બાંગ્લાદેશે ભારત પર લોકોને જબરજસ્તી સીમા પાર મોકલવાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ – ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશે ભારત પર લોકોને જબરજસ્તી સીમા પાર મોકલવાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતે બાંગ્લાદેશના એ નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે તેણે છેલ્લા 24 કલાક દરમિયાન ભારત તરફથી લોકોને જબરજસ્તી પોતાની સીમામાં મોકલવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. બાંગ્લાદેશે આ નિવેદન ગુરુવારે આપ્યું હતું.

શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો મામલે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ છે. બાંગ્લાદેશી નાગરિકો સહિત તમામ વિદેશી નાગરિકોના મામલામાં આ જ જોગવાઈઓ અંતર્ગત કાર્યવાહી થાય છે."

તેમણે કહ્યું, "નિર્વાસનની પ્રક્રિયા માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક દ્વિપક્ષીય તંત્ર છે. ભારત આ પ્રકારના મામલાને બાંગ્લાદેશી અધિકારીઓ પાસે મોકલે છે. જેથી સંબંધિત વ્યક્તિની રાષ્ટ્રીયતાનું સત્યાપન થઈ શકે. સત્યાપન પૂર્ણ થયા બાદ નિર્વાસનની પ્રક્રિયા આગળ વધે છે."

જયસ્વાલે કહ્યું કે આ પ્રકારના ઘણા અનુરોધ હજુ પણ બાંગ્લાદેશી અધિકારીઓ પાસે લાંબા સમયથી પૅન્ડિંગ છે.

તેમણે આશા વ્યક્ત કરી કે આ મામલાનો ઉકેલ જલદી આવશે. જેમાં ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકોના નિર્વાસનની પ્રક્રિયા સુચારુ અને પ્રભાવી રીતે આગળ વધી શકે.

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ત્રણ લોકોનાં મૃત્યુ

 મણિપુરમાં ફરી ભડકી હિંસા, ત્રણ લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Dilip Kumar Sharma

બીબીસી હિંદીના સહયોગી પત્રકાર દિલીપકુમાર શર્માએ ગુવાહાટીથી જણાવ્યું છે કે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં હિંસાની એક ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

કાંગપોકપી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મિન કિપગેનએ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું, "આ હુમલો શુક્રવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે થયો હતો. હથિયારોથી સજ્જ સંદિગ્ધ ઉગ્રવાદીઓએ લોઇબોલ ખુલેન ગામમાં અંધાધુંધ ગોળીબાર કર્યો, જેમાં 3 લોકોનાં મોત થયાં છે."

તેમણે આગળ કહ્યું, "હુમલાખોરોએ કેટલાંક મકાનોને પણ આગ લગાડી દીધી હતી. હાલમાં પોલીસની ટીમ આસપાસના વિસ્તારોમાં હુમલાખોરોની શોધમાં અભિયાન ચલાવી રહી છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ લેટખોંગમ હાઓકિપ, તેમનાં પત્ની ટિનમેરી હાઓકિપ અને જાંગમિનલાલ હાઓકિપ તરીકે કરી છે. તેઓ બધા લોઇબોલ ખુલેન ગામના રહેવાસી હતા.

આ દરમિયાન કુકી-જો જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરતી ટોચની સંસ્થા, કુકી ઇનપી મણિપુરે આ હુમલાની નિંદા કરતાં નાગા ચરમપંથી સંગઠન એનએસસીએન-આઈએમ અને તેના કથિત પ્રૉક્સી ગ્રૂપ જેડયુએફ (કે)ને જવાબદાર ઠેરવ્યું છે.

આ હુમલાને લઈને કુકી ઇનપીએ એક નિવેદન બહાર પાડી કહ્યું, "આ શસ્ત્રહીન નાગરિકો પર 'બર્બર હુમલો' છે. નિર્દોષ ગામલોકોની જાણીજોઈને હત્યા અને તેમનાં ઘરો તથા આજીવિકાને નષ્ટ કરવાં, માનવીય ગૌરવ અને મૂળભૂત માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે."

તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારે તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઘટનાની તરત જ તપાસ શરૂ કરાવે. સરકારે વિલંબ વિના હુમલાખોરોને પકડીને પીડિતોને ન્યાય આપવાની વ્યવસ્થા કરવી જોઈએ."

મણિપુરમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલાં જાતિઆધારિત તણાવ અને હિંસાના વાતાવરણમાં આવી ઘટનાઓ સતત બની રહી છે. પહેલાં આ હિંસા કુકી જનજાતિ અને મૈતેઈ સમુદાય વચ્ચે શરૂ થઈ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીથી કુકી અને મણિપુરમાં વસતા નાગા જનજાતિ વચ્ચે નવી હિંસા શરૂ થઈ ગઈ છે.

આ તાજી હિંસા અંગે કુકી જનજાતિનાં જેટલાં પણ નાગરિક સંગઠનોએ નિવેદન જાહેર કર્યું છે, તેમાં નાગા ચરમપંથી જૂથોને જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.

જોકે, અત્યાર સુધી નાગા ચરમપંથી જૂથો તરફથી આ ઘટના સંબંધિત કોઈપણ આરોપ અંગે કોઈ પ્રતિભાવ આવ્યો નથી.

પેપરલીક મામલે દિગ્વિજયસિંહે પીએમ મોદીને પત્ર લખ્યો, મૂકી આ માગ

કૉંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહે વડા પ્રધાન મોદીએ પેપરલીક મામલે એક પત્ર લખ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહે વડા પ્રધાન મોદીએ પેપરલીક મામલે એક પત્ર લખ્યો છે

કૉંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહે વડા પ્રધાન મોદીએ એક પત્ર લખીને ભારત સરકારને આગ્રહ કર્યો કે તે છેલ્લાં આઠ વર્ષમાં એનટીએ તરફથી આયોજિત પરીક્ષાઓમાં પેપરલીક અને અનિયમિતતાઓ પર એક શ્વેતપત્ર બહાર પાડે.

પત્રમાં દિગ્વિજયસિંહે તપાસ, ધરપકડો, ચાર્જશીટ કે ક્લોઝર રિપોર્ટ અને આરોપીઓની સ્થિતિ અંગે માહિતી આપી છે.

તેમણે કહ્યું કે વધુ પારદર્શિતાથી પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓને ભરોસો અપાવવામાં મદદ મળશે.

નીટના આયોજનમાં થનારી પરીક્ષાઓ મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષા અંગે 7 મેના રોજ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને ફરિયાદ મળી કે અનેક પ્રશ્નપત્રો લીક થઈ ગયાં છે. બાદમાં આ પરીક્ષા રદ કરાઈ હતી.

હવે આ પરીક્ષા 21 જૂને લેવાશે.

નીટની પરીક્ષા મામલે વિપક્ષનાં દળોથી માંડીને અન્ય સંગઠનો પણ સતત સરકાર પર નિશાન સાધી રહ્યાં છે.

ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી મારા સારા મિત્ર, ભારત સાથે ટ્રેડ ડીલ જલદી થવાની આશા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે જલદી ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરાર થશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે જલદી ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરાર થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે જલદી ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરાર થશે.

ટ્રેડ ડીલ અંગે તેમણે કહ્યું, "અમે એક કરાર સુધી પહોંચી જઈશું, કેમ કે મને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) બહુ પસંદ છે. તેઓ મારા સારા મિત્ર છે અને અમારે ઘણું બને છે. અમારા સંબંધો બહુ સારા છે."

જોકે ફરી ટ્રમ્પે કહ્યું કે "ભારતે અમેરિકા પર બહુ વધારે ટેરિફ લાદ્યો અને તેના બદલામાં અમેરિકાને કશું મળ્યું નથી."

વ્હાઇટ હાઉસમાં પત્રકારોને તેમણે કહ્યું કે "વર્ષો સુધી ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો... તેમણે અમારી પર બહુ મોટો ટેરિફ નાખ્યો અને બદલામાં કશું ન આપ્યું. હવે સ્થિતિ સાવ વિપરીત છે. અમે ભારત પાસેથી બહુ પૈસા કમાઈએ છીએ."

ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી જાહેરાત થઈ નથી.

લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપનું નિધન

સુભાષ કશ્યપના નિધન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સમેત અનેક નેતાઓએ પણ શોક પ્રગટ કર્યો છે.

ઇમેજ સ્રોત, @VPIndia

ઇમેજ કૅપ્શન, સુભાષ કશ્યપના નિધન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સમેત અનેક નેતાઓએ પણ શોક પ્રગટ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ડૉક્ટર સુભાષ સી કશ્યપના નિધનથી બહુ દુખ થયું, જેમણે લોકસભામાં મહાસચિવ તરીકે કામ કર્યું હતું. તેઓ ભારતના અગ્રણી બંધારણીય નિષ્ણાતોના એક હતા, જેમનું સંસદીય અને બંધારણીય વિમર્શમાં યોગદાન આપણા સમાજને સમૃદ્ધ કરનારું રહ્યું."

સુભાષ કશ્યપના નિધન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સમેત અનેક નેતાઓએ પણ શોક પ્રગટ કર્યો છે.

97 વર્ષીય સુભાષ કશ્યપ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. તેઓ ભારતીય બંધારણના નિષ્ણાત તરીકે જાણીતા હતા. તેમણે આના પર પુસ્તક પણ લખ્યું છે.

સુભાષ કશ્યપ લોકસભાના સાતમા, આઠમા અને નવમા કાર્યકાળ દરમિયાન મહાસચિવ હતા.

તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી 'વન નેશન વન ઇલેક્શન'ની સંભાવના પર વિચાર કરવા બનાવેલી ઉચ્ચસ્તરીય સમિતિના સભ્ય પણ હતા.

વડા પ્રધાન મોદી આજે સુરતના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવશે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવશે.

ગુજરાત માહિતી ખાતાની પ્રેસ રિલીઝ અનુસાર, આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને રૂપિયા 18,777 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

વડા પ્રધાન સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

વડા પ્રધાન મોદી નૅશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) હેઠળ રૂપિયા 7689 કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પૅકેજ વીઆઇ અને વીઆઇઆઇ)નું લોકાર્પણ પણ કરશે.

આ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન