જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું 'પેપરલીક' થવાનો મામલો શું છે?

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

એક તરફ જ્યારે દેશની સંસદમાં પેપરલીકને લઈને નવો કાયદો ઘડાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ ગુજરાતમાં આર્યુવેદીક ડૉક્ટર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષામાં 'પેપરલીક' થવાના આરોપો લાગી રહ્યાં છે.

આ આરોપો બાદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ એક તપાસ સમિતિની રચના કરી છે.

આર્યુવેદનો અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓએ બીએએમએસના શલ્ય ચિકિત્સા તંત્ર-1 વિષય એટલે કે સર્જરીના પેપરની વિગતો એક દિવસ પહેલાં વૉટ્સઍપ મૅસેજ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવી હતી.

આરોપ છે કે કૂલ 12 પ્રશ્નોના આ પેપરમાં પુછાયેલા 11 પ્રશ્નોની વિગત એક દિવસ પહેલાં જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ હતી.

જોકે, તે સંદર્ભે એક આયુર્વેદના એક વિદ્યાર્થીએ તંત્રનું 20મી જુલાઈએ ધ્યાન દોર્યું હતું.

આરોપ છે કે આ રજુઆત છતાં જ્યારે કોઈ પગલાં લેવામાં ન આવ્યાં ત્યારે કૉંગ્રેસ પાર્ટીની યુથ વિંગ એનએસયુઆઈ (નૅશનલ સ્ટુડન્સ્ટ યુનિયન ઑફ ઇન્ડિયા) દ્વારા આ મુદ્દા અંગે રજુઆત કરવામાં આવી હતી.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી કહે છે કે, "સૌથી પહેલા સ્ક્વૉડને તેની રજુઆત કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રિન્સિપાલને રજુઆત કરવામાં આવી હતી. પછી પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યાં ત્યારબાદ અમે જામનગરમાં રજીસ્ટ્રારને મળ્યા અને આખરે અત્યારે તપાસ સમિતિ રચાઈ છે."

"અમને આશા છે કે આ તપાસ કમિટી યોગ્ય તપાસ કરીને જે લોકોએ આ પ્રશ્નો લીક થયા છે, તેમના સુધી પહોંચી શકશે," તેમણે વધુમાં જણાવ્યું.

બીબીસી ગુજરાતીએ આ વિશે આર્યુવેદના અમુક વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક વિદ્યાર્થીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે "ખરેખર 11 ટૉપિક કે જે સર્જરીના પેપરમાં પ્રશ્નો તરીકે આવવાના હતા, તેની વિગત એક દિવસ પહેલાં અમુક લોકોને વૉટ્સઍપ મારફતે મળી ગઈ હતી. તેમાં પ્રશ્નો ન હતા, પરંતુ જે ટૉપિકમાંથી એ પ્રશ્ન પુછાવાના હતા, તેની વિગતો હતી."

એક બીજા વિદ્યાર્થીએ પણ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમને આશા છે કે તેઓ આ ઘટનાની યોગ્ય તપાસ કરે, અને જો ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લે તો અમને યોગ્ય સમય આપે, નહીંતર અમારું વર્ષ બગડી જશે."

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Darshan Thakker

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જામનગરથી બીબીસી સહયોગી દર્શન ઠક્કરે આપેલી માહિતી અનુસાર, આ મુદ્દે યુનિવર્સિટીનું કહેવું છે કે તેમણે આ મુદ્દે એક તપાસ સમિતિની રચના કરી દીધી છે.

ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાએ કહ્યું છે કે, "પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે મોબાઇલ મારફતે માહિતી મળી હતી કે પરીક્ષા પહેલાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વૉટ્સઍપ પર ફરતા હતા. માહિતી મળતાં જ કુલપતિ સાથે ચર્ચા કરીને સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

તેમણે જણાવ્યું હતું કે વાઇરલ થયેલાં મૅસેજ, પ્રશ્નપત્ર અને અન્ય તમામ પાસાંની તપાસ કરીને અહેવાલ રજૂ કરવામાં આવશે.

જો કે આ મુદ્દા અંગે કૉંગ્રેસના નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને તેને રાજકીય રંગ આપી દીધો હતો. તેમણે પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે 2014 થી 2026 સુધી ગુજરાતમાં કૂલ 34 અલગ અલગ પરીક્ષાઓનાં પેપર લીક થયાં છે.

જોકે, આ વિશે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનીલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં વર્ષ 2023થી કડક કાયદો અમલમાં છે. જો આ પરીક્ષાનાં પેપરમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તેવું આ તપાસ કમિટી દ્વારા બહાર આવે તો તે અંગે સરકાર કડક પગલાં લેશે જ."

આ પ્રથમ વખત નથી કે જ્યારે ગુજરાતમાં પેપરલીકના આરોપો લાગ્યા હોય.

ભૂતકાળમાં અમુક 'પેપરલીક'ને કારણે ઘણા વિદ્યાર્થીઓને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ અમુક વધુ ચર્ચાયેલાં પેપરલીકની માહિતી એકત્ર કરીને અહીં રજુ કરી છે.

તલાટીની પરીક્ષામાં થયેલી ગેરરીતીઓ

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

2014ના ગુજરાત તલાટી ભરતી કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવત મુખ્ય આરોપી હતા. તેમના પર આરોપો લાગ્યા હતા કે તેમણે ટ્યૂશન ક્લાસ દ્વારા નોકરીની ખાતરી આપીને ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. પાછળથી તેમણે કેટલાક રાજનેતાઓ પણ આ મામલામાં સામેલ હોવાનો આરોપો લગાવ્યા હતા.

ગાંધીનગરમાં એક 'સ્માર્ટ ઍકેડમી' નામથી ટ્રેનિંગ સેન્ટર ચલાવત કલ્યાણસિંહ ચંપાવત પર આરોપો હતા કે તલાટીની પોસ્ટ પર પસંદગી કરાવવાના બહાને ઉમેદવારો પાસેથી ₹7લાખથી ₹10 લાખ લેતા હતા.

આરોપો હતા કે તેમણે ઉમેદવારો પાસેથી કૂલ ₹1.43 કરોડ લીધા હતા. તેમની ધરપકડ થઈ હતી, અને અમુક મહિનાઓ જેલમાં વીતાવ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા.

હાલ તેઓ જામીન પર બહાર છે. વર્ષે 2016માં જામીન પર બહાર આવ્યા પછી, ચંપાવતે એક પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે આ નાણાં રાજકીય ફંડિંગ માટે એકત્રિત કરવામાં આવ્યાં હતાં. તેણે રાજ્યના ઉચ્ચ મંત્રીઓ પર આક્ષેપો કર્યા હતા, જેને સરકારે અને સંબંધિત મંત્રીઓએ પાયાવિહોણા અને બદનક્ષીભર્યા ગણાવીને ફગાવી દીધા હતા.

જે તે સમયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી. પોલીસ તપાસ પ્રમાણે ચંપાવત ઉપરાંત નિસલ શાહ (મદદગાર) અને ડૉ. નૈનેશ જયસ્વાલે 23 જેટલા ઉમેદવારો પાસેથી અંદાજે ₹1.2 કરોડ એકઠા કર્યા હતા.

આ ઉપરાંત અનિલ મેવાડા ઉપર અમદાવાદ વિસ્તારમાં ઉમેદવારો શોધવા અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવાનો આરોપ હતો. તેમની સાથે ગિરીશ શર્મા પણ સામેલ હોવાનો આરોપ હતો. શર્મા સામે એક બીજી ફરીયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર નૅટવર્કનો પર્દાફાશ કરી ઉમેદવારો પાસેથી લેવાયેલા આશરે ₹1.43 કરોડ રોકડા રિકવર કર્યા હતા. આ કેસ હજી સુધી કોર્ટમાં ચાલી રહ્યો છે.

જુનિયર ક્લાર્ક 'પેપરલીક' કૌભાંડ

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

જાન્યુઆરી 2023માં થયેલું GPSSB જુનિયર ક્લાર્ક પેપરલીક કૌભાંડ એ માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું, પરંતુ તે ગુજરાત, તેલંગાણા, બિહાર અને ઓડિશા સુધી ફેલાયેલી એક 'આંતર-રાજ્ય સંગઠિત ગૅન્ગ' દ્વારા આચરવામાં આવ્યું હતું.

આ ઘટનાને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેના કારણે અંતે સરકારે કડક નવો ઍન્ટિ-પેપરલીક કાયદો લાવવાની ફરજ પડી હતી.

જુનિયર ક્લાર્કની આ પરીક્ષા માટે કુલ 1,181 ખાલી જગ્યાઓ માટે રાજ્યભરમાંથી 9.53 લાખથી વધુ ઉમેદવારોએ ફૉર્મ ભર્યા હતા, અને તેના માટે 2,995 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં.

20 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 11 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ તેના થોડા કલાકો પહેલાં જ, મધ્યરાત્રિએ ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ને મળેલી બાતમીને આધારે ATSની ટીમે વડોદરામાં એક કોચિંગ સેન્ટર તેમજ પ્રિન્ટિંગ પ્રેસના નૅટવર્ક પર દરોડો પાડીને કેટલાક શંકાસ્પદોને અસલી પ્રશ્નપત્રની નકલો સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસને જાણવા મળ્યું હતું કે આ આંતર-રાજ્ય ગૅન્ગે હૈદરાબાદ (તેલંગાણા)માં આવેલી એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં ઘૂસણખોરી કરી હતી, જ્યાં આ પ્રશ્નપત્રો છપાતાં હતાં. ત્યાંના કર્મચારીની મદદથી માસ્ટર કૉપી ચોરી લેવામાં આવી હતી, અને તેને વડોદરા અને અમદાવાદના 'વચેટિયા'ઓ સુધી પહોંચાડીને લાખો રૂપિયામાં ઉમેદવારોને વેચવાનું આયોજન હતું.

આ કેસમાં ગુજરાત ATSએ પ્રાથમિક તબક્કે 15 લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો અન્ય રાજ્યો સુધી લંબાવ્યો હતો, જેમાં હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરલીક કરનાર મુખ્ય આરોપી જીત નાયક હતો. આ સિવાય ગુજરાતમાં સ્થાનિક સ્તરે પેપર વેચવાનું નૅટવર્ક સંભાળનાર અમદાવાદના આશ્રમ રોડ પર ઑફિસ ધરાવતા કેતન બારોટ અને વડોદરાના ભાસ્કર ચૌધરીનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે બહાર આવ્યું હતું.

ATS દ્વારા અન્ય રાજ્યોમાંથી ઓડિશાથી સરોજ માલુની ધરપકડ કરાઈ હતી, જ્યારે અન્ય ટીમોએ કોલકાતા અને બિહાર સરહદેથી નિશિકાંત કુશવાહા અને નંદકિશોરસિંહ રાજપૂત નામના આરોપીઓને પકડી પાડ્યા હતા.

એપ્રિલ 2023માં ATSએ સાત મહિલાઓ સહિત 30 ઉમેદવારોની પણ ધરપકડ કરી હતી, જેમણે પરીક્ષા પહેલાં પેપર ખરીદવા માટે ભેગાં મળીને વચેટિયાઓને રૂપિયા આપ્યાં હતાં. આ ઉમેદવારો દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લી જેવા જિલ્લાના હતા. જો કે 9 એપ્રીલ, 2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરીથી સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે લેવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા કોર્ટમાં હજારો પાનાની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ કેસ સેસન્સ કોર્ટમાં ટ્રાયલના તબક્કામાં છે.

TATની પરીક્ષાનું પેપર પણ થયું હતું 'લીક'

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ગોધરામાં બસ સ્ટેન્ડ ખાતે પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું. (ફાઇલ તસવીર)

વર્ષ 2018માં યોજાયેલી ટીચર્સ ઍપ્ટીટ્યુટ ટેસ્ટ (TAT) પેપરલીક કૌભાંડ એ ગુજરાતના શિક્ષણ વિભાગમાં બહુચર્ચિત કેસ હતો.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો તરીકે ભરતી થવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. 29 જુલાઈ, 2018ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી આશરે 1.40 લાખની આસપાસ ઉમેદવારો હાજર રહ્યા હતા. પરીક્ષા શરૂ થયાના ગણતરીના સમયમાં જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા (WhatsApp) પર વાયરલ થઈ ગયું હતું.

પેપરલીકની વ્યાપક ફરિયાદો બાદ રાજ્ય પરીક્ષા બોર્ડે પોલીસ તપાસના આદેશ આપ્યા હતા અને પ્રાથમિક અહેવાલમાં લીકની પુષ્ટિ થતાં ઑક્ટોબર 2018માં રાજ્ય સરકાર દ્વારા આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી.

ત્યારબાદ સરકારે જાહેરાત કરી હતી કે ઉમેદવારો પાસેથી ફરીથી કોઈ ફી લીધા વિના જાન્યુઆરી 2019માં આ પરીક્ષા ફરીથી યોજવામાં આવશે.

જોકે, જાન્યુઆરી 2019માં જ્યારે આ પરીક્ષા ફરી લેવાઈ, ત્યારે પણ જામનગરના એક કેન્દ્ર પરથી ગેરરીતિની આશંકા સામે આવી હતી. જામનગરની સત્ય સાંઈ સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર તહેનાત સુપરવાઇઝર મનીષ બુચ સામે સોશિયલ મીડિયા પર પેપરનો ફોટો મોકલવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેઓ એક ખાનગી શાળાના આચાર્ય હતા.

આ કેસની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, પોલીસ દ્વારા એફઆઈઆર નોંધીને કેટલાક સ્થાનિક વચેટિયાઓ અને સુપરવાઇઝરોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતના અન્ય જૂના પેપરલીક કેસોની જેમ આ કેસમાં પણ ન્યાયિક પ્રક્રિયાના મધ્યમાં છે, અને હજી સુધી કોઈ અંતિમ સજા થઈ શકી નથી. આ કેસમાં પકડાયેલા શંકાસ્પદ આરોપીઓ હાલમાં અદાલતમાંથી જામીન મેળવીને જેલની બહાર મુક્ત છે.

LRD પરીક્ષાનો વિવાદ બધાને યાદ છે.

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

વર્ષ 2018માં યોજાયેલી લોકરક્ષક દળ (LRD) પોલીસ કૉન્સ્ટેબલ ભરતીની લેખીત પરીક્ષા હતી.

લોકરક્ષક ભરતી બોર્ડ (LRRB) દ્વારા કૉન્સ્ટેબલ અને જેલ સિપાઈની 9,173 જગ્યાઓ ભરવા માટે 2 ડિસેમ્બર, 2018ના રોજ પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી.

તેના માટે સમગ્ર ગુજરાતમાં 2,440 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં, જેમાં અંદાજે 8.75 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

આ પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તેના થોડા કલાકો પહેલાં જ સોશિયલ મીડિયા પર પ્રશ્નોના જવાબોની આખી યાદી વાયરલ થઈ ગઈ હતી. ભરતી બોર્ડના તત્કાલીન અધ્યક્ષ વિકાસ સહાયે (ADGP) પોતે જ આ પ્રશ્નપત્ર સેટ કર્યું હોવાથી, તેમણે સોશિયલ મીડિયા પર ફરેલા જવાબોની યાદી સાથે પોતાના પ્રશ્નો સરખાવ્યા અને લીકની પુષ્ટિ થતાં જ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ તાત્કાલિક તેને રદ કરી દીધી હતી.

આ કેસની તપાસ કરવા માટે ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત "સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ" (SIT) બનાવવામાં આવી હતી અને તેમની તપાસમાં બહાર આવ્યું હતું કે આ માત્ર સ્થાનિક સ્તરનું કૌભાંડ નહોતું પરંતુ હરિયાણા અને દિલ્હી સ્થિત સંગઠિત ગૅન્ગ આમાં સામેલ હતી.

આ ગૅન્ગે કર્ણાટકમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાંથી 'પ્રશ્નપત્ર ચોર્યું' હતું અને તેને આશરે ₹50 લાખમાં સિન્ડિકેટ લીડરોને 'વેચ્યું' હતું.

પોલીસના દરોડા દરમિયાન ગુજરાત પોલીસે શરૂઆતમાં ભાજપના બે સ્થાનિક કાર્યકરો (મનહર પટેલ અને મુકેશ ચૌધરી), એક મહિલા હૉસ્ટેલ રૅક્ટર (રૂપલ શર્મા) અને પોલીસ વિભાગના જ એક વાયરલેસ સબ-ઇન્સ્પેક્ટર (પી. વી. પટેલ)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ, ATS અને પોલીસે દેશવ્યાપી સર્ચ ઑપરેશન ચલાવીને દિલ્હીના રાષ્ટ્રીય સ્તરના વેઇટલિફ્ટર અને કોચ વીરેન્દ્ર માથુર ઉર્ફે ગુરુજી તથા મધ્ય પ્રદેશના રતલામના અશોક સાહુ જેવા મુખ્ય 'માસ્ટરમાઇન્ડો'ને અન્ય રાજ્યોમાંથી પકડી લીધા હતા. સરકારે 6 જાન્યુઆરી, 2019ના રોજ LRDની પરીક્ષા ફરીથી યોજી હતી, જેમાં 7.2 લાખથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. લાંબી કાનૂની લડત બાદ આરોપીઓ સ્થાનીય કોર્ટ અથવા હાઇકોર્ટમાંથી જામીન મેળવી ચૂક્યા છે. ગુજરાતની નીચલી અદાલતોમાં હજુ પણ આ કેસની ન્યાયિક ટ્રાયલ પૅન્ડિંગ (વિચારાધીન) છે અને કોઈને અંતિમ સજા થઈ શકી નથી.

ગોધરામાં NEETના પેપરમાં ગેરરીતિના આરોપો

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

વર્ષ 2024માં ગોધરાની જલારામ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ દ્વારા અમુક વિદ્યાર્થીઓની ઓએમઆર (OMR) શીટમાં બાકી રહી ગયેલા જવાબો પરીક્ષા પછી જાતે ભરી આપવાનું કાવતરું ઘડાયું હતું.

જોકે, પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને પોલીસે દરોડો પાડીને તુષાર ભટ્ટના ફોનમાંથી વિદ્યાર્થીઓના રોલ નંબરની યાદી ઝડપી પાડી આ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા, કોચિંગ ક્લાસ સંચાલક પરશુરામ રોય, વચેટિયાઓ વિભોર આનંદ, આરીફ વોહરા અને ત્યારબાદ સીબીઆઈ (CBI) દ્વારા દિક્ષિત પટેલ સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો.

જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગોધરામાં ગેરરીતિની યોજના ચોક્કસ બની હતી, પરંતુ તંત્રની સતર્કતાને કારણે તે અમલમાં આવે તે પહેલાં જ અટકાવી દેવાઈ હતી. આથી ત્યાં વાસ્તવમાં કોઈ વ્યાપક પેપરલીક કે ગેરરીતિ થઈ શકી નહોતી અને સંડોવાયેલા વિદ્યાર્થીઓનાં પરિણામો રોકી દેવાયાં હતાં. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હાલમાં જામીન પર બહાર છે, તેમજ કેસ અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં પૅન્ડિંગ છે.

રાજ્ય સરકારે પેપરલીક મામલે શું પગલાં લીધાં?

પેપરલીક મુદ્દે હાલમાં જ સમેટાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનની એક તસવીર. શું ખરેખર જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું પેપર 'લીક' થયું છે? બીબીસી ગુજરાતી ગુજરાત જામનગર સૌરાષ્ટ્ર આયુર્વેદ ન્યૂઝ ગુજરાત સમાચાર

રાજ્યમાં પેપરલીકના આરોપો બાદ વારંવાર ખોરવાતી પરીક્ષાઓને ધ્યાનમાં લઈને, ગુજરાતે સરકારે સર્વાનુમતે "ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક, 2023" પસાર કર્યું હતું, જેમાં આરોપ સાબીત થતાં આરોપીને 7 થી 10 વર્ષની સખત કેદ અને સાથે ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ થઈ કરવાની જોગવાઈ છે.

તે ઉપરાંત આ ગુનામાં મદદ કરનારાઓની વ્યક્તિગત જંગમ કે સ્થાવર મિલકત જપ્ત કરવા, ટાંચમાં લેવા અને વેચવાની પણ સત્તા સરકારને આપવામાં આવી છે. તેમાં જોગવાઈ છે કે ચોરી કે ગેરરીતિ કરતાં જો કોઈ વિદ્યાર્થી પકડાશે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને ઓછામાં ઓછાં બે વર્ષ માટે કોઈ પણ જાહેર પસંદગીની પરીક્ષાઓ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન