'તમે અમારા ગુલામ છો, નોકર છો', સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં એવું શું થયું કે એક રેસિડન્ટ ડૉક્ટરે મોતને ગળે લગાવ્યું?

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, સુરતની નવી સિવિલ હૉસ્પિટલની હૉસ્ટેલના રૂમમાંથી ડૉ. હર્ષ પંડ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો.
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં રવિવારે 30 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટરે આત્મહત્યા કર્યા પછી તેની પાછળ 'કેટલાક સિનિયર ડૉક્ટરોનો ત્રાસ' કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તપાસ પછી ચાર ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે.

મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડૉક્ટર હર્ષ પંડ્યાએ ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખાતે માઇક્રોબાયૉલૉજી વિભાગમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે તેમણે હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલી પીજી હૉસ્ટેલમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

હર્ષના પિતા પણ ડૉક્ટર છે અને તેમણે રવિવારે જ શંકા વ્યક્ત કરી હતી કે આ 'રેગિંગનો મામલો' છે.

ત્યાર બાદ આ ઘટનાની તપાસ કરવા તાત્કાલિક એક સમિતિ રચવામાં આવી હતી. સમિતિના તપાસ અહેવાલ પછી ચાર સિનિયર ડૉક્ટરોને છ મહિના માટે હૉસ્પિટલ, હૉસ્ટેલ તથા તમામ શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી 'સસ્પેન્ડ' કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અમુક પદાધિકારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

આ ચારેય પર ડૉ. હર્ષ પંડ્યા પર રેગિંગ કર્યાનો આરોપ છે.

ડૉ. હર્ષ પંડ્યા સાથે શું થયું હતું?

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, સુરતની નવી સિવિલ હૉસ્પિટલની પીજી હૉસ્ટેલ, જ્યાં રેસિડન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરી.

ડૉ. હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હૉસ્પિટલમાં માઇક્રોબાયૉલૉજી વિભાગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કૅમ્પસમાં જ આવેલી બૉયઝ હૉસ્ટેલમાં રહેતા હતા.

રવિવારે ડૉ. હર્ષ પંડ્યા પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતાં સિનિયર તબીબે તેમને ફોન કર્યો હતો. પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો, તેથી અન્ય એક રેસિડન્ટ ડૉક્ટરને રૂમ પર જઈને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

હર્ષ પંડ્યાના સાથી ડૉક્ટર જ્યારે હૉસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અંતે સિક્યૉરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવતાં અંદર ડૉ. હર્ષનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ઘટનાની તપાસ કરવા માટે તાત્કાલિક એક તપાસ સમિતિ રચાઈ હતી અને સમિતિના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમનાં નામ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત છે. આ ચારેયને તાત્કાલિક હૉસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે.

બીબીસીએ આ ચારેય આરોપીનો સંપર્ક કરવાની કોશિશ કરી છે પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે તેમનો સંપર્ક થશે ત્યારે અહીં તેમનો પક્ષ રજૂ કરવામાં આવશે. જોકે, મળતી વિગતો પ્રમાણે આ ચારેય આરોપીઓએ તપાસ સમિતિ સમક્ષ પોતાના પર લાગેલા આરોપોને સ્વીકાર્યા નથી.

તપાસ સમિતિના સભ્ય અને નવી સિવિલ હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ વડગામાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "જે ચાર ડૉક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમણે ડૉ. હર્ષ પંડ્યા સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યાની વાત તપાસ સમિતિ સમક્ષ સ્વીકારી નથી. તેઓ એવું જ કહે છે કે તેમણે જુનિયરોને માત્ર વાતચીત માટે બોલાવ્યા હતા. પરંતુ જે નવ જુનિયર ડૉક્ટરોએ અમને લેખિતમાં આપ્યું છે તેના પરથી આ લોકો સામે પુરાવા મળ્યા છે. તેમના વૉટ્સઍપ ગ્રૂપની ચૅટની વિગતો પણ મળી છે, તેથી તેમને સિનિયરોએ બોલાવ્યા હતા તે ચોક્કસ છે. સેકન્ડ યરના સ્ટુડન્ટને આ રીતે ફર્સ્ટ યરના સ્ટુડન્ટને બોલાવવાનો કોઈ અધિકાર નથી."

તપાસમાં શું બહાર આવ્યું?

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

ઇમેજ કૅપ્શન, ડૉ. હર્ષ પંડ્યાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

રેસિડન્ટ ડૉક્ટરની આત્મહત્યા પછી તેનાં કારણોની તપાસ કરવા નવી સિવિલ હૉસ્પિટલની મેડિકલ કૉલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ વડગામાની આગેવાનીમાં એક તપાસ સમિતિ રચવામાં આવી હતી.

સમિતિએ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે નિવેદનો નોંધ્યાં હતાં. ત્યાર પછી માઇક્રોબાયૉલૉજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓનાં નિવેદનો નોંધીને એક રિપોર્ટ ઍન્ટિ-રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો હતો.

ડૉ. પારુલ વડગામા અને ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે આજે મીડિયાને જણાવ્યું હતું કે "ફર્સ્ટ યરના નવ રેસિડન્ટ ડૉક્ટરોનાં નિવેદનો લેવામાં આવ્યાં જેમાં જાણવા મળ્યું કે કેટલાક સિનિયરો તેમનું રેગિંગ અને કરતા હતા. તેમાં કોઈ શારીરિક ત્રાસ આપવામાં આવ્યો ન હતો, પરંતુ માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા. ઍન્ટિ-રેગિંગ સ્ક્વૉડને માનસિક સતામણી અને મૌખિક દુર્વ્યવહારના પુરાવા મળ્યા છે જે રેગિંગ હેઠળ આવે છે."

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

ઇમેજ કૅપ્શન, સુરત સિવિલ હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ વડગામા અને મેડિકલ કૉલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ

ડૉ. હર્ષ અને બીજા ડૉક્ટરોની કેવી રીતે સતામણી થતી હતી તે વિશે પૂછવામાં આવતા ડૉ. પારુલ વડગામાએ જણાવ્યું કે, સિનિયરો દ્વારા તેમની સાથે મૌખિક દુર્વ્યવહાર થતો હતો, 'અમે તમારા બૉસ છીએ, તમે અમારા ગુલામ અને નોકર છો' એવું કહીને કલાકો સુધી ગોંધી રાખવામાં આવતા હતા.

ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે સિનિયર ડૉક્ટરો દ્વારા કોઈનું રેગિંગ થાય છે તે વિશે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ ઍન્ટિ રેગિંગ સમિતિને મળી નથી.

આ સાથે જ માઇક્રોબાયૉલૉજી વિભાગનાં વડાં ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો - ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. હવે ચારેય રેસિડન્ટ ડૉક્ટરો સામે એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ડૉ. પારુલ વડગામાએ એવું પણ જણાવ્યું કે છ મહિના પછી ચારેય ડૉક્ટરો પોતાનો અભ્યાસ ફરી શરૂ કરી શકશે.

સિનિયરો સતામણી કરતા હોવાનો આરોપ

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, ડૉ. હર્ષ પંડ્યાના પિતા સુભાષ પંડ્યા પણ ડૉક્ટર છે. તેમના કહેવા મુજબ હર્ષને સિનિયરો તરફથી પરેશાન કરવામાં આવતા હતા.

હર્ષના પિતા ડૉ.સુભાષ પંડ્યાએ રવિવારે જ શંકા દર્શાવી હતી કે તેમના પુત્રની આત્મહત્યા પાછળ સિનિયરોની સતામણી જવાબદાર હોઈ શકે છે.

તેમણે કહ્યું કે "રેગિંગ વિરોધી કાયદો તો છે, પરંતુ વાસ્તવમાં તેનો અમલ કેટલો થાય છે તે સવાલ છે. અમે પણ પીજીમાં રહીને ડૉક્ટર બન્યા છીએ. રેગિંગ મોટા ભાગે દરેક કૉલેજોમાં ચાલતું હોય છે. કાયદાનો અમલ ન થાય તો તેની કોઈ અસરકારકતા રહેતી નથી. સિનિયરો અને જુનિયરો વચ્ચે પ્રશ્નો હોય છે."

હર્ષે ક્યારેય રેગિંગ બાબતે પરેશાની હોવાની વાત કરી હતી કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "હર્ષે ઘણી વખત ફોન પર કહ્યું હતું કે સિનિયરોના કારણે કેટલાક પ્રશ્નો છે, પરંતુ અમે અમારી રીતે ઉકેલી લઈશું."

ગુજરાતના આરોગ્ય મંત્રીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી સુરત નવી સિવિલ હૉસ્પિટલ ડૉક્ટર આત્મહત્યા રેગિંગ વિદ્યાર્થી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

બે મહિના અગાઉ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજમાં પણ સિનિયરો દ્વારા જુનિયર ડૉક્ટરોનું રેગિંગ કરવાનો મામલો આવ્યો હતો, ત્યાર પછી સુરતની આ ઘટના બહાર આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ રવિવારે મીડિયાને જણાવ્યું કે "સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં એક રેસિડન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરી છે. સૌથી પહેલાં પીએમ (પોસ્ટમૉટર્મ) અને પછી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. મેં મૃતકના પિતા સાથે બે વખત વાત કરી છે. તેમને ન્યાય અપાવવા માટે મેં સરકાર તરફથી ખાતરી આપી છે. તેમણે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ જાણવામાં આવશે."

તેમણે કહ્યું કે "હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો મેઇલ અથવા ફોન દ્વારા અમારો સંપર્ક કરો."

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન