ફૈઝાનઉલ્લા : હાથ-પગ ચાલતા નહોતા પરંતુ હિંમત ન હારી, મોઢાંમાં પેન પકડી પરીક્ષા આપી ટૉપર બન્યા

બીબીસી ગુજરાતી ધોરણ 10 પરીક્ષા સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લા વિકલાંગ ઝારખંડ મોઢાંથી પેન પકડીને ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપીને ટૉપર બનનાર વિદ્યાર્થીની કહાણી

ઇમેજ સ્રોત, Sartaj Alam/BBC

ઇમેજ કૅપ્શન, જન્મથી જ સેરેબ્રલ પલ્સીની બીમારીના કારણે મોહમ્મદ ફૈઝાનઉલ્લાની માંસપેશીઓ બહુ સક્રિય નથી.
    • લેેખક, મોહમ્મદ સરતાઝ આલમ
    • પદ, બીબીસી હિંદી માટે ગોડ્ડાથી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લાનું ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેમનો એક વીડિયો લોકોને સ્પર્શી ગયો હતો.

આ વીડિયોમાં તેઓ પોતાના દાંતની વચ્ચે પેન દબાવીને પેપર લખતા હતા. વાસ્તવમાં સેરેબ્રલ પલ્સીના કારણે ફૈઝાનઉલ્લાના હાથ-પગ બાળપણથી જ કામ કરતા ન હતા. પરંતુ તેઓ પોતે અને તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ ખૂબ ભણે.

તેમણે ઝારખંડમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 93 ટકા મેળવ્યા અને 'વિકલાંગ કૅટેગરી'માં અવ્વલ રહ્યા. તેમને પરીક્ષામાં રાઇટરની સુવિધા મળી હોવા છતાં મોટા ભાગનું પેપર જાતે જ લખ્યું હતું.

સેરેબ્રલ પલ્સીથી પીડાતા ગોટ્ટા ટાઉનના વતની ફૈઝાનઉલ્લા પોતાની બીમારીના કારણે બીજાં બાળકોની જેમ કદી સ્કૂલે જઈ શક્યા નથી. પરંતુ તેમના પરિવાર અને શિક્ષકે તમામ સહયોગ આપ્યો.

મોહમ્મદ ફૈઝાનઉલ્લાએ બીબીસી ન્યૂઝ હિંદી સાથે વાતચીતમાં કહ્યું, "હું ક્યારેય સ્કૂલના ક્લાસમાં ભણી નથી શક્યો. હવે આ વાતનો મને અફસોસ નથી, કારણ કે મારા માર્ક્સ દર્શાવે છે કે અભ્યાસના મામલે હું સામાન્ય વર્ગનાં બાળકોથી જરાય કમ નથી."

જન્મની સાથે જ સંઘર્ષ શરૂ

બીબીસી ગુજરાતી ધોરણ 10 પરીક્ષા સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લા વિકલાંગ ઝારખંડ

ઇમેજ સ્રોત, Sartaj Alam/BBC

ઇમેજ કૅપ્શન, ફૈઝાનઉલ્લા પોતાનાં માતાપિતા સાથે.

ફૈઝાનઉલ્લાનો પરિવાર શિવાજી નગરમાં બે ઓરડાના ઘરમાં રહે છે. એક નાનકડા ઓરડાનો ઉપયોગ દુકાન ચલાવવા માટે થાય છે. જ્યારે બીજા ઓરડામાં આખો પરિવાર રહે છે.

ફૈઝાનઉલ્લા છ મહિનાના હતા ત્યારે તેમના પરિવારને તેમની બીમારીની જાણ થઈ. તેમનાં દાદીને લાગ્યું કે બાળકના શરીરમાં કોઈ હલનચલન નથી. તે સમયને યાદ કરતાં ફૈઝાનઉલ્લાના પિતા મોહમ્મદ અનવાર આલમ કહે છે, "સ્થાનિક ડૉક્ટરોએ અમને જણાવ્યું કે મારા દીકરાને સેરેબ્રલ પલ્સી નામની બીમારી છે."

મોહમ્મદ અનવાર આલમને તે વખતે આ બીમારી વિશે કોઈ જાણ ન હતી. પરંતુ ડૉક્ટરોની વાત પરથી સમજી ગયા કે તેમના બાળકને બહુ ગંભીર બીમારી છે. સગાંસંબંધીની સલાહ માનીને તેઓ કોલકાતામાં દીકરાની સારવાર કરાવતા રહ્યા, પરંતુ કોઈ સુધારો ન થયો.

તેમનાં માતા નઝમા કહે છે કે ફૈઝાનઉલ્લા બીજાં તંદુરસ્ત બાળકોની જેમ યોગ્ય ઉમરે બોલવા લાગ્યા ત્યારે આશાનું કિરણ પેદા થયું.

તેઓ કહે છે, "ફૈઝાન જાતે હલનચલન કરી શકતા ન હતા, ન ઊઠી શકે, ન બેસી શકે. ઉંમર વધવાની સાથે માત્ર એટલો સુધારો થયો કે તે વાત કરવા લાગ્યો. તે સામાન્ય બાળકોની જેમ વાતચીત કરતો તે અમારા માટે ભવિષ્યની આશા બની ગઈ."

ફૈઝાનઉલ્લા બોલી શકતા તેથી માતાપિતાના મનમાં આશા બંધાઈ અને અનવારે પાંચ વર્ષની ઉંમરથી તેમને મૌખિક રીતે ધીમે ધીમે ભણાવવાનું શરૂ કર્યું.

મોહમ્મદ અનવાર એક ખાનગી મદરેસામાં શિક્ષક તરીકે કામ કરે છે.

બીબીસી ગુજરાતી ધોરણ 10 પરીક્ષા સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લા વિકલાંગ ઝારખંડ

ઇમેજ સ્રોત, Sartaj Alam/BBC

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વક્તૃત્વ સ્પર્ધામાં ફૈઝાનઉલ્લાને ઇનામ મળ્યું હતું.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઘરમાં જ પોતાના પુત્ર ફૈઝાનઉલ્લાને ઉર્દૂ, અરબી, હિંદી, અંગ્રેજી અને ગણિત મૌખિક રીતે ભણાવવાનું શરૂ કરી દીધું.

ફૈઝાનઉલ્લા આઠ વર્ષના થયા ત્યારે તેમને સ્થાનિક પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો. પરંતુ હાથ-પગ કામ કરતા ન હોવાના કારણે તેઓ રોજ શાળાએ જઈ ન શક્યા.

ત્યાર પછી એક સ્થાનિક શિક્ષક આદિલ હુસૈન તેમને ઘરે આવીને ભણાવવા લાગ્યા.

શિક્ષક તરીકે મોહમ્મદ અનવાર આલમ જાણતા હતા કે માત્ર મૌખિક શિક્ષણ પૂરતું નથી. પરંતુ અનેક પ્રયાસ કરવા છતાં તેઓ ફૈઝાનઉલ્લાને લખવાનું શીખવી શકતા ન હતા.

તેઓ કહે છે કે, "ફૈઝાનઉલ્લાને છઠ્ઠા ધોરણમાં શિવાજીનગરની શાળામાં પ્રવેશ મળ્યો ત્યારે જિતેન્દ્રકુમાર ભગત નામના એક શિક્ષક ફરિશ્તા બનીને મદદે આવ્યા."

હકીકતમાં ઝારખંડના શિક્ષણ પ્રોજેક્ટ હેઠળ પ્રખંડ સંસાધન કેન્દ્ર ગોડ્ડામાં વિકલાંગ બાળકોને ભણાવવા માટે જિતેન્દ્રકુમાર ભગત નામના શિક્ષકને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જિતેન્દ્રકુમાર કહે છે, "ફૈઝાનઉલ્લા શાળાએ કેમ નથી આવતા તેની મને ખબર પડી તો હું જાતે તેમના ઘેર ગયો. ફૈઝાનઉલ્લાનાં આઈક્યુ લેવલ, આત્મવિશ્વાસ અને દૃઢ ઇચ્છાશક્તિથી હું ઘણો પ્રભાવિત થયો."

તેઓ કહે છે, "મેં નક્કી કર્યું કે ફૈઝાનઉલ્લાને કોઈ પણ હાલતમાં શિક્ષિત કરીશ અને આ સંકલ્પ પૂરો કરવા મેં તેમના ઘેર જઈને ભણાવવાનું શરૂ કર્યું."

તેમના કહેવા મુજબ ફૈઝાનઉલ્લા બિલકુલ લખી શકતા ન હતા, તે સૌથી મોટી સમસ્યા હતી.

શરૂઆતમાં તેમણે દોરા સાથે પેન બાંધીને લખવાનું શીખવવા પ્રયાસ કર્યો, પરંતુ તે સતત નિષ્ફળ ગયો.

તેઓ કહે છે, "2022માં મેં ફૈઝાનઉલ્લાને તેમના દાંત વચ્ચે પેન પકડીને રેખાઓ દોરાવવાનો પ્રયાસ શરૂ કર્યો."

ધીમે ધીમે આ પ્રયાસ સફળ થતો દેખાયો. ફૈઝાનઉલ્લા લખવા સક્ષમ બન્યા અને તેમના લખાણમાં સુધારો થયો.

ફૈઝાનઉલ્લા કહે છે, "આઠમા ધોરણ સુધી પહોંચતા મારું લખાણ એટલું સુધરી ગયું કે બે લખાણની સરખામણી કરવામાં આવે તો કોઈ કહી ન શકે કે કયું લખાણ મારું છે અને કયું લખાણ સામાન્ય છોકરાનું છે."

આઠમાની બોર્ડ પરીક્ષામાં સ્કૂલમાં ટૉપર

બીબીસી ગુજરાતી ધોરણ 10 પરીક્ષા સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લા વિકલાંગ ઝારખંડ

ઇમેજ સ્રોત, Sartaj Alam/BBC

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ ફૈઝાનઉલ્લાના શિક્ષક જિતેન્દ્રકુમાર ભગત

શિક્ષક જિતેન્દ્રકુમાર ભગતની સખત મહેનત અને ફૈઝાનઉલ્લાની લગનનું પરિણામ એ આવ્યું કે તેમણે આઠમા ધોરણની બોર્ડ પરીક્ષા અને નવમા ધોરણની પરીક્ષામાં જાતે પેપર લખ્યા અને શાળાની દરેક કૅટેગરીમાં ટૉપર બની ગયા.

આ પરિણામ પછી 2025માં ફેબ્રુઆરીમાં શિક્ષણના મહત્ત્વ વિશે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત વકૃત્વની સ્પર્ધામાં ફૈઝાનઉલ્લાએ પહેલું સ્થાન મેળવ્યું અને તેમને ઇનામમાં એક લૅપટૉપ મળ્યું.

ફૈઝાનઉલ્લા કહે છે, "મારી આંગળીઓ આમ-તેમ હલી શકતી નથી. પરંતુ મારી બે આંગળીઓ ટચ કરી શકે છે, જે લૅપટૉપ વાપરવા માટે પૂરતી છે."

લૅપટૉપ મળ્યા પછી ફૈઝાનઉલ્લા એમએસ ઍક્સેલ, પાવર પૉઇન્ટ અને એઆઈનો ઉપયોગ કરવાનું પણ શીખ્યા.

હવે તેમના ભણતરમાં ટૅક્નૉલૉજીની મદદ મળવા લાગી.

તેઓ આ વિશે કહે છે, "હું NCERTના દરેક ચૅપ્ટરની પીડીએફને ચૅટ-જીપીટી પર અપલોડ કરીને તેને લગતા સવાલો આપવા પ્રૉમ્પ્ટ કરતો હતો. પછી હું પ્રશ્નોને જાતે ઉકેલતો."

આના વિશે શિક્ષક કહે છે, "આ એક એવો ઉપાય હતો જેનાથી તેઓ સતત આગળ વધવા લાગ્યા."

આવી તૈયારી કર્યા પછી ફૈઝાનઉલ્લાને 10મા ધોરણમાં લાગ્યું કે તેઓ બોર્ડની પરીક્ષાને સારા ગુણ સાથે પાસ કરી શકે છે.

તેઓ કહે છે, "જિતેન્દ્ર સર સતત રિવિઝન પર ભાર મૂકતા અને મોઢે કરેલા જવાબોને 10-10 વખત લખાવતા જેથી હું ભૂલી ન જાઉં."

બીબીસી ગુજરાતી ધોરણ 10 પરીક્ષા સેરેબ્રલ પલ્સીથી પીડાતા મોહમ્મદ ફૈઝાનઉલ્લા વિકલાંગ ઝારખંડ

ઇમેજ સ્રોત, Sartaj Alam/BBC

ઇમેજ કૅપ્શન, શિક્ષક પાસેથી તાલીમ મેળવી રહેલા ફૈઝાનઉલ્લા

આ પ્રકારની પરીક્ષામાં વિકલાંગ વિદ્યાર્થીઓને રાઇટરની સગવડ મળે છે, પરંતુ ફૈઝાનઉલ્લા માત્ર રાઇટર પર આધારિત ન રહ્યા.

તેઓ કહે છે કે ઘણા વિષયમાં જ્યારે તેઓ મોઢેથી લખીને થાકી જતા હતા, ત્યારે થોડા સમય માટે રાઇટરનો ઉપયોગ કરતા હતા.

આખરે તેમણે આવો નિર્ણય કેમ લીધો? તેઓ કહે છે, "બોલી બોલીને લખાવવામાં એ સંતોષ ન મળે, જે જાતે લખવામાં મળે છે. ઉદાહરણ તરીકે ગણિતના વિષયને બોલીને કેવી રીતે લખાવવું, તેથી ગણિતનું પેપર મેં જાતે લખ્યું."

ગણિતમાં 98 ગુણ મેળવનાર ફૈઝાનઉલ્લાને એક તરફ ઝારખંડના મુખ્ય મંત્રી અને વડા પ્રધાનને મળવાની ઇચ્છા છે, બીજી તરફ તેઓ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવાનો ઇરાદો પણ ધરાવે છે.

ફૈઝાનઉલ્લાની આ સફળતા વિશે શિવાજીનગર હાઉસ્કૂલના પ્રિન્સિપાલ એલ.એફ. મરાંડી કહે છે, "એક તરફ ફૈઝાનઉલ્લા જેવા વિદ્યાર્થી અમને મળ્યા અને બીજી તરફ તેમને પાંચ વર્ષ સુધી ભણાવનાર શિક્ષક જિતેન્દ્રકુમાર ભગતની સેવા મળી તે ગૌરવની વાત છે. બંને અનમોલ છે. બંનેને ભવિષ્ય માટે શુભકામનાઓ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન