You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ જીવિત છે કે નહીં? અમેરિકાના વિદેશમંત્રીએ શું કહ્યું? ન્યૂઝ અપડેટ
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે ઈરાનની સત્તા એ લોકોના હાથમાં છે જે "કટ્ટરપંથી વિચારસરણી" ધરાવે છે.
ફૉક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં રુબિયોએ કહ્યું, "ધાર્મિક વિચારસરણીવાળા કટ્ટરપંથી લોકો માત્ર આઇઆરજીસી અધિકારીઓ જ નહીં, પણ ઈરાનના રાજકારણ અને તેમની આસપાસની પરિષદમાં પણ સામેલ છે."
આ મુલાકાતમાં રુબિયોને પુછાયું હતું કે શું તેઓ માને છે કે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ જીવિત છે?
જવાબમાં માર્કો રુબિયોએ કહ્યું, "હા, અમને એવા સંકેતો મળ્યા છે કે તેઓ જીવિત છે, પરંતુ કોઈ ઠોસ પુરાવા નથી. ઈરાન પણ દાવો કરી રહ્યું છે કે તેઓ જીવિત છે."
નોંધનીય છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પછી સર્વોચ્ચ નેતા બનેલા મોજતબા ખામેનીનો કોઈ વીડિયો કે ઑડિયો બહાર આવ્યો નથી. તેઓ માત્ર લેખિત સંદેશાઓના માધ્યમથી દેખાયા છે.
ઈરાને યુદ્ધ પૂરું કરવાનો પ્રસ્તાવ મોકલ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ કેમ નાખુશ થયા?
ઈરાને હાલમાં અમેરિકાને યુદ્ધ સમાપ્ત કરવા માટે એક નવો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેનાથી ખુશ નથી.
એક અધિકારીને ટાંકીને રૉયટર્સે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પની નારાજગી એ હતી કે પ્રસ્તાવમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ઉલ્લેખ નહોતો.
અગાઉ વ્હાઇટ હાઉસના પ્રવક્તા કૅરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને આ વિસ્તારમાંથી ઊર્જાનો પુરવઠો ઘટી ગયો છે.
બીજી તરફ, છેલ્લા બે દિવસમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પાકિસ્તાન, ઓમાન અને રશિયાની મુલાકાત લીધી છે. એવું માનવામાં આવે છે કે તેમનો ઉદ્દેશ્ય ઈરાન માટે સમર્થન મેળવવાનો હતો.
નોંધનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત થઈ શકી નથી, એ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ફોનથી પોતાનો પ્રસ્તાવ મોકલી શકે છે.
અફઘાનિસ્તાનનો આરોપ- પાકિસ્તાની હુમલામાં 7 લોકો માર્યા ગયા અને 75 ઘાયલ થયા
બીબીસી સંવાદદાતા યોગિતા લિમયે અને ગેબ્રિએલા પોમેરેના જણાવ્યા અનુસાર, સોમવારે પૂર્વ અફઘાનિસ્તાનના કુનારમાં થયેલા હુમલામાં કમસે કમ સાત લોકો માર્યા ગયા અને 75થી વધુ ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસનના અધિકારીઓનો આરોપ છે કે પાકિસ્તાને આ હુમલાઓ કર્યા છે.
તાલિબાન શાસનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે દાવો કર્યો હતો કે સોમવારે બપોરે બે વાગ્યે શરૂ થયેલા પાકિસ્તાની હુમલાઓમાં મોર્ટાર અને રૉકેટ છોડવામાં આવ્યાં હતાં.
જ્યારે કેટલાંક સૂત્રોએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ફાઇટર જેટ અને ડ્રોનનો પણ ઉપયોગ થયો હતો.
તાલિબાન અનુસાર, ઘાયલોમાં યુનિવર્સિટીના 30 વિદ્યાર્થી, બાળકો અને નાગરિકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે યુનિવર્સિટી અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યાના અહેવાલો ખોટા છે.
થોડાં અઠવાડિયાં પહેલાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક નશામુક્તિ કેન્દ્ર પર હવાઈ હુમલો કરાયો હતો, સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં 269 લોકો માર્યા ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન