'જ્યાં પગ મૂકો ત્યાં ઉંદર', રાતોરાત પાક સાફ કરી જતા ઉંદરોએ ખેડૂતોની કેવી ખરાબ હાલત કરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, Australian Broadcasting Corporation/Chris Lewis

ઇમેજ કૅપ્શન, ખેડૂતો જણાવે છે કે હજારો ઉંદરો તાજાં વાવેલાં બીજ ખાઈ રહ્યા છે
    • લેેખક, લાના લેમ
    • પદ, સિડની
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના વિસ્તારોમાં ઉંદરોનો ઉપદ્રવ ખેડૂતોને ભયંકર ત્રાસ આપી રહ્યો છે. ઉંદરો ઘરની આસપાસ બેફામ દોડી રહ્યાં છે અને અનાજનાં ખેતરોને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.

આ સમસ્યા એવા સમયે ઊભી થઈ છે જ્યારે ઇરાન સામે ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે ઈંધણ અને ખાતરના પુરવઠાની અનિશ્ચિતતાથી ખેડૂતો પહેલેથી જ દબાણ હેઠળ છે.

આ નવા સંકટ સામે લડવા માટે ખેડૂતોને લાખો ડૉલર ખર્ચવા પડે છે. ક્યાંક ઉંદરોએ ખાઈ નાખેલા પાકને ફરી વાવવો પડે છે, તો ક્યાંક કિંમતી ખેતીનો સમય ઉંદરોને મારવા માટેની ઝેરી દવાવાળાં બીજ ખેતરોમાં નાખવામાં વેડફવો પડે છે.

પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના મિંગેન્યુ વિસ્તારમાં 14,000 હેક્ટરનું ખેતર વાવતા 43 વર્ષીય જ્યોફ કોસગ્રોવ જણાવે છે કે, "આ બહુ મોટો ખર્ચ છે અને માત્ર ઝેરી દવા ખરીદવાનો ખર્ચ જ નથી." જ્યોફ પોતાના ખેતરમાં ઘઉં, કનોલા, લ્યુપિન અને જવ ઉગાડે છે.

"તેઓ તમારા મન સાથે રમત રમે છે. રાત્રે સતત દોડતાં રહે છે - છતમાં, ઍર કન્ડિશનિંગ યુનિટમાં, બધે જ."

"તમે તેમને સાંભળી શકો છો અને તેમની ગંધ પણ અનુભવી શકો છો. કોઈ સડતા મૃતદેહ જેવી ગંધ આવે છે."

કોસગ્રોવ 25 વર્ષથી ખેતી કરી રહ્યા છે અને આ સમય દરમિયાન તેમને ફક્ત બે જ વાર ઉંદરોના ઉપદ્રવનો સામનો કરવો પડ્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, "આ વર્ષે ઉંદરોનો ઉપદ્રવ 2021માં થયેલા ઉપદ્રવ કરતા ઘણો ખતરનાક છે."

તે વખતે ઑસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં ઉંદરોનો ઉપદ્રવ ફેલાયો હતો, જેમાં ન્યૂ સાઉથ વેલ્સ (NSW) અને ક્વીન્સલૅન્ડના કેટલાક ભાગોમાં સૌથી ખરાબ ઉપદ્રવ જોવા મળ્યો હતો.

NSWમાં પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે ઉંદરોએ ત્યાંની જેલમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યા બાદ સેંકડો કેદીઓને બીજી જગાએ ખસેડવાની ફરજ પડી હતી.

આ વખતે પશ્ચિમ ઑસ્ટ્રેલિયા (WA)ના ખેડૂતોએ માર્ચમાં જોયું કે ઉંદરોની સંખ્યા એટલી હતી જાણે પ્લેગ ફેલાયો હોય.

થોડા સમય બાદ દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં પણ ખેડૂતોને આવું જ અનુભવાયું.

અઢળક પાકથી શું ઉંદરોની સંખ્યા વધી ગઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, Geoff Cosgrove

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ખેડૂત જ્યોફ કોસગ્રોવને આશા છે કે શિયાળો આવતાની સાથે ઉંદરોની સંખ્યા ઘટશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોસગ્રોવના ખેતરથી લગભગ બે કલાકના અંતરે ઉત્તરમાં રહેતાં 59 વર્ષીય કૃષિશાસ્ત્રી અને ખેડૂત બેલિન્ડા ઇસ્ટફનું ખેતર આવેલું છે. તેઓ પણ પાંચ વર્ષ પહેલાંના ઉંદરના ઉપદ્રવને યાદ કરે છે.

"ગઈ વખતે (2021માં) ઉંદરો મારી હૅન્ડબેગમાં ઘૂસી ગયાં હતાં." તેમનું ખેતર ગેરાલ્ડટનથી 80 કિલોમીટર દૂર આવેલું છે.

તેમનું ખેતર 5500 હેક્ટરમાં આવેલું છે. આ વિસ્તારોમાં તે વખતે ઉંદરોનો સૌથી વધારે ત્રાસ ફેલાયો હતો.

તેઓ કહે છે કે, "ઉંદર બધી જ જગ્યાએ હતા - ફ્લોરમાં, દીવાલોમાં, પૅન્ટ્રીમાં. પરંતુ આ વર્ષે તે પૅન્ટ્રીમાં નથી આવ્યા. કારણ કે તેઓ ત્યાં જ રહે છે, જ્યાં ખોરાક હોય. અર્થાત ખેતરોમાં."

"ગયા વર્ષે અમારે રેકૉર્ડબ્રેક પાક થયો હતો, તેથી ઉંદરોને પણ ભરપૂર ખોરાક મળી ગયો."

વધારે પાક થવાનો અર્થ એ છે કે પાકની કાપણી અને પ્રક્રિયા દરમિયાન ખેતરોમાં મોટા પ્રમાણમાં અનાજ ઢોળાઈ જાય છે.

પરણામે ઉંદરોને ખૂબ જ પ્રિય એવો ખોરાકનો મોટો ભંડાર સરળતાથી મળી રહે છે.

ઇસ્ટોફે જણાવ્યું, "પછી ઉનાળામાં થોડો વરસાદ પડ્યો. તેના લીધે તાજાં લીલાં અંકુરો ફૂટવા લાગ્યાં."

"તેથી ઉંદરોને માત્ર માંસાહારી ભોજન જ નહીં, પણ સલાડ પણ મળી ગયું. સરળ ભાષામાં કહું તો ઉંદરો માટે આ સ્થિતિ સ્વર્ગથી જરાકે કમ નહોતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, Amy Schultz

ઇમેજ કૅપ્શન, બેલિન્ડા ઇસ્ટૉફના અંદાજ મુજબ ઘઉં, કનોલા અને લ્યુપિનના ખેતરોમાં હજારો ઉંદરો છે

લગભગ 40 વર્ષથી ખેતી કરતાં ઇસ્ટોફ ઘઉં, કનોલા અને લ્યુપિન ઉગાડે છે.

તેમનાં ખેતરોમાં થતાં ઘઉંનો દક્ષિણ-પૂર્વ એશિયામાં ઉડોન નૂડલ્સ માટે નિકાસ કરવામાં આવે છે, તો ક્યારેક તેનો ઉપયોગ સ્થાનિક બિસ્કિટ, બ્રેડ અને પાસ્તામાં પણ થાય છે.

તેમના જણાવ્યા મુજબ, તેમના કનોલાનાં ખેતરોમાં પ્રતિ હેક્ટર લગભગ 8,000થી 10,000 ઉંદરો છે. એક હેક્ટર વિસ્તાર લગભગ રગ્બીના એક મેદાન જેટલો ગણી શકાય.

તેઓ જણાવે છે કે, "ઘણી વાર ઉંદરોનો ઉપદ્રવ એટલો બધો ફેલાઈ જાય છે કે તેમનો ખોરાક ખતમ થઈ જાય પછી અચાનક તેમની સંખ્યા ઘટી જાય છે. પરંતુ આ વર્ષે એવું થયું નથી."

"હું જાણે એક ભયાનક દુઃસ્વપ્ન જીવી રહી છું."

ઈરાન યુદ્ધને કારણે ઈંધણ અને ખાતરના ભાવ વધ્યા અને હવે ઉંદરોએ કેવી પરેશાની વધારી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2021માં ન્યૂ સાઉથ વેલ્સમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો હતો (ફાઇલ ફોટો)

પાનખર ઋતુ અનાજ ઉગાડતા ખેડૂતો માટે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તે જ સમયે તેઓ પોતાના પાકનું વાવેતર કરે છે.

કૃષિશાસ્ત્રી તરીકે ઇસ્ટફ ખેડૂતોને તેમના પાક અંગે સલાહ આપે છે. આ વર્ષે તેઓ ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે બીજ વાવ્યા પછી શક્ય તેટલી ઝડપથી ઉંદર મારવાની દવા (બેઇટ) પાથરી દેવામાં આવે.

તેઓ કહે છે કે, "જો બીજ વાવનાર યંત્રની પાછળ તરત જ દવા પાથરનાર યંત્ર ન આવે તો રાત્રે ઉંદરો આવીને ખેતરમાં બનાવેલી ક્યારીઓમાંથી બીજ ખાઈ જાય છે."

"જો તમે રાત્રે 8 વાગ્યે વાવણી પૂરી કરીને બીજા દિવસે ખેતરમાં આવો તો તમને પાકની આખી હરોળોની હરોળો ગાયબ થયેલી જોવા મળશે."

ઇસ્ટફ કહે છે કે ખેડૂતો ખૂબ જ સંઘર્ષશીલ અને મજબૂત હોય છે, પરંતુ ફેબ્રુઆરીમાં ઇરાન યુદ્ધ શરૂ થયા પછી ડીઝલ અને ખાતરના વધેલા ખર્ચની તેમની પર ભારે અસર થઈ છે.

તેઓ કહે છે, "અમે બે-ત્રણ મહિના પહેલાં બળતણ માટે જે ચૂકવતા હતા તેના કરતાં અત્યારે બમણી કિંમત ચૂકવી રહ્યા છીએ."

"ઉંદરોની આ સમસ્યા દાઝ્યા ઉપર ડામ જેવી છે - વધુ એક માથાનો દુઃખાવો."

ખેતરોમાં આટલા ઉંદર શું 'પ્લેગ' કહેવાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, 2021માં ઉંદરોના ભયંકર ઉપદ્રવ દરમિયાન ખેડૂતો પાણીથી ભરેલા ટબનો ઉપયોગ કરીને ઉંદર પકડવાના ફંદા બનાવતા હતા

ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા CSIROના સંશોધન અધિકારી તરીકે કાર્યરત સ્ટીવ હેનરી ઉંદરો અને તેમને નાબૂદ કરવાની પદ્ધતિઓમાં નિષ્ણાત છે.

તેઓ કહે છે કે સામાન્ય રીતે પ્રતિ હેક્ટર 800 ઉંદરો હોય ત્યારે તેને મહામારી (પ્લેગ) ગણવામાં આવે છે.

હેનરી જણાવે છે કે, "પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં તો લોકો પ્રતિ હેક્ટર હજારો અને હજારો ઉંદરોની વાત કરી રહ્યા છે, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણના ખેતીના વિસ્તારોમાં."

તાજેતરમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન જ્યારે તેઓ એક મીટર પહોળી પટ્ટીમાં 100 મીટર ચાલ્યા તો તેમને ઉંદરના 30થી 40 દર જોવા મળ્યા હતા.

ખેડૂતો આ આંકડાને 100થી ગુણીને ઉંદરોની સંખ્યાનો અંદાજ લગાવે છે.

એટલે કે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 3,000થી 4,000 જેટલા ઉંદરના દર હતા.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં પણ સ્થિતિ લગભગ આવી જ હતી.

તેઓ કહે છે, "આ એક અત્યંત ગંભીર સમસ્યા છે, કારણ કે ખેડૂતો માટે આ સમય વર્ષનો સૌથી મહત્ત્વપૂર્ણ સમયગાળો છે."

તેઓ જણાવે છે કે ઉંદરો ફક્ત છ અઠવાડિયાંની ઉંમરે પ્રજનન શરૂ કરી શકે છે અને દર 19થી 21 દિવસે 6થી 10 બચ્ચાંને જન્મ આપી શકે છે.

હેનરી આગળ જણાવે છે કે, "સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે બચ્ચાંને જન્મ આપ્યા પછી માત્ર બે કે ત્રણ દિવસમાં જ માદા ઉંદર ફરીથી ગર્ભવતી થઈ જાય છે. એટલે જ્યારે તે પ્રથમ બચ્ચાંના સમૂહને ઉછેરી રહી હોય, ત્યારે બીજાં બચ્ચાં તેના પેટમાં વિકસી રહ્યાં હોય છે."

તેઓ આ ઉપદ્રવના આર્થિક નુકસાનની સાથે સાથે ખેડૂતોના માનસિક સ્વાસ્થ્ય પર થતી ભારે અસર તરફ પણ ઇશારો કરે છે, કેમ કે દિવસનું કામ પૂરું કર્યા પછી પણ ખેડૂતો આ સમસ્યાથી છૂટકારો મેળવી શકતા નથી.

તેઓ સમજાવતા કહે છે, "જો તમે દુષ્કાળનો સામનો કરી રહ્યા હો, તો તમે ઘરની અંદર જઈ શકો, દરવાજો બંધ કરી શકો, ઍર કન્ડિશનર ચાલુ કરી શકો અને થોડી રાહત મેળવી શકો."

"પરંતુ જો તમે ઉંદરોના ઉપદ્રવનો સામનો કરી રહ્યા હો, તો તમે ઘરમાં જાઓ, દરવાજો બંધ કરો અને કબાટ ખોલો તો ઉંદરો કબાટમાં પણ હાજર હોય છે."

"રાત્રે તમે સૂવા જાઓ તો પથારીમાં પણ ઉંદરો દોડતા હોય છે."

ઉંદરોના સંકટનું સમાધાન શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, ઉંદર

ઇમેજ સ્રોત, Australian Broadcasting Corporation/Chris Lewis

ઇમેજ કૅપ્શન, ડેમિયન રાયન કહે છે કે તેમનાં 50 વર્ષના ખેતીના જીવનમાં તેમણે ઉંદરોનો આટલો ભયંકર ઉપદ્રવ ક્યારેય જોયો નથી.

મહિનાઓથી ખેડૂતો વધુ અસરકાર ઝેરી દવા મેળવવા માટે ઉત્સુક હતા, પરંતુ તેના ઉપયોગ માટે તેમને રાષ્ટ્રીય નિયામક સંસ્થાની મંજૂરીની રાહ જોવી પડી હતી.

તાજેતરના દિવસોમાં આ મંજૂરી મળી ગઈ છે અને હવે વધુ અસરકારક તથા વધુ શક્તિશાળી દવા ખેડૂતો માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

પર્થથી લગભગ 370 કિલોમીટર ઉત્તર તરફ આવેલા મોરાવામાં પોતાના ખેતરમાં રહેતા 67 વર્ષીય નિવૃત્ત ખેડૂત ડેમિયન રાયને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેઓ છેલ્લા ઘણાં અઠવાડિયાંથી પોતાના ઘર અને શેડમાં ઉંદરો પકડી રહ્યા છે.

તેઓ કહે છે કે તેઓ દરરોજ પોતાના ઘરમાંથી 20થી 30 અને શેડમાંથી લગભગ 150 જેટલા ઉંદરો પકડી રહ્યા છે.

જમીન પર પરિશ્રમનાં 50 વર્ષ દરમિયાન આ રીતે ઉંદરનો સામનો કરવો પડે તો સામાન્ય વાત છે, "પણ આટલી ખરાબ સ્થિતિ મેં ક્યારેય જોઈ નહોતી."

"આ સ્થિતિ પ્લેગની મહામારી જેવી હતી. તમે રાત્રે બહાર વાહન લઈને નીકળો તો ચારે તરફ દોડતા ઉંદરો જ દેખાય."

ઠંડું તાપમાન, વરસાદની આગાહી અને વધારે અસરકારક ઝેરી દવાઓને કારણે હાલના દિવસોમાં ઉંદરોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું ખેડૂતોએ નોંધ્યું છે.

કોસગ્રોવને આશા છે કે શિયાળો નજીક આવી રહ્યો હોવાથી રાહત મળશે. "આખરે તેમને અટકવું પડશે. કારણ કે હવામાન ખૂબ જ ઠંડું અને ભેજવાળું થઈ જાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન