પાંચ દલિતોની કતલમાં ચાળીસે ચાળીસ આરોપીઓ મુક્ત, 'તો હત્યા કોણે કરી?'

ઇમેજ સ્રોત, Mohar singh meena
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટે, ડાંગાવાસથી પરત ફરીને
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2015માં થયેલી એક ઘટના ફરી એક વાર સમાચારમાં છવાઈ ગઈ છે. એ વર્ષે મે માસમાં 14 તારીખે લગભગ નવ વાગ્યાની આસપાસ ડાંગાવાસના ખેતરમાં કામ કરી રહેલા એક દલિત પરિવાર પર હુમલો થયો હતો.
આ દરમિયાન પાંચ લોકોની હત્યા કરી દેવાઈ અને લગભગ એક ડઝન કરતાં વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા.
હવે 11 વર્ષ બાદ આ મામલામાં ગત 5 ઑગસ્ટના રોજ મેડતા એસસી-એસટી સ્પેશિયલ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની તપાસમાં સીબીઆઇએ 40 લોકોને આરોપી બનાવ્યા હતા, જે તમામને હવે છોડી મુકાયા છે.
આ હત્યાકાંડના પીડિત કિશનારામ કોર્ટના નિર્ણય બાદ બીબીસી ન્યૂઝને જણાવે છે, "11 વર્ષ બાદ અમારા પરિવારની ફરી એક વાર હત્યા થઈ ગઈ છે. એક વાર અમારા ગામલોકોએ અમારા પરિવારજનોની હત્યા કરી અને હવે કોર્ટના નિર્ણયે અમારી હત્યા કરી નાખી. અમારા પરિવારની બીજી વખત હત્યા થઈ ગઈ. અમે ન્યાય માટે હાઇકોર્ટ જઈશું."
તમામ આરોપીના વકીલે નિર્ણય અંગે કહ્યું કે કોર્ટે તમામ પૉઇન્ટ્સના અભ્યાસ બાદ જ આરોપીઓને દોષમુક્ત કર્યા છે.
કિશનારામ સવાલ કરે છે, "તમામ આરોપી છૂટી ગયા તો અમારા પરિવારની હત્યા કોણ કરી?"
કોર્ટના આ નિર્ણય બાદ દલિત સમુદાય નિરાશ છે અને ન્યાયની માગ માટે સમગ્ર રાજ્યનાં ઘણાં સંગઠનોએ 12 ઑગસ્ટના રોજ જયપુર ખાતે એક મોટું પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન પાંચ લોકોની હત્યા કરી દેવાઈ અને લગભગ એક ડઝન કરતાં વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
14 મે 2015ના રોજ શું થયું હતું?

ઇમેજ સ્રોત, Mohar singh meena
નાગોર જિલ્લાના મેડતા સિટી ખાતે આવેલું જાટ બહુમતીવાળું ડાંગાવાસ મુખ્ય રોડ પર વસેલું એક મોટી વસતીવાળું ગામ છે. ગામના એક છેડે અનુસૂચિત જાતિનાં લગભગ સવા સો ઘર છે, જેને મેઘવાલ મહોલ્લો કહેવામાં આવે છે.
મહોલ્લામાં રામદેવજીનું મંદિર છે, તેની ઠીક સામે 11 વર્ષથી પરિવારની સુરક્ષા માટે એક અસ્થાયી પોલીસ પોસ્ટ બનેલી છે.
કોર્ટના નિર્ણય બાદ મંદિરની બહાર સતત સામાજિક સંગઠનો અને રાજકીય વ્યક્તિઓની અવરજવર ચાલી રહી છે.
આ ઘટનાને નજરે જોનાર અને કોર્ટમાં નિવેદન નોંધાવનાર કિશનારામ કહે છે, "14 મે 2015ના રોજ સવારના નવથી દસ વાગ્યાનો સમય હશે. અમે બધા પરિવારના લોકો ખેતરમાં બેઠા હતા. અચાનક ગામમાંથી ટ્રૅક્ટર અને અન્ય વાહનો વડે લાઠી-ડંડા લઈને આવેલી ભીડે અમારા પરિવાર પર હુમલો કરી દીધો. મારા પિતા અને ભાઈઓને ટ્રૅક્ટર નીચે કચડી નાખ્યા. પરિવારની મહિલાઓ સાથે મારઝૂડ કરીને તેમનાં કપડાં સુધ્ધાં ફાડી નખાયાં."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે, "મને પણ મારવાનો પ્રયાસ કરાયો. અમારા પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ થઈ ગયાં અને 11 લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા."
પરિવારના સભ્ય રતનારામ અને ગોગારામનાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયાં હતાં, જ્યારે પાંચારામ, ગણપતરામ અને ગણેશનાં અજમેર ખાતે જેએલએન હૉસ્પિટલમાં મૃત્યુ થયાં હતાં.
તેમનો દાવો છે કે ઈજાગ્રસ્ત થયેલા એવા પરિવારના 11 સભ્યોને સાજા થવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગી ગયો.
આ પરિવારનાં વૃદ્ધ મહિલા સોનકીદેવી એ ઘટનાને યાદ કરતાં કહે છે કે, "અમે ખેતરમાં હતાં, એ લોકો તેજાજી મહારાજનો જય બોલતા આવ્યા અને લાઠી-કુહાડી વડે અમને મારવા લાગ્યા. અમે હાથ જોડ્યા, પણ એ લોકો અમને મારતા જ રહ્યા."
સોનકીદેવી જણાવે છે કે એ ઘટનામાં તેમનો હાથ તૂટી ગયેલો, જે હજુ પણ ઠીક કામ નથી કરતો. તેઓ પોતાના શરીર પર થયેલી ઈજા બતાવતા કહે છે કે આની સારવાર બે વર્ષ સુધી ચાલતી રહી. તેઓ કહે છે કે તેમના પતિનું પણ આ હુમલામાં મૃત્યુ થઈ ગયું હતું.
ગોવિંદ મેઘવાલ કહે છે કે, "અમારા પરિવારને ક્રૂરતાપૂર્વક માર મરાયો. ટ્રૅક્ટરો વડે કચડીને પરિવારજનોની હત્યા કરી દેવાઈ, પરંતુ, હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો."
ઝઘડાનું મૂળ શું હતું?

ઇમેજ સ્રોત, mohar singh meena
આ મામલા અંગે ગામના અન્ય લોકો વાત કરવાથી બચે છે. કોર્ટમાંથી મુક્ત થયેલા તમામ 40 લોકો ગામના જ જાટ સમુદાયના લોકો છે. બીબીસી ન્યૂઝે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત ન થઈ શકી.
ગામના જાટ સમુદાયના જ એક વૃદ્ધે નામ ન છાપવાની શરતે બીબીસી ન્યૂઝને જણાવ્યું, "વર્ષ 1960માં મેઘવાલ પરિવારને પોતાની જમીન જાટ સમુદાયને 1,500 રૂપિયામાં ખેતી માટે ગીરો મૂકી હતી. જાટ સમુદાયને પરિવાર ખેતરમાં ખેતી નહોતો કરવા દેતો. તેમની વચ્ચે આ વાત અંગે ઘણી વાર ઝઘડા થયા."
ગામમાં ઘટનાના અમુક દિવસ પહેલાં જ આ મામલાના નિરાકરણ માટે ગામલોકોએ પંચાયત પણ બોલાવી, પરંતુ પીડિત પરિવાર આ પંચાયતમાં નહોતો પહોંચ્યો.
આ ઘટનાને યાદ કરતાં એક ગ્રામીણે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું, "10 મેના રોજ જાટ સમુદાયે તત્કાલીન કલેક્ટરને આ અંગે એક આવેદનપત્ર પણ સોંપ્યું હતું, પરંતુ 14 મેના રોજ ભારે સંખ્યામાં લોકો સાથે દલિત પરિવાર પર હુમલો કરી દેવાયો."
મુક્ત થયેલા લોકોના વકીલ મહીપાલ ચૌધરી બીબીસીને જણાવે છે કે ડાંગાવાસના બે પરિવારો વચ્ચે જમીન વિવાદ થયો હતો અને તેમાં પાંચ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તેઓ કહે છે કે, "કોર્ટે આ કેસમાં શંકાનો લાભ આપીને દોષમુક્ત કર્યા છે. ન્યાયદીશે આ કેસના દરેક પૉઇન્ટ પર ઊંડાણપૂર્વક વિવેચન કરીને 245 પાનાંનો નિર્ણય આપ્યો છે."

ઍડ્વોકેટ ચૌધરી કહે છે કે પ્રૉસિક્યૂશન તરફથી 41 સાક્ષીઓનાં નિવેદન રજૂ કરાયાં હતાં અને 163 દસ્તાવેજ રજૂ કરાય હતા. 75 આર્ટિકલ્સ પણ હતા. સાક્ષીઓનાં નિવેદનોમાં ભારે વિરોધાભાસ હતો. સાક્ષીઓનાં પહેલાં પોલીસ અને બાદમાં બે વખત સીબીઆઇમાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.
આ ઘટના દરમિયાન દલિત પરિવારના પાંચ સભ્યો સિવાય ગામના જ અન્ય એક વ્યક્તિ રામપાલ પુરી (ગોસ્વામી)નું પણ મૃત્યુ થયું હતું. આરોપ હતો કે દલિત પરિવારે ગોળી મારીને તેમની હત્યા કરી છે. ઍડ્વોકેટ મહીપાલ ચૌધરી જણાવે છે કે એ કેસમાં સીબીઆઇ તપાસ બાદ આ કેસમાં એફઆઇઆર થઈ હતી.
મહીપાલ ચૌધરી કહે છે કે સાક્ષીઓએ જે નિવેદન આપ્યાં હતાં, એ નિવેદનોના સમર્થનમાં તેમની તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજ તેમનાં નિવેદનોની પુષ્ટિ નહોતા કરી રહ્યા.
તેઓ સ્પષ્ટતા કરતા કહે છે કે ટ્રાયલ દરમિયાન કોર્ટમાં બીજા પક્ષના સાક્ષીઓનાં નિવેદન, પ્રૉસિક્યૂશન તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજ, સ્થળ પરની સ્થિતિ, મેડિકલ રિપોર્ટ, તમામ આર્ટિકલ્સ એકબીજાથી વિરોધાભાસી હતા. તપાસમાં જેમને આરોપી બનાવાયા હતા, સાક્ષી તેમની ઓળખ ન કરી શક્યા.
તેઓ કહે છે કે તપાસમાં એવા ઘણા લોકોને આરોપી બનાવાયા હતા, જે ઘટનાના દિવસે ડાંગાવાસ ગામમાં હાજર જ નહોતા.
આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય પર પ્રતિક્રિયા આતાં પીડિત પક્ષના વકીલ ઍડ્વોકેટ અબ્દુલ સલીમ અંસારીએ બીબીસીને કહ્યું, "અમને આ કેસમાં તમામ આરોપીને છોડી મુકાશે એવી આશા નહોતી. ઘટનાના સાક્ષી અને ઈજાગ્રસ્તોનાં નિવેદનોના આધારે એફઆ્રઇઆર નોંધાઈ છે, જેમાં આરોપીઓનાં નામ હતાં, પરંતુ કોર્ટનો પોતાનો વિવેક છે, જેથી તેમણે એ નિવેદનોને વિરોધાભાસી માનીને નિર્ણય આપ્યો છે."
આ ઘટના અંગે 'ડાંગાવાસ દલિત સંહાર' પુસ્તકના લેખલ ભંવર મેઘવંશી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે જે ઘટનાક્રમ થયો એ સ્પષ્ટપણે સામે છે, કેવી રીતે નૃશંસ હત્યા કરાઈ. પરંતુ તેમાં જાતિગત કારણ પણ હતું.
કોર્ટના નિર્ણય અંગે ભંવર મેઘવંશી કહે છે કે, "મને લાગે છે કે દલિતોમાં ન્યાયપ્રણાલીમાં જે વિશ્વાસ હતો, તેને છીનવી લેવાયો છે. ન્યાયાલય જો આ પ્રકારના નિર્ણય આપે તો ન્યાયની હત્યા થઈ જાય છે."
કોર્ટના નિર્ણયથી નિરાશ

ઇમેજ સ્રોત, Mohar singh meena
કિશનારામ મેઘવાલ કહે છે કે, "અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે આ નિર્ણયથી નિરાશ છીએ. અમે દરેક સ્તરે નિવેદન આપ્યાં અને કોર્ટને જણાવ્યું કે અમારા પરિવારના લોકોએ કોણે માર્યા. અમે તો નિવેદન આપ્યાં હતાં અને જે સત્ય હતું એ બધી જગ્યાએ કહ્યું. અમે જેને જેને ઓળખતા હતા, તેમનાં નામ જણાવી દીધેલાં અને અમે તેમને ચહેરાથી પણ ઓળખીએ છીએ."
સોનકીદેવી કહે છે કે, "અમને ન્યાય જોઈએ. અમારા પરિવારને મારનારાને છોડી મુકાયા. આ ઘટનામાં અમારા સ્વજનો મર્યા છે. અમને ન્યાય જોઈએ."
દલિત પરિવારના ઍડ્વોકેટ અબ્દુલ સલીમ અંસારી કહે છે, "ન્યાયાલયના આ નિર્ણય સામે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું."
તેઓ કહે છે કે, "નિવેદનોમાં વિરોધાભાસ સંભવ છે, કારણ કે આ ઘટનાને ઘણા લોકોએ સાથે મળીને અંજામ આપેલો અને હુમલો અચાનક થયો હતો. તેથી તમામ પીડિત તમામ આરોપીનાં નામ જાણતા હોય એ સંભવ નથી."
ભંવર મેઘવંશી તપાસ સામે સવાલ ઊભા કરે છે. તેઓ કહે છે કે, "આ ઘટનામાં પોલીસે એફઆઇઆર ખૂબ નબળી લખી અને બાદમાં સાક્ષીઓના સંકલનમાં નબળાઈ જોવા મળી. પરિવારજનોની માગ બાદ આ મામલો સીબીઆઇને સોંપવામાં આવ્યો."
તેઓ કહે છે કે, "તપાસ એજન્સીઓ બદલાયાને કારણે કદાચ મુખ્ય પાસાંમાં બેદરકારી દાખવવામાં આવી છે. દસ વર્ષ સુધી કેસ ચાલવાને કારણે તેમાં ન્યાય આપનાર તંત્ર એવા પ્રશાસન, પ્રૉસિક્યૂશન અને તપાસ એજન્સીઓની ભૂલ રહી."
ભંવર મેઘવંશીનું માનવું છે કે ન્યાય ન મળવાનું કારણ ભલે ગમે એ હોય, પરંતુ તંત્ર અને ન્યાયતંત્રની આ નિષ્ફળતા છે.
સરકારે આપેલા આશ્વાસન પૂરાં ન થયાં

ઇમેજ સ્રોત, Mohar singh meena
ઘટના બાદ થયેલા આંદોલનોની માગો બાદ તત્કાલીન સરકારે મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયા, ઈજાગ્રસ્તોને દસ-દસ લાખ રૂપિયા અને એકેક સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો.
પરંતુ હજુ સુધી સરકારી નોકરીનો વાયદો પૂર્ણ નથી કરાયો.
આ અંગે સવાલ ઉઠાવતાં સોનકીદેવી કહે છે કે, "11 વર્ષ પસાર થઈ ગયાં, પરંતુ સરકારનો કોઈ પ્રતિનિધિ અમારી પાસે નથી આવ્યો. આ દરમિયાન કરાયેલા વાયદા પણ પૂરા નથી કરાયા. અમને ના તો કોઈ વળતર મળ્યું કે ના કોઈ નોકરી."
ભંવર મેઘવંશી સરકારની મંશા સામે સવાલ ઉઠાવતા કહે છે કે જન આંદોલન થયા બાદ તત્કાલીન ભાજપ સરકારે 18 માગો પર સમાધાન કર્યું હતું. પરંતુ હજુ સુધી વાયદા પૂરા નથી કર્યા.
તેઓ સરકારને ઘેરતા કહે છે કે, "પરિવારને ન્યાય અપાવવા પર ના પહેલાં સરકારનું ફોકસ હતું, ના અત્યારે લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી સરકાર અને તેના પદાધિકારીઓએ આ મામલા અંગે કંઈ નથી કહ્યું."
ભંવર મેઘવંશી રાજકીય પાર્ટીઓને ઘેરતા કહે છે કે, "જે આરોપી હતા, તેમના સમુદાયથી આવનારા અલગ અલગ પાર્ટીના નેતાઓએ પણ આ મામલામાં કંઈ ન કહ્યું. આ બતાવે છે કે આમાં કેટલી જબરદસ્ત સંમતિ છે."
મેઘવંશી સ્પષ્ટ વાત કરતાં કહે છે, "ભલે નેતા સત્તા પક્ષના હોય, વિપક્ષના હોય કે અન્ય કોઈ ક્ષેત્રીય પાર્ટીઓના, તેમનું આ મામલામાં કંઈ ન બોલવું બતાવે છે કે કેવા પ્રકારની એકતા દલિતો વિરુદ્ધ કામ કરી રહી છે."
શું આ પ્રકારના અન્ય મામલામાં આરોપી દોષમુક્ત થયા છે અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટે એ જ આરોપીઓને દોષિત માનીને સજા સંભળાવી છે ખરી?
બીબીસીના આ સવાલનો જવાબ આપતાં રાજસ્થાન હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ પ્રવીણ બલવદા કહે છે, "હાલમાં તરુણ તેજપાલનો કેસ આપણી સામે છે. જેમાં નીચલી કોર્ટે તેમને છોડી મૂક્યા હતા, પરંતુ હાઇકોર્ટે દોષિત માનીને તેમને દસ વર્ષની સજા સંભળાવી છે."
તેઓ આગળ જણાવે છે કે, "આ મામલામાં પીડિત પરિવાર હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે, હું તો એવું પણ કહેવા માગીશ કે રાજ્ય સરકારે ફોજદારી મામલાના સિનિયર ઍડ્વોકેટને આ મામલામાં પીડિતોનો પક્ષ મૂકવા માટે લગાડવા જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















