું કૉલેસ્ટરોલ
  • ગર્ભાવસ્થા
  • એસ્ટ્રોજન હોર્મોનની દવાઓ
  • પિત્તાશયની પથરીની ફેમિલી હિસ્ટ્રી
  • લાંબા સમય સુધી ઉપવાસ કરવો કે ભૂખ્યા રહેવું
  • ઝડપથી વજન ઘટવું
  • ચરબીયુક્ત આહાર
  • ફાઇબરનું પ્રમાણ ઓછું હોય, એવો ખોરાક
  • લીવરની બીમારીઓ
  • હેમોલિટિક એનિમિયા
  • વધતી વય
  • પિત્તાશયની પથરી ભારતમાં ગંભીર આરોગ્યલક્ષી સમસ્યા બની રહી છે. લગભગ પાંચથી 15 ટકા લોકો તેમના જીવનમાં ઓછઆમાં ઓછું એક વાર પિત્તાશયની પથરીનો ભોગ બની શકે છે.
  • આ સમસ્યા પુરુષોની તુલનામાં મહિલાઓમાં બેથી ત્રણ ગણી વધારે જોવા મળે છે અને 40 વર્ષની વય વટાવ્યા પછી તેનું જોખમ વધી જાય છે.
  • આ ઉપરાંત, યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળે છે, જે પાછળનાં મુખ્ય કારણો મેદસ્વીપણું, વ્યાયામનો અભાવ તથા ફાસ્ટ ફૂડનું અતિશય સેવન છે.

પિત્તાશયની પથરીનાં લક્ષણો કયાં છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિત્તાશયની પથરીનાં લક્ષણો સામાન્યતઃ તાત્કાલિક જોવા નથી મળતાં, તે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી દરમિયાન પારખી શકાય છે (પ્રતીકાત્મક તસવીર)

મોટાભાગના લોકોમાં આ બીમારી હોવાનું અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી દરમિયાન અચાનક જ જાણવા મળે છે.

લક્ષણો ક્યારે દેખાય છે?

  • પેટના જમણા ભાગમાં તીવ્ર દુખાવો થવો.
  • દુખાવો ખભા કે પીઠ સુધી જવો.
  • ચરબીયુક્ત (ભારે, તળેલું) ભોજન લીધા પછી દુખાવો થવો.
  • ગભરામણ થવી
  • ઊલટી થવી
  • અપચો
  • પેટ ફૂલવું
  • ગૅસ થવો

જોખમરૂપ સંકેત

જો તમને નીચેનાં લક્ષણો જણાય, તો તમારે ચોક્કસપણે હૉસ્પિટલ જવું જોઈએઃ

  • તાવ
  • ધ્રુજારી
  • કમળો
  • આંખો પીળી પડી જવી
  • પેશાબ ઘાટા રંગનો થવો
  • મળનો રંગ સફેદ કે ફિક્કાશ પડતો હોય
  • પેટમાં તીવ્ર દુખાવો
  • સતત ઊલટી થવી

પિત્તાશયની પથરીનું નિદાન કેવી રીતે થાય છે?

  • અલ્ટ્રાસાઉન્ડ: આ એક સાવ સાદો, સસ્તો અને સચોટ ટેસ્ટ છે.
  • બ્લડ ટેસ્ટઃ સીબીસી, લિવર ફંક્શન ટેસ્ટ, સીરમ બિલીરુબિન અને લિવર એન્ઝાઇમ્સ તપાસવામાં આવે છે.
  • MRCP અને CT સ્કૅન: જો પિત્ત નળીઓમાં પથરી હોવાની શંકા હોય, તો સીટી સ્કૅન કે MRCP કરવામાં આવી શકે છે.
  • ERCP: તે માત્ર પથરી કઈ જગ્યાએ છે તે જાણવા માટે જ નહીં, બલ્કે અમુક કિસ્સાઓમાં તેને દૂર કરવા માટે પણ થાય છે.

તે માટે કઈ સારવાર છે?

