બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ શરૂ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ બની છે અને આગામી દિવસોમાં આ સિસ્ટમને કારણે ફરીથી ગુજરાતમાં વરસાદ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત બનીને એક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. હવે આ સિસ્ટમ ઓડિશા પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
27 તારીખના બપોરે આ સિસ્ટમ બંગાળના પશ્ચિમકાંઠા તથા ઓડિશાના ઉત્તરકાંઠા પર સ્થિત હતી અને આગામી દિવસોમાં આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ગુજરાતની પાસેથી તાજેતરમાં જ પસાર થયેલી એક સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં આ સિસ્ટમની અસર થઈ હતી અને ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
હવે ફરીથી એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી સંભાવના છે અને તેના કારણે આ મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં ફરીથી કઈ તારીખે પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગે કરેલી આાગાહી પ્રમાણે ગુજરાતમાં 30 જુલાઈથી ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 31 જુલાઈ અને 1 ઑગસ્ટની આસપાસ રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે.
આ તારીખોની આસપાસ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પાસે પહોંચશે અને રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે સિસ્ટમ ગુજરાત પર આવશે અથવા ગુજરાતની પાસેથી પસાર થશે. જો આ પ્રમાણે સ્થિતિ થઈ તો ફરીથી રાજ્યમાં ભારે અને અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ આવેલા વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 20થી 30 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો ચોમાસું શરૂ થયું ત્યારથી 27 જુલાઈ સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 11 ટકા વધારે વરસાદ થયો છે. જોકે, આમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ છે અને પૂરતો વરસાદ થયો નથી.
હાલ આ સિસ્ટમને કારણે સૌથી પહેલાં ઓડિશા, ત્યાર બાદ છત્તીસગઢ, મહારાષ્ટ્રના વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, ત્યાર બાદ પશ્ચિમ મધ્ય પ્રદેશના વિસ્તારોમાં વરસાદ વધશે અને ત્યાર બાદ ગુજરાતમાં તેની અસર દેખાવાની શરૂ થશે.
નવા રાઉન્ડમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિનામાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે.
જો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવી અથવા રાજ્ય ઉપરથી પસાર થઈ તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે.
આ ઉપરાંત પૂર્વ ગુજરાતના જિલ્લા, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ફરીથી કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે એવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં કદાચ હજી પણ પૂરતો વરસાદ જોવા ન મળે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 જૂનથી 27 જુલાઈ સુધી સરેરાશ વરસાદની સ્થિતિ સારી રહી નથી. આ બંને વિસ્તારોમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને 11 ટકા જેટલી વરસાદની ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે 87 ટકા, પોરબંદરમાં 62 ટકા, કચ્છમાં 50 ટકા, જામનગરમાં 49 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. માત્ર અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં આગાહી કેવી છે?

ઇમેજ સ્રોત, imd
ગુજરાતમાં 27 જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે, ખાસ કરીને વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી આ વિસ્તારોમાં મધ્યમ અને એકાદ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને વરસાદ બંધ થઈ ગયો છે. આજ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે.
28 તારીખથી આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટી જશે અને છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી જશે.
29 જુલાઈના રોજ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટેલું રહેશે અને ઘણા વિસ્તારોમાં તડકો દેખાશે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના છે.
જોકે, 30 જુલાઈથી ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું શરૂ થાય તેવી શક્યતા છે, સૌપ્રથમ દક્ષિણ ગુજરાત તે બાદ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હાલની સ્થિતિએ જોર વધી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























