IND vs PAK : વિમૅન્સ વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, આંકડામાં જુઓ કોનું પલડું ભારે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે આઈસીસી વિમૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2026ની પહેલી મૅચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે. હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે.
આઈસીસી વિમૅન્સ ટી20 વિશ્વકપ 2026માં ભારતીય ટીમ આજે જ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ મુકાબલો બર્મિંઘમના ઍજ્બેસ્ટન મેદાન પર રમાશે. ભારત-પાકિસ્તાનની આ મૅચ આ ટુર્નામેન્ટની સૌથી ચર્ચિત મૅચમાંથી એક માનવામાં આવે છે.
ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે. જેમાં તેણે પાકિસ્તાન, નેધરલૅન્ડ્સ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોનો સામનો કરવાનો રહેશે.
હરમનપ્રીતકોરની આગેવાનીમાં ભારતીય ટીમે વૉર્મ-અપ મૅચમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું પરંતુ બીજી મૅચમાં તે ઇંગ્લૅન્ડની સામે હારી ગઈ હતી.
અત્યારસુધી ભારતની ટીમ ક્યારેય ટી20 વિશ્વકપ જીતી શકી નથી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020માં આવ્યું હતું જ્યારે ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ ઑસ્ટ્રેલિયાના હાથે તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે મેદાને ઉતરશે.
આ વખતના મહિલા વિશ્વકપમાં 12 ટીમો રમી રહી છે, તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને ભારત જેવી ટીમો સામેલ છે.
2009થી શરૂ થયેલ મહિલા ટી20 વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયા અત્યાર સુધી 6 વખત ચૅમ્પિયન બની છે. ત્યારે ઉલ્લેખનીય છે આ વખતના વિશ્વકપની યજમાની ઇંગ્લૅન્ડ કરે છે.
ભારત-પાકિસ્તાનનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે વન-ડે વિશ્વકપ જીત્યા બાદ ટી20 વિશ્વકપ જીતવા માટે ભારતની ટીમ તમામ કોશિશ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની ટીમે પાંચ વખત મહિલા ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે અને ટીમ એક વખત ફાઇનલમાં પણ પહોંચી છે. જોકે, ટી20નો ખિતાબ તે જીતી નથી શકી.
ભારતની ટીમ હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડની સામે ટી20 સિરીઝમાં હારનો સામનો કરીને આવી છે. સાથે વૉર્મ-અપ મૅચમાં પણ એક જ મૅચ જીતી છે. તેથી તેના માટે આ ટુર્નામેન્ટ આસાન નહીં હોય.
પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે રહ્યું છે. ભારત આ રેકૉર્ડને યથાવત્ રાખવાની કોશિશ કરશે અને પાકિસ્તાન તેને તોડવાની.
પાકિસ્તાન તેની છેલ્લી પાંચ ટી20 મૅચ પૈકી માત્ર એકમાં જ જીત મેળવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે થયેલી કુલ 16 ટી20 મૅચમાં ભારતે 13 મૅચ જીતી છે જ્યારે કે પાકિસ્તાને માત્ર ત્રણમાં વિજય પ્રાપ્ત કર્યો છે.
પાકિસ્તાનની આ ત્રણ જીત પૈકી બે ટી20 વિશ્વકપમાં મળી હતી. ભારતે ટી20ના આઈસીસી ટુર્નામેન્ટના મોટા મુકાબલામાં પાકિસ્તાનને 6 વખત હરાવ્યું છે.
કયાં કયાં ખેલાડીઓ પર નજર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની ટીમમાં હરમનપ્રીતકોર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જૅમિમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (wk), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી/રેણુકાસિંહ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, નંદની શર્મા, રાધા યાદવ, ભારતી શ્રી કૃષ્ણ ફુલમાળી, શ્રેયંકા પાટિલ જેવાં ખેલાડીઓ સામેલ છે.
જો કે આજની મૅચમાં ભારતની સંભવિત ટીમમાં હરમનપ્રીતકોર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જૅમિમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (wk), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી/રેણુકાસિંહ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, નંદની શર્મા રમી શકે તેવી સંભાવના છે. પરંતુ ટીમની જાહેરાત તો ટૉસ પહેલાં જ કરવામાં આવશે.
તે જ રીતે પાકિસ્તાન ટીમના સંભવિત ખેલાડીઓ તરફ નજર કરીએ તો ફાતિમા સના (કૅપ્ટન), મુનીબા અલી, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સાયરા જબીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, એમાન ફાતિમા, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઇકબાલ જેવાં ખેલાડીઓ આજે રમી શકે છે.
22 વર્ષનાં શેફાલી વર્માનો આ ચોથો ટી20 વિશ્વકપ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ, ભારતીય ટીમમાંથી શેફાલી વર્મા જે ફક્ત 22 વર્ષનાં છે અને પોતાની કારકિર્દીમાં આ ચોથો ટી20 વિશ્વકપ રમવા જઈ રહ્યાં છે.
15 વર્ષની ઉંમરે તેમણે દક્ષિણ આફ્રિકા સામે ડૅબ્યૂ કર્યું હતું. 16 વર્ષની ઉંમરે તેમણે ટી20 વિશ્વકપ રમ્યો હતો. તેઓ ટી20 વિશ્વકપ રમનારાં સૌથી યુવા મહિલા ખેલાડી છે.
જો કે, વન-ડે વર્લ્ડકપ ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ રહી ચૂકેલાં શેફાલીએ ટી20 વિશ્વકપમાં હજુ સુધી અડધી સદી ફટકારી નથી. ત્યારે તેઓ પાકિસ્તાન સામેની આ મૅચ રમવા માટે વધુ ઉત્સુક હશે.
પાકિસ્તાનનાં કૅપ્ટન ફાતિમા સના ઈજાગ્રસ્ત?

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે નેટમાં બૉલિંગ કરતી વખતે પાકિસ્તાનનાં કૅપ્ટન ફાતિમા સનાના ઘૂંટણમાં બૉલ વાગ્યો હતો.
તેમણે ત્યારબાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે મને આશા છે કે ઓપનિંગ મૅચ રમવા માટે હું સ્વસ્થ થઈ જઈશ.
બધાની નજર ફાતિમાના પ્રદર્શન પર છે.
પાકિસ્તાનનાં બીજા ફાતિમા એયમાન ફાતિમા છે. જેઓ 21 વર્ષનાં છે. તેઓ આ મૅચમાં ભારત માટે બીજો મોટો ખતરો બની શકે છે.
તેમણે ગયા વર્ષે વન-ડે વર્લ્ડકપ ટીમનો પણ ભાગ હતાં અને તેમણે ફક્ત છ ટી20 મૅચ જ રમી છે, પરંતુ તેમનો સ્ટ્રાઇક રેટ 150થી પણ વધુ છે.
તેઓ અંડર-19 ટીમમાંથી આવ્યાં છે, 2023 વર્લ્ડકપમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
તેમની છગ્ગા મારવાની ઝંખના ડેથ ઓવરોમાં ભારતીય બૉલરો માટે પડકાર સાબિત થઈ શકે છે.
બંને ટીમનાં કૅપ્ટન શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આજની મૅચમાં હાથ મિલાવવાને લઈને ભારતનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે કહ્યું હતું, "અમે અહીં ક્રિકેટ માટે છીએ અને અમે ફક્ત ક્રિકેટ વિશે જ વાત કરીશું. ક્રિકેટ સિવાય અમે કંઈ નહીં બોલીએ, અને મને નથી લાગતું કે અમે ક્રિકેટ સિવાય અમે કંઈ જાણતા હોઈએ."
"આવતીકાલ(આજની)ની મૅચ પણ અમે અન્ય મૅચની જેમ જ વિચારીને રમવા જઈ રહ્યાં છે"
પાકિસ્તાનનાં કૅપ્ટન ફાતિમા સનાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, "દર્શકો ખૂબ સારા છે. મેં ઘણી વાર જોયું છે કે દર્શકો સારી રમતને પ્રોત્સાહિત કરે છે. પછી ભલે તે પાકિસ્તાન હોય, ભારત હોય કે ઑસ્ટ્રેલિયા - તેઓ ક્રિકેટ, સારા શૉટ્સ અને સારી બૉલિંગને વધાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















