ઈરાન સાથેની કોઈ પણ અંતિમ સમજૂતીમાં પરમાણુ જોખમ સમાપ્ત થવું જોઈએ : નેતન્યાહૂ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમણે શનિવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઈરાનના પરમાણુ કાર્યક્રમ તથા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા મામલે જોડાયેલી સમજૂતી માટે થનારી આગામી બેઠકની વાતચીત પર ચર્ચા કરી હતી.

ઍક્સ પર લખેલી પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું કે તેઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ એક વાત પર સહમત છે કે "ઈરાન સાથેની કોઈ પણ અંતિમ સમજૂતીમાં પરમાણુ જોખમને પૂર્ણ પ્રકારે સમાપ્ત કરવું જોઈએ."

તેમણે કહ્યું કે તેનો અર્થ છે, "ઈરાનનાં પરમાણું સંવર્ધન કેન્દ્રોને નષ્ટ કરવા રહ્યાં અને સંવર્ધિત પરમાણુ સામગ્રીને હઠાવવી પડશે."

તેમણે કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફક મારી નીતિ પણ બદલાઈ નથી. ઈરાન પરમાણુ હથિયાર હાંસલ નહીં કરે."

રાજકોટ : યુવકની હત્યા અને પૉક્સો કેસમાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડ્યાનો પોલીસનો દાવો

20 મે, 2026ના રોજ રાત્રે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં ખાખડાબેલા પાંચ ગામના પાદરમાં યુવરાજસિંહ જાડેજાની હત્યાનો બનાવ બન્યો હતો.

જે બાદ સ્થાનિક પોલીસે વિવિધ ટીમો રચી આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને બનાસકાંઠા ખાતે ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર ઘટના અંગે વિગતો આપતાં રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું હતું કે, "બનાવના દિવસે 43 વર્ષીય યુવરાજસિંહ પોતાની એક મહિલા મિત્ર સાથે પોતાની કારમાં બેસીને પોતાના ઘર તરફ જતો હતો, એ સમયે સામેથી આવતી અન્ય એક કારે તેમની કારને ટક્કર મારી. એ બાદ સામેની કારમાં સવાર બે લોકોએ છરીથી હુમલો કરીને યુવરાજસિંહનું મૃત્યુ નિપજાવ્યું હતું."

પોલીસે આપેલી માહિતી અનુસાર, ઘટનાની એફઆઇઆર નોંધાતાં આરોપીઓની ધરપકડ કરવા માટે ધોરાજીનાં એએસપી સિમરન ભારદ્વાજની આગેવાનીમાં એક ટીમની રચના કરાઈ.

મળી રહેલી માહિતી અનુસાર આ મામલાની તપાસમાં લાગેલી એક ટીમને આરોપીઓ ગુજરાત-રાજસ્થાનની બૉર્ડરે બનાસકાંઠા જિલ્લામાં હોવાની માહિતી મળી, જે બાદ રવિવારે વહેલી સવારે પોલીસની એક ટીમે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા, હાલ બંનેની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

એસપી ગુર્જરે જણાવ્યું, "બંને આરોપીઓ સામે 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં જ પૉક્સો અંતર્ગત ગુનો દાખલ થયેલો હતો, જેમાં બંને વૉન્ટેડ હતા. આ કેસમાં પણ બંનેની અટક કરાશે."

પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓ ખાખડાબેલા પાંચ ગામના જ રહેવાસી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની સંભવિત સમજૂતી વિશે માર્કો રુબિયોએ શું કહ્યું?

ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ઈરાન સાથે સંભવિત સમજૂતીનો સંકેત આપ્યો છે.

તેમણે કહ્યું, "કદાચ, આજે થોડી જ વારમાં વધુ સમાચાર મળશે."

જોકે, તેમણે એમ પણ કહ્યું કે આગળની ઘોષણાનું કામ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરશે.

તેમણે વધુમાં કહ્યું, "વાતચીતમાં કેટલીક પ્રગતિ થઈ છે, ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ હજુ અંતિમ પ્રગતિ નથી થઈ."

રુબિયોએ હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ સારા સમાચારના સંકેતો આપ્યા. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હજુ કામ બાકી છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે આવનારા કેટલાક કલાકમાં દુનિયાને ઓછામાં ઓછી (હોર્મુઝ) સ્ટ્રેટના મામલામાં સારા સમાચાર મળી શકે છે.

તેમણે આ વિશે કહ્યું, "અમારે આ મામલે વધુ કામ કરવાનું છે. સારા સમાચાર છે, પરંતુ આ સમાચાર આખરી નથી."

રુબિયોએ એમ પણ કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખી શકે. તેમણે ક્હયું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ મામલે સ્પષ્ટ જ છે.

યુક્રેન પર રશિયાનો મોટો હુમલો, હાઇપરસોનિક મિસાઇલો છોડી

રશિયાએ યુક્રેન પર મોટા પાયે હુમલા કર્યા છે. તેણે સેંકડો ડ્રૉન અને ડઝનો મિસાઇલો છોડી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રાજધાની કીએવ મુખ્ય નિશાન પર હતી, પરંતુ બીજા વિસ્તારોને પણ નિશાન બનાવાયા. હુમલામાં ઓછામાં ઓછા 83 લોકો ઘાયલ થયા છે.

કીએવ અને તેના આસપાસના વિસ્તારોમાં ચાર લોકોનાં મોત થયાં છે. શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે આ વિસ્તારમાં ધડાકાઓના અવાજો સંભળાયા અને રહેણાંક ઇમારતો અને શાળાઓને નુકસાન પહોંચ્યાની ખબર છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે હુમલામાં ઑરેશનિક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો. મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓ યુક્રેન તરફથી "સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા હુમલાઓ"ના જવાબમાં કરવામાં આવ્યા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર શુક્રવારે સ્ટારોબિલ્સ્ક શહેરમાં એક વિદ્યાર્થી આવાસ પર ઘાતક હુમલો કરવાની આરોપ મૂક્યો, જેમાં 21 લોકોનાં મોત થયાં હતાં.

યુક્રેનની સશસ્ત્ર સેનાના જનરલ સ્ટાફે કહ્યું કે તેમની તરફથી શુક્રવાર રાત્રે રશિયાના કબજામાં આવેલા પૂર્વીય યુક્રેનમાં સ્ટારોબિલ્સ્ક નજીક હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ નિશાન રશિયાની સેના હતી.

રવિવાર રાત્રે રશિયાના આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે રશિયા હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે અને શક્ય છે કે તે ઑરેશનિક મિસાઇલનો ઉપયોગ કરે.

આ મિસાઇલ વિશે કહેવામાં આવે છે કે તે અવાજની ગતિથી 10થી વધુ ગણી ઝડપે છોડી શકાય છે અને તેને અટકાવવી લગભગ અશક્ય છે.

માર્કો રુબિયોએ ભારતને લઈને ટ્રમ્પનાં નિવેદનો પર કરી સ્પષ્ટતા, બંને દેશો વચ્ચેના સંબંધને લઈને શું કહ્યું?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત-અમેરિકા સંબંધો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે સંબંધોએ પોતાનો "મૉમેન્ટમ નથી ગુમાવ્યો". તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરનાં નિવેદનો પર પણ પ્રતિક્રિયા આપી.

માર્કો રુબિયો ભારતના પ્રવાસે છે. રવિવારે તેમણે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પ્રેસ કૉન્ફરન્સ કરી.

આ દરમિયાન તેમણે ભારત-અમેરિકા સંબંધો સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા.

રુબિયોએ કહ્યું, "અમેરિકા-ભારત સંબંધોએ પોતાની કોઈ લય ગુમાવી નથી. હું સમજી શકું છું કે કેટલાક લોકો એવું કેમ કહે છે. હું તેની સાથે સહમત નથી. આ ભારત વિશે નથી. આ વેપારના મામલે, અમેરિકાના વિશે છે."

તેમણે ટ્રમ્પનાં નિવેદનો વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું, "રાષ્ટ્રપતિએ એવું નથી કહ્યું કે, 'ચાલો ભારત સાથેના વેપારને લઈને કોઈ તણાવ ઊભો કરીએ.' રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'અમેરિકન અર્થવ્યવસ્થામાં જે વેપાર વ્યવસ્થા છે તે આગળ ચાલી શકે તેવી નથી. એક બહુ મોટો અસંતુલન ઊભું થયું છે અને તેને દૂર કરવાની જરૂર છે'."

"તેમણે આ મુદ્દાને વૈશ્વિક દૃષ્ટિકોણથી આગળ વધાર્યો. દુનિયામાં કદાચ જ કોઈ દેશ હશે જ્યાં હું જાઉં અને ત્યાં વેપારનો મુદ્દો ન ઉઠે, કારણ કે અમે તેને વૈશ્વિક દૃષ્ટિકોણથી આગળ ધપાવ્યો છે."

વાસ્તવમાં, ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ વેપારને લઈને અલગ વલણ અપનાવ્યું છે. તેમણે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર શુલ્ક (ટેરિફ) લાગુ કર્યા.

ભારત દ્વારા રશિયાથી ઑઇલ ખરીદવા પર પણ ટ્રમ્પે વાંધો ઉઠાવ્યો હતો અને દંડ રૂપે તેમણે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો હતો. જોકે, બાદમાં તેને ઘટાડવામાં આવ્યો.

માર્કો રુબિયોએ ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થવાની આશા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંબંધમાં ચાલી રહેલી ચર્ચાઓમાં ઘણી પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે આ સંભવિત કરાર બંને પક્ષો માટે લાભદાયી અને ટકાઉ રહેશે.

પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રૅક પર વિસ્ફોટ, 20નાં મોત

બીબીસી ઉર્દૂના પત્રકાર મુહમ્મ્દ કાઝિમે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ચમન ફાટક પાસે રવિવારના રેલવે ટ્રૅક પર વિસ્ફોટ થયો છે. બીબીસીને મળેલી માહિતી અનુસાર આ વિસ્ફોટમાં 20 લોકોનાં મોત થયાં છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

બ્લાસ્ટને કારણે ટ્રેનના ત્રણ ડબ્બા ટ્રૅક પરથી ઊતરી ગયા, જ્યારે બે ડબ્બા પલટી ગયા.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રૅક પાસે ઊભાં કેટલાંક વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે અને આસપાસનાં ઘરોને પણ નુકસાન થયું.

સેના અને પોલીસ બળ દુર્ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓએ અત્યાર સુધી બ્લાસ્ટને કારણે અથવા ઈજાગ્રસ્ત થયેલા લોકો વિશે કોઈ નિવેદન નથી આપ્યું.

રેલવે મંત્રી મુહમ્મદ હનીફ અબ્બાસીએ ક્વેટામાં બ્લાસ્ટની ટીકા કરી છે.

રેલવે પ્રવક્તાના નિવેદનમાં રેલવે મંત્રી હનીફ અબ્બાસે કહ્યું કે, "ક્વેટા કૅન્ટથી આવનારી શટલ ટ્રેનમાં ચમન ફાટક પાસે બ્લાસ્ટ થયો છે."

તેમણે જણાવ્યું કે બ્લાસ્ટને કારણે ઍન્જિન સહિત ત્રણ ડબ્બા ટ્રૅક પરથી ઊતરી ગયા જ્યારે બે ડબ્બા પલટી ગયા.

સચીન તેંડુલકરે પુત્ર અર્જુનને લખ્યું, 'બસ, આમ જ વળગેલો રહે'

પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી આ સિઝનમાં પહેલી વાર રમવાની તક મળી હતી, અને એ પણ લખનૌની છેલ્લી મૅચમાં.

અર્જુન તેંડુલકરે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

અર્જુનના પફૉર્મન્સને જોતાં તેમના પિતા અને દિગ્ગજ ક્રિકેટર સચીન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી.

અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મૅચમાં એલએસજી માટે ડેબ્યુ કર્યું. ફાસ્ટ બૉલર અર્જુને ચાર ઓવરમાં 36 આપ્યા અને એક વિકેટ લીધી.

ત્યાર બાદ સચીન તેંડુલકરે ઍક્સ પર લખ્યું કે, "શાબાશ, અર્જુન. આ સિઝનમાં તું પોતાને જે રીતે આગળ લઈ ગયો છે એ જોઈને ગર્વ થાય છે. તેં હંમેશાં ખુદ પર વિશ્વાસ રાખ્યો, ધીરજ રાખી, શાંતિથી મહેનત કરી અને છેક છેલ્લી મૅચમાં તક મળવા સુધી તું હકારાત્મક રહ્યો."

"ક્રિકેટ એ ધીરજની સાથે સ્કિલની પણ પરીક્ષા લે છે, અને આજે તેં બંનેનું સુંદર રીતે જોડાણ રાખ્યું. બસ, આમ જ વળગેલો રહે અને રમત સાથે જે તને પ્રેમ છે તેને હંમેશાં રાખજે."

ઇકાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી છેલ્લી લીગ મૅચમાં એલએસજીની ટીમ હારી ગઈ હતી

પહેલાં બૅટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 6 ગુમાવીને 196 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે 18 ઓવર પૂરી થતાં જ સાત વિકેટથી જીતી ગઈ હતી.

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતોની ગણતરી શરૂ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતોની ગણતરી રવિવારે સવારે આઠ વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ ગઈ છે.

એક ચૂંટણી અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું, "મતની ગણતરી શાંતિપૂર્ણ ચાલી રહી છે. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ છે.

આ બેઠકનાં બધાં 285 બૂથ પર 21 મેના રોજ ફરી વાર મતદાન થયું હતું.

અગાઉ 29 એપ્રિલે દક્ષિણ 24 પરગણા જિલ્લાની બેઠક પર બીજા તબક્કાનું મતદાન થયું હતું, પરંતુ ઇવીએમમાં ગરબડ અને અનિયમિતતાઓના આરોપ બાદ ચૂંટણી રદ કરી દેવાઈ હતી.

ફાલ્ટા બેઠક પર તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન પહેલેથી ચૂંટણીમાંથી ખસી ગયા હતા, પરંતુ ઇવીએમમાં તેમનું નામ છે, કેમ કે તેમણે આ નિર્ણય નામ પાછું ખેંચવાની તારીખ બાદ લીધો હતો.

અહીં ભાજપના ઉમેદવાર દેવાંગ્શુ પાંડા, કૉંગ્રેસના અબ્દુર રઝ્ઝાક મોલ્લા અને સીપીઆઈ (એમ)ના સંભુનાથ કુર્મી મેદાનમાં છે.

ઈરાને પાકિસ્તાનનાં વખાણ કરતાં શું કહ્યું?

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી ઈરાનની યાત્રા કરીને પોતાના દેશ આવી ગયા છે.

ત્યાર બાદ પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મુકદ્દમે જણાવ્યું કે પાકિસ્તાનના પ્રયત્નોને કારણે હાલમાં વાતચીત સારી રહી છે.

રઝા અમીરી મુકદ્દમે કહ્યું કે જો બીજો પક્ષ ગંભીરતા દર્શાવે તો ક્ષેત્રમાં શાંતિ સ્થાપતિ થઈ શકે છે.

તેમણે સોશિયલ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મોહસીન નકવીએ તહેરાનથી પાછા આવ્યા બાદ ઈરાની અધિકારીઓ સાથે થયેલી વાતચીતની સફળતા પર મને અભિનંદન આપ્યાં છે."

રઝા અમીરી મુકદ્દમે લખ્યું, "જો બીજો પક્ષ સંપૂર્ણ ગંભીર રહે, તો એક સારું પગલું સામે આવશે. આ વાતચીતમાં થયેલી પ્રગતિ ઈરાનનું વલણ, તેની સેનાની મજબૂતી અને લોકોની હિંમતનું પરિણામ છે. તેમજ તેમાં પાકિસ્તાનની મધ્યસ્થતાના પ્રયાસો પણ સામેલ છે."

તેમણે આગળ લખ્યું, "હું આશા રાખું છે કે પાકિસ્તાનની સરકાર અને સેના સાચા પ્રયત્નો આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ લાવશે. ખાસ કરીને વડા પ્રધાન શહબાઝ શરીફ, ફિલ્ડ માર્શલ આસિમ મુનિર, વિદેશમંત્રી ઇસહાક ડાર અને ગૃહમંત્રી મોહસીન નકવીએ ઈમાનદારીથી પ્રયત્નો કર્યા છે."

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનિર પણ શુક્રવારે ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન