You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ઈરાનથી દાણચોરી કરી પેટ્રોલ-ડીઝલની હેરાફેરી કેવી રીતે થાય છે?
ઈરાનથી પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ગેરકાયદે દાણચોરી દાયકાઓથી ચાલી રહી છે, પરંતુ ઈરાન સામે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે તાજેતરના મહિનાઓમાં તેમાં વધારો થયો હોવાના સંકેતો છે.
આ યુદ્ધથી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા ઑઇલ પુરવઠામાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. આના કારણે પાકિસ્તાનમાં ઈરાનથી દાણચોરી કરીને લાવેલાં સસ્તાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે.
બલુચિસ્તાનમાં હજારો દાણચોરોની જેમ, મઝાર પણ અન્ય મુક્ત બજારો અને અનૌપચારિક પેટ્રોલપંપમાં ઈંધણનું પરિવહન કરે છે. અમે સુરક્ષા કારણસર મઝારના અસલી નામનો ઉપયોગ કરી રહ્યા નથી.
મઝાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઈંધણ પહોંચાડવા માટે પૃથ્વીના સૌથી ગરમ પ્રદેશોમાંના એકમાંથી 350 કિલોમીટરની મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે.
બલુચિસ્તાનમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે પ્લાસ્ટિકના ઈંધણના કેરબા ફૂલી જાય છે અને નરમ પડે છે.
જો મુસાફરી દરમિયાન કેરબા ફાટી જાય અથવા ઢાંકણાં લીક થાય, તો ઈંધણમાં આગ લાગવાનું અને વિસ્ફોટ થવાનું જોખમ રહે છે. આ પ્રક્રિયામાં દાણચોરો નિયમિત માર્યા જાય છે.
આ દાણચોરીનો સાચો અંદાજ લગાવવો મુશ્કેલ છે. 2024માં જાપાની સમાચાર વેબસાઇટ નિક્કી એશિયાએ અહેવાલ આપ્યો હતો કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના લીક થયેલા અહેવાલ મુજબ, દર વર્ષે આશરે એક બિલિયન (અમેરિકન) મૂલ્યનું ઈંધણ ઈરાનથી પાકિસ્તાનમાં દાણચોરી કરવામાં આવે છે.
આ વર્ષના મે મહિનામાં પાંચ મુખ્ય પાકિસ્તાની ઑઇલ રિફાઇનરીઓએ સીમા પારથી પેટ્રોલિયમ ઉત્પાદનોના વધતા પ્રવાહની જાણ કરી હતી અને સરકારને પત્ર લખીને હસ્તક્ષેપની માગણી કરી હતી.
પાકિસ્તાને સમયાંતરે આ ગેરકાયદે વેપાર સામે પગલાં લીધાં છે, પરંતુ ત્યારથી દાણચોરી ફરી વધી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન