વડા પ્રધાન મોદીએ અડધી રાતે ઇન્સ્ટાગ્રામ પર બબ્બે વીડિયો કેમ મૂકવા પડ્યા?

બુધવારે રાતે 11 વાગ્યા ને 52 મિનિટે વડા પ્રધાન મોદીએ દેશભરમાં યુવાઓનાં વિરોધપ્રદર્શનોના મુદ્દે પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુધવારે રાતે 11 વાગ્યા ને 52 મિનિટે વડા પ્રધાન મોદીએ દેશભરમાં યુવાઓનાં વિરોધપ્રદર્શનોના મુદ્દે પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો
    • લેેખક, ઇશાદ્રિતા લાહિડી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

બુધવારે રાતે 11 વાગ્યા ને 52 મિનિટે વડા પ્રધાન મોદીએ દેશભરમાં યુવાઓનાં વિરોધપ્રદર્શનોના મુદ્દે પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયો બાદ વડા પ્રધાન મોદીએ બીજો વીડિયો પણ શુક્રવારે મોડી રાતે તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પોસ્ટ કર્યો હતો.

આ અનેક રીતે એ રીતે અલગ હતો, વડા પ્રધાન સામાન્ય રીતે ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પર દેશને સંબોધન કરતા હોય છે.

વર્ષ 2016માં નોટબંધીની જાહેરાતથી માંડીને કોવિડ-19 મહામારી દરમિયાન કરેલાં સંબોધનો અને હાલમાં જ સંસદ પરિસીમન વિધેયક પાસ ન થવા પર રાષ્ટ્રના નામે આપેલા સંબોધન સુધી, ભારતના લોકો પીએમ મોદીને પ્રાઇમ ટાઇમમાં બોલતાં જોતા આવ્યા છે.

આ દરમિયાન સરકારી યૂટ્યૂબ અને ટીવી ચૅનલ તેમનું સંબોધન લાઇવ પ્રસારિત કરતાં રહ્યાં છે.

જોકે બુધવારે તેમનો સંદેશ અડધી રાતે ઇન્સ્ટાગ્રામ વીડિયોના રૂપમાં આવ્યો, જેને ફોનના ફ્રન્ટ કૅમેરાથી વર્ટિકલ ફૉર્મેટમાં રેકૉર્ડ કરાયો હતો.

તેમણે પોતાના સંદેશની શરૂઆત પણ સામાન્ય રીતે કરાતા શબ્દ 'મિત્રો'થી નહીં પણ 'ફ્રૅન્ડ્સ'થી કરી હતી.

રાજકીય વિશ્લેષકોએ બીબીસીને કહ્યું કે પીએમનો સંદેશ એ રીતે તૈયાર કરાયો હતો કે તે એ લોકો સુધી અસરકારક રીતે પહોંચે, જેમના માટે બનાવાયો હતો.

વરિષ્ઠ રાજકીય પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું, "બિલકુલ સ્પષ્ટ છે કે તેમણે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ એટલા માટે કર્યો કે આ વિદ્યાર્થીઓનું પ્લૅટફૉર્મ છે. આ માત્ર પ્રદર્શનકારીઓનું જ નહીં, પણ દેશભરમાં યુવાઓ દ્વારા ઉપયોગમાં લેવાનારું પ્લૅટફૉર્મ છે."

ચૌધરીએ કહ્યું કે "સખત" કાર્યવાહી અને પેપર લીકના કેસમાં સુનાવણી માટે ફાસ્ટ-ટ્રૅક કોર્ટો સ્થાપિત કરવાનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માગતા હતા કે તેમની વાતને ગંભીરતાથી લેવાઈ રહી છે.

તેમણે કહ્યું, "માટે આ નવાઈની વાત નથી કે તેમણે એવું પ્લૅટફૉર્મ પસંદ કર્યું, જેને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લે છે."

દિલ્હી યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન ભણાવતા પ્રોફેસર ચંદ્રચૂડસિંહે પણ કહ્યું કે વડા પ્રધાન માટે એ જરૂરી હતું કે તેઓ વિદ્યાર્થીઓને જાતે સીધા સંબોધિત કરતા જોવા મળે.

તેમણે કહ્યું, "તેમની મોજૂદગી મહત્ત્વની છે અને કદાચ સરકારને લાગે છે કે તેમનો સીધો હસ્તક્ષેપ આ આગને શાંત કરી શકે છે."

ઇન્સ્ટાગ્રામ પર જેન ઝીનો વિરોધ

દિલ્હીના જંતર-મંતર પર છોકરીઓની ભીડ પણ ખાસ્સી જોવા મળી રહી છે

ઇમેજ સ્રોત, Narinder NANU / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના જંતર-મંતર પર છોકરીઓની ભીડ પણ ખાસ્સી જોવા મળી રહી છે

વડા પ્રધાનનું ઇન્સ્ટાગ્રામ પર કરેલું સંબોધન આ વિરોધપ્રદર્શનની એક વ્યાપક પ્રવૃત્તિ તરફ ઇશારો કરે છે, જેમાં યુવા ફોન, સસ્તા મોઇક્રોફોન અને સેલ્ફી સ્ટીકના સહારે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને પોતાની વાત મૂકી રહ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીનાં 22 વર્ષીય વિદ્યાર્થિની સખી કહે છે કે જેન ઝીને લાગે છે કે દેશની મુખ્ય ધારાનું મીડિયા તેમનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યું.

તેમણે બીબીસીને કહ્યું, "અમને લાગ્યું કે અમારું કવરેજ ઓછું છે. અમે જે કહેવા માગતા હતા, તેને તરત સામે મૂકી શકતા નહોતા. આથી લોકો ઇન્સ્ટાગ્રામ પર આવ્યા. જો મીડિયા અમને બ્લૅકઆઉટ કરી નાખે, તો પણ અમારી પાસે પોતાનું પ્લૅટફૉર્મ હતું. કૉક્રોચ જનતા પાર્ટી પણ ઇન્સ્ટાગ્રામથી લોકો સુધી પહોંચી."

સખી કહે છે કે 20 જુલાઈના વિરોધપ્રદર્શન દરમિયાન તેમણે જે કંઈ જોયું, એ બાદ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવું તેમના માટે 'ભાવનાત્મક રાહત' જેવું હતું.

24 જુલાઈ, 2026ના રોજ જંતર-મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનના રાજનામાની માગ કરતા પ્રદર્શનકારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનના રાજનામાની માગ કરતા પ્રદર્શનકારી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ દિવસે જ્યારે હજારો પ્રદર્શનકારીઓ સેન્ટ્રલ દિલ્હીના રસ્તા પર ઊતર્યા, ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસના લાઠીચાર્જ અને આંસુ ગૅસના ઉપયોગના અનેક વીડિયો સામે આવ્યા. અનેક પ્રદર્શનકારીઓએ પોલીસ પર ક્રૂરતાનો આરોપ લગાવ્યા હતા.

તેમણે કહ્યું, "મને મિત્રોથી અલગ કરીને ખેંચીને લઈ જવાઈ, મારાં ચશ્માં ખોવાઈ ગયાં. મને કશું દેખાતું નહોતું. મેં મારા મિત્રોને પીટાતા જોયા. હું પાછી આવી અને પોસ્ટ કરી, કેમ કે હું ઇચ્છતી હતી કે લોકોને ખબર પડે કે શું થયું હતું."

સખીએ કહ્યું, "હું ઇચ્છતી હતી કે લોકોને ખબર પડે કે પોલીસે શું કર્યું છે. હું તેમને પોલીસની બર્બરતાના પુરાવા દેખાડવા માગતી હતી."

એ દિવસે સખીએ ત્રણ રીલ પોસ્ટ કરી હતી, જે બાદમાં વાઇરલ થઈ હતી. તેમાંથી એક રીલ અત્યાર સુધી 3 કરોડ 56 લાખ વાર જોવાઈ ચૂકી છે. તેમના ફૉલોઅર્સની સંખ્યા અંદાજે 3,000થી વધીને અંદાજે 70,000 થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા રિસર્ચ અનુસાર, ભારતમાં ઇન્સ્ટાગ્રામનાં 50 કરોડથી વધુ એકાઉન્ટ છે, જેમાંથી મોટાં ભાગનાં 18થી 30 વર્ષના આયુવર્ગના લોકોનાં છે.

સખી કહે છે કે આ પ્લૅટફૉર્મ તેમના સમવયસ્કોમાં આટલું લોકપ્રિય કેમ છે.

તેમણે કહ્યું, "ફેસબુક અમારાં માતાપિતાની પેઢી માટે છે, વૉટ્સઍપ અમારાથી પહેલી પેઢી માટે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ જેન ઝીનું પ્લૅટફૉર્મ છે. ખાસ કરીને ભારતમાં ટિકટૉક જેવા શૉર્ટ-ફૉર્મ કૉન્ટેન્ટ ઍપ પર પ્રતિબંધ લાગ્યા બાદ ઇન્સ્ટાગ્રામ એ જગ્યા છે, જ્યાં અમે એ રૂપમાં કૉન્ટેન્ટ જોઈએ છીએ, જે અમને સૌથી વધુ પસંદ પડે છે."

શું સરકાર પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરી રહી છે?

જંતર-મંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન યુવા પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન યુવા પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે

વર્ષ 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને ખુદ વડા પ્રધાન લાંબા સમય સુધી ભારતીય રાજકારણમાં ડિજિટલ પ્રચાર અને સંદેશ આપવાની રાજનીતિનું નેતૃત્વ કરનાર મનાય છે.

પરંતુ જેન ઝી એક અલગ સોશિયલ મીડિયા માહોલમાં ઊછરી છે. એવામાં શું ભાજપ અને સરકારને પોતાની ડિજિટલ રણનીતિ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રતન શારદાએ ઍક્સ પોસ્ટમાં વિરોધપ્રદર્શનો સામે અસરકારક જવાબી નૅરેટિવ તૈયાર કરવામાં નિષ્ફળ રહેવા માટે ભાજપની સોશિયલ મીડિયા સિસ્ટમને જવાબદાર ગણાવી છે.

તેમણે લખ્યું, "ભાજપ મીડિયાનું જમીન સ્તરે કોઈ જોડાણ દેખાતું નથી. સ્પષ્ટ રીતે કોઈ ફીડબૅક તંત્ર નથી અને મહિનાથી આગળ વધી રહેલા યુવાઓના ગુસ્સાને સમજાયો નહીં."

તેમણે એ પણ કહ્યું કે સત્તાધારી પાર્ટીની સોશિયલ મીડિયા રણનીતિ "મીમ્સ અને વ્હાટઅબાઉટરી"થી આગળ વધી નથી શકી.

જોકે રાજકીય વિશ્લેષક રાહુલ વર્મા કહે છે કે "વૉટ્સઍપ પેઢી" અને "ઇન્સ્ટાગ્રામ પેઢી" વચ્ચે સ્પષ્ટ ભેદરેખા ખેંચવી યોગ્ય નહીં હોય.

રાહુલ વર્મા કહે છે, "આપણે જાણીએ છીએ કે આ વિરોધપ્રદર્શનમાં સામેલ મોટા ભાગના યુવા અને મધ્યમ વર્ગ અગાઉ મોટા ભાગે ભાજપના સમર્થક રહ્યા છે. માટે એવું કહેવું યોગ્ય નહીં હોય કે ભાજપને તેમની સાથે સંવાદ કરતા નથી આવડતું."

પરંતુ રાહુલ વર્મા એમ પણ કહે છે કે વર્તમાન વિરોધપ્રદર્શન મોદી સરકાર સામે થયેલાં આંદોલનોથી અલગ છે.

તેઓ કહે છે, "ખેડૂતોનું આંદોલન કે સીએએ વિરોધી પ્રદર્શનથી અલગ, જે વિશેષ નીતિગત મુદ્દાઓ પર કેન્દ્રિત હતાં, આ વિરોધ પ્રશાસનિક નિષ્ફળતાઓને કારણે છે. માટે સરકાર પાસે કોઈ જવાબી નૅરેટિવ નહોતું."

"પરંતુ વડા પ્રધાને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ એટલે કર્યો કે જેન ઝી આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે અને આ વખતે સરકાર પોતાનો સંદેશ પહોંચાડવા માટે ઉપલબ્ધ તમામ માધ્યમનો ઉપયોગ કરશે."

તો પ્રોફેસર ચંદ્રચૂડસિંહનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર જેન ઝીની નારાજગી અને તેને નિવારવાના સરકારી પ્રયાસોને માત્ર ડિજિટલ પ્લૅટફૉર્મના નજરથી જોવું યોગ્ય નહીં હોય.

તેમણે કહ્યું, "યુવાઓની નિરાશા બહુ ઊંડી, વ્યાપક અને તીવ્ર છે, જેને માત્ર ડિજિટલ અપીલના માધ્યમથી સંભાળી નહીં શકાય. જેન ઝીએ 2014 બાદ મતદાન કરવાનું શરૂ કર્યું છે, માટે શક્ય છે કે કેટલોક થાક પણ અનુભવાયો હશે. જ્યાં સુધી ભાજપના સોશિયલ મીડિયા સેલની વાત છે તો ભારતના યુવાઓની ઊર્જા અને તેમનો સંકલ્પ પર કોઈ પણ ભારે પડી શકતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન