આયર્લૅન્ડે પહેલી વખત ભારતને હરાવ્યું, ટી 20 મૅચમાં ભારતને હરાવીને મોટો ઊલટફેર સર્જ્યો - ન્યૂઝ અપડેટ

આયર્લૅન્ડ ,ભારત , ટી-20, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PA

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

આયર્લૅન્ડ પ્રવાસે ગયેલી ભારતની ટીમને પહેલી ટી-20માં આયર્લૅન્ડે 34 રને હરાવીને સૌને ચોંકાવી દીધા છે.

આયર્લૅન્ડે આપેલા 183 રનના ટાર્ગેટને ભારતની ટીમ હાંસલ કરી શકી નહોતી અને માત્ર 148 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સૌથી વધારે 50 રન અભિષેક શર્માએ બનાવ્યા હતા, જ્યારે બાકીના બૅટ્સમૅનો નિષ્ફળ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર કોઈ પણ ફૉર્મેટમાં આયર્લૅન્ડે ભારતને હરાવ્યું છે.

આયર્લૅન્ડ સામે વૈભવ સૂર્યવંશીને ન રમાડવાના નિર્ણય પર ઇંગ્લૅન્ડ અને ભારતના પૂર્વ ક્રિકેટરો શું બોલ્યા

ભારત અને આયર્લૅન્ડ વચ્ચે ટી-20 સિરીઝની, બીબીસી ગુજરાતી, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Getty Images

આજે આયર્લૅન્ડ સામે રમાઈ રહેલી મૅચમાં વૈભવ સૂર્યવંશીને ન રમાડવા પર ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર માઇકલ વૉને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વૉને લખ્યું કે, "માનવામાં નથી આવતું કે ભારતે વૈભવ સૂર્યવંશીને પસંદ નથી કર્યા. હાલ તેઓ દુનિયાના શ્રેેષ્ઠ ટી20 ખેલાડીઓમાંથી એક છે."

પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે વૈભવ સૂર્યવંશીને ન રમાડવાના ભારતીય ટીમના નિર્ણયનાં વખાણ કર્યાં છે.

માંજરેકરે ઍક્સ પર લખ્યું કે, "ભારતે પોતાના ફૉર્મમાં ચાલતા ઓપનર્સ અને ટી20 વિશ્વકપ જિતાડનારા ખેલાડીઓ સાથે છેડછાડ ન કરવાનો યોગ્ય નિર્ણય કર્યો છે. 'બહારનો ઘોંઘાટ'ને માત્ર બહારનો ઘોંઘાટ જ રહેવા દેવો જોઈએ જ્યારે ડ્રેસિંગ રૂમમાં શાંતિ અને યોગ્યતાના આધાર પર નિર્ણય લેવો જોઈએ."

મૅચ પહેલાં એક ચર્ચા વૈભવ સૂર્યવંશીના 'અલગ ડ્રેસિંગ રૂમ' ની પણ છે. વૈભવની નાની ઉંમરને કારણે અને સુરક્ષા નિયમોને કારણે ટીમ સભ્યોથી અલગ ડ્રેસિંગ રૂમમાં કપડાં બદલશે.

ભારતીય ટીમ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડની મુલાકાતે છે. ટીમ આયર્લૅન્ડમાં બે ટી20 મૅચ રમશે. પહેલાં 26 જૂન અને બીજી મૅચ 28 જૂનના રમાશે.

ત્યાર બાદ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ જશે, જ્યાં પાંચ ટી20 મૅચ અને ત્રણ વનડે મૅચ રમાશે.

વેનેઝુએલા ભૂકંપ : મૃતાંક 589 સુધી પહોંચ્યો, રાષ્ટ્રપતિએ શું કહ્યું?

વેનેઝુએલા, ભૂકંપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો વધીને 589 થઈ ગયો છે.

વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રિગ્સે કહ્યું છે કે ભૂકંપને કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો 589 થઈ ગયો છે અને 2,980 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વેનેઝુએલાની રાજધાની કારાકસ પાસે આવેલા બે ભીષણ ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ છે અને હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

માહિતી મળી કે ભૂકંપ બાદ 30 નાના નાના આંચકા અનુભવાયા હતા અને તેના કારણે મોટી તબાહી સર્જાઈ છે.

આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે.

અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, પહેલા 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પછી થોડી સેકન્ડો બાદ 7.5 શક્તિશાળી ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ ધરતીની સપાટીથી ઘણા નજીક હતા, જેના કારણે તબાહી થઈ.

આ ભૂંકપ બુધવારે સ્થાનિક સમયાઅનુસાર સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો.

વૈભવ સૂર્યવંશી આયર્લૅન્ડ વિરુદ્ધ ટી20 મૅચમાં નહીં રમે, કૅપ્ટન શ્રેયસે જણાવ્યું કારણ

ભારત અને આયર્લૅન્ડ વચ્ચે ટી-20 સિરીઝની, બીબીસી ગુજરાતી, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને આયર્લૅન્ડ વચ્ચે ટી-20 સિરીઝની પહેલી મૅચ આજે એટલે શુક્રવારે બેલફાસ્ટમાં રમાઈ રહી છે.

આ મૅચ માટે ભારતના યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી પર ક્રિકેટ ફૅન્સની ખાસ નજર હતી, જોકે તેમને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નથી મળી.

ભારતે મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, "આ અમારા માટે નવી પિચ છે. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ અહીં પહેલાં નથી રમ્યા. એટલે પરિસ્થિતિને જોતાં અમે પહેલાં બૉલિંગનો નિર્ણય કર્યો છે."

સૂર્યવંશીના રમવા પર પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, "દુર્ભાગ્યથી નહીં. તેઓ શાનદાર ખેલાડી છે, પણ અમારી ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જેમણે અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે. એટલે અમે તેમના પર ભરોસો કરી રહ્યા છીએ. સમયા આવશે ત્યારે તેમને પણ અવસર મળશે."

આ મૅચમાં ભારતના પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓ સામેલ છે-

અભિષેક શર્મા

સંજુ સૅમસન

ઇશાન કિશન

તિલક વર્મા

શિવમ દુબે

અક્ષર પટેલ

વૉશિંગ્ટન સુંદર

હર્ષિત રાણા

અર્શદીપ સિંહ

પ્રસિદ્ધ કૃષ્ણા

હોર્મુઝ સામુદ્રધુનીમાં જહાજ પર વધુ એક હુમલો, યુએને અભિયાન રોક્યું

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ફેબ્રુઆરીથી ખાડી ક્ષેત્રમાં સેંકડો જહાજો અને હજારો ખલાસીઓ ફસાયાં છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ફેબ્રુઆરીથી ખાડી ક્ષેત્રમાં સેંકડો જહાજો અને હજારો ખલાસીઓ ફસાયાં છે (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હોર્મુઝ સામુદ્રધુની પાસે એક માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રે 11 હજારથી વધુ ફસાયેલા ખલાસીઓને કાઢવાનું અભિયાન અસ્થાયી સ્થગિત કરી દીધું છે.

આઇએમઓના વડા આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું કે ઘણાં જહાજોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યાં છે, પરંતુ સંગઠન ઇચ્છે છે કે હવે પછીના અભિયાન માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.

બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી યુકે મેરીટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અનુસાર, ગુરુવારે ઓમાનના દહિત બંદરથી લગભગ 7.5 નોટિકલ માઇલ દક્ષિણપૂર્વમાં એક માલવાહક જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો. જોકે આ ઘટનમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

દરિયાઈ સુરક્ષા કંપની વૅનગાર્ડ અનુસાર, સિંગાપુરના ધ્વજવાળા માલવાહક જહાજ એવર લવલી હુમલા પછી પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં સફળ રહ્યું અને તેને કોઈ મદદની જરૂર નહોતી પડી.

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ફેબ્રુઆરીથી ખાડી ક્ષેત્રમાં સેંકડો જહાજો અને હજારો ખલાસીઓ ફસાયાં છે. હોર્મુઝ સામુદ્રધુની ફરીથી ખૂલ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે નિકાસી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

વેનેઝુએલા ભૂકંપથી અત્યાર સુધીમાં અંદાજે 188 લોકોનાં મોત

આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે

ઇમેજ સ્રોત, Federico PARRA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે

વેનેઝુએલાની રાજધાની કારાકસ પાસે આવેલા બે ભીષણ ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ છે અને હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કમસે કમ 188 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1,500થી વધુ લોકો ઘાયલ થયા છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

કારાકસ અને પાસેના તટીય શહેર લા ગ્વાઇરામાં ધ્વસ્ત થયેલી ઇમારતોમાંથી દબાયેલા લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે.

આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે.

અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, પહેલા 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પછી થોડી સેકન્ડો બાદ 7.5 શક્તિશાળી ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ ધરતીની સપાટીથી ઘણા નજીક હતા, જેના કારણે તબાહી થઈ.

આ ભૂંકપ બુધવારે સ્થાનિક સમયાઅનુસાર સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો.

નિહંગ શીખોના એક જથ્થાને ઉત્તરાખંડ પોલીસે રોકતા સીમા પર ઘર્ષણ

કેટલાક વીડિયો અને ફોટોમાં બેરિકેડિંગવાળા રસ્તે પોલીસકર્મીઓ અને નિહંગ શીખો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેટલાક વીડિયો અને ફોટોમાં બેરિકેડિંગવાળા રસ્તે પોલીસકર્મીઓ અને નિહંગ શીખો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે

બીબીસી હિન્દી માટે લખતા આસિફ અલીએ જણાવ્યું કે ઉત્તરાખંડના ચમોલીના કર્ણપ્રયાગમાં 16 જૂને થયેલા ઘર્ષણ બાદ પેદા થયેલા તણાવ દરમિયાન ગુરુવારે રાતે દહેરાદૂન તરફ આગળ વધી રહેલા નિહંગ શીખોના એક જથ્થા અને ઉત્તરાખંડ પોલીસ વચ્ચે હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડની સીમા પર ઘર્ષણ થયું છે.

પોલીસે જથ્થાને 'કુલ્હાલ' સીમા પર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધક્કામુક્કી સમયે કેટલાક નિહંગ બેરિકેડ પાર કરીને ઉત્તરાખંડની સીમામાં દાખલ થઈ ગયા. જોકે બાદમાં પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને પાછા હિમાચલ પ્રદેશ તરફ મોકલી દીધા છે.

સામે આવેલા કેટલાક વીડિયો અને ફોટોમાં બેરિકેડિંગવાળા રસ્તે પોલીસકર્મીઓ અને નિહંગ શીખો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે.

આ જથ્થો મોહાલીસ્થિત એક ગુરુદ્વારાથી રવાના થયો હતો. અગાઉ નિહંગ પ્રતિનિધિઓ અને ઉત્તરાખંડના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત થઈ હતી, બાદમાં કેટલાક પ્રતિનિધિઓએ તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં નિહંગ શીખોનો એક વર્ગ ઉત્તરાખંડ જવા માટે અડગ હતો.

મીડિયા સાથે વાતચીતમાં નિહંગ પ્રતિનિધિ અકાલી જસદીપસિંહે કહ્યું કે તેમનો હેતુ કોઈ રીતના ઘર્ષણનો નથી, પણ સમાધાનનો છે.

તેમણે કહ્યું કે "અમે કોઈ લડાઈ ઇચ્છતા નથી. પ્રેમ વધારવા માગીએ છીએ. અમારી ભૂલ નહોતી, છતાં અમે માફી માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે સમાધાન થાય અને અમારા ચાર લોકોને છોડીને પંજાબ મોકલવામાં આવે."

દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધીક્ષક પ્રમેન્દ્ર ડોભાલે કહ્યું કે "પોલીસે કુલ્હાલ બેરિયર અને ગુરુદ્વારા પાંવટા સાહિબમાં નિહંગો સાથે અનેક વાર વાતચીત કરી હતી. મોટા ભાગના લોકોએ પોલીસની અપીલ માની લીધી હતી, પરંતુ 15થી 20 લોકોના એક જૂથે બેરિયરથી આગળ વધવાનો પ્રયાસ કરતો હતો."

"પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને કાનૂન-વ્યવસ્થા જાળવી રાખવા માટે આખા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન