'અહીં જ મોટા થયા, માબાપ બન્યાં, બાળકોનાં પણ લગ્ન કરાવ્યાં, પરંતુ હવે...' ભારતમાંથી બાંગ્લાદેશ ભાગી રહેલા લોકો શું કહી રહ્યા છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે જે લોકો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હતા, તેઓ જો 'સ્વેચ્છાએ' પાછા જવા ઇચ્છતા હોય તો તેમના વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવામાં નહીં આવે.

આ જાહેરાત પહેલાંથી જ દરરોજ ઘણા લોકો સીમા પાર કરીને બાંગ્લાદેશમાં પ્રવેશવા માટે સાતક્ષીરા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સીમા વિસ્તારોમાં પહોંચવા લાગ્યા છે.

આજ સીમા પર અમારી મુલાકાત બચ્ચુ મુનશી સાથે થઈ.

તેમણે કહ્યું, "જ્યારે હું લગભગ દસ વર્ષનો હતો ત્યારે માબાપનો હાથ પકડીને ભારત આવ્યો હતો. લગભગ 38 વર્ષ થઈ ગયાં, અહીં જ લગ્ન કર્યાં, બાળકો થયાં. તેમનાં લગ્ન પણ અહીં જ કરાવી દીધાં."

બચ્ચુ મુનશીએ જણાવ્યું કે તેઓ કોલકાતાના ડમડમ ઍરપૉર્ટ નજીક રહેતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે બાંગ્લાદેશના સાતક્ષીરા જિલ્લાને અડીને આવેલા ભારતના ઉત્તર 24 પરગણાના હાકિમપુર સીમા ચોકી પર આવ્યા છે.

તેમનો દાવો હતો કે તેઓ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના રહેવાસી હતા.

હાકિમપુર સીમા પર દરરોજ તેમના જેવા અનેક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો આવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે કોઈ જેસોરથી, કોઈ ખુલનાથી, કોઈ સાતક્ષીરાથી ભારત આવ્યા હતા. કોઈ બે વર્ષ પહેલાં તો કોઈ પાંચ-છ વર્ષ પહેલાં.

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ નવી સરકાર બન્યા પછી થોડા જ દિવસોમાં મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારીએ જાહેરાત કરી કે 'બાંગ્લાદેશી ઘૂસણખોરોને' હવે રહેવા દેવામાં નહીં આવે, તેમને પાછા મોકલવામાં આવશે. ત્યારથી છેલ્લા અઠવાડિયાથી દર સવારે લોકો સીમા પર ભેગા થવા લાગ્યા છે, જેથી તેઓ પોતાના દેશમાં પરત જઈ શકે.

હાકિમપુરના સ્થાનિક નિવાસી હસનુર ગાઝી કહે છે, "શરૂઆતમાં રોજ 10-12 લોકો આવતા હતા, પછી આ સંખ્યા વધતી ગઈ. ત્રણ દિવસથી તો આ સંખ્યા સેકડોમાં પહોંચી ગઈ છે."

સીમા પર એકત્ર થયેલા ઘણા લોકો કહી રહ્યા હતા કે તેઓ 'ચોરી છૂપે' ભારતમાં આવ્યા હતા અને 'ગેરકાયદેસર રીતે' પશ્ચિમ બંગાળમાં રહીને કામ કરતા હતા.

સીમા ચોકી પરનો એક દિવસ

હાકિમપુર વિસ્તાર ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગર થાણા હેઠળ આવે છે. બીએસએફ ચોકી પાર કરવાથી તરાળી ગામ આવે છે, પછી સોનાઈ નદી. નદીની બીજી બાજુ બાંગ્લાદેશનો સાતક્ષીરા જિલ્લો છે.

હાકિમપુરના સ્થાનિક નિવાસી મુસ્તફા શાઓજીએ કહ્યું, "મુખ્ય મંત્રીએ ઘોષણા કરી કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને રાજ્યમાંથી જવું પડશે, ત્યારથી લોકો અહીં એકત્ર થઈ રહ્યા છે."

સીમા પર જોવા મળ્યું કે પહેલાં તેમને એક મકાનમાં રાહ જોવાનું કહેવામાં આવે છે. ત્યાંથી પોલીસ દરેક પરિવારને બોલાવી તેમના દસ્તાવેજોની તપાસ કરે છે. તપાસ થાય છે કે તેમની પાસે બાંગ્લાદેશનું ઓળખપત્ર છે કે નહીં. નામ, ઓળખ, બાંગ્લાદેશના કયા જિલ્લામાં તેમનું મૂળ ઘર હતું — વગેરે વિગતો નોંધવામાં આવે છે. ફોટા પણ લેવામાં આવે છે.

ત્યારબાદ તેમને સીમા ચોકી નજીક રાહ જોવી પડે છે.

તેમને બાંગ્લાદેશ કેવી રીતે મોકલવામાં આવે છે, તે અંગે સ્થાનિક પ્રશાસન અથવા બીએસએફ દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ હાકિમપુર ગામના લોકો કહે છે કે તેઓ બધું જોઈ રહ્યા છે.

સ્થાનિક વેપારી હસનુર ગાઝી કહે છે, "ચેકપોસ્ટ પર તેમના દસ્તાવેજોની ચકાસણી થાય છે, બાયૉમૅટ્રિક લેવામાં આવે છે. પછી બીએસએફ તેમને સીમા તરફ લઈને જાય છે. અહીંથી લગભગ ચાર કિલોમીટર દૂર અમોદિયા નામનો વિસ્તાર છે તેને પગપાળા પાર કરાવવામાં આવે છે. દિવસ દરમિયાન પણ થાય છે અને ઘણી વખત રાત સુધી ચાલુ રહે છે. ઘણી બધી દસ્તાવેજ ચકાસણી કરવી પડે છે."

બીબીસી બાંગ્લા જ્યારે ગયા બુધવારે અહીં પહોંચ્યું ત્યારે પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. દસ્તાવેજ ચકાસણી પછી લોકોને રાહ જોવાનું કહેવામાં આવ્યું.

સાંજ સુધી તેમને ત્યાં જ રોકવામાં આવ્યા.

પછી તેમને બસમાં બેસાડી સ્વરૂપનગર વિસ્તારના 'હૉલ્ડિંગ સેન્ટર' અથવા અસ્થાયી કૅમ્પમાં લઈ જવાયા.

'ભારતનો મતદાર કાર્ડ પણ બનાવી લીધો હતો'

સ્થાનિક રહેવાસી મુસ્તફા શાઓજીએ જણાવ્યું કે સીમા પાર કરવા માટે ભેગા થયેલા ઘણા લોકો પાસે ભારતનાં અલગ અલગ ઓળખપત્રો છે.

તેમના મુજબ, "કેટલાક લોકો પાસે ભારતનું ઓળખપત્ર છે, કેટલાક પાસે ફોટોવાળું મતદાર ઓળખપત્ર પણ છે — અમે જાતે જોયું છે."

સીમા પર રાહ જોતા કેટલાક લોકોએ પણ સ્વીકાર્યું કે તેમના પાસે ભારતનો મતદાર કાર્ડ છે. તેમાંથી એક બચ્ચુ મુનશી પણ હતા. જે લગભગ 38 વર્ષ પહેલાં બાંગ્લાદેશથી કોલકાતા આવી ગયા હતા.

બચુ મુનશીએ કહ્યું, "ખૂબ મહેનતથી મતદાર કાર્ડ બનાવ્યું હતું. આધાર કાર્ડ, પાન કાર્ડ પણ બનાવ્યાં. મેં પ્રથમ વખત 2024માં અહીં મત આપ્યો હતો."

પરંતુ 2026ની મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણ (એસઆઈઆર) દરમિયાન તેમના પરિવારનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું.

તે દરમિયાન સરકારની જાહેરાત આવી કે ગેરકાયદેસર રીતે રહેનાર લોકોને હવે રહેવા દેવામાં નહીં આવે.

સીમા પર હાજર નઝમા કહે છે, "ભાજપ સરકાર આવી ત્યારથી જ કહી દેવામાં આવ્યું કે અમને રહેવા નહીં દે, તેથી મજબૂર થઈ પાછી જઈ રહી છું. હવે જ્યારે પાછા જવાની તક મળી છે, તો જઈ રહી છું."

તેમણે કહ્યું કે તેઓ મૂળ બાંગ્લાદેશના જેસોર જિલ્લાનાં છે.

'હવે ફરી ભારત નહીં આવું'

હાકિમપુર સીમા પર આવેલા અન્ય લોકો પણ કહે છે કે ભાજપ સરકાર આવ્યાના પછીથી 'તેમને સમજાઈ ગયું' કે હવે અહીં રહેવું શક્ય નહીં રહે.

સાતક્ષીરા જિલ્લાનાં નિવાસી હોવાનો દાવો કરતાં રાઇસા પરવીન કહે છે, "ભાજપ જીત્યા પછીથી જ કહે છે કે બાંગ્લાદેશીઓને રહેવા નહીં દે. તેથી હું મારાં પતિ અને બાળકો સાથે પાછી જઈ રહી છું."

તેમણે કહ્યું કે એસઆઈઆર સમયે ઘણા લોકો બાંગ્લાદેશ પરત ગયા ત્યારે મારાં માતાપિતા પણ જતાં રહ્યાં હતાં.

શેખ મસૂદ રાણા કહે છે કે સરકારની જાહેરાત ઉપરાંત પોલીસની કડકાઇ અને મકાનમાલિકોનું દબાણ પણ છે.

આખતરુલ મોરલ કહે છે, "પોલીસ આવીને ઝઘડો કરે છે અને કહે છે કે બાંગ્લાદેશી લોકો ભાગો. જ્યારે એસઆઈઆર આવ્યું તે પહેલાં જ ચાલ્યા ગયા હોત તો સારું."

શાહીન આલમ મોલ્લા કહે છે કે હવે તેઓ ફરી 'ગેરકાયદેસર' રીતે ભારત નહીં આવે.

"હવે જોઈશું કે પોતાના દેશમાં શું કામ કરી શકું. પરંતુ ભારતમાં ફરી નહીં આવું. જો ક્યારે ફરવા પણ આવું તો કાયદેસર રીતે પાસપૉર્ટ બનાવીને જ આવીશ," શાહીન આલમ મોલ્લાએ જણાવ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન