You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળમાં કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, 35 નેતા લેશે મંત્રીપદની શપથ – ન્યૂઝ અપડેટ
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીએ જણાવ્યું છે કે સોમવારે, એક જૂને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
સુવેંદુ અધિકારીએ સોલિયલ મીડિયા ઍક્સ પર જણાવ્યું છે કે શપથગ્રહણ સમારોહ સવારે 11 કલાકે થશે અને તેમાં 35 નેતા શપથ લેશે.
આ પહેલાં સુવેંદુ અધિકારીએ 9મી મેના રોજ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીપદના શપથ લીધા હતા. તેમની સાથે પાંચ નેતાઓએ પણ શપથ લીધાં હતાં.
પશ્ચિમ બંગાળમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં કુલ મળીને ભાજપે 293 બેઠકોમાંથી 207 બેઠકો જીતી લીધી હતી. રાજ્યમાં પહેલી વખત ભાજપની સરકાર બની છે. પછી એક બેઠક પર યોજાયેલા ફેરમતદાનમાં પણ ભાજપે જીત મેળવી હતી.
આઈપીએલ 2026 ફાઇનલ : આરસીબીએ જીત્યો ટૉસ, ગુજરાત ટાઇટન્સની પહેલા બેટિંગ
આઈપીએલ 2026ની ફાઇનલ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી)એ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે.
આ સિઝનમાં આ ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
બંને ટીમો પહેલા ક્વૉલિફાયર મુકાબલામાં આમને-સામને થઈ હતી અને તેમાં આરસીબીએ ગુજરાતની ટીમ સામે જીત નોંધાવી હતી.
ગુજરાતે બીજા ક્વૉલિફાયર મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. બંને ટીમો એક-એક વખત ખિતાબ જીતી ચૂકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરસીબીએ ગત વર્ષે આઈપીએલ-2025નો ખિતાબ જીત્યો હતો જ્યારે કે ગુજરાત ટાઇટન્સે વર્ષ 2022માં આઈપીએલમાં પોતાની પહેલી સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો.
ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં ઐતિહાસિક અને રણનીતિક કિલ્લા પર કબજાની કરી ઘોષણા
ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે તેમની સેનાએ દક્ષિણ લેબનોનમાં સ્થિત ઐતિહાસિક તથા રણનીતિક બ્યૂફૉર્ટ પર કબજો કરી લીધો છે. આ જગ્યાને શાકિફના નામે ઓળખવામાં આવે છે.
સંરક્ષણ મંત્રી ઇઝરાઇલ કાત્ઝે એમ પણ કહ્યું છે કે દક્ષિણ લેબનોનમાં હિઝ્બુલ્લાહની સામે ઇઝરાયલી સેનાના જમીની અભિયાનનો વિસ્તાર થઈ રહ્યો છે.
તેમણે પોતાની ટેલિગ્રામ ચૅનલ તથા ઍક્સ હૅન્ડલ પર લખ્યું, "બ્યૂફૉર્ટની લડાઈના 44 વર્ષ બાદ તથા ઑપરેશન પીસ ફૉર ગૅલિલી (પહેલું લેબનોન યુદ્ધ 1982)માં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં મનાવાતો દિવસ, આઈડીએફના સૈનિક એક વખત ફરી આ કિલ્લામાં પરત ફર્યા અને ત્યાં ઇઝરાયલનો ઝંડો લહેરાયો."
તેમણે કહ્યું, "ઇઝરાયલી સેનાએ લેબનોનમાં પોતાનાં અભિયાનોનો વિસ્તાર કર્યો છે. સેનાએ લિટાની નદીને પાર કરી અને બ્યૂફૉર્ટ પર કબજો કરી લીધો."
બીબીસી ફારસી સેનાના જણાવ્યા પ્રમાણે, રવિવારે સવારે ન્યૂઝ એજન્સી એએફપીએ આ કિલ્લાની તસવીર લીધી છે, આ તસવીરોમાં કિલ્લા પર ઇઝરાયલી ઝંડો લહેરાતો નજરે પડે છે.
જોકે, આસપાસના વિસ્તારોમાં ગોળીબારનો અવાજ પણ આવી રહ્યો છે તથા ઘુમાડો પણ દેખાય છે.
બીબીસી ફારસીના જણાવ્યા પ્રમાણે, આ કિલ્લાથી દક્ષિણ લેબનોનનો મોટો ભાગ દેખાય છે અને તેને સૈન્ય દૃષ્ટિએ ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પહેલા ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોન પર પોતાના કબજા દરમિયાન આ કિલ્લાનો ઉપયોગ એક સૈન્ય ઠેકાણા તરીકે કર્યો, આ લગભગ બે દસક સુધી ચાલ્યું અને તેનો ઉપયોગ 2000માં સમાપ્ત થયો.
ફ્રાન્સ : ફૂટબૉલ ચૅમ્પિયન્સ લીગના જશનમાં અફરાતફરી મચ્યા બાદ 400થી વધુ લોકોની ધરપકડ
ફ્રાન્સમાં ફૂટબૉલ પ્રશંસકો અને પોલીસ વચ્ચે થયેલાં ઘર્ષણોમાં 400 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઈ છે.
પુસ્કાસ એરિનામાં શનિવારે રમાયેલી ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં પેરિસ સેન્ટ-જર્મેન (પીએસજી)એ આર્સેનિલને હરાવી દીધું હતું. એ બાદ મોડી રાત્રે ઉજવણી વખતે હિંસા ભડકી ગઈ.
પ્રશંસકોએ ફટાકડા ફોડ્યા, એ દરમિયા ઘણા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા. ભીડને હઠાવવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કર્યો, એ બાદ ઘર્ષણ શરૂ થયું.
પોલીસે જણાવ્યું કે ઘર્ષણ દરમિયાન છ ગાડીઓ, બે દુકાનો અને એક બસ શેલ્ટરને નુકસાન પહોંચાડાયું. અધિકારીઓ અનુસાર રવિવાર સુધી 416 લોકોની ધરપકડ કરાઈ, જેમાં 280 લોકો પેરિસથી હતા.
દક્ષિણપંથી નેતા મરીન લે પેને ઍક્સ પર લખ્યું, "માત્ર ફ્રાન્સમાં જ અમુક ફૂટબૉલ ક્લબનો વિજય રમખાણો ભડકાવે છે."
તેમણે આગળ કહ્યું, "માત્ર ફ્રાન્સમાં જ લોકો જીતની રાત્રે પોતાનાં ઘરોમાં બંધ રહેવા મજબૂર હોય છે, જેથી હિંસાનો સામનો ન કરવો પડે."
પેરિસમાં બસ, ટ્રેન અને રેલવે સેવાઓને બાધિત કરનારી અશાંતિને રોકવા માટે હજારો પોલીસકર્મીને તહેનાત કરાયા છે.
નોંધનીય છે કે પીએસજીએ સતત બીજો ખિતાબ જીત્યો છે. આ પહેલાં 2025માં પણ ફ્રૅન્ચ ટીમે જીત નોંધાવી હતી, ત્યારે પણ જીત બાદ થયેલી ઉજવણીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
અભિષેક બેનરજી પર હુમલાના મામલામાં પાંચ લોકોની ધરપકડ, પોલીસે શું જણાવ્યું
કોલકાતાથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ તિવારીએ જણાવ્યું કે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સાંસદ અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનરજી પર થયેલા હુમલાના મામલામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
આ ઉપરાંત ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટનાને ધ્યાને લેતાં વિસ્તારના વીડિયો ફૂટેજની મદદથી આ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં ધરપકડની સંખ્યા વધી શકે છે.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી અભિષેક બેનરજી અથવા તૃણમૂલ કૉંગ્રેસ તરફથી આ મામલામાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાવવામાં આવી.
પોલીસે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સામે હુમલો કરવા, અવૈધ રીતે ભીડ ભેગી કરવા, રસ્તો રોકવા અને ગાળો દેવા જેવા આરોપોમાં કેસ નોંધવામાં આવી છે. આ લોકોને આજે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આમ તો અભિષેક બેનરજી શનિવારના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનારપુરમાં ચૂંટણી બાદ હિંસામાં માર્યા ગયેલા તૃણમૂલ કૉંગ્રેસ કાર્યકર્તાના ઘરે જતા હતા. આ દરમિયાન તેમની પર હુમલો થયો હતો.
સોનારપુરથી અભિષેકને કોલકાતાના એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ પાર્ટીનો આરોપ હતો કે ત્યાં તેમની સારવાર ન થઈ શકી.
ત્યાર બાદ તેમને એક અન્ય ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં મેડિકલ તપાસ બાદ અભિષેક બેનરજી ઘરે પાછા ફર્યા હતા.
તૃણમૂલ કૉંગ્રેસ કાલથી જ આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડની માગ કરી રહી હતી.
મમતા બેનરજીએ અભિષેક બેનરજી પરના હુમલા અંગે કહ્યું- 'જો તેણે હેલ્મેટ ન પહેર્યું હોત તો મરી જાત'
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં વડાં અને પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શનિવારે પાર્ટીના સાંસદ અભિષેક બેનરજી પર થયેલા હુમલા અંગે ચિંતા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અભિષેકને યોગ્ય સમયે હેલ્મેટ પહેરાવ્યું ન હોત, તો તેનું મોત થઈ શકતું હતું.
તેમણે દાવો કર્યો હતો કે પથ્થરમારો અને હુમલાને કારણે અભિષેકને છાતી અને પાંસળીમાં ઈજા થઈ હતી.
મમતા બેનરજીએ તંત્રની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે પોલીસને આ મુલાકાતની અગાઉથી જાણ હતી.
તેમણે કહ્યું હતું કે, "પોલીસને અભિષેકની મુલાકાતની અગાઉથી જાણ હતી. છતાં, સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો રહે છે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે હિંસા ભડકાવવા માટે બહારના લોકોને લવાયા હતા. તેમણે કહ્યું હતું કે, "રાજકીય વિરોધનો અર્થ હિંસા ન હોવો જોઈએ. લોકશાહીમાં લોકોનું સમર્થન અને ચર્ચા જ રસ્તો હોવો જોઈએ, ભય કે દબાણ નહીં."
ઉલ્લેખનીય છે કે શનિવારે સોનારપુર વિસ્તારમાં અભિષેક બેનરજી પર હુમલો કરાયો હતો. ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત પરિવારોને મળવા તેઓ આવ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.
અભિષેક બેનરજીએ આ ઘટના માટે ભાજપને દોષી ઠેરવ્યો છે, જ્યારે રાજ્યના ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, "પશ્ચિમ બંગાળના લોકો ટીએમસીથી ગુસ્સે છે."
આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મૅચ પહેલાં વિજય માલ્યાએ શું કહ્યું?
ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે આઇપીએલ 2026ની ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આરસીબી ક્વૉલિફાયર-1 જીતીને સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી, જ્યારે ગુજરાત ટાઇટન્સે ક્વૉલિફાયર-2 જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ફાઇનલ મૅચ પહેલાં આરસીબીના પૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે અમારા બૅંગલુરુ સિંહોએ આઇપીએલ ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરી છે.
તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આરસીબી - અમારી મહાન સિંહોની ટીમ, આ તમારું વિજય તરફનું છેલ્લું પગલું છે જે તમે પહેલાંથી જ પ્રાપ્ત કરી ચૂક્યા છો."
"અમારા બૅંગલુરુ સિંહોએ આઇપીએલ ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરી છે. હવે એક જોરદાર 'પ્લે બોલ્ડ' ગર્જનાથી ટ્રૉફી જીતો. શુભકામનાઓ, ભગવાન તમને આશીર્વાદ આપે. બૅંગલુરુના સિંહો પહેલાં કરતાં પણ વધુ જોરથી ગર્જના કરો."
નોંધનીય છે કે આ સિઝનમાં બંને ટીમો ત્રણ વખત આમનેસામને થઈ છે, જેમાં આરસીબીએ બે વખત જીત મેળવી છે અને ગુજરાતે એક વખત જીત મેળવી છે.
ભારતે પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ ડ્યૂટી ઘટાડી
ભારત સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર નિકાસ ડ્યૂટી ઘટાડવામાં આવશે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, પેટ્રોલ પર નિકાસ ડ્યુટી રૂપિયા 1.5 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર રૂપિયા 13.5 પ્રતિ લિટર હશે. એટીએફ પર નિકાસ ડ્યૂટી રૂપિયા 9.5 પ્રતિ લિટર નક્કી કરાઈ છે.
દરો દર પખવાડિયે (બે અઠવાડિયાં) બદલાય છે. આ ફેરફારો ક્રૂડઑઇલ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફના સરેરાશ વૈશ્વિક ભાવ પર આધારિત છે.
સરકાર સામાન્ય રીતે દર પખવાડિયે આંતરરાષ્ટ્રીય ઑઇલની કિંમતોની સમીક્ષા કરે છે અને તે મુજબ પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર નિકાસ ડ્યૂટી નક્કી કરે છે.
જોકે, સામાન્ય લોકો માટે ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલ પર એ જ જૂનો કર લાદવામાં આવશે. ન તો નવા કર ઉમેરાયા છે કે ન તો ઘટાડો કરાયો છે.
નોંધનીય છે કે નિકાસ ડ્યૂટી એ કોઈ પણ સરકાર દ્વારા દેશની બહાર (અન્ય દેશોમાં) નિકાસ કરવામાં આવતા માલ પર લાદવામાં આવતો પરોક્ષ કર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન