નેપાળમાં વધુ એક ગ્લેશિયલ લેક ફાટવાનું જોખમ, હવે શું થઈ શકે છે?

નેપાળ

ઇમેજ સ્રોત, Guoxiong Zheng Via FFD Nepal

    • લેેખક, ગની અન્સારી
    • પદ, બીબીસી ન્યૂઝ નેપાળી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

નેપાળના અધિકારીઓએ ચીનના જળસંસાધન મંત્રાલયનો હવાલો આપતાં બીબીસીને જણાવ્યું છે કે રસુવામાં આવેલા ગ્લેશિયલ તળાવ, એટલે કે 'લૅક ટૂ' માં સતત પાણી ભરાઈ રહ્યું છે.

પૂર-પૂર્વાનુમાન વિભાગના પ્રમુખ અને વરિષ્ઠ હાઇડ્રૉલૉજિસ્ટ વિનોદ પરાજુલીએ જણાવ્યું કે ચીન તરફથી મળેલા આંકડા મુજબ 31 ઑગસ્ટ સુધી આ ગ્લેશિયલ તળાવમાં અંદાજે 6,50,000 ઘનમીટર પાણી એકત્રિત થઈ ચૂક્યું છે.

તેમણે બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું, "આ ગ્લેશિયલ તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે, તેથી તેના ફાટવાનું જોખમ રહેલું છે."

પરાજુલીએ બચાવકામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને, ખાસ કરીને જળવિદ્યુત પ્રૉજેક્ટની સુરંગોમાં તહેનાત કર્મચારીઓને સરોવર ફાટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવાની સલાહ આપી છે.

અધિકારીઓનું કહેવું છે કે આ ગ્લેશિયલ તળાવ ક્યારે સંપૂર્ણપણે ભરાશે અને ક્યારે ફાટી શકે છે, તેનો ચોક્કસ સમય અંદાજવો મુશ્કેલ છે.

આ તળાવ ક્યાં આવેલું છે અને કેવું છે?

અધિકારીઓના જણાવ્યા મુજબ, 30 ઑગસ્ટે જે ગ્લેશિયર તૂટ્યો હતો તે નેપાળ-ચીન સરહદ પર સ્થિત હતો, જ્યારે આ તળાવ નેપાળના વિસ્તારમાં આવેલું છે.

પૃથ્વી રાજમાર્ગ પાસેના કૃષ્ણભીર વિસ્તારમાં થયેલું ધોવાણ 30 ઑગસ્ટે તળાવ ફાટવાના કારણે આવેલા પૂરનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ હાઇડ્રૉલૉજિસ્ટ વિનોદ પરાજુલીના જણાવ્યા મુજબ, નવું ગ્લેશિયલ તળાવ લંગટાંગ લિરુંગ હિમાલયના પશ્ચિમ ઢોળાવ પર રસુવાના તેન્ઝિંગ નામના સ્થળની બિલકુલ સામે આવેલું છે.

તેમણે જણાવ્યું કે, "આ તળાવ રવિવાર, 30 ઑગસ્ટની સવારે ફાટેલા તળાવ કરતાં અંદાજે ત્રણ ગણું નાનું છે. તે ત્રણ બાજુથી ખડકોથી ઘેરાયેલું છે અને એક બાજુથી થોડું ખુલ્લું હોવાનું લાગે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે પહાડોની વચ્ચે આવેલા 'લૅક ટૂ' ગ્લેશિયલ તળાવની અંદાજે ઊંચાઈ 4,૦૦૦ મીટર છે.

પરાજુલીએ જણાવ્યું કે, "આ તળાવ 26 ઑગસ્ટે જ્યાં હિમસ્ખલન થયું હતું તે વિસ્તારથી નીચે અને નદીથી ઘણું ઉપર આવેલું છે. આ જ કારણ છે કે તે ઝડપથી ભરાઈ રહ્યું નથી. ગ્લેશિયરમાંથી પીગળતું પાણી ધીમે-ધીમે તેમાં એકત્રિત થઈ રહ્યું છે."

તેમણે જણાવ્યું કે આ ગોળાકાર ગ્લેશિયલ તળાવનું ક્ષેત્રફળ 0.3 ચોરસ કિલોમીટર છે.

પરાજુલીના જણાવ્યા મુજબ, તેની ઊંડાઈનો અંદાજ મેળવવો મુશ્કેલ છે.

તેમણે કહ્યું, "ઊંડાઈ મહત્ત્વની છે, કારણ કે તે પાણીનું ક્ષેત્રફળ નહીં પરંતુ તેનો કુલ જથ્થો વધારે છે. જ્યારે પાણીના ઘનમીટરનો હિસાબ કરવામાં આવે છે, ત્યારે તેની ઊંડાઈ અંદાજે 10 મીટર હોઈ શકે છે."

આ તળાવ કેટલું ખતરનાક છે?

નેપાળ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અધિકારીઓના જણાવ્યા મુજબ, 26 ઑગસ્ટે આવેલા પૂરમાં નેપાળ તરફ અંદાજે 20 લાખ ઘનમીટર પાણી વહેતું આવ્યું હતું.

પરાજુલીએ જણાવ્યું કે હાલના ગ્લેશિયલ તળાવમાં પાણીનું પ્રમાણ તેની તુલનાએ ઘણું ઓછું છે.

તેમણે કહ્યું, "પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં નાના ભૂસ્ખલન, નદીના વિસ્તારમાં માટીનું ધોવાણ અને નાળાં હોવાથી એ જોખમ રહેલું છે કે જો આ તળાવ ફાટે તો આ બધાં નાળાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે."

તેથી સુરક્ષા કર્મચારીઓ માટે સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને સુરંગ વિસ્તારમાં બચાવકામગીરીમાં જોડાયેલા લોકો તથા નીચાણવાળા વિસ્તારોમાં મૃતકો અને ગુમ થયેલા લોકોની શોધ કરી રહેલા કર્મચારીઓ માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

તેમણે જણાવ્યું કે જો આ ગ્લેશિયલ તળાવ ફાટે તો તેનાથી 26 ઑગસ્ટના પૂરથી પ્રભાવિત વિસ્તારોની બહાર પાણી આગળ વધવાની શક્યતા ઓછી છે.

વરિષ્ઠ હાઇડ્રૉલૉજિસ્ટ પરાજુલીના જણાવ્યા મુજબ, જ્યાંથી હિમસ્ખલનની શરૂઆત થઈ હતી અને 26 ઑગસ્ટે નીચે તરફ વહેવાનું શરૂ થયું હતું, ત્યારથી અત્યાર સુધી ઘણાં ભૂસ્ખલન નોંધાયાં છે.

જોખમ અંગે ચેતવણી આપતાં તેમણે કહ્યું, "ફાટવાનું જોખમ ધરાવતું એકમાત્ર તળાવ 'લૅક ટૂ' છે, જે તાજેતરમાં જ રચાયું છે. એક વધારાનું જોખમ એ છે કે ભૂસ્ખલન કોઈ પણ સમયે થઈ શકે છે અને એવી માહિતી મળી રહી છે કે તેની અનેક સ્તરે અસર પડી શકે છે."

પરાજુલીના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે જ્યારે તળાવ ભરાઈ જાય છે, ત્યારે તેમાં દબાણ વધે છે અને તેના ફાટવાનું જોખમ ઊભું થાય છે.

તેમણે કહ્યું, "લીકેજના કારણે કેટલાંક ગ્લેશિયલ તળાવો એક કે બે દિવસ પછી ફાટી જાય છે. 'લૅક ટૂ' હાલમાં ભરાવાની પ્રક્રિયામાં છે, તેથી તેના ફાટવાનું જોખમ રહેલું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન