You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'28 દિવસમાં 6 કિલો ઘટ્યું', ચીનની એ જેલ જ્યાં વજન ઘટાડવા માટે લોકો 'કેદીઓ' બને છે
- લેેખક, સારા બેલ
- પદ, ગ્લોબલ ડિજિલ હેલ્થ
- વાંચવાનો સમય: 6 મિનિટ
સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોઈ શકાય છે, જેમાં ઘણા લોકો એક મોટા સ્પૉર્ટ્સ હૉલમાં કસરત કરતા નજરે પડે છે, કૅન્ટીનના ભોજન માટે લાઇનમાં લાગેલા અને પથારીથી ભરેલાં શયનગૃહોમાં સૂતેલા નજરે પડી રહ્યા છે.
ફિટનેસનું આ નવું ઠેકાણું કોઈ લક્ઝરી સ્પા રિટ્રીટ નથી, બલકે ચીનનો મિલટરી-સ્ટાઇલ વજન ઘટાડવા માટેનો કૅમ્પ છે. કેટલાક લોકો તેને 'ફૅટ જેલ' કહે છે. અહીં વચ્ચે-વચ્ચે કંઈક ખાઈ લેવા પર કડક પાબંદી હોય છે અને દિવસમાં બે વખત વજન કરવું અનિવાર્ય હોય છે.
ચાઇનીઝ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિશ્વના ઘણા દેશોની માફક ચીન પણ સ્થૂળતાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને ત્યાં આવા લગભગ એક હજાર કૅમ્પ્સ છે. 600 ડૉલરમાં તમે એક મહિનાનું પૅકેજ બુક કરી શકો છો, જેમાં રહેવા માટેની જગ્યા, ભોજન અને રોજિંદી કસરત માટેના વર્ગો સામેલ હોય છે.
ઇન્સ્ટાગ્રામ પર eggeats નામે પોતાનો અનુભવ શૅર કરનારાં કન્ટેન્ટ ક્રિએટર ટીએલ હુઆંગે બીબીસી વર્લ્ડ સર્વિસના 'વૉટ ઇન ધ વર્લ્ડ' પૉડકાસ્ટને કહ્યું કે આ અનુભવ 'સંપૂર્ણપણે જેલ જેવો' રહ્યો, કારણ કે તેઓ 28 દિવસ સુધી કૅમ્પસથી બહાર ન જઈ શક્યાં અને તેમણે પોતાનું વજન ટ્રૅક કરવું પડતું.
હુઆંગ કહે છે, "અમારા ટ્રેનર નજર રાખતા, એ સુનિશ્ચિત કરવા માટે કે અમે સંતાઈને જંક ફૂડ ન લઈ રહ્યા હોઈએ, તમામ ક્લાસિસ અટેન્ડ કરી રહ્યા હોઈએ, અને કોઈ ફણ નક્કર કારણ વગર ન તો કોઈને ક્લાસ છોડવાની પરવાનગી હતી અને કૅમ્પથી બહાર જવાની."
જોકે, તેમનું કહેવું છે કે તેમને આ રીત અસરકારક લાગી, પરંતુ ન્યૂટ્રિશન ઍક્સપર્ટ્સનું કહેવું છે કે આવી અત્યંત કઠોર રીતોથી શારીરિક અને માનસિક, બંને પ્રકારના ખતરા ઉદ્ભવી શકે છે.
પર્સનલ ટ્રેનર અને ન્યૂટ્રિશનિસ્ટ લ્યૂક હાના કહે છે કે, "કેટલાક કૅમ્પ દરરોજ એક કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. આ દર, મેડિકલ દેખરેખમાં રહેનારા પુખ્ત વયના લોકો માટે સુરક્ષિત મનાતી મર્યાદા કરતાં પણ ઘણો વધુ છે."
તો પછી આ કૅમ્પ કેવી રીતે ચલાવાય છે, અને એ આટલા લોકપ્રિય કેવી રીતે થઈ ગયા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બદલાવનો સમય'
હુઆંગ જણાવે છે કે તેમણે આ કૅમ્પો વિશે સૌથી પહેલા પોતાનાં માતા પાસેથી સાંભળ્યું હતું, જેઓ ચાઇનીઝ છે. ચીનમાં એકલાં ફર્યા બાદ તેઓ પોતાની જાતને 'ખૂબ અસ્વસ્થ' મહેસૂસ કરી રહ્યા હતાં, તેમની દિનચર્યા ખરાબ થઈ ગઈ હતી અને તેઓ ખૂબ વધારે પ્રમાણમાં ફૂડ ડિલિવરી મગાવવા લાગ્યાં હતાં.
હુઆંગ પ્રમાણે, ત્રણ વર્ષમાં તેમનું વજન લગભગ 20 કિલો વધી ગયું હતું. તેના કારણે તેમના સંબંધીઓ ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા, જેના કારણે તેમને લાગ્યું કે "હવે કંઈક બદલવાનો સમય પાકી ગયો છે."
તેઓ કહે છે કે, "મને લાગ્યું કે સ્થૂળતાના કારણે મારી મજાક ઉડાવાઈ રહી છે, પરંતુ સાથે જ, કદાચ તેઓ થોડી કડકાઈ સાથે મારા પર પ્રેમ પણ વ્યક્ત કરી રહ્યા છે."
કૅમ્પમાં જવું તેમના માટે 'એક ખૂબ મોટો સાંસ્કૃતિક ફટકો' હતો, પરંતુ હુઆંગનું કહેવું છે કે ત્યાં હાજર લોકો વચ્ચે એક મજબૂત આત્મીયભાવ હતો, કારણ કે બધા સાથે મળીને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
દરરોજ દિવસની શરૂઆત સવારે 7.30 વાગ્યે વજન માપવાથી થતી. એ બાદ ચાર કલાકની કસરત થાતી - જેમાં સ્પિન ક્લાસ, ટ્રમ્પોલિનિંગ, હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (એચઆઇઆઇટી), તબાતા (એચઆઇઆઇટીનું વધુ તીવ્ર સ્વરૂપ) અને વેઇટ ટ્રેનિંગ સામેલ હતી.
નાસ્તામાં ચાર બાફેલાં ઈંડાં, અડધું ટામેટું અને કાકડીના બે કટકા મળતાં. એક વીડિયોમાં હુઆંગ અને લંચને રેટિંગ આપતાં દેખાય છે - જેમાં જિંગા, બાફેલી શાકભાજી અને ટોફૂ (સોયા મિલ્કમાંથી બનતી ખાદ્ય સામગ્રી) કે પછી બાફેલી માછલી, ચાઇનીજ-સેલેરી, બાફેલી લીલાં પાનવાળી શાકભાજી કે ફુલેવર સામેલ હોય છે.
તેઓ કહે છે કે, આ ભોજન "સારા, સંતુલિત અને સામાન્ય ચાઇનીઝ ભોજનની માફક ડિઝાઇન કરાયેલાં" હોય છે.
ડિનર બાદ મહેમાનો પાસેથી આશા રખાય છે કે તેઓ અંતિમ એક કલાકની સ્પિન ક્લાસમાં ભાગ લે, એ બાદ સાંજે 7.30 વાગ્યે ફરી વાર વજન કરાતું. એ બાદ તેઓ સ્નાન કરીને આરામ કરી શકતા.
હુઆંગ કહે છે કે પ્રથમ અઠવાડિયામાં આ રૂટિન તેમને 'ઘણુ નવું અને અલગ' લાગ્યું, પરંતુ બાદમાં તેમને અહેસાસ થયો કે તેમણે આ બધું હજુ ત્રણ અઠવાડિયાં સુધી કરવું પડશે. મિત્રો સાથે સતત મૅસેજ પર વાત કરતા રહેવાની બાબત જ તેમને આગળ વધવાની તાકત આપતી રહી.