પિત્તાશયની પથરીનાં લક્ષણો ન ધરાવનારા મોટાભાગના લોકોને સારવારની જરૂર નથી હોતી.

ડૉક્ટરની દેખરેખ હેઠળ હોવું પૂરતું છે.

જો લક્ષણો યથાવત્ રહે અને વારંવાર દુખાવો થાય, તો સર્જરી સારો ઉપાય છે.

લેપરોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી - એ અત્યારે વૈશ્વિક સ્તરે સ્ટાન્ડર્ડ સારવાર પદ્ધતિ છે, જે પિત્તાશયને દૂર કરે છે.

લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા

નાના ટાંકા

ઓછો દુખાવો

ઓછો રક્તસ્રાવ

ઝડપી રિકવરી

એક કે બે દિવસમાં હૉસ્પિટલમાંથી રજા

ઇમર્જન્સીમાં સર્જરીની જરૂર ક્યારે પડે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમુક કિસ્સાઓમાં પિત્તાશયની પથરી માટે દવાઓ આપી શકાય છે, પણ તે દરેક વ્યક્તિ માટે અસરકારક નથી (પ્રતીકાત્મક તસવીર)
  • પિત્તાશયનો ગંભીર સોજો
  • પિત્તાશય ફાટી જવાનું જોખમ
  • પિત્ત નળીમાં અવરોધ
  • સ્વાદુપિંડમાં સોજો
  • ચેપ

શું દવાઓ લેવાથી પિત્તાશયની પથરી ઓગળી શકે છે?

અમુક ચોક્કસ સંજોગોમાં દવાઓનો ઉપયોગ થઈ શકે છે, પણ તે દરેક માટે અસરકારક નથી.

નાના કૉલેસ્ટરોલ આધારિત પથરી ધરાવનારા અમુક લોકો માટે દવા ઉપયોગી નીવડી શકે છે.

સારવારમાં મહિનાઓ કે વર્ષો સુદ્ધાં લાગી શકે છે, પણ પથરી ફરી બનવાનું જોખમ વધુ રહે છે. આથી, સર્જરી કાયમી ઉકેલ મનાય છે.

શું પિત્તાશય દૂર કરવું જોખમી છે?

આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે.

પિત્તાશય દૂર કરી દીધા પછી પણ લિવર પિત્તનું ઉત્પાદન ચાલુ રાખે છે, જે સીધું નાના આંતરડામાં જાય છે. તેથી ઘણા લોકો આના વગર સંપૂર્ણપણે સામાન્ય જીવન જીવી શકે છે.

સારવારમાં મોડું થવાથી શું થાય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પિત્તાશયની પથરી વર્તમાન સમયમાં એક સામાન્ય સમસ્યા છે, પણ તેની અવગણના ન કરવી જોઈએ (પ્રતીકાત્મક તસવીર)
  • પિત્તાશયમાં ગંભીર સોજો
  • પિત્તાશયમાં પરુ થવું
  • પિત્તાશયની પેશીઓ નષ્ટ થઈ જવી
  • પિત્તાશયમાં કાણું પડી જવું
  • અવરોધને લીધે કમળો થવો
  • પિત્ત નળીમાં સંક્રમણ
  • સ્વાદુપિંડમાં સોજો
  • આંતરડામાં અવરોધ
  • પિત્તાશયનું કૅન્સર થવાનું ભાગ્યે જ થતું જોખમ પણ રહે છે.

શું પિત્તાશયની પથરીને થતી અટકાવી શકાય?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને પિત્તાશયની પથરી થવાનું જોખમ સારું એવું ઘટાડી શકાય છે (સાંકેતિક તસવીર)

100 ટકા નિવારણ શક્ય ન હોવા છતાં જોખમ ઘણા અંશે ઓછું કરી શકાય છે.

  • યોગ્ય વજન જાળવી રાખો.
  • વજન ઘટાડો, પણ વજન એકાએક ન ઘટી જવું જોઈએ.
  • મહિનામાં બેથી ચાર કિલો કરતાં વધુ વજન ઓછું થાય, એવી વજન ઘટાડવાની પદ્ધતિ ન અપનાવવી.
  • રોજ 30થી 45 મિનિટ સુધી વ્યાયામ કરો.
  • ફળો, શાકભાજી, અનાજ અને રેષાથી ભરપૂર સંતુલિત આહારનું સેવન કરો.
  • ફાસ્ટ ફૂડ, તળેલા પદાર્થો, ઘી, માખણ, ટ્રાન્સ ફેટ અને વધુ ખાંડવાળા પદાર્થોનું સેવન ઘટાડો.
  • રોજ ભરપૂર માત્રામાં પાણી પીઓ.
  • જો તમને ડાયાબિટીસ હોય, તો તેને નિયંત્રણમાં રાખવાથી જોખમ ઘટે છે.

પિત્તાશયની પથરી વિશે કેટલીક સામાન્ય માન્યતાઓ અને તથ્યો

માન્યતાઃ પિત્તાશયની પથરી દૂર કરવા માટે સર્જરી કરાવવી પડે છે.

હકીકતઃ જે લોકોમાં લક્ષણો ન જણાતાં હોય, તેમણે સર્જરી કરાવવાની જરૂર હોતી નથી.

માન્યતાઃ આયુર્વેદ કે ઘરગથ્થુ ઉપચારથી પથરી સંપૂર્ણપણે ઓગાળી શકાય છે.

હકીકતઃ તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. જાતે ઉપચાર કરવો જોખમી નીવડી શકે છે.

માન્યતાઃ પિત્તાશય દૂર કરી દેવાથી જીવનભર પાચનને લગતી સમસ્યા રહેશે.

હકીકતઃ મોટાભાગના લોકો સામાન્ય જીવન જીવે છે.

ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો તમને પેટના ઉપરના જમણા ભાગે વારંવાર દુખાવો થતો હોય, તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ (સાંકેતિક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો તમને નીચે પૈકીનાં કોઈપણ લક્ષણો જણાય, તો તમારે વિલંબ કર્યા વિના હૉસ્પિટલ જવું જોઈએ.

પેટના જમણી તરફના ઉપરના ભાગે તીવ્ર દુખાવો થવો

દુખાવો ચારથી 6 કલાક કરતાં વધુ સમય સુધી રહે

તાવ

ઊલટી થવી

કમળો

આંખો પીળી પડી જવી

ઘેરા રંગનો પેશાબ થવો

પિત્તાશયની પથરી વર્તમાન સમયની એક સામાન્ય સમસ્યા હોવા છતાં તેને અવગણવી ન જોઈએ. મોટાભાગના લોકોમાં લક્ષણો જણાતાં નથી, પણ કેટલાક લોકોમાં તેના લીધે ગંભીર તકલીફો સર્જાઈ શકે છે, જેમકે, તીવ્ર દુખાવો થવો, કમળો અને પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ)માં સોજો થવો.

તંદુરસ્ત જીવનશૈલી, સંતુલિત આહાર, શરીરનું સુયોગ્ય વજન અને નિયમિત વ્યાયામ અપનાવીને તેનું જોખમ ઘણા અંશે ઓછું કરી શકાય છે.

જો તમને પેટના ઉપલી તરફના જમણા ભાગમાં વારંવાર દુખાવો થતો હોય, તો જાતે દવા લેવાને બદલે ડૉક્ટરની સલાહ લઈને અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરાવવી ઉચિત છે.

આ સમસ્યાની સૌથી સલામત, અસરકારક અને કાયમી સારવાર આધુનિક લેપરોસ્કોપી સર્જરી છે.

સમયસર ચેક-અપ, યોગ્ય સારવાર અને તંદુરસ્ત જીવનશૈલી પિત્તાશયની પથરીથી બચવા માટેના મુખ્ય ઉપાય છે.

નોંધ: લેખિકા એક ડૉક્ટર છે. આ લેખનો આશય તબીબી પ્રક્રિયાઓ અને ઉપચારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આરોગ્ય અંગેનો કોઈપણ નિર્ણય ડૉક્ટરની સલાહ લીધા બાદ જ લેવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન