શૅરબજારમાં હલાલ અને સાત્વિક ઇન્ડેક્સ શું છે અને એમાં રોકાણ કોણ કરે છે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

બજારમૂડીની દૃષ્ટિએ ભારતના બીજા ક્રમના સૌથી મોટા શૅરબજાર બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જ (બીએસઈ) દ્વારા તાજેતરમાં 'બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સ' શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 'સાત્વિક' સિદ્ધાંતોને અનુસરતી કંપનીઓ સામેલ છે તેવું બીએસઈનું કહેવું છે.

લગભગ 4600થી વધારે સક્રિય લિસ્ટેડ કંપનીઓ ધરાવતા બીએસઈની માર્કેટ કેપિટલ લગભગ 476 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે છે.

બીએસઈનું કહેવું છે કે સાત્વિક 100 એ દેશનો સૌપ્રથમ 'ઍથિકલ અને મૂલ્યો આધારિત' શરબજાર ઇન્ડેક્સ છે, જેમાં એવી 100 કંપનીઓને સમાવાઈ છે જે 'શુદ્ધતા અને અહિંસા'નાં ધોરણોનું પાલન કરતી હોય.

ભારતમાં ઘણા લોકો પોતાની ધાર્મિક માન્યતાઓના આધારે રોકાણ કરતા હોય છે અને તેના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય તેવી કંપનીઓમાં રોકાણ ટાળે છે. જેમ કે ઇસ્લામના સિદ્ધાંતોના આધારે ઘણા લોકો હલાલ ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે.

બીએસઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સાત્વિક ઇન્ડેક્સમાં બીએસઈ 500ની એવી 100 કંપનીઓને સામેલ કરવામાં આવી છે જે સાત્વિક સિદ્ધાંતોને અનુસરતી હોય. બીએસઈના જણાવ્યા અનુસાર શરાબ, તમાકુ, જુગાર, માંસ, લેધર અને પ્રાણી પર અત્યાચાર સાથે સંકળાયેલી કંપનીઓ આ ઇન્ડેક્સમાં નહીં હોય.

બીએસઈ ઇન્ડેક્સના એમડી અને સીઈઓ આશુતોષ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે "મૂડીબજારનો વિકાસ થતો જાય છે ત્યારે રોકાણકારો હવે પરંપરાગત નાણાકીય માપદંડથી આગળ વધીને નૈતિક, સાંસ્કૃતિક અને ફિલોસોફી આધારિત વિચારણા કરતા થયા છે."

ત્યારે આ ઇન્ડેક્સ એ ફિલોસોફી માટે વિશ્વસનીય આધાર પૂરો પાડતો હોવાનું સિંહે ઉમેર્યું હતું.

આ ઇન્ડેક્સ લોન્ચ કરવાનાં કારણો જણાવતાં આશુતોષ સિંહે કહ્યું કે, "જેઓ પોતાનાં મૂલ્યોના આધારે રોકાણનો નિર્ણય લેવા માગે છે, તેમના માટે થિમેટિક સૂચકાંકની રેન્જ વધારવા માટે સાત્વિક ઇન્ડેક્સ એક મહત્ત્વનું પગલું છે."

વેઇટેજની દૃષ્ટિએ આ ઇન્ડેક્સની ટોચની 10 કંપનીઓ જોવામાં આવે તો તેમાં ભારતની અગ્રણી બૅન્કો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર અને આઇટી સેક્ટરની કંપનીઓનો સમાવેશ થાય છે.

શરિયત આધારિત હલાલ ઇન્વેસ્ટમેન્ટ શું હોય?

ભારતમાં હલાલ ઇન્વેસ્ટમેન્ટનો સિદ્ધાંત પણ જૂનો છે, તેમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરતા મ્યુચ્યુઅલ ફંડ્સ સામેલ છે.

ટાટા, એસબીઆઈ જેવી કંપનીઓએ શરિયતનું પાલન કરતા હલાલ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરેલા છે જે મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટેક્નૉલોજી, ફાર્માસ્યુટિકલ અને કન્ઝ્યુમર ગૂડ્સની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે.

હલાલ ઇન્વેસ્ટમેન્ટમાં એવી કંપનીઓને ટાળવામાં આવે છે જેનો બિઝનેસ મુખ્યત્વે વ્યાજની વસુલાત અથવા સટ્ટા પર આધારિત હોય. એટલે કે બૅન્કો અને વીમા સેક્ટરની કંપનીઓનો તેમાં સમાવેશ થતો નથી.

આ ઉપરાંત હલાલ રોકાણ હેઠળ શરાબ, તમાકુ, પોર્ક (ડુક્કરનું માંસ), હથિયારો, જુગાર અને પૉર્નોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં નથી આવતું. આ ઉપરાંત જે ઉદ્યોગ સંપૂર્ણપણે અટકળો પર આધારિત હોય તેને પણ ટાળવામાં આવે છે, જેમ કે ફ્યુચર અને ઑપ્શન. જોકે, ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની મંજૂરી છે.

હલાલ સિદ્ધાંતો આધારિત મ્યુચ્યુઅલ ફંડ એ માત્ર મુસ્લિમ રોકાણકારો પૂરતા નથી, પરંતુ કોઈ પણ ધર્મની વ્યક્તિ આવા ફંડમાં રોકાણ કરી શકે છે.

આવાં રોકાણમાં કેવું જોખમ હોય?

અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રૉકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "જે રીતે હલાલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેવી જ રીતે આ પ્રકારના ઇન્ડેક્સની માંગ પણ હતી, પરંતુ બહુ પ્રબળ ન હતી."

તેમણે કહ્યું કે, "જૈનો મોટા ભાગે એવી કંપનીઓમાં રોકાણ નથી કરતા જે માંસ, ચામડું વગેરે બિઝનેસ સાથે સંકળાયેલી હોય. ઘણી વખત અમારા ક્લાયન્ટ અમને એફએમસીજી સેક્ટરમાં ફ્રોઝન ફૂડ અથવા મરીન ફૂડની કંપનીઓમાં રોકાણ ન કરવા કહે છે. કેટલાક લોકો નિફ્ટી 50 ઇન્ડેક્સની કંપનીઓમાં પણ રોકાણ નથી કરતા કારણ કે તેમના બિઝનેસ તેમની ધાર્મિક માન્યતાઓથી વિરુદ્ધ હોય છે. જોકે, આવા રોકાણકારોની ટકાવારી માંડ ચારથી પાંચ ટકા હશે."

જોકે, એથિકલ માન્યતાના આધારે શૅરો અથવા મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવાના કેટલાક ગેરફાયદા પણ છે. જેમ કે કોઈ સેક્ટરને સદંતર ટાળવામાં આવે અને તે સેક્ટરમાં તેજી આવે તો રોકાણકારને ભારે નુકસાન જઈ શકે છે.

ધાર્મિક માન્યતાઓ આધારિત ફંડમાં ગ્રોથ કેવો હોય?

ભારતમાં બીએસઈએ સાત્વિક ઇન્ડેક્સ ભલે હાલમાં લોન્ચ કર્યો હોય, પરંતુ દેશમાં પહેલેથી આ થિમ પર મ્યુચ્યુઅલ ફંડ્સ હાજર છે.

ફાઇનાન્સિયલ ઍડ્વાઇઝર મિથુન જાથલ કહે છે કે, "મોટા ભાગના રોકાણકારો કોઈ ચોક્કસ પસંદગીનો આગ્રહ નથી ધરાવતા, પરંતુ કેટલાક રૂઢિચુસ્ત રોકાણકારો પહેલેથી અમુક ઇન્ડસ્ટ્રીમાં રોકાણ ન કરવા અમને જણાવી દેતા હોય છે. તેમાં બૅન્કિંગ, ફાઇનાન્સ, મનોરંજન, લેધર વગેરે આવે છે."

તેમણે જણાવ્યું કે દુબઈ અથવા ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વેલ્થ મૅનેજમેન્ટ કરવો હોય તો TAKAFULના નિયમોનું પાલન કરવું પડે છે. તકાફુલ એ ઇસ્લામિક વીમાની એક સિસ્ટમ છે જે શરિયાને અનુરૂપ છે અને તેમાં સભ્યો એક બીજાને નુકસાનની રકમ ભરપાઈ કરી આપવા એક ચોક્કસ રકમ જમા કરાવે છે.

જોકે, તેઓ કહે છે કે ધાર્મિક માન્યતાઓ આધારિત ફંડ કે ઇન્ડેક્સ એટલા બધા લોકપ્રિય નથી. તેના કારણે તેમની ઍસેટ અંડર મૅનેજમેન્ટમાં પણ એટલો બધો ગ્રોથ જોવા નથી મળ્યો.

તેઓ કહે છે કે "અમુક ઍથિકલ ઇન્વેસ્ટમેન્ટમાં બૅન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરને ટાળવામાં આવે છે. હવે બૅન્કો અને ઇન્સ્યૉરન્સ કંપનીઓ દેશના આર્થિક વિકાસનું પ્રતિબિંબ પાડે છે અને તેમાં સાવ રોકાણ કરવામાં ન આવે તો રોકાણકારો બહુ મોટી તક ચૂકી જાય છે. એટલે કે વિકાસશીલ દેશ ઝડપથી વૃદ્ધિ કરે અને તમે તેના લાભથી વંચિત રહી જાવ તે બની શકે. જોકે, આ સંપૂર્ણપણે ધાર્મિક પસંદગીનો મામલો છે."

રોકાણકારો કયા આધારે રોકાણ કરે છે?

લોકો માત્ર ધાર્મિક માન્યતાઓના આધારે શૅરોની પસંદગી કરે છે એવું નથી.

નાણાકીય સલાહકાર મિથુન જાથલ જણાવે છે કે ભારતમાં હવે લોકો પર્યાવરણ , સોશિયલ ઍન્ડ ગવર્નન્સ (ઈએસજી)ના આધારે પણ રોકાણ કરે છે. જેમ કે પર્યાવરણની ચિંતાના કારણે કેટલાક રોકાણકારો કેમિકલ કંપનીઓના શૅર ટાળે છે.

આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે સારું કામ કરતી કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. ESG હેઠળ રિન્યુએબલ ઍનર્જી, ગ્રીન બોન્ડ, સ્વચ્છ ટૅક્નૉલૉજી વગેરેમાં રોકાણ કરવામાં આવે છે.

ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સે ઈએસજીને કેન્દ્રમાં રાખીને આવી કંપનીઓ માટે થિમેટિક ફંડ પણ લૉન્ચ કર્યા છે એવું તેઓ કહે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન