ભારતમાં ચોમાસું બેસવાની તૈયારી, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ચોમાસા પહેલાંનો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ઘણા જિલ્લામાં પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે 3 જૂનના રોજ ભારતના હવામાન વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને આગામી 24 કલાકમાં કેરળમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આ સાથે જ ભારતમાં ટૂંક સમયમાં વિધિવત્ ચોમાસું બેસવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાતની વાત કરીએ તો પાછલા અમુક દિવસોમાં છૂટાછવાયા વરસાદ અને પવનને કારણે ઘણા જિલ્લામાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કંઈક આવું જ વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે, આ ઉપરાંત વિભાગે આગામી દિવસોમાં ચોમાસાની આગેકૂચ અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
ભારતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે 3 જૂનના રોજ બપોરના 12 વાગ્યે જાહેર કરેલા બુલેટિન મુજબ દક્ષિણપશ્ચિમ ચોમાસું 4 જૂનની આસપાસ દક્ષિણપૂર્વ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ અને તામિલનાડુના વધુ ભાગો, દક્ષિણપશ્ચિમ, મધ્યપૂર્વ, મધ્યપશ્ચિમ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની બાકીના વિસ્તારો તરફ આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.
2 જૂનના રોજ ઉત્તરપશ્ચિમ ઉત્તરપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સાયક્લૉનિક સર્કુલેશન તરીકે જોવા મળેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો દરિયાની સપાટીથી અનુક્રમે 1.5 અને 5.8 કિમી ઉપર જળવાયેલું છે. જે હવે ગુજરાત માટે બિનમહત્ત્વપૂર્ણ બની ગયું છે.
ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 3.1 કિમી ઉપર સાયક્લૉનિક સર્કુલેશન તરીકે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. જેની સાથે દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર ટ્રફ પણ જળવાયેલું છે.
મધ્ય પાકિસ્તાન અને આસપાસના ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર દરિયાની સપાટીથી 0.9 કિમી ઉપર રહેલું અપર ઍર સાયક્લૉનિક સર્કુલેશન ઓછું માર્ક્ડ બન્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર રહેલું અપર ઍર સાયક્લૉનિક સર્કુલેશન ઓછું માર્ક્ડ બન્યું છે.
ગુજરાતમાં નીચાણવાળા પ્રદેશોમાં દક્ષિણપશ્ચિમી અને પશ્ચિમી હવાઓનું જોર જળવાયેલું છે.
ગુજરાતના કયા જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી અનુસાર 4 જૂનના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ મધ્યમ ગાજવીજ સાથે હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 5 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતા પવનો અને મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
6 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર ખાતે ગીર સોમનાથ છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.
એ જ દિવસે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા અને કચ્છ-સૌરાષ્ટ્રમાં શુષ્ક હવામાન જળવાઈ રહેવાની સંભાવના છે.
2026માં ગુજરાત સહિત ભારતમાં ચોમાસું નબળું રહેશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વ હવામાન સંસ્થા (વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેશનાઇઝેશ- ડબ્લ્યૂએમઓ) 2 જૂનના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જે અનુસાર આગામી કેટલાક મહિના દરમિયાન મુખ્યત્વે ટ્રોપિકલ પૅસિફિકમાં સમુદ્રનું પાણી અસામાન્યપણે ગરમ થવાને કારણે અલ નીનોની સ્થિતિ વિકસી રહી છે, જે આગામી મહિનાઓમાં વિશ્વના ઘણા દેશોમાં તાપમાન અને વરસાદની પૅટર્નને અસર કરી શકે છે, જેના કારણે આગામી મહિનામાં તીવ્ર હવામાન સંબંધી અસરો જોવા મળી શકે છે.
ડબ્લ્યૂએમઓએ પોતાની પ્રેસ રિલીઝમાં સાઉથ એશિયન ક્લાઇમેટ આઉટલુક ફોરમને ટાંકીને લખ્યું હતું કે, "દક્ષિણ એશિયામાં પણ સામાન્યથી ઓછો વરસાદની આશંકા છે."
જે પ્રમાણે જૂન-સપ્ટેમ્બરના ચાર માસ દરમિયાન ભારત સહિત દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, આ સિવાય આ સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગનાં ક્ષેત્રોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
નોંધનીય છે કે ગત 29 મેના રોજ ગુજરાત સહિત ભારતમાં હવામાન વિભાગે નબળા ચોમાસાની આગાહી કરી છે, જે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે.
બીબીસીના એક અહેવાલ અનુસાર પણ અલ નીનોની સ્થિતિ ભારતીય ચોમાસાને વધુ નબળું બનાવી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















