એલપીજી ગ્રાહકોને 'તમારી વાર્ષિક આવક 10 લાખને પાર કરી ગઈ'ના મૅસેજ કેમ મળી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ANI/UGC
- લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રાંધણ ગૅસના ઘણા ગ્રાહકોના ફોન પર એ મુજબના સંદેશા આવી રહ્યા છે - "તમારી કુલ વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં વધારે છે."
આ પ્રકારના મૅસેજને કારણે અમુક ચોક્કસ વાર્ષિક આવકના આધારે ગૅસ પરની સબસિડી હઠાવી દેવાશે, એવી વાત ચલાવાઈ રહી છે.
આ મામલે હજી સુધી કેન્દ્ર સરકાર કે ઑઇલ કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જોકે, તેલંગણા એલપીજી ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ કલ્લુરી જગન મોહન રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું કે, તે તમામ સત્તાવાર મૅસેજ હતા અને કેન્દ્ર સરકારે એલપીજી સબસિડી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરી હતી.

ઇમેજ સ્રોત, UGC
એ મૅસેજમાં શું છે?
ગૅસ કંપનીઓ છેલ્લા એક અઠવાડિયા કે દસેક દિવસથી ઘણા લોકોના ફોન ઉપર આ 'ટેક્સ્ટ મૅસેજ' મોકલી રહી છે.
મૅસેજમાં લખ્યું હોય છે - "આવકવેરાના રેકૉર્ડ અનુસાર, તમારી અને તમારા પરિવારના સભ્યોની કુલ વાર્ષિક આવક દસ લાખ રૂપિયાની નિર્દિષ્ટ સીમા કરતાં વધારે છે."
કંપનીઓ એવી સ્પષ્ટતા માગી રહી છે કે, કુલ વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં વધારે હોય, તો પછી ગૅસ પરની સબસિડી શા માટે ન હઠાવવી જોઈએ?
સાથે જ કંપનીઓ જો ગ્રાહકોની વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં ઓછી હોય, તો તે અંગે વાંધો નોંધાવવાની છૂટ પણ આપી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅસેજમાં જણાવવામાં આવે છે કે, "જો તમે આ વાત સાથે સંમત ન હો, તો 1800-2333-555 ઉપર કૉલ કરો."
કંપનીઓ એવું પણ સૂચવે છે કે, તમે મૅસેજમાં આપવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને વિગતો સુપરત કરી શકો છો.
કંપનીઓ કહે છે કે, તેઓ જે મૅસેજ મોકલી રહી છે, તેમાં જે-તે કંપનીની 'ફીડબૅક' લિંક ઉપર ક્લિક કરીને વિગતો સબમિટ કરી શકાય છે.
જો તમે તે લિંક ઓપન કરશો, તો તમને પ્રતિક્રિયા આપવા માટે જણાવવામાં આવશે.
તે પછી ગ્રાહકોનાં નામ, રાજ્ય, જિલ્લા, વિતરક, ગ્રાહકના નંબર અને સરનામાની વિગતો ભરવાની રહે છે. સમસ્યા કે સૂચનને લગતી વિગતો ભરી લીધા પછી લાગતવળગતા દસ્તાવેજો જોડવાના રહે છે. ત્યાર બાદ વિગતો ભરવાની રહેશે.
કંપનીઓ કહે છે કે, જો નિર્દિષ્ટ સમયમર્યાદાની અંદર પ્રતિભાવ ન મળ્યો, તો એલપીજી સબસિડી અટકાવી દેવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
40 કરોડ રૂપિયાનું કન્સેશનલ પેમેન્ટ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્તમાન સમયમાં હૈદરાબાદમાં 14.2 કિલોગ્રામના સબસિડી વિનાના ઘરેલુ ગૅસ સિલિન્ડરનો ભાવ 965 રૂપિયા છે.
જોકે, જો ગ્રાહકો પૂરેપૂરી રકમ ચૂકવી દે, તો કેન્દ્ર સરકાર પાત્રતા ધરાવતા લાભાર્થીઓનાં બૅંક ખાતાંઓમાં 40 રૂપિયા સબસિડી તરીકે સીધા જમા કરશે.
જો હવે સબસિડી હઠાવી દેવામાં આવે, તો ગ્રાહકોએ તે વધારાના 40 રૂપિયા ચૂકવવા પડશે. જાન્યુઆરી, 2026માં ગૅસના એક સિલિન્ડરનો ભાવ 905 રૂપિયા હતો, તેમાં ગૅસ કંપનીઓએ 60 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.
પીએમ ઉજ્જ્વલા યોજના (પીએમયુવાય) હેઠળ ગૅસ જોડાણો લેનારા ગ્રાહકોને પ્રત્યેક સિલિન્ડરદીઠ 300 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. દેશના જુદા-જુદા ભાગોમાં આ સબસિડીમાં ભિન્નતા હોઈ શકે છે.
વળી, આ યોજના હેઠળ, 2023 સુધી દર વર્ષે 12 સિલિન્ડરો બુક કરાવી શકાતા હતા, પણ ગયા વર્ષે કેન્દ્ર સરકારે તે સંખ્યા ઘટાડીને નવ કરી દીધી હતી.
કલ્લુરી જગન મોહન રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું કે, તમામ કંપનીઓ કેન્દ્ર સરકાર પાસે રહેલા ડેટા દ્વારા ગ્રાહકોને મૅસેજ મોકલી રહી છે.
તેમણે કહ્યું હતું, "ભૂતકાળમાં સરકારે ગિવ ઇટ અપ કાર્યક્રમ શરૂ કર્યો હતો. સરકારનું માનવું હતું કે, તે સમયે ઘણા લોકો આગળ નહોતા આવ્યા. કેન્દ્ર સરકાર સબસિડી પૂરી પાડવાનો નિર્ણય કરે છે ત્યારે, જો વાર્ષિક આવક નિર્દિષ્ટ મર્યાદા કરતાં વધી જાય, તો સબસિડી લાગુ પડશે નહીં."
એવું કહેવાઈ રહ્યું છે કે, આ વખતે નિર્ણય લેવા પાછળ ઈરાનમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ જવાબદાર હોઈ શકે છે, આથી જ સરકારે સબસિડી અંગે નિર્ણય લીધો હશે. આ સંદર્ભમાં જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, જે લોકો સબસિડી મેળવી રહ્યા હોય, પણ તેઓ સબસિડી માટેની પાત્રતા ન ધરાવતા હોય તેમને પણ એલપીજી કંપનીઓ આ મૅસેજ મોકલી રહી હશે.
તેમણે કહ્યું હતું, "મને નથી લાગતું કે, આ મૅસેજ ફક્ત 40 રૂપિયાની સબસિડી માટે આવી રહ્યા હોય. આ મામલે કેન્દ્ર સરકારનો વિચાર કંઈક અલગ જ હશે."
1.16 કરોડ લોકોએ સબસિડી જતી કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે સક્ષમ હોય, તેવા ગ્રાહકોને તેમની ગૅસ સબસિડી સ્વૈચ્છિકપણે છોડી દેવાની અપીલ કરી હતી.
માર્ચ, 2015માં 'ગિવ ઇટ અપ'ના નામ હેઠળ ગૅસ સબસિડી છોડી દેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર કહે છે કે, અત્યાર સુધીમાં 1.16 કરોડ લોકોએ તેમની ગૅસ સબસિડી છોડી દીધી છે.
પહલ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રોકડ રકમ સીધી ગ્રાહકોને આપી રહી છે.
કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં ગ્રાહકોને 30.61 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
શું તમે કેવાયસી કરાવ્યું?
ગૅસ કંપનીઓ અને પેટ્રોલિયમ તથા કુદરતી ગૅસ મંત્રાલય ગૅસ ગ્રાહકોને કેવાયસી (નો યોર કસ્ટમર - ગ્રાહકને લગતી વિગતો) પૂરું કરવાની સલાહ આપી રહ્યાં છે.
તેમનું કહેવું છે કે આનાથી એક જ ઘરમાં એક કરતાં વધુ ગૅસ કનેક્શન ધરાવતા લોકો સુધી પહોંચીને અપાત્ર લોકો સુધી સબસિડી પહોંચતી રોકી શકાય છે.
કંપનીઓ સૂચવે છે કે, ગૅસ વિતરક કાર્યાલયોમાં જઈને કેવાયસી કરાવી શકાય છે.
ઇકેવાયસી માટે ગ્રાહકોએ તેમની ગૅસ કંપનીની ઍપ ડાઉનલોડ કરવાની રહે છે.
તમારે ગૅસ એજન્સી દ્વારા આપવામાં આવેલા ફોન નંબર અને ઇમેઇલનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
તે પછી તમને ઓટીપી મળશે. તે દાખલ કરીને પાસવર્ડ સેટ કરવાનો હોય છે.
તે પછી લોગઇન પેજ ઉપર પાછા જઈને તમારા એકાઉન્ટમાં લોગઇન કરવા માટે તમારો ફોન નંબર અને પાસવર્ડ નાખવાના હોય છે.
પ્રથમ પેજ પર ઇકેવાયસી લખેલું હોય છે. તેના પર ક્લિક કરીને તમારો ચહેરો સ્કૅન કરવો. તે જ સમયે તમને આધાર ફેસઆરડી ઍપ (Aadhaar FaceRD) ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવશે. તેને ડાઉનલોડ કરો, તમારો ચહેરો સ્કૅન કરીને તેની ખરાઈ કરો. કંપનીઓ કહે છે કે, તેનાથી તમારું કેવાયસી સંપન્ન કરવામાં તમને મદદ મળશે.
સાથે જ તે એ પણ સમજાવે છે કે, કેવાયસી ઍપ્લિકેશન ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે અને સંબંધિત ગૅસ વિતરકને વિગતો સબમિટ કરી શકાય છે.
60 ટકા આયાત
પીઆઇબીનો ડેટા દર્શાવે છે કે, ભારત દ્વારા વપરાતો 60 ટકા એલપીજી આયાત કરવામાં આવે છે.
આ પૈકી, 90 ટકા ગૅસનો પુરવઠો હોર્મુઝની સામુદ્રધુની મારફતે લાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર કહે છે કે, જ્યારથી અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે યુદ્ધ છેડ્યું, ત્યારથી પુરવઠાને ભારે ફટકો પડ્યો છે.
પીઆઇબીએ માર્ચ મહિનામાં જણાવ્યું હતું, "8 માર્ચના રોજ કેન્દ્ર સરકારે કંપનીઓને સ્થાનિક એલપીજી ઉત્પાદન વધારવાની સૂચના આપી હતી. તે અનુસાર, કંપનીઓ 25 ટકા વધુ ઉત્પાદન કરી રહી છે. કેન્દ્ર સરકારે સૂચના આપી છે કે, સમગ્ર એલપીજી ઉત્પાદનનો ઉપયોગ ઘરેલુ વપરાશ માટે કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























