500થી વધુ રોહિંગ્યા દરિયામાં ગાયબ, આખરે એમની સાથે શું થયું હશે?

રોહિંગ્યા શરણાર્થીઓને ઇન્ડોનેશિયાના આચેહ દરિયાકાંઠા નજીક લઈ જઈ રહેલી હોડીઓની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિંગ્યા શરણાર્થીઓને ઇન્ડોનેશિયાના આચેહ દરિયાકાંઠા નજીક લઈ જઈ રહેલી હોડીઓની ફાઇલ તસવીર
    • લેેખક, જોનાથન હેડ
    • પદ, દક્ષિણ-પૂર્વ એશિયા સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

29મી જૂનના રોજ આશરે 530 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને બે હોડીઓ મ્યાનમારના રખાઈન રાજ્યથી ઊપડી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી.

આ સંખ્યા એક વિશાળ પ્લેનમાં સવાર પ્રવાસીઓની સંખ્યા જેટલી છે, જે જાણે અચાનક ગાયબ થઈ ગયા છે. બંને હોડીઓએ સમુદ્રમાં જળસમાધિ લઈ લીધી હોવાની આશંકા પ્રવર્તી રહી છે.

આ પ્રદેશમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે અને દરિયામાં ઊંચી લહેરો ઊઠી રહી છે. જે હોડીઓમાં શરણાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા, તે મુખ્યત્વે માછીમારી માટેની જૂની હોડીઓ હતી.

ઘણી વખત આવી હોડીઓની હાલત દરિયાઈ સફર ખેડવા યોગ્ય નથી હોતી અને તેમનાં એન્જિનો પણ ભરોસાપાત્ર નથી હોતાં.

આ ઉપરાંત, એવો પણ ભય સેવાઈ રહ્યો છે કે, તેમાંથી ઘણા જ ઓછા લોકો બચ્યા હશે અથવા તો કદાચ કોઈ નહીં બચ્યું હોય. એવું મનાઈ રહ્યું છે કે, લગભગ અડધોઅડધ પ્રવાસીઓ મહિલાઓ અને બાળકો હતાં. પરંતુ, સાચું શું છે તે કદાચ કદીયે જાણી શકાશે નહીં.

બળવાખોરોના કબજાના પ્રદેશમાંથી રોહિંગ્યા લોકોનું સ્થળાંતર

એક સમયે, મોટી સંખ્યામાં રોહિંગ્યા દરિયાઈ માર્ગે ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંત જતા હતા (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે, મોટી સંખ્યામાં રોહિંગ્યા દરિયાઈ માર્ગે ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંત જતા હતા (ફાઇલ તસવીર)

રખાઈન રાજ્ય વર્ષોથી સંઘર્ષથી ઘેરાયેલું છે. બળવાખોર જૂથ અરાકન આર્મીએ મ્યાનમારની સેનાને રાજ્યના મોટા ભાગના પ્રદેશમાંથી બહાર ખદેડી દીધી છે.

તેણે રાજ્યના પાટનગર સિત્તવેમાં સેનાની છેલ્લી મુખ્ય ચોકીને ઘેરી લીધી છે. હવે માત્ર હવાઈ માર્ગે કે દરિયાઈ માર્ગે જ સિત્તવે પહોંચી શકાય છે. લશ્કરે આ પ્રદેશમાં લગભગ તમામ ટેલિકૉમ્યુનિકેશન સેવાઓ પણ કાપી નાખી છે.

રોહિંગ્યા સમુદાયના લોકોની સ્થિતિમાં સુધારો લાવવા માટે કાર્ય કરતા સંગઠન અરાકન પ્રોજેક્ટના હેડ ક્રિસ લેવા આ બંને હોડીઓ સાથે શું બન્યું હતું, તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પણ આ કાર્ય અત્યંત મુશ્કેલ છે. તેઓ હવે સિત્તવે કે સિન ટેટ ગામોમાં એવો કોઈ સંપર્ક ધરાવતા નથી કે, જ્યાંથી તેઓ સીધી માહિતી મેળવી શકે.

સિન ટેટ માવ એ ગામ છે, જ્યાંથી આ નૌકાઓ રવાના થઈ હતી અને આ ગામ અત્યારે અરાકન આર્મીના નિયંત્રણ હેઠળ છે.

તેમ છતાં, અન્ય સ્રોતો અને જુદી-જુદી માહિતીઓના આધારે તેમને વિશ્વાસ છે કે બંને હોડીઓ 29મી જૂનના રોજ રવાના થઈ હતી. એક હોડી સવારના સમયે જ્યારે બીજી તે જ દિવસે પછીથી નીકળી હતી.

તેઓ કહે છે કે આ હોડીઓ કદાચ મ્યાનમારના દક્ષિણ દરિયાકાંઠા તરફ જઈ રહી હતી, જ્યાં હોડીમાં સવાર લોકો ઊતરી જવાના હતા.

એ પછી તેમને થાઇલૅન્ડ થઈને જંગલોના કામચલાઉ ટ્રાન્ઝિટ કેમ્પ્સ મારફત રોડ માર્ગે મલેશિયન સરહદ સુધી પહોંચાડવાના હતા.

સામાન્યપણે પ્રવાસીઓના પરિવારજનોને તેઓ ક્યાં છે, તેના સમાચાર એક અઠવાડિયા કે દસ દિવસની અંદર મળી જતા હોય છે. પણ લગભગ ત્રણ અઠવાડિયાં પસાર થયા પછી પણ તેમના કોઈ ખબર નથી.

બાંગ્લાદેશના સત્તાધિકારીઓએ દરિયામાં તણાઈ આવેલી એક મહિલાનો મૃતદેહ મેળવ્યો છે, જ્યારે ઈરાવદી ડેલ્ટા અને મોન રાજ્યના દરિયાકાંઠાની વચ્ચે માછીમારી કરનારા માછીમારોને નવ દિવસ પછી કેટલાક મૃતદેહો મળી આવ્યા હતા.

ક્રિસ લેવાનું માનવું છે કે આ તમામ સંકેતો બંને હોડીઓ ડૂબી ગઈ હોવા તરફ ઇશારો કરે છે. એક હોડી સિન ટેટ માવ છોડ્યા પછી થોડા જ કલાકોમાં તૂટી પડી હશે, જ્યારે બીજી હોડી દક્ષિણ-પૂર્વ તરફ થોડા દિવસોનો પ્રવાસ ખેડ્યા પછી ડૂબી ગઈ હોવાની શક્યતા છે.

દક્ષિણ બાંગ્લાદેશના ગીચ શરણાર્થીઓ માટેના કૅમ્પ્સમાં દસ લાખ કરતાં વધારે રોહિંગ્યાઓ રહે છે. તેમને મળતી સહાય સતત ઘટી રહી છે અને રોજગારીની તકો લગભગ નહીં બરાબર છે.

સંગઠિત ગુનાખોર ટોળકીઓ ત્યાં ખુલ્લેઆમ સક્રિય છે. રોહિંગ્યા શરણાર્થીઓને આ કૅમ્પ્સની બહાર જવાની મનાઈ છે.

મલેશિયા અને થાઇલૅન્ડમાં આશ્રયની શોધ

લગભગ છ લાખ જેટલા રોહિંગ્યાઓ હજુયે રખાઈન રાજ્યમાં રહે છે

લગભગ છ લાખ જેટલા રોહિંગ્યાઓ હજુયે રખાઈન રાજ્યમાં રહે છે અને તેમાંથી લગભગ ચોથા ભાગના લોકોને અત્યંત કંગાળ આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (આઇડીપી)ના કૅમ્પોમાં રહેવાની ફરજ પડી છે.

બાકીના લોકો સંઘર્ષમાં સામેલ બંને પક્ષો વચ્ચે ફસાઈ ગયેલી વસાહતોમાં રહે છે. મ્યાનમારની લશ્કરી સરકાર રોહિંગ્યાઓની બળજબરીપૂર્વક સેનામાં ભરતી કરવાની કોશિશ કરી રહી છે.

બીજી તરફ, રખાઈન સમુદાયનું સમર્થન ધરાવતા અરાકન આર્મી પર રોહિંગ્યાને વિશ્વાસ નથી અને તેના પર રોહિંગ્યાઓની સામે ગંભીર માનવ અધિકારનાં ઉલ્લંઘનોના આક્ષેપો પણ થયા છે.

આવા મુશ્કેલ સંજોગોમાં રોહિંગ્યા શરણાર્થીઓને લાગે છે કે, બીજા દેશોમાં જવું એ તેમની પાસે બચેલી એકમાત્ર આશા છે.

મલેશિયામાં પહેલેથી જ લગભગ 2,00,000 રોહિંગ્યાઓ રહે છે, જેના કારણે તેમના માટે તે અત્યંત આકર્ષક સ્થળ બન્યું છે.

તેના કારણે માનવતસ્કરી કરનારા લોકો માટે કમાણીની મોટી તક ઊભી થઈ છે, જેમનું નેટવર્ક હવે બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલૅન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે.

તેમની મૉડસ ઓપરેન્ડી સાવ સરળ છેઃ તેઓ શક્ય તેટલા વધુ લોકોને હોડીઓમાં ઠાંસી-ઠાંસીને ભરે છે અને સત્તાધિકારીઓની નજર બચાવીને તેમને મલેશિયા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.

સાથે જ તેઓ એ વાતની પણ ખાતરી કરે છે કે, પ્રવાસીઓના પરિવારો ત્રણ હજાર ડૉલર (આશરે 2.89 લાખ રૂપિયા)ની નિશ્ચિત રકમ ચૂકવી દે.

જે લોકોના પરિવારો આ રકમ ચૂકવી શકતા નથી, તેમને બંધક બનાવી દેવામાં આવે છે, તેમની મારઝૂડ કરવામાં આવે છે કે પછી વધુ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.

કેટલીક વખત તેમણે વેઠવી પડતી યાતનાના વીડિયો બનાવીને તેમના પરિવારજનોને મોકલવામાં આવે છે, જેથી તેઓ માગેલી રકમ માટે ચૂકવવા તૈયાર થઈ જાય. માનવતસ્કરીના રસ્તાઓ વર્ષો વીતવા સાથે ભલે બદલાયા હોય, પણ આ વેપારની ક્રૂરતામાં કોઈ બદલાવ આવ્યો નથી.

માનવતસ્કરી બદલ બદનામીનો સામનો કરી રહેલી થાઇ સરકારે 2015માં તસ્કરો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગો બંધ કરવા માંડ્યા હતા.

સાથે જ તેણે મેંગ્રૂવની કીચડયુક્ત જગ્યાઓ અને રબ્બરના બગીચાઓમાં બનેલા કામચલાઉ કૅમ્પ્સ પણ બંધ કરી દીધા હતા, જ્યાં તસ્કરો લોકોને ત્યાં સુધી બંધક બનાવીને રાખતા હતા, જ્યાં સુધી તેમના પરિવારો પૂરતા પૈસા ન ચૂકવી દે.

આ કૅમ્પોમાંથી સામૂહિક કબરો મળી આવતાં થાઇ સરકાર પર પગલાં ભરવાનું દબાણ વધી ગયું હતું.

તે જ વર્ષે મ્યાનમાર-બાંગ્લાદેશ બૉર્ડરથી દક્ષિણ તરફ જનારી ઘણી હોડીઓએ તેમનો માર્ગ બદલી નાખ્યો હતો અને તે ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંત તરફ વળી ગઈ હતી.

ત્યાંના માછીમાર સમુદાયોએ શરૂઆતમાં આ પીડિત મુસ્લિમ શરણાર્થીઓને આવકાર્યા હતા. પણ આવકારની એ ભાવના હવે ઓસરી ગઈ છે. ઈન્ડોનેશિયામાં સોશિયલ મીડિયા પર રોહિંગ્યા શરણાર્થીઓની વિરુદ્ધમાં કેટલાંક અભિયાનો પણ શરૂ કરવામાં આવ્યાં છે.

ઘરવિહોણા રોહિંગ્યા સમુદ્રના શરણે

બાંગ્લાદેશના સાહાપારી ટાપુના સમુદ્રકાંઠાની ફાઇલ તસવીર, જ્યાં ઘણા રોહિંગ્યા શરણાર્થીઓ હોડી મારફત મલેશિયા જવાનો પ્રયત્ન કરે છે

ઇમેજ સ્રોત, MUNIR UZ ZAMAN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના સાહાપારી ટાપુના સમુદ્રકાંઠાની ફાઇલ તસવીર, જ્યાં ઘણા રોહિંગ્યા શરણાર્થીઓ હોડી મારફત મલેશિયા જવાનો પ્રયત્ન કરે છે

મલેશિયા સુધી સીધા દરિયાઈ માર્ગે પહોંચવું રોહિંગ્યા લોકો માટે ઘણું મુશ્કેલ છે. મલેશિયન નૌસેના તેમને અધવચ્ચેથી જ આંતરીને ફરી પાછા ખુલ્લા સમુદ્રમાં મોકલી દેવા માટે સક્ષમ મનાય છે. સ્થાનિક માછીમાર સમુદાય પણ મદદરૂપ થતો નથી.

ક્રિસ લેવાના જણાવ્યા પ્રમાણે, આથી જ માનવતસ્કરોએ ફરી એક વખત થાઇલૅન્ડને તેમના મુખ્ય પ્રવાસ માર્ગ તરીકે વાપરવાનું શરૂ કર્યું છે.

મોટી હોડીઓ કે જહાજો રખાઈન કિનારેથી કે પછી બાંગ્લાદેશના ટેકનાફ વિસ્તારની નજીકથી રોહિંગ્યા લોકોને હોડીમાં બેસાડે છે. આ જહાજો બંને દેશોના સત્તાધિકારીઓની નજર ચૂકવવા માટે ત્યાં વધુ સમય સુધી રોકાતાં નથી.

હવે તસ્કરો થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં તેમનાં નેટવર્કોનો સંપર્ક સાધવા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરે છે અને રોહિંગ્યા લોકોને દક્ષિણ થાઇલૅન્ડ કે પછી ઇન્ડોનેશિયાના પૂર્વ સુમાત્રાના દરિયાકાંઠા સુધી પહોંચાડવા માટે સ્થાનિક માછીમારોને પૈસા ચૂકવે છે.

તે પછી જ્યારે સમગ્ર રકમ ચૂકવી દેવાય, ત્યારે તેમને ગુપ્તરીતે મલેશિયા લઈ જવામાં આવે છે.

કેટલાક રોહિંગ્યાઓને મ્યાનમારના દક્ષિણી કાંઠે ઉતારી દેવાય છે અને ત્યાંથી તેમને જમીન સરહદ પાર કરાવીને થાઇલૅન્ડ લઈ જવામાં આવે છે અને ત્યાંથી પછી રોડ માર્ગે મલેશિયાની સરહદ સુધી પહોંચાડાય છે.

પણ રખાઇનને મ્યાનમાર સાથે જોડનારા જમીન પરના તમામ માર્ગો બંધ કરી દેવાયા હોવાથી રોહિંગ્યા લોકોનું સ્થળાંતર હંમેશાં જોખમભર્યા દરિયાઈ પ્રવાસથી શરૂ થાય છે.

ક્રિસ લેવાના અંદાજ પ્રમાણે, ગયા વર્ષના સપ્ટેમ્બરથી લઈને ઓછામાં ઓછા દસ હજાર રોહિંગ્યાઓ હોડી દ્વારા મ્યાનમાર અને બાંગ્લાદેશ છોડી ચૂક્યા છે.

આ આંકડો અગાઉનાં વર્ષો કરતાં ઘણો ઊંચો છે, જેનું એક કારણ રખાઇન અને બાંગ્લાદેશ, બંને સ્થળોએ રોહિંગ્યાઓ માટે જીવન જીવવાની અત્યંત કપરી પરિસ્થિતિ હોઈ શકે છે.

યુનાઇટેડ નૅશન્સે રોહિંગ્યાઓ માટે સલામત માર્ગ આપવાની અપીલ કરી છે, પણ આ પ્રદેશનો કોઈ પણ દેશ તેમને સ્વીકારવા તૈયાર હોય એમ લાગતું નથી.

હજી સુધી કોઈ પણ સરકારે તેમની મુસાફરી સહેલી બનાવવા માટે કોઈ નક્કર પગલાં ભર્યાં નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન