You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશમાં વિકાસ ધીમો પડવાની વાતો વચ્ચે ભારતના અબજપતિઓ વિદેશી કંપનીઓ કેમ ખરીદી રહ્યા છે?
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ
- દ્વારા રિપોર્ટિંગ, Mumbai
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતની સન ફાર્માસ્યુટિકલ્સે ન્યૂયૉર્કમાં લિસ્ટેડ મહિલા આરોગ્ય અને બાયોસિમિલર્સ કંપની ઑર્ગેનોન ઍન્ડ કંપનીને હસ્તગત કરવા માટે 11.75 અબજ ડૉલર ચૂકવવા એપ્રિલના અંતમાં સંમતિ આપી હતી.
આ, છેલ્લા લગભગ બે દાયકામાં કોઈ ભારતીય કંપની દ્વારા કોઈ વિદેશી કંપની હસ્તગત કરવામાં આવી હોય તેવો સૌથી મોટો સોદો હતો અને ભારતીય કંપનીઓ દ્વારા તાજેતરના મહિનાઓમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શ્રેણીબદ્ધ સોદાઓ પૈકીનો એક હતો.
તેમાં ટાટા મોટર્સ દ્વારા ટ્યૂરિનસ્થિત વાહનઉત્પાદક કંપની ઈવેકોનું 4.4 અબજ ડૉલરમાં અધિગ્રહણ, આઈટી કંપની કોફોર્જ દ્વારા સિલિકોન વેલી સ્થિત એઆઈ કંપની એન્કોરાનું 2.35 અબજ ડૉલરમાં અધિગ્રહણ અને 2025ની શરૂઆતમાં બજાજ ગ્રૂપ દ્વારા વૈશ્વિક દિગ્ગજ એલિનાઝ એસઈમાં 23 ટકા હિસ્સો ખરીદવાનો સમાવેશ થાય છે.
કન્સલ્ટન્સી ફર્મ ગ્રાન્ટ થોર્નટનના ડેટા જણાવે છે કે 162 ભારતીય કંપનીઓએ 2025માં વિદેશી કંપનીઓ હસ્તગત કરવા માટે 18 અબજ ડૉલરથી વધારે ખર્ચ્યા હતા, જે ગત વર્ષની સરખામણીએ 34 ટકા વધારો દર્શાવે છે.
ગ્રાન્ટ થોર્નટનના પાર્ટનર અને નેશનલ લીડર સુમીત અબ્રોલે બીબીસીને કહ્યું હતું, "અમે આ વર્ષના પહેલા છ મહિનામાં જ સોદાની કુલ કિંમતના સંદર્ભે 15 અબજનો આંકડો પાર કરીએ તેવી શક્યતા છે."
ભારતીય કંપનીઓ દ્વારા વિદેશી કંપનીઓ હસ્તગત કરવાની આ નવી લહેર ઘણા લોકોને બે દાયકા પહેલાં ટાટા ગ્રૂપ જેવી કંપનીઓના નેતૃત્વમાં શરૂ થયેલી વૈશ્વિક ખરીદીની સ્પર્ધાની યાદ અપાવે છે. એ સમયે ટાટા ગ્રૂપની કંપનીઓએ જેગ્વાર લેન્ડ રોવર અને કોરસ સ્ટીલ જેવી વૈશ્વિક 'ટ્રૉફી એસેટ્સ' એટલે કે અત્યંત પ્રતિષ્ઠિત અસ્કયામતો પર મોટો તથા સાહસભર્યો દાવ લગાવ્યો હતો.
જોકે, અનેક વિશ્લેષકોએ બીબીસીને જણાવ્યું હતું કે આ વખતે અધિગ્રહણ પાછળનાં કારણો અલગ છે. ભારતીય કંપનીઓ પશ્ચિમી કંપનીઓને પોતાની વૈશ્વિક મહત્વાકાંક્ષાના પ્રતીક તરીકે નહીં, પરંતુ વ્યૂહાત્મક તથા ઓપરેશનલ કારણોસર હસ્તગત કરી રહી છે.
રોકાણ કરવાની સરકારની વારંવાર વિનંતી, પરંતુ માહોલમાં વધતી નારાજગી
2000ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધીમાં આર્થિક પરિસ્થિતિ પણ ઝડપથી બદલાઈ છે. અધિગ્રહણના અગાઉના દૌરમાં ભારતમાં ધમધમતી તેજી હતી. આજે દેશ, સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં તેમજ ઉત્પાદન સંબંધી સબ્સિડી આપવામાં આવતી હોવા છતાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણ ઝડપથી અન્યત્ર વાળવાના, નેટ વિદેશી રોકાણમાં મોટા ઘટાડા અને ખાનગી ક્ષેત્રે ઘટતા રોકાણ જેવી નબળાઈઓનો સામનો કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સરકારના વડા આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને તાજેતરની એક પોલિસી કોન્ફરન્સમાં કહ્યું હતું, "ભારતની ટોચની 500 કંપનીઓનો નફો (કોવિડ પછી) વાર્ષિક 30.8 ટકાના દરે વધી રહ્યો છે. તેમ છતાં પ્રાઈવેટ સેક્ટરમાં આપણો કુલ મૂડી નિર્માણ દર નિરાશાજનક રહ્યો છે."
જાણકારોનું કહેવું, છે કે ભારતમાં જ વધારે રોકાણ કરવાની સરકારની વારંવારની વિનંતી છતાં વિદેશમાં વિસ્તાર કરવાની હોડ ઘરઆંગણાના ધંધાકીય માહોલ પ્રત્યે વધતી નારાજગી અને વિદેશમાં બહેતર વૈવિધ્યકરણ તથા ક્ષમતા-નિર્માણ બંને તકોને દર્શાવે છે.
માર્સેલસ ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના સૌરભ મુખરજીએ બીબીસીને કહ્યું હતું, "ભારતમાંથી જંગી પ્રમાણમાં પૈસા વિદેશ જઈ રહ્યા છે. અમારા પૉર્ટફોલિયોમાં સામેલ કંપનીઓ પૈકીની અનેક કંપનીઓ પણ અમેરિકા તથા અન્ય એવા દેશોમાં ગ્રીનફિલ્ડ ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે, જ્યાં જમીન લગભગ મફતમાં મળે છે અને વર્કિંગ કેપિટલની વ્યવસ્થા અહીં કરતાં ત્યાં વધારે સરળ છે."
અધિગ્રહણોનો સિલસિલો અહીં અટકવાનો નથી
માત્ર મોટી કંપનીઓ જ આ ટ્રેન્ડને આગળ વધારી રહી નથી.
સન ફાર્માનો સોદો કે ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા બ્રાઉન્સવિલેમાંના 300 અબજ ડૉલરના ઑઇલ રિફાઈનરી પ્રોજેક્ટને કથિત સમર્થન (આ પ્રોજેક્ટની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી, પરંતુ અંબાણી પરિવારે તેની જાહેરમાં પુષ્ટિ કરી નથી) મોખરાનાં હાઈ-પ્રોફાઈલ ઉદાહરણો હોઈ શકે છે, એમ જણાવતાં મુખરજીએ ઉમેર્યું હતું, "સંખ્યાબંધ નાની ભારતીય કંપનીઓ પણ આ પ્રકારનું નવું રોકાણ કરી રહી છે કે નાની કંપનીઓ હસ્તગત કરી રહી છે."
ડેટા ઈન્ટેલિજન્સ કંપની 'Tracxn'નાં સહ-સંસ્થાપક નેહા સિંહના જણાવ્યા મુજબ, આ ટ્રેન્ડને મજબૂત બૅલેન્સ શીટ અને વૈશ્વિક ફાઈનાન્સ સુધીની બહેતર પહોંચનું સમર્થન મળી રહ્યું છે.
સિંહે કહ્યું હતું, "માર્કેટ્સ, બ્રાન્ડ્સ, ટેક્નોલોજીકલ ક્ષમતા, આર ઍન્ડ ડી કૌશલ્ય અને પહેલેથી જ ઉપલબ્ધ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સુધી પહોંચવા માટે ભારતીય કંપનીઓ ઝડપભેર વિદેશમાં નજર ફેરવી રહી છે."
નિષ્ણાતોનું કહેવું છે કે આવા અધિગ્રહણોની ગતિ પણ ઝડપી થઈ ગઈ છે; કારણ કે કંપનીઓ, જ્યાં ચેકપોઈન્ટ્સ અને ટેરિફ્સને છૂટથી હથિયાર તરીકે વાપરવામાં આવે છે એવી દુનિયામાં પોતાની સપ્લાય ચેઈનને સલામત રાખવા ઈચ્છે છે.
અલબત્ત, વિદેશમાં કરવામાં આવેલા અધિગ્રહણ કાયમ સફળ જ થાય એવું નથી.
ઉદાહરણ આપતાં મુખરજીએ જણાવ્યું હતું કે ટાટા સ્ટીલ દ્વારા કોરસ સ્ટીલની ખરીદી દાયકાઓ સુધી કંપની માટે "ગળાનો કાંટો" બની રહી હતી.
તેમના જણાવ્યા મુજબ, ધ્યાનાકર્ષક વાત એ છે કે આટલાં વર્ષો વીતી જવા છતાં ભારતીય કંપનીઓ આ સોદાઓની ચૂકવણી શૅરો દ્વારા કરી શકતી નથી. સન ફાર્માનો સોદો પણ સંપૂર્ણપણે રોકડનો હતો, જે આર્થિક રીતે જોખમી બની શકે છે.
તેમ છતાં, આ પ્રકારના અધિગ્રહણોનો સિલસિલો અહીં અટકવાનો નથી.
મુખરજીના જણાવ્યા મુજબ, ભારત અને બ્રિટન, યુરોપ, ઑસ્ટ્રેલિયા તથા અન્ય દેશો વચ્ચેના શ્રેણીબદ્ધ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ્સને લીધે આ ટ્રેન્ડ વધારે મજબૂત થઈ શકે છે. તેના પરિણામે "ભારતમાં આઉટબાઉન્ડ ડીલ્સનું પૂર આવી શકે છે; કારણ કે આગામી વર્ષોમાં કંપનીઓ પશ્ચિમમાં પોતાનું સ્થાન બનાવવા માટે ત્યાં વધારે રોકાણ કરવાની દિશામાં આગળ વધશે."
એ ઉપરાંત, કોર્પોરેટ જગતના આગામી પેઢીના વારસદારો વિદેશમાં રહેવા અને ભણવા ઈચ્છે છે. તેથી "ખાસ કરીને ડૉલરની સામે દરેક દાયકામાં રૂપિયાના મૂલ્યમાં 40 ટકા સુધીનો ઘટાડો થાય છે ત્યારે" તેઓ તેમની સંપત્તિ વિદેશી ચલણમાં રાખવા ઈચ્છે તે સ્વાભાવિક છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અલબત્ત, નેહા સિંહનું કહેવું છે કે વિદેશમાં વિસ્તરણની સાથે-સાથે ઘરેલું રોકાણની બાબતમાં "ગણતરીપૂર્વકની સાવધાની" રાખવામાં આવે તેવી શક્યતા પણ છે.
ભારત હજુ પણ નબળી માંગ અને સુસ્ત પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટના ચક્રમાં ફસાયેલું છે. આ એક એવો ટ્રેન્ડ છે, જે હવે વૈશ્વિક ઊર્જા સંકટ અને પહેલેથી જ નબળા રોજગાર માર્કેટ પર એજન્ટિક-એઆઈ (Agentic AI) થી સર્જાનારા જોખમોને કારણે વધારે ખરાબ થયો છે.
ગ્રાન્ટ થોર્નટનના સુમીત અબ્રોલના જણાવ્યા મુજબ, ભારત ગયા વર્ષનો 18 અબજ ડૉલરનો આંકડો પાર કરી શકશે કે નહીં, તે વર્તમાન "ભૂ-રાજકીય પરિસ્થિતિ"ને કારણે હજુ પણ અનિશ્ચિત છે.
તેમ છતાં નિષ્ણાતોનું કહેવું છે કે દીર્ઘકાલીન ટ્રેન્ડની દિશા સ્પષ્ટ છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં વધતી આર્થિક અનિશ્ચિતતા સામે ભારતીય કંપનીઓ પોતાનો વધારે ને વધારે બચાવ કરશે અને આ એવા સમયમાં થશે, જ્યારે સરકાર ડૉલરનો આઉટફ્લો રોકવા તથા ઘરેલું વિકાસના એન્જિનને ફરીથી ચાલુ કરવા માટે વિદેશી મૂડી આકર્ષવાના તનતોડ પ્રયાસ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન