ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન : જાણો ક્યાં કેટલું થયું મતદાન?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પાલિકામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ કુલ 40.79 ટકા મતદાન નોંધાયું છે.
મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારીની વાત કરીએ તો મોરબીમાં 50.34 ટકા, મહેસાણામાં 46.9 ટકા, નડીયાદમાં 39.15 ટકા, નવસારીમાં 50.76 ટકા, વાપીમાં 53.74 ટકા, કરમસદ-આણંદમાં 47.71 ટકા, સરેન્દ્રનગરમાં 39.41 ટકા, સુરતમાં 43.85 ટકા, ભાવનગરમાં 39.56 ટકા, વડોદરામાં 39.75 ટકા, જામનગરમાં 39.81 ટકા, રાજકોટમાં 39.13 ટકા, ગાંધીધામમાં 33.19 ટકા, પોરબંદરમાં 32.56 ટકા અને અમદાવાદમાં 38.16 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતોમાં સરેરાશ 32.29 ટકા મતદાન નોંધાયું છે જ્યારે કે તાલુકા પંચાયતોમાં 33.96 ટકા મતદાન યોજાયું છે.
જો કે, ચૂંટણી પહેલાં જ ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે જીતી લીધી હતી.
મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
એક બાજુ બેઠકો બિનહરીફ થવાની વાત છે, તો બીજી તરફ એવાં પણ કેટલાંક બેઠકો અને વૉર્ડ છે, જ્યાં ભાજપના ઉમેદવારોએ પ્રજાના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડ્યો હતો.
લગ્નના દિવસે વરરાજા મતદાન કરવા આવ્યા, મત ન આપી શક્યા
ગુજરાતમાં આજે મતદાન ચાલી રહ્યું છે, એવા સમયે વડોદરામાં એક વરરાજા મતદાનથી વંચિત રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્થ હરાલ લગ્ન કરીને મતદાન કરવા પહોંચ્યા હતા, પણ તેમનું નામ મતદારયાદીમાં નહોતું.
તેઓ વૉર્ડ-3ના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલમાં મતદાન કરવા આવ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "આજે મારાં લગ્ન હોવાથી મારા માટે જીવનનો ખાસ દિવસ હતો. મારા માટે મતદાન કરવું જરૂરી હતું. એટલે અહીં આવ્યો હતો. લગ્ન હોવા છતાં હું અહીં મતદાન કરવા આવ્યો હતો. તેમણે કહ્યું કે મેં એસઆઇઆરની બધી પ્રક્રિયા કરી હતી, પણ કોઈ કારણસર મારું નામ મતદારયાદીમાં નથી આવ્યું."
મતદાન નહીં કરવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, daxesh shah/bbc
ગુજરાતમાં રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે, એવામાં એક ગામમાં 685 મતદારો હોવા છતાં એક પણ મત બૂથમાં પડ્યો નથી.
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, પહેલાં લુણાવાડા અને હવે નવા કોઠંબા તાલુકામાં આવેલા ખાતુપગીના મુવાડા ગામે એક પણ મત પડ્યો નથી.
ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી અમારા ગામનું બૂથ અને મતદાન કોઠંબા ગામમાં નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગ્રામજન મતદાન કરીશું નહીં.
ગામનનો સાત કિમી દૂર અન્ય ગ્રામપંચાયતમાં સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
આ વખતનો ચૂંટણીપ્રચાર સામાન્ય કરતાં વિશેષ રહ્યો હતો, તેમાં ઘણી બધી બેઠકો પર ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં, ત્યારે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તા પક્ષનો લોકો દ્વારા વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીનાં પરિણામો 28મી એપ્રિલે જાહેર થશે.
ત્યારે તંત્ર તરફથી પણ સુરક્ષા અને શાંતિ વચ્ચે મતદાન તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આણંદમાં નેતાઓ પર કથિત હુમલો, કૉંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ

ઇમેજ સ્રોત, Sachin Pithhva
શનિવારે રાત્રે આણંદ ખાતે આંકલાવ પાલિકાના કારોબારી સભ્યને માર મરાયાનો મામલો સામે આવ્યો છે. તેમની ગાડીને પણ નુકસાન પહોંચાડાયાની વાત સામે આવી રહી છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી નચિકેત મહેતાના જણાવ્યા અનુસાર, "રાત્રે રસ્તા વચ્ચે રોકી, અહીં 'અમારા વિસ્તાર માં કેમ આવો છો કહી ઢોર માર માર્યા'નો આક્ષેપ કરાઈ રહ્યો છે. ઘટના બાદ મામલો આંકલાવ પોલીસમથકે પહોંચ્યો હતો."
પોલીસ ફરિયાદમાં કૉંગ્રેસ ઉમેદવાર મનુભાઈ પઢિયાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ આ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ કરાયો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત શનિવારે મોડી રાત્રે આણંદ વૉર્ડ નં. 13ના ઉમેદવાર હર્શિલ દવે પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Nachiket Maheta
નચિકેત મહેતાના જણાવ્યા પ્રમાણે, "કૉંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવેનું કહેવું છે કે ચૂંટણી પહેલાં દારૂ વહેંચાતું હોવાનું માલૂમ પડતાં ઘટનાસ્થળે પહોંચતાં તેમના પર કેટલાક લોકોએ કથિતપણે 'જીવલેણ હુમલો' કર્યો હતો."
બીબીસી ગુજરાતી કૉંગ્રેસના ઉમેદવારના આરોપોની ખરાઈ કરી શક્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ કૉંગ્રેસના ઈજાગ્રસ્ત ઉમેદવારને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમણે ઘટના અંગે જાહેર થયેલા વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પર 'ભાજપના લોકોએ હુમલો કર્યો' હતો.
ભાજપે આ મામલે હજુ પ્રતિક્રિયા આપી નથી, જ્યારે તેઓ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.
હાલ તો સમગ્ર મામલો આણંદ પોલીસમથકે પહોંચતાં, પોલીસ દોડતી થઈ હતી.
ભાજપના ઉમેદવારોએ ક્યાંક લોકોના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડ્યો

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભાજપ સામેના વિરોધ અંગેનો નમૂનો નજરે જોયો હતો. તેમણે કહ્યું, "દસેક દિવસ પહેલાં અસારવા વિસ્તારમાં પાંચ-છ ચાલીના રહીશોએ ચાલીના પ્રવેશદ્વાર પર ભાજપના વિરોધ માટેનાં પોસ્ટરો લગાડ્યાં હતાં. જેમાં 'કમળનું ફૂલ અમારી ભૂલ' જેવા નારા દેખાતા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરના ઇન્ડિયા કૉલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે આવેલી અશોક મિલની નવી ચાલી ખાતે પ્રચારાર્થે પહોંચેલા ભાજપના એક કાર્યકરને એક રહીશે કથિતપણે 'લાફા ઝીંકી દીધા' હતા.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સોસાયટીના રહીશોએ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે 'રોષ ઠાલવ્યો' હતો.
બીબીસી ગુજરાતીના સુરતસ્થિત સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું કે, "ચૂંટણીપ્રચારમાં ગયેલા ઉમેદવારને સ્થાનિકોએ આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે છેલ્લાં પાંચ વર્ષમાં તેઓ કેમ એક વાર પણ દેખાયા નથી?"
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હાર્દિકે કહ્યું કે, "વડોદરાના વૉર્ડ નંબર 19માં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. કેટલાક રહીશોએ રોકડું પરખાવતાં કહ્યું હતું કે મત લીધા પછી દેખાજો, ગાયબ ન થઈ જતા."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'બિનહરીફ'

ઇમેજ સ્રોત, FB/ Nitin Patel
ગુજરાત ભાજપનો દાવો છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 કરતાં વધુ બેઠકો પર અન્ય ઉમેદવારોએ ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચતાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ પૈકી મોટા ભાગની બેઠકો પર કૉંગ્રેસ સહિત વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં હોવાના બનાવો સામે આવ્યા, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.
આનો અર્થ છે કે રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખત મતદાન કરવાથી વંચિત રહેશે.
આ બાદ સ્થિતિ એવી બની કે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં પણ જીતી લીધી હતી.
જોકે, ભાજપના આ બિનહરીફ વિજય સામે વિપક્ષ સતત એવા આરોપો લગાવી રહ્યો છે કે, "ભાજપ લોભ લાલચ, ડર સત્તાનો દુરુપયોગ અને ખોટા પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી રહ્યો છે."
બીજી તરફ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે વિપક્ષના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું, "સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























