લાલ કિલ્લા પર પહેલી વખત રાષ્ટ્રગાન 'જન ગણ મન' પહેલાં ગાવામાં આવ્યું રાષ્ટ્રગીત 'વંદે માતરમ', તેનું શું મહત્ત્વ છે?

વડા પ્રધાન મોદી હાલમાં દેશના 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સંબોધન કરી રહ્યા છે બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ગુજરાત અપડેટ ભારત વંદે માતરમ

ઇમેજ સ્રોત, Doordarshan National

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીએ દેશના 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સંબોધન કર્યું હતું.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતાં 'વંદે માતરમ'નો ઉલ્લેખ કર્યો.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું, "આ એક ઐતિહાસિક દિવસ છે. સ્વતંત્રતા પછી આ એવો સમય છે, જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 'વંદે માતરમ'ની ગૂંજ સંભળાઈ છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે આપણે સૌ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આજે દરેક હૃદયની ધડકન 'વંદે માતરમ'ના નાદથી ગૂંજી રહી છે. આજે દરેક ઘરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે અને દરેક મનમાં તિરંગો વસેલો છે. રાષ્ટ્ર ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો લઈને આગળ વધી રહ્યું છે."

તેમણે કહ્યું કે જ્યારે ભારતના લોકો 'વંદે માતરમ'નાં 150 વર્ષ ઉજવી રહ્યા છે, ત્યારે આથી વધુ સારો અવસર બીજો શું હોઈ શકે?

ભારત 80મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યું છે. નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાયેલા સત્તાવાર સમારોહમાં આ વખતે 80 વર્ષની પરંપરામાં પહેલી વાર ફેરફાર જોવા મળ્યો.

નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની પહેલાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગવાયું.

આ બાબત એટલા માટે મહત્ત્વની માનવામાં આવે છે કે રાષ્ટ્રગાનને બંધારણીય દરજ્જો મળેલો છે અને સત્તાવાર પ્રોટોકૉલ અનુસાર તેને ગણતંત્રનું સર્વોચ્ચ સંગીતમય પ્રતીક માનવામાં આવે છે.

જોકે, ભાજપ અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા સંગઠનો લાંબા સમયથી 'વંદે માતરમ'ની હિમાયત કરતા આવ્યા છે. તેમાં હિંદુ ધાર્મિક સંદર્ભો પણ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે કાયદામાં સુધારો કરીને 'વંદે માતરમ'ને 'જન ગણ મન' સમાન દરજ્જો આપ્યો છે. આ પહેલાં સરકારી અને રાજકીય સમારોહોમાં રાષ્ટ્રગાન વગાડવામાં આવતું હતું, જ્યારે રાષ્ટ્રીય ગીત મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી મર્યાદિત હતું.

સ્વતંત્રતા દિવસના સમારોહની જવાબદારી સંભાળતા રક્ષા મંત્રાલયે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 'વંદે માતરમ'ના 150મા વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા પ્રથમ વખત તેને વિશેષ સન્માન આપવામાં આવશે.

નવા પ્રોટોકૉલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત વગાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો અને તે દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું.

'વંદે માતરમ' અંગે અનેક વિવેચકોનો એવો તર્ક રહ્યો છે કે તે સંઘ પરિવારના વ્યાપક હિંદુત્વ એજન્ડાનો એક ભાગ છે, જેના હેઠળ ભારતની વૈવિધ્યતા અને બહુલતાની ઉજવણી કરતા રાષ્ટ્રગાનની જગ્યાએ 'વંદે માતરમ'ના તમામ છ શ્લોકોને વધુ મહત્ત્વ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

'વંદે માતરમ'નાં આ પદોમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી સહિતનાં હિંદુ દેવી-દેવતાઓના સંદર્ભો છે અને ભારતને એક પૂજનીય માતૃદેવી તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

સુધારેલો નવો કાયદો

વડા પ્રધાન મોદી હાલમાં દેશના 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સંબોધન કરી રહ્યા છે બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર ગુજરાત અપડેટ ભારત વંદે માતરમ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લાલ કિલ્લાનું એક દૃશ્ય

સુધારેલા કાયદા અનુસાર, રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ અધિનિયમ, 1971ને સંસદે મંજૂરી આપી હતી અને આ અઠવાડિયાની શરૂઆતમાં રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. એટલે હવે રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવા બદલ પણ રાષ્ટ્રગાનના અપમાનની જેમ જ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પીએમ મોદીએ ગણાવી સરકારની સિદ્ધિઓ

વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લાથી સંબોધન કરતા છેલ્લાં 12 વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે દેશવાસીઓના સંકલ્પ અને પ્રયાસોને કારણે ભારતે વિકાસની નવી ગતિ પકડી છે.

વડા પ્રધાને કહ્યું, "છેલ્લાં 12 વર્ષમાં 25 કરોડ દેશવાસી ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. દેશવાસીઓના પ્રયાસના પરિણામે ભારત એક મોટી અને ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થામાં બદલાઈ ગયો છે."

તેમણે કહ્યું, "આઝાદી બાદ લાંબા સમય સુધી દેશ અપેક્ષિત ગતિથી આગળ વધી શક્યો નહોતો."

તેમણે કહ્યું કે 2014 સુધી ભારતને દુનિયાએ 'ફ્રૅઝાઇલ ફાઇવ'માં સામેલ કરી નાખ્યો હતો, પરંતુ છેલ્લાં 12 વર્ષમાં દેશે નવી ગતિ હાંસલ કરી છે.

વડા પ્રધાન મોદીએ આ સમયે પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન વિભિન્ન ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું, "ગત બાર વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન ચાર ગણું, ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય પાંચ ગણો અને મોબાઇલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું છે. ડિજિટલ ઇનોવેશનના ક્ષેત્રમાં પણ ભારતે પોતાની ઓળખ બનાવી છે."

તેમણે કહ્યું કે દેશમાં પેટન્ટ ગ્રાન્ટની સંખ્યા ચાર ગણી અને ડિજિટલ લેવડદેવડ સો ગણી વધી છે.

વડા પ્રધાનના જણાવ્યા અનુસાર, દર વર્ષે સરેરાશ 15 ગણી વધુ ઝડપે લોકોને નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે.

પીએમ મોદીએ ગરીબો માટે શૌચાલય અને ઘરનિર્માણની ગતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ગરીબો માટે શૌચાલય અને ઘરો બનાવવાનું કામ ચાર ગણી ઝડપે કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં મેટ્રો નેટવર્કનો પણ ઝડપી વિસ્તાર થયો છે.

વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી 13મી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા મુજબ દિલ્હીના લાલ કિલ્લાથી સવારે 7:30 વાગ્યે તિરંગો ફરકાવ્યો હતો

ઇમેજ સ્રોત, Doordarshan National

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા મુજબ દિલ્હીના લાલ કિલ્લાથી તિરંગો ફરકાવ્યો હતો

ભારત આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યું છે. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની પરંપરા મુજબ દિલ્હીના લાલ કિલ્લાથી સવારે 7:30 વાગ્યે તિરંગો ફરકાવ્યો હતો.

નરેન્દ્ર મોદીનું આ ઐતિહાસિક સ્થળ પરથી સતત 13મા સ્વતંત્રતા દિવસનું સંબોધન છે. સંબોધન પહેલાં મોદી ત્રણેય સેનાઓ અને દિલ્હી પોલીસના જવાનોથી બનેલા ગાર્ડ ઑફ ઑનરની સલામી સ્વીકાર્યા બાદ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.

ધ્વજારોહણ દરમિયાન સ્વદેશી 105 એમએમ લાઇટ ફીલ્ડ ગન દ્વારા 21 તોપની સલામી આપવામાં આપવામાં આવી હતી.

સમારોહમાં અંદાજે 27,000 લોકો ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા 5,000 વિશેષ આમંત્રિત મહેમાનો, સામાન્ય નાગરિકો અને દેશના યુવાનોનો સમાવેશ થાય છે.

સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વડા પ્રધાને ઍક્સ પર લખ્યું, "તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ રાષ્ટ્રીય પર્વ આપણને દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના અદ્ભુત સાહસ, અવિરત સંઘર્ષ અને માતૃભૂમિ પ્રત્યેના અતુલનીય સમર્પણનું સ્મરણ કરાવે છે. આવો, તેમના આદર્શોને અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી

ઇમેજ સ્રોત, Doordarshan National

ઇમેજ કૅપ્શન, સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી

સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

લાલ કિલ્લાના પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તેઓ દેશને સંબોધિત કરવા પહેલાં તેઓ મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા.

રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા માટે રવાના થયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન