કરોડો રૂપિયાનું બજાર ધરાવતાં ઑર્કિડ ફૂલોનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મેથ્યૂ કેન્યોન
- પદ, ટૅકનોલોજી રિપોર્ટર
- દ્વારા રિપોર્ટિંગ, હીમ્સકેર્ક, નેધરલેન્ડ્ઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ઑર્કિડની એક નવી વેરાયટી બજારમાં લાવવામાં એક દાયકાનો પરિશ્રમ લાગી શકે છે.
પણ તેની સામે તેના ફાયદા પણ ભરપૂર હોઈ શકે છે - વૈશ્વિક ઑર્કિડ બજારનું મૂલ્ય કરોડો ડૉલરનું છે. પરંતુ, આ આગામી સુંદર ફૂલ ઉગાડવાની સ્પર્ધા પણ તીવ્ર છે.
અને આથી જ, નવા પ્રકારનાં ઑર્કિડ વિકસાવવાની હોડમાં લૅબોરેટરી પણ ગ્રીનહાઉસ જેટલી જ મહત્ત્વની બની રહે છે.
અગ્રણી ડચ ઑર્કિડ બ્રીડિંગ ફર્મ ફ્લોરિકલ્ચરાના જણાવ્યા અનુસાર, પસંદગીયુક્ત બ્રીડિંગ અને પ્રસરણ જેવી સૈકાઓની માનવીય દરમિયાનગીરીને કારણે ઘણાં પ્રકારનાં વ્યાવસાયિક ઑર્કિડની આનુવંશિક પૃષ્ઠભૂમિ "ડિઝાસ્ટર" બની ગઈ છે.
તેનો અર્થ એ કે, છોડની નવી વેરાયટી કઈ લાક્ષણિકતાઓ ધરાવશે, તેની આગાહી કરવી અત્યંત મુશ્કેલ છે.
પરંતુ, રંગ, આકાર, બીમારી સામેની પ્રતિકાર શક્તિ, ફૂલ ખીલેલું રહેવાની અવધિ, વગેરે જેવાં ચોક્કસ લક્ષણો માટે આનુવંશિક ચિહ્નો વિકસાવીને ફ્લોરિકલ્ચરા અને તેના હરીફો પસંદગીયુક્ત સંવર્ધનની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.
નવવિકસિત છોડમાં ફૂલ આવે, તે માટે ત્રણ વર્ષ સુધી રાહ જોવાને બદલે સંવર્ધકો ઘણા નાના છોડ પર આનુવંશિક સ્ક્રીનિંગની તકનીકો લાગુ કરી શકે છે અને તેમની જરૂરિયાત સાથે મેળ ન ખાતા હોય, તેવા છોડને પ્રક્રિયાની શરૂઆતમાં જ દૂર કરી શકે છે.
ફ્લોરિકલ્ચરાના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ મૅનેજર વાર્ટ વાન ઝોનેવેલ્ડ કહે છે, "જો પ્રયોગશાળામાંથી અમુક હજાર વર્ણસંકર (ક્રોસ બ્રીડ) વેરાયટી આવતી હોય, તો અમે માર્કરના આધારે તેમને તપાસી શકીએ છીએ અને તમે જે માર્કર શોધતા હો, તે છોડને જ પસંદ કરી શકીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"તે તમે જે ઈચ્છો છો કે નથી ઈચ્છતા, તે ચોક્કસ લક્ષણનો સંકેત હોય છે."
કહેવાતી "નવતર બ્રીડિંગ તકનીકો" (સંવર્ધનની નવીન પદ્ધતિઓ) એક રહસ્ય છે. દરેક કંપની તેનાં પોતાનાં આનુવંશિક માર્કરો તથા પ્રક્રિયાઓ વિકસાવે છે, કારણ કે તેમ કરીને તેઓ અનોખી જાત વિકસાવી શકે છે.
વાન ઝોનેવેલ્ડ કહે છે, "અમે તેને અમારાં પૂરતું જ રાખીએ છીએ, કારણ કે, તેની પાછળ અઢળક રોકાણ કરવામાં આવે છે."
નેધરલૅન્ડ્ઝની વેગેનિંગન યુનિવર્સિટી ખાતે સુશોભિત છોડના સંવર્ધન સંશોધક પૌલ આરેન્સ કહે છે, "તે હજુયે બ્રીડિંગ જ છે, તમારે ક્રોસ બ્રીડિંગ કરાવવું જ પડે છે અને અમે સાવ સહેલાઈથી બસ ડીએનએનો એક ટુકડો લઈને તેને પાછો અંદર મૂકી શકતા નથી."
તેમણે અને તેમના સહકર્મીઓએ ડચ સરકારનું પીઠબળ ધરાવતી નવતર પહેલ હાથ ધરી છે, જે સહભાગી કંપનીઓ સાથે માહિતીનું આદાન-પ્રદાન કરે છે.
"આ પ્રક્રિયાનો પાયો એ જ છે, જે આપણે 100 વર્ષોથી કરતાં આવ્યાં છીએ. બે છોડ લો, તેની લાક્ષણિકતા જુઓ અને ક્રોસ બ્રીડિંગ કરાવો. પણ સંવર્ધકો હવે સફેદ લૅબ કોટ પહેરે છે અને તેઓ માર્કર્સ સાથે, જિનોમિક્સ સાથે તમામ પ્રકારનું સંશોધન કરી રહ્યા છે."

ઇમેજ સ્રોત, Floricultura
આ ઉપરાંત, યુરોપમાં સંવર્ધકોના અધિકારો (બ્રીડર્સ રાઇટ્સ) દ્વારા તથા અમેરિકામાં પેટન્ટ્સ દ્વારા નવી વેરાયટીની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું રક્ષણ કરવા માટે પણ જિનેટિક્સનો ઉપયોગ થાય છે.
આરેન્સ કહે છે, "જો એક કંપની નવું ઑર્કિડ બનાવે છે, તો તે આ ઑર્કિડના વેપારીકરણનો એધિકાર મેળવવા ઈચ્છશે."
"નહીંતર, કોઈ વ્યક્તિ દુકાનમાંથી તે ખરીદશે, તેનું ઉત્પાદન કરશે અને જાતે જ વેચવા માંડશે."
"પરંતુ, સંવર્ધકોના અધિકારો (બ્રીડર્સ રાઇટ્સ) માટે સંશોધકે એ ખાતરી કરવી પડશે કે, નવી વેરાયટી બજારમાં પહેલાંથી જ ઉપલબ્ધ તમામ જાતો કરતાં અનોખી છે... તે નોખી હોવી જોઈએ, તે સ્થિર હોવી જોઈએ અને તે એકરૂપ હોવી જોઈએ."
બ્રીડર્સ રાઇટ્સ અને પેટન્ટ્સ ડીએનએના વિશ્લેષણના આધારે નહીં, બલ્કે ભૌતિક વર્ણનના આધારે ફાળવવામાં આવે છે, પણ નવી જાત સુરક્ષા મેળવવા યોગ્ય છે કે નહીં, તે નક્કી કરવા માટે તેને સમાન પ્રકારનાં ઉત્પાદનો સાથે સરખાવવી જરૂરી છે.
નવી વેરાયટીની સરખામણી કયા છોડ સાથે થવી જોઈએ, તે નક્કી કરવા માટે ડીએનએ વિશ્લેષણ શક્તિશાળી સાધન છે.
આરેન્સ કહે છે, "આ આપણે ફોરેન્સિક સાયન્સમાં જે પ્રક્રિયા કરીએ છીએ, તેવું જ છે. તમે ડીએનએમાં જુદી-જુદી જગ્યા પર રહેલા માર્કર્સનો ઉપયોગ કરો છો અને તેનાથી તમને એક પેટર્ન મળે છે અને તે પછી તમને તે મૅચ કરવાની તક મળે છે."

ફ્લોરિકલ્ચરા લોકોને કે ગાર્ડન સેન્ટર્સને પણ વેચાણ નથી કરતી. તેમનો વ્યવસાય નવી જાતો તૈયાર કરવાનો અને તેમને વિકસાવવાનો છે, જેને તેઓ એવા ખેડૂતોને વેચે છે, જેઓ તે છોડને મોટાપાયે ઉગાડે છે.
તેમના કૅટેલોગમાં 180 કરતાં વધારે જાતો છે, પણ હજુ સેંકડો જાતો વિકાસના તબક્કામાં છે, કારણ કે, નવીનતા અને વિકાસ માટેની માગ કદીયે અટકતી નથી.
કંપનીના બ્રીડિંગ મૅનેજર સ્ટીફન કુઈપર કહે છે, "તમે અટકી શકતા નથી, કારણ કે, નવી વેરાયટી વિકસાવવામાં ઘણો લાંબો સમય લાગે છે."
"તમારે કામ ચાલુ જ રાખવું પડે છે, નહીંતર તમે આ સ્પર્ધામાં બીજા લોકો કરતાં પાછળ રહી જશો."
જિનેટિક સ્ક્રીનિંગ તથા પ્રારંભિક પસંદગી પછી છોડને (પેરન્ટ ઓર્કિડ્ઝના જ ભાગરૂપ નવી વેરાયટી પર પ્રથમ પ્રયાસો) પહેલાં લૅબમાં અને પછી ગ્રીનહાઉસમાં ઉગતાં ત્રણેક વર્ષ થાય છે પણ વિકાસના તબક્કે પહોંચતાં હજુ ઘણાં વર્ષો બાકી હોય છે.
વેગેનિંગન યુનિવર્સિટી ઍન્ડ રિસર્ચના પૌલ આરેન્સ જણાવે છે કે, બ્રીડિંગ (સંવર્ધન) એ તમારી આકાંક્ષાને અનુરૂપ ન હોય, એવા છોડને "ફેંકી દેવાની કળા" છે, પણ તેની સાથે જ તે - જે બચેલા છોડ છે તેમને વધારવાની કળા પણ છે.
છોડની આગામી બૅચ પિતૃ છોડનો ભાગ નહીં હોય, બલ્કે તે પસંદગી કરવાના રાઉન્ડમાં બચી ગયેલા છોડની આબેહૂબ નકલ હશે - અર્થાત્, ક્લૉન.
સ્ટીફન કુઇપર મને જણાવે છે, "શરૂઆતમાં, દરેક પાસે બીજમાંથી ઉગેલાં રોપાં (સીડલિંગ્ઝ) હતાં, જેથી ક્રોસિંગ અને પછી બીજની શીંગોમાંથી છોડ મળતા હતા, પણ ફ્લોરિકલ્ચરા ખાતે અમે મેરિસ્ટેમ્સ પદ્ધતિ અપનાવી."
મેરિસ્ટેમ્સ એવા કોષો છે, જે છોડને તેના જીવન દરમિયાન વધવા દે છે. તે પછી બચી ગયેલા છોડને ક્લૉન કરવા માટે તે જ કોષોનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્ટીફન તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ વિશે વધુ વિગતો આપી શકતા નથી, કેમકે, આનુવંશિક સંશોધનની માફક આ પણ વેપારનું સિક્રેટ છે.
જોકે, ક્લૉન કરેલાં રોપાં ઉગાડવામાં આવે છે અને વર્ષો પછી ફરી તેમને પસંદગીના તબક્કે લઈ જવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Floricultura
ઑર્કિડની ખેતીના વ્યવસાયમાં મોટા પાયે સંસાધનોની જરૂર પડે છે. છોડને ઘણા મહિનાઓ સુધી યોગ્ય પ્રમાણમાં ગરમી, પ્રકાશ, પાણી અને પોષક તત્ત્વોની જરૂર પડે છે.
જિનેટિક્સ અને અન્ય તકનીકોનો ઉપયોગ આ પ્રક્રિયાને અમુક હદ સુધી જ ઝડપી બનાવી શકે છે. છેવટે તમારે છોડને મોટો થવા દેવો પડે છે, ફૂલના આકાર અને કદ, રંગ, દાંડીની સંખ્યા, બીમારી સામેની રોગપ્રતિકારક શક્તિ, વગેરે જેવી તેની લાક્ષણિકતાઓ તપાસવી પડે છે અને પછી બીજી પસંદગી કરવાની હોય છે.
તે પ્રક્રિયા માટે નાના છોડને હવાઈ માર્ગે ભારત અને ટ્રક મારફત પોલૅન્ડ મોકલવામાં આવે છે. તે પછી આ છોડ ઉત્તર હોલૅન્ડના હીમસ્કર્ક ખાતે ફ્લોરિકલ્ચરાની સાઇટ પર પાછા ફરે છે. અહીં વિકાસ અને ઉત્પાદન, બંને માટે સાત હેક્ટર કરતાં વધુ ગ્રીનહાઉસ જગ્યા આવેલી છે.
ગ્રીનહાઉસની છતો પરથી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને હવામાનની બદલાતી પેટર્ન સામેના પ્રતિસાદ સ્વરૂપે કંપની હવે તે પાણીને રિસાઇકલ કરવાનું શરૂ કરી રહી છે.
વાર્ટ વેન ઝોનેવેલ્ડે ગર્વ સાથે મને તેમનો જીઓથર્મલ કૂવો બતાવ્યો હતો, જે સપાટીની ત્રણ કિલોમીટર નીચે 102 ડિગ્રી સેલ્શિયસનું તાપમાન ધરાવતું પાણી પમ્પ વાટે મેળવે છે.
તે એટલી બધી ઊર્જા પૂરી પાડે છે કે, તેઓ ડિસ્ટ્રિક્ટ હીટિંગ પ્રોજેક્ટ્સ માટે સ્થાનિક કાઉન્સિલ સાથે તેની વહેંચણી કરવાની તકો ચકાસી રહ્યા છે.
અહીં ફક્ત મૉનિટરિંગ જ ઑટોમેટિક નથી, બલ્કે વિશાળ ગ્રીનહાઉસોમાં છોડની ટ્રે રોલર પર ફરે છે, જે તેમને ઉછેરના આગળના તબક્કા સુધી પહોંચાડે છે.
ફ્લોરિકલ્ચરામાં એક કામ માણસો માટે અનામત રાખવામાં આવ્યું છે.
નવી વેરાયટી વિકસાવવા માટેનાં, નવા છોડ ક્લૉન કરવા માટેનાં અને પરિણામોનું મૂલ્યાંકન કરવા માટેનાં સાધનો તકનીકી પ્રગતિને કારણે બદલાઈ ગયાં હોવા છતાં નવ વર્ષની જહેમત પછી કઈ વેરાયટીને કૅટેલોગમાં સ્થાન આપવું, તેનો નિર્ણય હજુયે કુઇપર અને તેમના સહકર્મીઓ રૂબરૂ લેતા હોય છે.
એક છોડ ભલે આનુવંશિક રીતે તમામ માપદંડો સંતોષતો હોય અને બધાં યોગ્ય લક્ષણો ધરાવતો હોય, પણ તેનું વેચાણ થાય, તેના માટે તે સુંદર હોય, તે જરૂરી છે અને તે ફેંસલો માત્ર લોકો જ કરે છે.
"છોડનું સંવર્ધન કરવું એ અમુક અંશે જુગાર રમવા જેવું છે," એમ કુઇપર જણાવે છે અને હાલ પૂરતું તો તેમાં માનવીય તત્ત્વ અકબંધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















