અબજોનું ફંડ મેળવતા પરંતુ ભાગ્યે જ ચૂંટણી લડતા 'કાગળ પર'ના રાજકીય પક્ષો પર બીબીસીનો મોટો ખુલાસો

- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
'સત્યવાદી રક્ષક પાર્ટી'ના ગુજરાતના આણંદ શહેરમાં આવેલા કાર્યાલયની બહાર ઘોર અંધકાર છવાયેલો હતો. ફ્લૅટના દરવાજા પર તાળું લટકતું હતું અને આ ખરેખર પાર્ટીનું સત્તાવાર નોંધણી કરાયેલું કાર્યાલય છે એમ સૂચવતું કોઈ બોર્ડ તો ઠીક, પોસ્ટર સુધ્ધાં ત્યાં જોવા મળતું નહોતું.
આવી સ્થિતિ જોતાં માનવું મુશ્કેલ લાગે કે આ પાર્ટીને 2023-24માં રૂ. 330 કરોડનું દાન મળ્યું હતું. પાર્ટીના સત્તાવાર રેકૉર્ડ દર્શાવે છે કે આટલી મોટી રકમ પ્રાપ્ત થઈ હોવા છતાં, 2024ની લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીએ માત્ર એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા.
પાર્ટીના તે વર્ષના ઑડિટ અહેવાલ અનુસાર, તેણે પ્રચાર માટે રૂ. 8.48 કરોડ ખર્ચ્યા હતા અને "જનકલ્યાણ" માટે આશ્ચર્યજનક જણાય એટલા, રૂ. 316 કરોડ ખર્ચ્યા હતા.
બીબીસીને જાણવા મળ્યું કે પાર્ટીનાં પ્રમુખ સ્વાતીબહેન એ જ સંકુલમાં આવેલા એક ફ્લૅટમાં રહે છે, જ્યાં પાર્ટીનું રજિસ્ટર્ડ કાર્યાલય આવેલું છે. તેમની પાર્ટીને મળેલા દાન અને તેના ખર્ચ અંગે પૂછવામાં આવતાં સ્વાતીબહેને કહ્યું, "અમે આ નાણાં દાનમાં વાપર્યાં છે, પરંતુ તેનો હિસાબ જાળવ્યો નથી."
નાણાંના મામલે પારદર્શિતાના આ પ્રકારના દેખીતા અભાવનો મુદ્દો, છ નોંધાયેલા, પરંતુ અમાન્ય રાજકીય પક્ષો (રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ/આરયુપીપી) અંગેની બીબીસીની તપાસમાં જોવા મળ્યો હતો.

આ છ પક્ષોને 2023-24માં સૌથી વધુ દાન મળ્યું હતું. 2023-24 એ છેલ્લી લોકસભા ચૂંટણી પહેલાંનું નાણાકીય વર્ષ હતું.
ભારતમાં 2,800થી વધુ રાજકીય પક્ષો છે, પરંતુ તેમાંથી માત્ર 73 પક્ષોને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરના પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. બાકીના તમામ પક્ષો 'આરયુપીપી' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ આ તપાસ જૂનમાં શરૂ કરી હતી. તેના થોડા જ દિવસ પહેલાં તૃણમૂલ કૉંગ્રેસના 20 સાંસદો પક્ષપલટો કરીને 'નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા' (NCPI)માં જોડાયા હતા. એનસીપીઆઈ પણ આરયુપીપી છે. આ તપાસનાં તારણો એનસીપીઆઈને લાગુ પડતાં નથી. અગાઉ ઉલ્લેખ કરાયેલા છ પક્ષોમાં કોઈ નાણાકીય ગેરરીતિ થઈ છે એવું પણ આ તારણો સૂચવતાં નથી.
પરંતુ આ તપાસનાં તારણો અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા તેનાં વિશ્લેષણો આ પક્ષોની કામગીરી અંગે પ્રશ્નો ઊભા કરે છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમ કે, 2023-24માં આ પક્ષોની કુલ આવક સત્તાધારી 'ભારતીય જનતા પાર્ટી' સિવાયના પાંચેય રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક કરતાં વધુ હતી.
આમ છતાં, ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે સૌથી વધુ સંપત્તિ ધરાવતા છ આરયુપીપીએ 2024ની સામાન્ય ચૂંટણીમાં ફક્ત 15 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપ સિવાયના પાંચ પક્ષોએ 893 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
છ આરયુપીપીમાં સૌથી વધુ દાન મેળવનાર 'આમ જનમત પાર્ટી'એ ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા.
2020માં પટણામાં તેની સ્થાપના થયા પછી બે વર્ષ સુધી પાર્ટીને રૂ. 20,000થી વધુનું એક પણ દાન મળ્યું નહોતું, એમ ચૂંટણી પંચ સમક્ષ પાર્ટીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે. રાજકીય પક્ષો માટે રૂ. 20,000થી વધુના તમામ દાનની વાર્ષિક વિગતો ચૂંટણી પંચને રજૂ કરવી ફરજિયાત છે.
પરંતુ 2022-23માં 'આમ જનમત પાર્ટી'ને રૂ. 216 કરોડ મળ્યા અને ત્યાર પછી 2023-24માં આ દાન વધીને રૂ. 620 કરોડ થયું.
પટણામાં બીબીસીએ પાર્ટીનાં સ્થાપક પ્રમુખ અનામિકા પાસવાન સાથે વાત કરી હતી.
હાલ તેઓ ભાજપનાં રાજ્ય ઉપપ્રમુખ છે. પાસવાને દાવો કર્યો હતો કે તેમણે 2022માં 'આમ જનમત પાર્ટી'માંથી રાજીનામું આપી દીધું હતું. તેમના પતિએ તેમનું રાજીનામું અને એક દસ્તાવેજ બીબીસીને બતાવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે પાર્ટીએ તેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે ખસેડ્યું છે અને હાલ ગૌરવ મિશ્રા તેના પ્રમુખ છે.

જોકે, અમદાવાદમાં પાર્ટીનું રજિસ્ટર્ડ કાર્યાલય બંધ હતું.
ફોન પર વાત કરતાં પાર્ટીના ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવે દાવો કર્યો હતો કે તેમણે પાર્ટીની કામગીરી બંધ કરી દીધી છે. પરંતુ, બીબીસી તેના બૅન્ક ખાતામાં દાનની રકમ મોકલી શક્યું હતું.
પાર્ટીની નાણાકીય બાબતો અંગે વધુ પૂછપરછ કરતાં વૈષ્ણવે કહ્યું હતું કે પોતાને તેની કશી જાણકારી નથી અને તમામ પ્રશ્નો મિશ્રાને પૂછવા.
પરંતુ બીબીસીના વારંવારના ફોન અને સંદેશાઓનો મિશ્રાએ કોઈ જવાબ આપ્યો નહોતો.
આવું જ કંઈક 'ગરીબ કલ્યાણ પાર્ટી'ના કિસ્સામાં પણ જોવા મળ્યું હતું. તેને રૂ. 138 કરોડનું દાન મળ્યું હતું અને તેણે ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં 'આમ જનમત પાર્ટી'ના કાર્યાલયની નજીક જ આ પાર્ટીનું કાર્યાલય આવેલું છે.
રસપ્રદ વાત એ છે કે છ આરયુપીપીમાંથી ચારનાં રજિસ્ટર્ડ કાર્યાલયો એક જ વિસ્તારમાં આવેલાં છે. બાકીનાં બે કાર્યાલયો પણ ગુજરાતમાં જ આવેલાં છે.

'ગરીબ કલ્યાણ પાર્ટી'ની કચેરી પર પણ તાળું લટકતું હતું.
પાર્ટીના પ્રમુખ નીરજકુમાર ક્ષત્રિયના ઘરે તેમનાં માતા આશાબહેને બીબીસીને જણાવ્યું હતું કે એ ઘરે નથી અને પાર્ટીની કામગીરી અંગે તેમને કશી જાણકારી નથી.
જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આવકવેરા વિભાગે તેમના ઘરે દરોડો પાડ્યો હતો. આશાબહેને કહ્યું હતું કે એ દરોડા શા માટે પાડવામાં આવ્યા હતા તેની તેમને જાણ નહોતી.
પરંતુ બીબીસીએ નિષ્ણાતો અને કરવેરા અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમણે આનો જવાબ આપ્યો હતો. આ જવાબથી એ બાબત પણ સમજાય છે કે આ પક્ષોને આટલું મોટું દાન શા માટે મળી રહ્યું હતું.
આ જવાબનાં મૂળિયાં ભારતના કરવેરાના કાયદાઓમાં રહેલાં છે.
આ કાયદા રાજકીય પક્ષોની આવકને કરમાંથી મુક્તિ આપે છે. એટલું જ નહીં, વ્યક્તિગત કરદાતાઓ રાજકીય પક્ષોને આપેલા દાનના પુરાવા રજૂ કરીને પોતાની આવક પરના કરમાં રાહત મેળવી શકે છે.
અમદાવાદના વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ ચજ્જડે કહ્યું હતું, "રાજકીય પક્ષોને દાન આપવા બદલ કરમાં રાહત મેળવવા બાબતે કરવેરાના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે."

ચજ્જડે સમજાવ્યું હતું કે વ્યક્તિગત કરદાતાઓ આ રાજકીય પક્ષોને આપેલા દાનની પહોંચ દર્શાવીને કરમાં રાહત મેળવે છે. તેના બદલામાં આ પક્ષો પોતાનું કમિશન રાખીને દાનની રકમ રોકડમાં કરદાતાઓને પાછી આપી દે છે.
ડિસેમ્બર 2025માં બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં આવકવેરા વિભાગે પણ આરયુપીપીને આપવામાં આવતા બોગસ દાન અને અન્ય નાણાંકીય ગેરરીતિઓના મુદ્દા તરફ ધ્યાન દોર્યું હતું.
યાદીમાં જણાવાયું હતું, "અમલીકરણની કાર્યવાહી દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું હતું કે ઘણી આરયુપીપી આવકવેરાનું રિટર્ન ભરતી નહોતી, તેમની નોંધાયેલી જગ્યાએ કામગીરી કરતી નહોતી અને કોઈ રાજકીય પ્રવૃત્તિમાં પણ સંકળાયેલી નહોતી. તેમનો ઉપયોગ નાણાંની હેરફેર, હવાલાના વ્યવહારો, સરહદપાર નાણાં મોકલવા અને દાનની બોગસ પહોંચો આપવા માટે કરવામાં આવતો હતો."
ચૂંટણી પર નજર રાખતી સંસ્થા ઍસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સમાં આરયુપીપીની આવકનો અભ્યાસ કરતાં સંશોધક શેલી મહાજને બીબીસીને જણાવ્યું હતું કે આમાંના ઘણા પક્ષો ઘણી વાર "નાણાંની હેરફેર અને કરચોરી માટેના માધ્યમ" તરીકે કામ કરે છે.

ઇમેજ સ્રોત, fb/ anamika paswan
"આ પક્ષો ચૂંટણીની દૃષ્ટિએ સક્રિય નથી, છતાં તેમને આટલું મોટું ભંડોળ મળી રહ્યું છે અને તેઓ આ નાણાં ખર્ચી પણ રહ્યા છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું આ ખરેખર રાજકીય પક્ષો છે કે પછી તેઓ શૅલ કંપનીઓ માટેના એવા માધ્યમ તરીકે કામ કરી રહ્યા છે, જેની મદદથી તેમનાં નાણાંને કાયદેસર દેખાડવામાં આવે?" તેમણે સવાલ કર્યો.
તપાસ દરમિયાન બીબીસીએ અમદાવાદ, દિલ્હી અને પટણામાં ત્રણ કરવેરા અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. નામ જાહેર ન કરવાની શરતે તેમણે સ્વીકાર્યું હતું કે આવી અનેક આરયુપીપી છે, જે ન સ્વતંત્ર રીતે કામ કરે છે કે ન તો સામાન્ય રાજકીય પાર્ટીની જેમ કામગીરી કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેના બદલે, તેમની કામગીરી એકબીજા સાથે સંકળાયેલી હોય છે. પક્ષો તથા કરદાતાઓ વચ્ચે વચેટિયા તરીકે કામ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવે છે.
બીબીસીએ તપાસેલા અન્ય એક પક્ષ 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી'ના પ્રમુખ સુરેન્દર તિવારીએ આ વાતને સમર્થન આપ્યું હતું. તેમની પાર્ટીને 2023-24માં રૂ. 219 કરોડ મળ્યા હતા. પરંતુ તેમનું કહેવું છે કે આ નાણાં સુધી તેમની પહોંચ નહોતી.
તિવારીએ વીડિયો કૉલ પર જણાવ્યું હતું, "પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મને ચૂંટણીપ્રચાર માટે થોડાં નાણાં આપ્યાં હતાં. ત્યાર પછી તેઓ એવા ક્લાયન્ટ્સને ચૂંટણીપ્રચારના વીડિયો બતાવતા હતા, જેઓ દાન આપીને કરમાં રાહત મેળવવા માગતા હતા."
તિવારીએ જણાવ્યું કે જુલાઈ 2026માં પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હતી. પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરસિંહે "તેમને અંધારામાં રાખ્યા" હોવાનો આરોપ મૂકતાં તિવારીએ દાવો કર્યો હતો કે પાર્ટીની કામગીરીની બાગડોર તેમના જ હાથમાં હતી.
જો કે, સિંહે કોઈ પણ ગેરરીતિનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ માત્ર એવા ઑડિટ અહેવાલો તૈયાર કરે છે, જે પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવા ફરજિયાત હોય છે.
"હું 'ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી' જેવા બીજા અનેક પક્ષો માટે પણ આ કામ કરું છું (આ પક્ષની પણ તપાસ કરવામાં આવી હતી). અગાઉ હું 'ભારતીય જન પરિષદ' માટે આ કામ કરતો હતો. તમે સમજો, આ પક્ષોની પાછળ એ જ લોકો છે," સિંહે ફોન પર જણાવ્યું.
પરંતુ શું આ પક્ષો સામે કોઈ કાર્યવાહી થઈ રહી છે?

નામ જાહેર ન કરવાની શરતે એક કરવેરા અધિકારીએ બીબીસીને એક આંતરિક દસ્તાવેજ બતાવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે આવકવેરા વિભાગ ઓછામાં ઓછા 2022થી મલિન ઇરાદા ધરાવતા આરયુપીપીની તપાસ કરી રહ્યો છે.
દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું હતું કે વિભાગે કરમાં રાહત મેળવવા માટે કરદાતાઓ દ્વારા આરયુપીપીને આપવામાં આવેલા રૂ. 5,591 કરોડના બોગસ દાનની ઓળખ કરી છે. આમાંથી વિભાગ રૂ. 2,749 કરોડની રકમ વસૂલ કરી શક્યો છે. આ ઉપરાંત, પક્ષો દ્વારા કરવામાં આવેલા રૂ. 665 કરોડના વિદેશી વ્યવહારોની પણ ઓળખ કરવામાં આવી હોવાનું દસ્તાવેજમાં જણાવાયું હતું.
તેમાં આવકવેરા અધિનિયમ, વિદેશી ફાળો નિયમન અધિનિયમ અને ભારતના ચૂંટણી પંચના નિયમોના ભંગની નોંધ કરવામાં આવી હતી. તેમજ દોષિત હોવાની શંકા ધરાવતા પક્ષો સામે વિભાગે તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ તેમાં જણાવાયું હતું.
બીબીસીએ બિહાર, ગુજરાત અને નવી દિલ્હી સ્થિત આવકવેરા કચેરીઓ તેમજ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસને પ્રશ્નો મોકલીને દસ્તાવેજમાં આપેલી વિગતોની પુષ્ટિ કરવા જણાવ્યું છે. તપાસ હેઠળના છ પક્ષો સામે પણ તપાસ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ બીબીસીએ પૂછ્યું છે.
બીબીસીને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી

કરવેરાનાં વકીલ વિભુ જૈને બીબીસીને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના મૅન્યુઅલમાં આવા કિસ્સાઓમાં વિભાગે અન્ય સરકારી એજન્સીઓ સાથે માહિતીની આપ-લે કરવા માટે "સરકારની વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલિત અભિગમ" અપનાવવો જોઈએ એવું જણાવાયું છે.
આરયુપીપીમાં સામાન્ય રીતે અને ખાસ કરીને આ છ પક્ષોમાં નાણાકીય ગેરરીતિ અંગે આવકવેરા વિભાગ તરફથી કોઈ માહિતી મળી છે કે કેમ, તે અંગે બીબીસીએ ચૂંટણી પંચને પ્રશ્નો મોકલ્યા છે. હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.
ગયા વર્ષે ચૂંટણી પંચે 800થી વધુ આરયુપીપીને તેની યાદીમાંથી દૂર કરી હતી. જો કે, તેના અખબારી નિવેદનમાં જણાવાયું હતું કે આ પક્ષોએ છેલ્લાં છ વર્ષમાં કોઈ પણ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ઊભો કર્યો નહોતો.
નાણાકીય ગેરરીતિ પણ આ કાર્યવાહીનું કારણ હતી કે કેમ, તે સ્પષ્ટ નથી. બીબીસીએ ચૂંટણી પંચને મોકલેલા પ્રશ્નોમાં આ અંગે પણ સ્પષ્ટતા માગી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















