હવામાન સમાચાર : ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય, ચાર દિવસ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં છૂટીછવાઈ જગ્યાએ તથા સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં 12 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં નર્મદાના સાગબારા તાલુકામાં 0.39 ઇંચ અને છોટા ઉદેપુરના કવાંટમાં 0.35 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાપી, દાહોદ, ભરુચ જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે.
હાલમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશાના ઉત્તરના ભાગે તથા આંધ્ર પ્રદેશ પર એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે. તેના કારણે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 7.6 કિમી ઊંચે સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે કિનારાવર્તી આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધશે.
આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લઈને સાઇક્લોનિક સર્ક્યુલેશન એરિયા સુધી એક ટ્રફ રચાયો છે જે મધ્ય પ્રદેશ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થાય છે.
હવામાન વિભાગ મુજબ સમુદ્રની સપાટી પર એક મોન્સુન ટ્રફ રચાયો છે જે શ્રીગંગાનગર, ચુરુ, શિવપુરી, દામોહ, બિલાસપુરથી લઈને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પરથી પસાર થાય છે.
ગુજરાતમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 12 સપ્ટેમ્બર, શનિવારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ દરમિયાન પવનની ઝડપ 40થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
શનિવારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 સપ્ટેમ્બર, રવિવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરુચમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, IMD
14 સપ્ટેમ્બર, સોમવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે.
આ ઉપરાંત ભરુચ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
સોમવારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
15 સપ્ટેમ્બરે સાઉથ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
મંગળવારે બનાસકાંઠા, વાવ થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તથા વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
મોટા ભાગના ડૅમ અધુરા

ઇમેજ સ્રોત, GSDMA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમની સરેરાશ સામે 76 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં 104 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના બાકીના ભાગોમાં વરસાદની ઘટ છે. જેમ કે, કચ્છમાં માત્ર 30 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 56 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્રમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
તાલુકાઓની વાત કરવામાં આવે તો દ્વારકા તાલુકામાં માત્ર બે ટકા, કલ્યાણપુર તાલુકામાં ચાર ટકા અને ખંભાળિયામાં 9 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર તાલુકામાં પણ નવ ટકા, રાણાવાવમાં 14 ટકા, કચ્છના અબડાસા તાલુકામાં ફક્ત 14 ટકા વરસાદ થયો છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના ડેટા પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યના મોટા ભાગના ડૅમ અધુરા ભરાયેલા છે.
ઉત્તર ગુજરાતમાં 15 ડૅમમાંથી એક પણ ડૅમ છલકાયો નથી. તેવી જ રીતે મધ્ય ગુજરાતના 17 અને કચ્છના 20માંથી એક પણ ડૅમ ભરાયો નથી. સાઉથ ગુજરાતમાં 6 ડૅમ છલકાયા છે જ્યારે સૌરાષ્ટ્રમાં 141માંથી 11 ડૅમ ભરાયા છે. રાજ્યમાં 207 ડૅમમાંથી માત્ર 17 છલકાયા છે. સરદાર સરોવર ડૅમ પણ છલકાવાનો બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























