શું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મોદી સરકાર માટે મોટો ઝાટકો છે કે પછી મોટી તક છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દિલ્હીમાં જંતર-મંતર ખાતે એક મહિના કરતાં વધુ સમયથી તેમની સામે વિરોધ નોંધાવી રહી હતી અને આ મુદ્દે દેશવ્યાપી યુવા આંદોલન પણ છેડાઈ ગયું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મોદી સરકાર માટે મોટા ઝાટકા તરીકે જોવામાં આવે છે, કારણ કે, આ પહેલી વાર બન્યું છે કે, તેમના કોઈ મંત્રીએ એક આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું હોય.
આ પહેલાં પણ એવા ઘણા પ્રસંગો આવ્યા છે, જ્યારે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર તેમજ તેના મંત્રીઓ પર વિવિધ પ્રશ્નોને લઈને દબાણ લાવ્યા હોય, પણ તેની કદી ખાસ અસર પડી નહોતી.
આ મામલે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહનું નિવેદન ઘણી વખત ચર્ચા જગાવે છે કે, 'મોદી સરકારમાં રાજીનામાં નથી થતાં.'
બીજી તરફ, ભાજપ પ્રમુખ નીતિન નબીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રશંસા કરી હતી.
નીતિન નબીને પોસ્ટ કરી હતી, "કેન્દ્રીય શિક્ષણમંત્રી તરીકે, ધર્મેન્દ્ર પ્રધાને ભારતની શિક્ષણ પ્રણાલીમાં સુધારો લાવવામાં તેમજ ઐતિહાસિક નૅશનલ એજ્યુકેશન પૉલિસી (એનઇપી 2020)નો સફળ અમલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સાથે જ તેમણે અન્ય ઘણી મહત્ત્વની પહેલનું નેતૃત્વ પણ કર્યું હતું."
તો હવે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આ પરિસ્થિતિનો શું અર્થ થાય છે, તે વિશે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને આપણે આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું.
2014થી લઈને એવી ઘણી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે વિરોધ પક્ષોએ મોદી સરકારને તેની નીતિઓ કે કોઈપણ પ્રશ્ન અંગે ઘેરી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરોધ પક્ષો અને યુવાનો નોટબંધી, જીએસટી, રોજગારી અને ભરતીની પરીક્ષાઓ, સીએએ-એનઆરસી અને એસઆઇઆર જેવા ઘણા પ્રશ્નો પર મોદી સરકાર વિરુદ્ધ માર્ગો પર ઉતરી આવ્યા હતા.
પણ તે વિરોધપ્રદર્શનો અને આંદોલનોની સરકાર પર ખાસ અસર થઈ હોય તેવું લાગતું નહોતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળ ભાજપ એક પછી એક ચૂંટણી જીતતું ગયું અને તેમની સામે ઊઠેલો દરેક મુદ્દો નબળો સાબિત થયો.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન 20મી જૂનથી ચાલી રહ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો, 17મી જુલાઈ સુધી આ વિરોધપ્રદર્શનોની ખાસ કોઈ અસર દેખાતી નહોતી, પણ 18મી જુલાઈની સવારે, દિલ્હી પોલીસ સોનમ વાંગચુકને જંતર-મંતરના પ્રદર્શનસ્થળેથી ઊઠાવી ગઈ અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરી દીધા.
આ ઘટના પછી વિદ્યાર્થીઓની માગણીઓને મોટી સંખ્યામાં યુવાનોનું સમર્થન સાંપડવા માંડ્યું. તે પછી 20મી જુલાઈના રોજ સીજેપીની 'સંસદ કૂચ' દરમિયાન પોલીસે કરેલી કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર મોટાપાયે વાઇરલ થવા લાગ્યા.
તે પછી રાજકારણ, રમત-ગમત, ફિલ્મ, કળા જગત અને અન્ય ઘણાં ક્ષેત્રોમાંથી સરકાર પર દબાણ વધવા માંડ્યું, જેનું પરિણામ શનિવારે, 25મી જુલાઈના રોજ જોવા મળ્યું હતું, જ્યારે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.

ઇમેજ સ્રોત, ANI
વરિષ્ઠ પત્રકાર લવકુમાર મિશ્રાના જણાવ્યા પ્રમાણે, "વિદ્યાર્થીઓ માટે આ એક ઐતિહાસિક સફળતા છે. જેપીના આંદોલને પણ ત્રણ વર્ષ પછી સફળતા હાંસલ કરી હતી, જ્યારે તેમણે 1977ની ચૂંટણીઓમાં ઇન્દિરા ગાંધીની સરકારને પરાજય આપ્યો હતો. જ્યારે અહીં, ફક્ત 36 દિવસમાં જ વિદ્યાર્થીઓએ સરકારને તેમની માગણીઓ સામે ઝૂકવાની ફરજ પાડી હતી."
તેઓ આગળ કહે છે, "મૂળભૂત રીતે, આ છેલ્લા 4-5 દિવસમાં ઊભા થયેલા દબાણની સફળતા છે. વિદ્યાર્થીઓના સમર્થનમાં સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં. મુંબઈ, પૂણે, લખનઉ, જયપુર, સર્વત્ર વિરોધપ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં. બિહારમાં પટના જેવાં મોટાં શહેરો તો ઠીક, પણ ખગૌલ જેવાં નાનાં સ્થળોએ પણ વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. દરભંગા, સિવાન, છપરા, ઔરંગાબાદ, જહાનાબાદ અને શેખપુરા જેવાં ઘણાં સ્થળોએ વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા."
'સરકાર માટે આ મોટો ઝાટકો, પણ તેમાં એક તક પણ રહેલી છે'

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીના જણાવ્યા મુજબ, આ વિરોધ પક્ષોથી લઈને વિદ્યાર્થીઓ સુધી 'સૌ માટે જીતની (વિન-વિન)' સ્થિતિ છે.
તેઓ કહે છે, "પીએમ મોદી અને તેમની સરકાર માટે આ એક મોટો આંચકો છે. જો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ન ધર્યું હોત, તો આ આંદોલન હજુ આગળ વધ્યું હોત. યુવાનોના રોષને શાંત પાડવા માટે તેમનું રાજીનામું જરૂરી હતું."
નીરજા ચૌધરીનું માનવું છે કે, આ આંદોલન દર્શાવે છે કે, લોકશાહી ઢબે મારફત પરિવર્તન લાવી શકાય છે.
જોકે, વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈ આને સરકાર માટે એક આંચકા તરીકે તેમજ એક તક તરીકે જુએ છે.
તેઓ કહે છે, "સ્વાભાવિક રીતે જ આ પરિસ્થિતિ મોદી સરકાર માટે મોટા ફટકાના સમાન છે. પણ સાથે જ તે વડા પ્રધાન મોદી માટે એક તક પણ લાવી છે. જો વિદ્યાર્થીઓ અને વિપક્ષમાં આનું શ્રેય લેવાની હોડ જામશે, તો આ તિરાડને પહોળી કરતાં સરકાર સહેજ પણ ખચકાશે નહીં."
રશીદ કિદવાઈ આગળ કહે છે, "જો આવું થાય, તો કેન્દ્ર સરકાર સંસદના આ સત્રમાં સીમાંકન જેવાં ઘણાં બિલો પસાર કરાવી દેશે અને તેના માટે આ હારેલી બાજી જીતવા સમાન બનશે."

ઇમેજ સ્રોત, @narendramodi Instagram/ANI Video Grab
શુક્રવાર કેન્દ્ર સરકાર માટે મુશ્કેલીભર્યો દિવસ પુરવાર થયો હતો. તેના પ્રતિનિધિઓ તથા સીજેપી વચ્ચેની મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
સાંજે રાહુલ ગાંધી પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા એક યુવાન સાથે મીડિયા સમક્ષ હાજર થયા હતા. કેન્દ્ર સરકાર પરનું આ દબાણ શનિવારે પણ ચાલુ જ રહ્યું હતું.
આ દરમિયાન, આરએસએસના વડા મોહન ભાગવતે દિલ્હીમાં યોજાયેલા 'વિશ્વ માંગલ્ય સભા' કાર્યક્રમમાં કહ્યું હતું, "જ્યારે અમે યુવાન હતા, ત્યારે અમે અમારાં માતા-પિતા જે કહે, તેની સામે દલીલ નહોતા કરતા. પણ આજે એવું નથી. નવી પેઢી સવાલ પૂછે છે, તેમને કારણ જણાવવું પડે છે."
વધુમાં તેમણે ઉમેર્યું હતું, "આજની પેઢીને વધુ સ્નેહ આપવાની જરૂર છે. આપણે તેમની સાથે સમય પસાર કરવો જોઈએ. આપણે તેમની સાથે વાત કરવી જોઈએ."
યાદ રહે કે, ભાગવતનું આ નિવેદન જંતર-મંતર પર વિદ્યાર્થીઓના દેખાવો વચ્ચે આવ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની શું અસર પડી શકે?

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લવકુમાર મિશ્રા કહે છે, "હું માનું છું કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળ આરએસએસ તથા મોહન ભાગવતનું નિવેદન પણ જવાબદાર છે. આ આંદોલનનું નેતૃત્વ કોઈ રાજનેતા નહોતા કરી રહ્યા. તે વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું આંદોલન હતું અને તે અર્થમાં તે વિશેષ હતું."
લવકુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, જો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ન આપ્યું હોત, તો સરકારની વિશ્વસનીયતા માટે તે જોખમરૂપ બની શક્યું હોત.
તેઓ જણાવે છે, "વળી, સરકારને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં જે થયું, તેની પણ બીક હતી. ભારતમાં પણ વિદ્યાર્થીઓ બેરોજગારી સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે પેપરલીક સામેનાં પ્રદર્શનોને કારણે સપાટી પર આવી ગઈ. સરકારે તેના પર ધ્યાન આપવું પડશે."
આગળ તેઓ જણાવે છે, "યુવાનોને કૉક્રોચ (વંદા) તરીકે સંબોધીને તેમના વિશે જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી, તે જોતાં એવું લાગે છે કે, હવે તેમણે કૉક્રોચ શબ્દની વ્યાખ્યા નવેસરથી તૈયાર કરવી પડશે."
ગત 15મી મેના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણી કરવા દરમિયાન એવું કહ્યું હતું કે, કેટલાક એવા યુવાનો છે, જેઓ રોજગારીના અભાવે અને વ્યવસાયમાં પોતાનું સ્થાન બનાવવાના અસામર્થ્યને કારણે વંદાની માફક સર્વત્ર ફેલાઈ જાય છે.

ઇમેજ સ્રોત, ANI
જોકે, તેમની ટિપ્પણીથી સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયા પછી 16મી મેના રોજ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેમની ટિપ્પણી માત્ર એવા લોકો સામે હતી, જેઓ કાયદા જેવા વ્યવસાયોમાં નકલી કે બનાવટી ડિગ્રી સાથે પ્રવેશ્યા છે, સામાન્ય યુવાનો વિરુદ્ધ નહીં.
પરંતુ ત્યાં સુધીમાં આ મામલો ઘણો આગળ વધી ગયો હતો અને અભિજિત દીપકેએ કૉક્રોચ શબ્દ દ્વારા સોશિયલ મીડિયા પર રમૂજી અંદાજમાં જે પહેલ શરૂ કરી હતી, તેને વધુને વધુ સમર્થન મળતું જોઈને તેમણે કૉક્રોચ જનતા પાર્ટીની રચના કરી હતી.

ઇમેજ સ્રોત, ANI
નીરજા ચૌધરી કહે છે, "યુવાનો માટે આ મોટી જીત છે. તેનાથી પ્રભાવશાળી રાજનેતાઓ ઊભરી આવ્યા છે. તે લોકશાહી અને વિરોધ પક્ષોને તક પૂરી પાડશે."
જોકે, રશીદ કિદવાઈ આ વિજયમાં વિપક્ષ માટે મોટો પડકાર પણ જુએ છે.
તેઓ કહે છે, "હવે વડા પ્રધાન મોદી અને તેમની સરકાર ફાસ્ટ ટ્રૅક કોર્ટ, વગેરે વિશે વાતો કરશે... પણ જનતા પર આની ખાસ એવી અસર પડતી નથી. પરંતુ, ચૂંટણીલક્ષી રાજકારણમાં ઉત્તર પ્રદેશ તથા પંજાબ જેવાં રાજ્યોમાં હજુ ચૂંટણી યોજાવાની બાકી છે. તેમાંયે ઉત્તર પ્રદેશની ચૂંટણી ઘણી મહત્ત્વની બની રહેશે."
"જો ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપ જીતશે અને પંજાબમાં જે સરકાર રચશે, તે તમામ પક્ષો માટે મોટો સંદેશો હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.






