જોકે, તેઓ સુવિધાઓને જેલ જેવી ગણાવે છે, તેમ છતાં હુઆંગનું માનવું છે કે એ બધું કારગત હતું - 28 દિવસમાં તેમણે 13.2 પાઉન્ડ (છ કિલો) વજન ઘટાડી લીધું.
તેઓ કહે છે કે, "તેણે મને એ પ્રકારે હાર્ડ રિસેટ કરી દીધું અને એ માળખું આપ્યું, જેની મને દરકાર હતી."
'સામાન્ય વિકાસ પર અસર'
પરંતુ નિષ્ણાતો સાવધાની રાખવાની સલાહ આપે છે. લંડનના એક પર્સનલ ટ્રેનર લ્યૂક હાના કહે છે કે આ કૅમ્પોની રીત ખાસ કરીને એટલા માટે ચિંતાની બાબત છે, કારણ કે જ્યારે વજન ઘટે છે તો શરીરમાંથી માત્ર ચરબી જ નહીં, માંસપેશી પણ ઘટે છે. આવી સ્થિતિમાં જો જરૂર કરતાં વધુ કસરત જેવી અત્યંત કઠોર રીતોનો ઉપયોગ કરાય તો મસલ્સ ગુમાવવાનો ખતરો વધી જાય છે.
આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે બાળકો કે યુવાનો આવી રીતે વજન ઉતારે છે.
તેઓ કહે છે કે, "આવું કરવાથી સામાન્ય શારીરિક વિકાસ પર પણ અસર પડી શકે છે. શક્ય છે કે આની અસર તમારાં હાડકાંના સ્વાસ્થ્ય પર પડે અને અંતે તમારી કુલ લંબાઈ જેટલી થવાની છે, તેના પર પણ અસર પડી શકે છે."
આ સિવાય, આવું કરવાથી માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમ કે, ઇટિંગ ડિસૉર્ડર થવાના ખતરાનું ખૂબ વધી જવું.
હાનાનું કહેવું છે, "કેટલાક લોકો ખૂબ ઝડપથી ઘણું વજન ઉતારી લે છે, જે સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોનું વજન સામાન્ય જિંદગીમાં પરત ફરતાં જ પાછું વધી જાય છે, કારણ કે આવું કરવાથી અસલ કારણો કે સમસ્યાઓનું સમાધાન નથી થતું."
યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) ધીમે ધીમે વજન ઘટાડવાની સલાહ આપે છે - એકથી બે પાઉન્ડ કે અડધાથી એક કિલો સુધી.
હાના કહે છે કે લોકોએ આવું કરવાને સ્થાને પોતાના સામાન્ય માહોલમાં ધીરે ધીરે ટેવો બદલવા પર ધ્યાન આપવું જોઈએ, નિયમિત પૌષ્ટિક ખોરાક લેવો, ભરપૂર પ્રોટીન લેવું અને સજા તરીકે નહીં, પરંતુ શીખવા, રમવા અને મજા માટે કસરત કરવી.
ખરેખર તો, ઇન્સ્ટાગ્રામ પર બાદના એક વીડિયોમાં ટીજે હુઆંગ પોતે કહે છે કે સૌથી મુશ્કેલ ભાગ ઘરે પરત ફરવાનો હતો, કારણ કે તેમના શરીરને હવે એ નહોતું સમજાઈ રહ્યું કે 'સામાન્ય' ભોજન કેવું લાગે છે.
એક હેલ્ધી ડાયટમાં દરરોજ ઓછામાં ઓછાં પાંચ ફળ અને શાકભાજી સામેલ હોવાં જોઈએ, સાથે જ અઠવાડિયામાં 150 મિનિટ સુધી ઍક્ટિવ રેહવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
મીઠાં ડ્રિંક્સના સ્થાને પાણી પીવું અને વધુ ચરબી અને વધુ ખાંડવાળા ભોજનને ઘટાડવું મદદરૂપ સાબિત થઈ શકે છે.
ભેદભાવ
બીબીસીના ગ્લોબલ ચાઇના યુનિટથી વાનકિંગ ઝાંગ પ્રમાણે, ચીનમાં આ કૅમ્પ 21મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં શરૂ થયા હતા. તેનું કારણ એક ટીવી કાર્યક્રમ હતો, જેમાં વજન ઘટાડવા માટેની સંસ્થાઓની અંદરનું જીવન બતાવાયું હતું. એ શોઝના કોચોએ બાદમાં પોતાના વજન ઘટાડવા માટેના કૅમ્પ શરૂ કરી દીધા. પરંતુ અસલી તેજી પાછલાં દસ વર્ષોમાં આવી, જ્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો.
ઝાંગ કહે છે કે, "જો તમે ચાઇનીઝ સોશિયલ મીડિયા પર જાઓ તો તમને ઘણા પ્રકારનું કન્ટેન્ટ દેખાશે, તેને કાં તો કૅમ્પના આયોજકોએ નાખ્યું હશે અથવા તો આ કૅમ્પોમાં ભાગ લેનારા લોકોએ."
ઝાંગ જણાવે છે કે આ કૅમ્પ ઘણા પ્રકારના હોઈ શકે છે. કેટલાક કઠોર, અનુશાસનવાળા કૅમ્પ હોય છે, જેમાં હુઆંગ ગયાં હતાં. પરંતુ કેટલાક એટલા વધુ કઠોર હોય છે કે તેમાં શયનગૃહની બહાર સીસીટીવી લાગેલા હોય છે, જેથી જો કોઈ ભોજન મંગાવવાનો પ્રયાસ કરે તો તેને પકડી શકાય.
તેમજ બીજી તરફ, કેટલાક કૅમ્પ આનાથી બિલકુલ ઊલટ હોય છે, "અત્યંત ફૅન્સી, હાઇ-ઍન્ડ રિટ્રીટ ટાઇપ, જ્યાં તમે કોઈક સુંદર તળાવને જોતાં જોતાં ટ્રેડમિલ પર દોડી શકો છો."
આ કૅમ્પોની પાછળનું સૌથી મોટું કારણ સમગ્ર વિશ્વમાં વધતી જતી સ્થૂળતા છે. લગભગ બે તૃતીયાંશ દેશોમાં 50 ટકા કરતાં વધુ પુખ્ત વયના લોકો વધુ વજનવાળી કે સ્થૂળની શ્રેણીમાં છે. ચાઇનીઝ સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે, દેશમાં લગભગ 34 % પુખ્તો વધુ વજન ધરાવે છે, જ્યારે 16% સ્થૂળતાથી ગ્રસ્ત મનાય છે.
બીબીસીનાં ઝાંગનું કહેવું છે કે આની પાછળ એક સાંસ્કૃતિક પાસું પણ કારણભૂત છે. "ચીન એવો દેશ છે જ્યાં વજન અંગે વિવિધતા અને સ્વીકાર કરવાની ક્ષમતા અને સહનશીલતા ઓછી છે. તેનો અર્થ એ છે કે જો તમારું વજન વધુ છે. તો તમને નોકરીનો માહોલ કે ડેટિંગના વિશ્વમાં વધુ ભેદભાવનો સામનો કરવો પડી શકે છે."
ચોખા, ડમ્પલિંગ્સ અને નૂડલ્સ જેવા ભોજનમાં રહેલા રિફાઇન્ડ કાર્બ્સ એક સમસ્યા છે, સાથે જ એ વાત પણ છે કે સમગ્ર વિશ્વમાં લોકો મોકળાશનો સમય બહાર પસાર કરવાને સ્થાને ફોન કે ટૅબ્લેટ સાથે ઘરોની અંદર જ રહે છે.
આ દરમિયાન, હુઆંગના ઇન્સ્ટાગ્રામ પરથી ખબર પડે છે કે તેઓ હવે થાઇલૅન્ડમાં છે, જ્યાં તેઓ વધુ એક 30 દિવસીય વજન ઘટાડવાના પડકારમાં ભાગ લઈ રહ્યાં છે, જે અંતર્ગત અતિશય ગરમીમાં દરરોજ બે કલાક કસરત કરવાની હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન