ઔરંગઝેબનું શાસન કેવું હતું? તે સમયનાં અખબારોમાં કેવા સમાચાર લખાતા હતા

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

યુરોપમાં અખબારો શરૂ થઈ રહ્યાં હતાં ત્યારે મુઘલોના સમયમાં ભારતમાં તેનું પોતાનું સમાચાર નેટવર્ક અસ્તિત્વમાં હતું.

લેખકો, પત્રકારો, એજન્ટો અને સચિવોની ફોજ સોળમી સદીના અંતથી 'અખબારાત' તૈયાર કરતી હતી. તેમાં દરબારોનાં આંતરિક કાવાદાવા, સૈન્ય અભિયાનો, નિમણૂકો, નાણાકીય અને ગૉસિપ સંબંધી ટૂંકા સમાચારો આપવામાં આવતા હતા.

ફારસી ભાષામાં નાજુક કાગળ પર ઉતાવળે લખવામાં આવેલા તે અહેવાલો મુઘલ સામ્રાજ્યનું ઇન્ફોર્મેશન નેટવર્ક હતા.

તેમાં કેટલીક ગુપ્તચર માહિતી, કેટલાક સરકારી આદેશો અને કેટલાક સમાચાર બુલેટિનનો સમાવેશ થતો હતો.

શાહી અને પ્રાંતીય દરબારો વચ્ચે રોજ આવા સેંકડો અહેવાલો સર્ક્યુલેટ થતા હતા. તેનાથી એ સામ્રાજ્યને જોડાયેલું રાખવામાં મદદ મળતી હતી, જેણે તેના સર્વોચ્ચ સમયખંડ દરમિયાન ભારતીય ઉપખંડ અને દુનિયાના લગભગ એક ચતુર્થાંશ હિસ્સા પર શાસન કર્યું હતું.

એ પૈકીના અનેક અહેવાલો એકઠા થયેલા અધિકારીઓ સમક્ષ વાંચી સંભળાવવામાં આવતા હતા. તેનાથી શાહી દરબારના સમાચાર સામ્રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચતા હતા.

આ અહેવાલો, આદેશો અને વહીવટી રેકૉર્ડનાં હજારો પાનાં ભારત તથા બ્રિટનની લાઇબ્રેરી તથા આર્કાઇવ્ઝમાં દાયકાઓથી પડી રહ્યા હતા. તેના અસ્તિત્વ વિશે ઇતિહાસકારો જાણતા હતા, પરંતુ બહુ ઓછા લોકોએ તેની ઝીણવટભરી તપાસ કરી હતી.

યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયા, બર્કલેના ઇતિહાસકાર મુનીસ ડી. ફારુકીએ લગભગ બે દાયકા સુધી આ કામ કર્યું છે.

તેમણે 'અખબારાત-એ-દરબાર-મુઅલ્લા' (શાહી દરબારના સમાચાર)નું ઊંડું અધ્યયન 2007થી શરૂ કર્યું હતું.

શાહી દરબારના આ અખબારનું મોટું કલેક્શન ભારત તથા બ્રિટનની અનેક આર્કાઇવ્ઝમાં સાચવી રાખવામાં આવ્યું છે.

કોલકાતાની નૅશનલ લાઇબ્રેરીમાં 6,500થી વધુ પાનાંનો અભ્યાસ કરીને તેઓ રાજકુમારો, સેનાપતિઓ, દરબારીઓ, શાહી મહિલાઓ, શાહી તૃતીયપંથીઓ અને અન્ય અનેક લોકોની ગતિવિધિને સમજ્યા હતા.

તેનું પરિણામે, ઔરંગઝેબ (જેમને તેમના શાહી નામ આલમગીર તરીકે પણ ઓળખવામાં આવે છે) અને સતરમી સદીના આખરના મુઘલ સામ્રાજ્યના ઇતિહાસ વિશેનું પુસ્તક આકાર પામ્યું છે, જેનું પ્રકાશન આગામી દિવસોમાં થશે.

આ પુસ્તક ભારતના સૌથી વિવાદાસ્પદ મુઘલ શાસકની એક નવી તસવીર પ્રસ્તુત કરે છે એટલું જ નહીં, પરંતુ દુનિયા પ્રારંભિક આધુનિક સામ્રાજ્યો પૈકીના એકના કામકાજની દુર્લભ ઝલક પણ દેખાડે છે.

લંડન, બીકાનેર, સીતામઉ અને કોલકાતા એમ ઓછામાં ઓછા ચાર જાણીતા કલેક્શનમાં મુઘલ ન્યૂઝ રિપોર્ટ્સ સચવાયેલા છે. જોકે, કેટલુંક કલેક્શન ખાનગી હાથોમાં હોવાની શંકા ઇતિહાસકારોને છે.

એક કલેક્શન જયપુર કિલ્લાના ઠંડા અને સૂકા ભોંયરામાં બંડલ સ્વરૂપે સાચવી રાખવામાં આવ્યું હતું.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી અને પુરાતન ચીજોના જાણકાર જેમ્સ ટોડે 19મી સદીની શરૂઆતમાં તેમાંથી કેટલાક રિપોર્ટ્સ અભ્યાસના નામે લીધા હતા, પરંતુ 1823માં બ્રિટન પાછા જતી વખતે તે પરત કર્યા ન હતા. બાદમાં તેમણે એ કલેક્શન રૉયલ એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીને દાનમાં આપી દીધું હતું.

સૌથી મોટું કલેક્શન કોલકાતાની નૅશનલ લાયબ્રેરીમાં છે. તેના 21 વૉલ્યૂમ છે અને તે ઔરંગઝેબના શાસનકાળ સંબંધી છે.

ઔરંગઝેબે 1658થી 1707 સુધી મુઘલ સામ્રાજ્ય પર શાસન કર્યું હતું અને તેઓ મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કરનારા અંતિમ સમ્રાટ હતા.

એ વૉલ્યૂમ એક સમયે, વિખ્યાત ઇતિહાસકાર યદુનાથ સરકારની અંગત લાયબ્રેરીનો હિસ્સો હતા. યદુનાથ સરકાર ઔરંગઝેબના સૌથી પ્રભાવશાળી જીવનચરિત્રકાર હતા.

નિમણૂકો, વિવાદ, સૈન્ય ગતિવિધિઓ, ભેટસોગાદો, બીમારીઓ અને વહીવટ સંબંધી નાની-નાની માહિતી ધરાવતા આ પૈકીની મોટાભાગની સામગ્રી પહેલી નજરે બહુ સામાન્ય લાગે છે.

તેમ છતાં, આ બધા રિપોર્ટ્સને એકસાથે જોઈએ તો સમજાય છે કે તે એક એવા સામ્રાજ્યનો સાતત્યસભર રેકૉર્ડ છે, તે ખુદના પર નજર રાખતું હતું, એવું ફારુકી જણાવે છે.

ઔરંગઝેબ શાસક બન્યાના પહેલા બે દાયકાનો આર્કાઈવલ રેકોર્ડ અધૂરો છે, પરંતુ 1680ના દાયકાના પ્રારંભ પછીની ઘણી સામગ્રી બચેલી છે. તેમાંથી વર્ષો સુધીના દૈનિક રિપોર્ટ્સની જાણકારી મળે છે. તે ઔરંગઝેબના લગભગ 50 વર્ષના શાસનકાળના આશરે એક-તૃતીયાંશ હિસ્સા પર પ્રકાશ ફેંકે છે.

મુનીસ ફારુકીએ તેમની શૈક્ષણિક કારકિર્દીનો મોટો હિસ્સો સતરમી સદીની આખરના મુઘલ દૌરને સમજવામાં પસાર કર્યો છે. એ સમયે મુઘલ સામ્રાજ્ય તેના ચરમ પર હોવાની સાથે પતન તરફ પણ આગળ વધી રહ્યું હતું, જેણે આખરે બ્રિટિશ શાસનનો માર્ગ મોકળો કરી દીધો હતો. 'અખબારાત'એ તેમને એ દુનિયાના નિહાળવાની નવી દૃષ્ટિ આપી.

ન્યૂઝલેટરમાં ઔરંગઝેબની દીકરી ઝીનત-ઉન-નિસાનો ઉલ્લેખ

મુનીસ ફારુકીએ મને કહ્યું હતું કે "અખબારાત સંબંધે કામ કરવાનો મારો સમગ્ર અનુભવ યુરેકા મોમેન્ટ્સ જેવો રહ્યો છે. એ સમયે માહિતીની ઇકોસિસ્ટમ કેટલીક ગાઢ અને વિસ્તૃત હતી, એ જાણીને મને કાયમ આશ્ચર્ય થયું છે."

મુનીસ ફારુકીએ જે ન્યૂઝ રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો હતો તે જયપુરના રાજાએ લખ્યા હતા.

સેંકડો અન્ય ઉમરાવો, રાજકુમારો અને અધિકારીઓને સામ્રાજ્યના એજન્ટ્સ તરફથી સમાન અહેવાલો મોકલવામાં આવ્યા હશે. આ રીતે તે પ્રારંભિક આધુનિક વિશ્વના અત્યાધુનિક ઇન્ફોર્મેશન નેટવર્ક્સ પૈકીનું એક હતું.

મુનીસ ફારુકીએ કહ્યું હતું કે, "આટલા સમૃદ્ધ જ્ઞાનસંગ્રહ અને સ્થાનાંતરણને વિકસાવનાર એ ઇકોસિસ્ટમ વિશે વિચારું છું ત્યારે હું સ્તબ્ધ થઈ જાઉં છે."

જંગી માહિતી સંગ્રહ સૂચવે છે કે પૂર્વ-આધુનિક ધોરણો અનુસાર મુઘલો તેમના વિશાળ સામ્રાજ્ય વિશે નોંધપાત્ર રીતે અત્યાધુનિક સમજ ધરાવતા હતા.

મુનીસ ફારુકી માને છે કે મળેલી માહિતી સંબંધે કાર્ય કરવાની તેમની ક્ષમતા અલગ અલગ હતી, પરંતુ તેની પહોંચની અસર લાખો લોકો પર "સારા કે ખરાબ" કારણસર થતી હતી.

મુનીસ ફારુકીની ધારણાઓને આ અહેવાલોએ વારંવાર ખોટી સાબિત કરી હતી.

મુનીસ ફારુકીના જણાવ્યા મુજબ, ઔરંગઝેબના દરબાર સાથે સંકળાયેલા વ્યાપક ધર્મપરિવર્તનના બહુ ઓછા પુરાવા તેમને મળ્યા છે. શાહી હરમ અને તૃતીયપંથીઓની "રાજકીય વગ કલ્પનાતીત રીતે વ્યાપક હતી."

બાદશાહ અપેક્ષા કરતાં ઓછા દૂર તથા કઠોર જણાયા અને રિપોર્ટ્સમાં શીખો જેવા સમૂહો વિરોધી વાતો મુનીસ ફારુકીની અપેક્ષાથી બહુ ઓછી હતી.

તે શીખોની એ જૂની પરંપરાથી વિપરીત હતું, જેમાં 1711 સુધી ઔરંગઝેબને શીખોના આધ્યાત્મિક નેતાઓ તથા સમુદાય પર જુલમ કરવા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

કેટલીક વાતો અચાનક થયેલા ઘટસ્ફોટ તરીકે નહીં, પરંતુ વારંવારના પુનરાવર્તન સ્વરૂપે જાણવા મળી હતી.

મુનીસ ફારુકીને ન્યૂઝલેટરમાં ઝીનત-ઉન-નિસાનું નામ વારંવાર વાંચવા મળ્યું હતું.

ઝીનત ઔરંગઝેબની દીકરી હતી. ઇતિહાસકારો તેના વિશે જાણતા હતા, પરંતુ દરબારમાં તેની ભૂમિકા વિશે બહુ ઓછું લખવામાં આવ્યું હતું. તેમ છતાં રેકૉર્ડ્સમાં તેનો ઉલ્લેખ વારંવાર થતો રહ્યો.

ઔરંગઝેબના જમાનાના ઇતિહાસ અને અખબારાતમાં કેમ અંતર રહ્યું?

મુનીસ ફારુકીને થોડા સપ્તાહમાં જ સમજાઈ ગયું હતું કે ઝીનત કોઈ મામૂલી શાહી વ્યક્તિ નથી.

ઝીનત-ઉન-નિસા એક શક્તિશાળી રાજકીય હસ્તી હતાં અને ઔરંગઝેબ જીવનના છેલ્લા તબક્કામાં વૃદ્ધ તથા રાજકીય રીતે નિર્બળ થઈ ગયા હતા ત્યારે તેઓ તેમના પિતા માટે "અત્યંત અસરકારક અને મહત્ત્વપૂર્ણ રાજકીય સહારો" બન્યાં હતાં.

મુનીસ ફારુકીએ ઝીનતના નામનો ઉલ્લેખ ક્યાં-ક્યાં આવે છે તેની નોંધ લેવાનું શરૂ કર્યું હતું. મુઘલ હરમ વિશેના તેમના લેખનમાં ઝીનત-ઉન-નિસાની ભૂમિકા મહત્ત્વની દર્શાવવામાં આવી છે.

દરેક નવી માહિતીએ મુનીસ ફારુકીના પુનર્વિચાર કરવાની ફરજ પાડી હતી.

તેમણે કહ્યું હતું કે "મેં પહેલીવાર અખબારાત વિશે સાંભળ્યું ત્યારથી, 1990ના દાયકાથી હું ખુદને કહેતો હતો કે ઘણી બાબતો વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે." અખબારાતે ફક્ત ઔરંગઝેબનું જ નહીં, પરંતુ સમગ્ર મુઘલ સામ્રાજ્યનું પુનર્મૂલ્યાંકન કરવાની તક આપી, એવું તેમણે ઉમેર્યું હતું.

ઇતિહાસકારો અખબારાતથી શા માટે દૂર રહ્યા હશે?

મુનીસ ફારુકીના જણાવ્યા મુજબ, તેઓ ખચકાટને સમજી શકે છે.

કારકિર્દીની શરૂઆતમાં તેમણે વિશાળ મુઘલ આર્કાઇવના અભ્યાસમાં સાત નિરાશાજનક સપ્તાહ ગાળ્યા હતા.

પછી એ અભ્યાસ છોડી દીધો હતો. એ અનુભવને લીધે મુનીસ ફારુકી લગભગ એક દાયકાના અવ્યવસ્થિત સંગ્રહનો અભ્યાસ કરતી વખતે સાવધ હતા.

અખબારાતે પણ સમાન પડકાર સર્જ્યો હતો.

મુનીસ ફારુકીએ કહ્યું હતું કે "તેમાંથી કંઈ પણ શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે."

કોઈ અનુક્રમણિકા વિનાની હજારો એન્ટ્રીઝવાળા આ સંગ્રહનો અભ્યાસ કરવા માટે ધીરજ, સહનશક્તિ અને પેટર્ન તથા સંબંધિત માહિતી શોધવા અનેક પૃષ્ઠો વાંચવાની ઇચ્છા જરૂરી છે.

ઔરંગઝેબ મામલે કેવા રેકૉર્ડ્સ ઉપલબ્ધ છે?

મુનીસ ફારુકીના કહેવા મુજબ, ઔરંગઝેબ સંબંધે નવી-નવી ચર્ચાઓ ચાલતી રહે છે તેનું એક કારણ સામગ્રીની વિપુલતા છે.

પ્રારંભિક મુઘલ બાદશાહોના સમયના પુરાવા અને રેકૉર્ડ બહુ ઓછા મળે છે, પરંતુ ઔરંગઝેબનો શાસનકાળ આવતા સુધીમાં દસ્તાવેજોનો ભંડાર મળે છે.

તેમાં વહીવટી રેકૉર્ડ્સ, અંગત પત્રવ્યવહાર, પ્રાદેશિક ઇતિહાસ, જીવન-વૃત્તાંત, કવિતાઓ, યુરોપિયન ટ્રેડિંગ કંપનીઓના કાગળિયા અને પ્રવાસીઓના વૃત્તાંત એમ બધું મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

મુનીસ ફારુકી માટે 'અખબારાત' બહુ જરૂરી હતા, પરંતુ તે એક જંગી સંગ્રહનો એક અંશ માત્ર છે.

તેનો ઉપયોગ આશ્ચર્યજનક રીતે ઓછા પ્રમાણમાં થયો છે.

મુનીસ ફારુકીના કહેવા મુજબ, "જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે અનેક પુસ્તકો લખી શકાય તેમ છે. આ સામગ્રી પ્રતીક્ષા કરી રહી છે કે સાહસિક ઇતિહાસકારો આવે અને તેનો ઉપયોગ કરે."

મુનીસ ફારુકીએ કોલકાતામાં આ કલેક્શન પહેલીવાર જોયું ત્યારે તેમને કલ્પના ન હતી કે આગળ શું થવાનું છે.

તેમણે કહ્યું હતું કે "પહેલા વૉલ્યૂમનું પહેલું પાનું ફેરવતાં જ મને સમજાઈ ગયું હતું કે આ કલેક્શન અત્યંત અસાધારણ સ્રોત છે."

"કેટલીક એવી કહાણીઓ મારી નજરે ચડી હતી, જેની લાંબા સમયથી અવગણના કરવામાં આવી હતી અથવા તેને ભાગ્યે જ ધ્યાનમાં લેવામાં આવી હતી."

તેમના જણાવ્યા અનુસાર, તેમનું પુસ્તક એ પૈકીના એક જ ભાગનું અન્વેષણ કરે છે.

"અન્ય લોકોએ આમાંથી ઘણું બધું શોધવાનું બાકી છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન