પ્રિયંકા ગાંધીએ મહિલા પત્રકારો પર યૌન હુમલાની ફરિયાદ મામલે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Chandradeep Kumar/ The India Today Group via Getty
દિલ્હીના જંતર-મંતર પર મહિલા પત્રકારો પર કથિત યૌન હુમલા સાથે જોડાયેલા મામલે હવે કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.
તેમણે મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.
પ્રિયંકા ગાંધીએ ઍક્સ પર લખ્યું, "જંતર-મંતર પર રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકારોએ પોલીસકર્મીઓ પર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. ડઝનો પત્રકારોના વિરોધ છતાં ન તો એફઆઈઆર નોંધવામાં આવી, ન તો કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી."
તેમણે કહ્યું, "શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલી મહિલાઓનો પણ આરોપ છે કે પોલીસ તેમની સાથે અત્યંત અભદ્ર રીતે વર્તન કરી રહી છે. જે પોલીસનું કામ સુરક્ષા આપવાનું છે, તેનાથી જ મહિલાઓ જોખમ અનુભવી રહી છે. કૉલેજની વિદ્યાર્થિનીઓથી લઈને પત્રકારો સુધી, દરેક જગ્યાએ મહિલાઓ અસુરક્ષાનો સામનો કરી રહી છે."
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ટૅગ કરતાં પ્રશ્ન કર્યો કે, મહિલાઓ સાથે આવું વર્તન કરવું શું યોગ્ય છે?
આ મામલે આ પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ અમિત શાહ પર પ્રહાર કર્યો હતો અને પોલીસ અધિકારીઓની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
શનિવારે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારોએ પોલીસ અધિકારીઓ પર યૌન હિંસાના આરોપો લગાવ્યા હતા. આ મુદ્દે અનેક પત્રકારોએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પણ કર્યા હતા અને એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.
પોલીસે આ મામલે ફરિયાદ નોંધ લીધી છે અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દીધી છે. ઉપરાંત, મહિલા પત્રકારોની તબીબી તપાસ પણ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જંતર-મંતર : મહિલા પત્રકારો પર યૌન હુમલાના આરોપો બાદ દિલ્હી પોલીસે મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો

ઇમેજ સ્રોત, Dilnawaz pasha
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીના જંતર-મંતર ખાતે શનિવારે કેન્દ્રીય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન બે મહિલા પત્રકારો અને એક મહિલા પ્રદર્શનકારીએ એક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર યૌન હુમલાના આરોપો લગાવ્યા છે.
એક મહિલા પત્રકારનો આરોપ છે કે આઈસાનાં અધ્યક્ષ નેહા બોરાને હિરાસતમાં લેવામાં આવી રહ્યાં હતાં તે દરમિયાન એસીપી વિવેક ભગતે તેમની છાતી પર હાથ માર્યો હતો અને તેમને ધક્કો મારીને ત્યાંથી ચાલી ગયા હતા.
બીજી તરફ, એક વરિષ્ઠ મહિલા પત્રકાર અને એક મહિલા પ્રદર્શનકારીએ દિલ્હી પોલીસના કર્મચારીઓ પર યૌન હુમલાના આરોપો લગાવ્યા છે.
બીબીસી પાસે ત્રણેય મહિલાઓની ફરિયાદોની નકલ છે, જે તેમણે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આપી છે. બીજી તરફ, દિલ્હી પોલીસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આ સંબંધમાં ફરિયાદો સ્વીકારી લેવામાં આવી છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે અમે એક મહિલા પત્રકારના આરોપો અંગે એસીપી વિવેક ભગતને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.
બીજી તરફ, દિલ્હી પોલીસે ઍક્સ પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ મામલાની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસે ઍક્સ પર લખ્યું, "3 ઑક્ટોબર 2026ના રોજ નવી દિલ્હી વિસ્તારમાં વિરોધપ્રદર્શન દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિમાં, ત્રણ મહિલા પત્રકારોએ પોલીસ અધિકારીઓ પર યૌન હુમલાના આરોપો લગાવ્યા."
"નવી દિલ્હી જિલ્લાને તેમની ફરિયાદો મળી છે અને નિષ્પક્ષ તપાસ માટે તેને ક્રાઇમ બ્રાન્ચને મોકલી દેવામાં આવી છે."
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આ મામલે તપાસના આદેશ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty
કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ માહિતી સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈએ આપી છે.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આ તપાસ વિજિલન્સ ઍન્ડ ઍન્ટિકરપ્શન બ્યુરો (વીએસીબી) કરશે, જેમાં વર્ષ 2006માં કેરળ સ્ટેટ ટ્રાન્સપૉર્ટ પ્રોજેક્ટ (કેએસટિપિ) માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો અને તેનાથી સંબંધિત એક મલેશિયન કૉન્ટ્રેક્ટરના મૃત્યુ અંગે તપાસ કરવામાં આવશે.
તે સમયે હાલના જ્ઞાનેશકુમાર રાજ્યમાં પીડબ્લ્યુડી સચિવના પદ પર તહેનાત હતા.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (એસઆઈઆર)ને લઈને તેમના વિરુદ્ધ વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
પીટીઆઈના જણાવ્યા મુજબ, જ્ઞાનેશકુમાર કેરળ કેડરના આઈએએસ અધિકારી છે. કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં જવા પહેલાં તેમણે રાજ્યમાં વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી હતી.
કૅપ્ટન સ્મિત મચ્છરે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ફોન પર શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ ફ્લાઇટમાં બનેલી ઘટનાના બાદ ચર્ચામાં આવેલા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત કરી છે.
નેતન્યાહૂએ 30 સપ્ટેમ્બરે બનેલી ઘટનાને લઈને સ્મિતની બહાદુરીની પ્રશંસા કરતાં તેમને ભારત, ઇઝરાયલ અને સમગ્ર દુનિયાના હીરો ગણાવ્યા.
ફોન પર વાતચીત દરમિયાન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત પાસેથી ઘટના વિશે માહિતી મેળવી. ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ બંનેની વાતચીતનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે.
સ્મિતે તેમને જણાવ્યું કે, ફ્લાઇટ દરમિયાન શું થયું હતું અને તેમણે કઈ રીતે કૉકપિટનો દરવાજો ખોલીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
નેતન્યાહૂએ સ્મિતને કહ્યું, "કૅપ્ટન, હું તમને અને મારા પ્રિય મિત્ર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને, અમારા આગામી સ્વતંત્રતા દિવસે એક ખાસ ઉજવણીની મશાલ પ્રગટાવવા માટે આમંત્રિત કરવા માગું છું. તમે ભારત અને ઇઝરાયલના બહાદુર લોકોના સાચા હીરો છો અને સમગ્ર દુનિયાના પણ હીરો છો. હું તમારા ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."
નેતન્યાહૂએ ફોન કૉલ દરમિયાન સ્મિતને પૂછ્યું કે ફ્લાઇટમાં આખરે શું બન્યું હતું?
ઘટના વિશે જણાવતાં કૅપ્ટન સ્મિતે કહ્યું કે, તે એક સામાન્ય ઉડાન હતી. તેમના જણાવ્યા મુજબ, કો-પાઇલટે પ્રાર્થના કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમાં તેમને કંઈ અસામાન્ય લાગ્યું નહોતું.
સ્મિતે કહ્યું, "પરંતુ જ્યારે તે પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે સન્માનના કારણે હું આગળની તરફ જોઈ રહ્યો હતો અને પાછળની તરફ નહીં. અચાનક, કદાચ ચાર કે પાંચ મિનિટ પછી, મારા માથાના પાછળના ભાગે જોરદાર ઈજા થઈ."
તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે વિમાનને કોઈ મોટું નુકસાન થયું છે. ત્યારબાદ સતત ઈજાઓ થવા લાગી અને તેમને સમજાયું કે હુમલો વિમાનના કારણે નહીં, પરંતુ કૉકપિટમાં હાજર બીજી વ્યક્તિના કારણે થઈ રહ્યો હતો.
સ્મિતે કહ્યું, "મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની શરૂઆતની ઈજાઓના કારણે મને લગભગ કંઈ દેખાતું નહોતું. મારી દૃષ્ટિ સંપૂર્ણપણે ધૂંધળી થઈ ગઈ હતી. તે સમયે મારા મનમાં આગળનો વિચાર આવ્યો કે વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે."
'મને લાગ્યું કે જો મેં આવું નહીં કર્યું તો હું મરી જઈશ'
કૅપ્ટન સ્મિતે જણાવ્યું કે તેમણે કૉકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ તેઓ કૉકપિટના ફર્શ પર સૂઈ ગયા. તેમણે જણાવ્યું કે તે સમયે તેમને વિમાનનો અવાજ, ઝડપથી પસાર થતી હવા અને મુસાફરોના ચીસો સંભળાઈ રહ્યા હતા.
સ્મિતે કહ્યું, "મારી અંદર એક છેલ્લો પ્રયાસ કરવાની શક્તિ બચી હતી. તમે તેને વ્યક્તિગત લડાઈ કહો કે લોકો માટેની લડાઈ, પરંતુ મેં વિચાર્યું કે જો મેં આવું નહીં કર્યું, તો હું મરી જઈશ. ત્યારે મેં મારી સંપૂર્ણ શક્તિ લગાવી અને દરવાજા તરફ જઈને તેને ખોલી દીધો."
તેમણે આગળ કહ્યું, "સદનસીબે, લોકો ત્યાં રાહ જોઈ રહ્યા હતા. તેમણે નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું અને બાકી બધું એ જ છે, જે તમે જાણો છો."
ભારતે પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા, બીએસએફની કાર્યવાહી અંગે આ વાત કહી

ઇમેજ સ્રોત, Sameer Sehgal/Hindustan Times via Getty
ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે પાકિસ્તાન હાઈ કમિશનના કાર્યકારી રાજદૂતને બોલાવ્યા હતા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું, 'પાકિસ્તાન તરફથી ચાલુ ગેરકાયદે સરહદ પાર ઘૂસણખોરીમાં મદદ' મુદ્દે ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે.
મંત્રાલયે 2 ઑક્ટોબર, 2026ના રોજ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બનેલી ઘટનાને લઈને પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર અને દુર્ભાવનાપૂર્ણ ગણાવીને નકારી કાઢ્યા.
વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું, "પાકિસ્તાનને જણાવવામાં આવ્યું કે ત્રણ લોકો ભારતીય વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. બીએસએફ દ્વારા પાકિસ્તાન પરત જવા માટે અનેક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેઓ સરહદ પર લગાવવામાં આવેલી વાડ તરફ આગળ વધતા રહ્યા. સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો થવાના કારણે બીએસએફને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડી."
ભારતે આ પગલું પાકિસ્તાન દ્વારા ઇસ્લામાબાદમાં ભારતીય કાર્યકારી રાજદૂતને બોલાવવામાં આવ્યા બાદ થોડા કલાકોમાં જ ભર્યું.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે 2 ઑક્ટોબર, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પર બેદિયાન સેક્ટરમાં ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ 'બે પાકિસ્તાની નાગરિકોની હત્યા' કરી છે.
ભારતે ચોથા સ્થાન પર પૂર્ણ કર્યું એશિયન ગેમ્સનું અભિયાન, જીત્યા કુલ આટલા મેડલ

ઇમેજ સ્રોત, ANI
ભારતે જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં કુલ 85 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ સાથે જ ભારત આ વખતના એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ભારતથી ઉપર ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા છે.
ચીને 169 ગોલ્ડ સાથે કુલ 341 મેડલ જીત્યા છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે જાપાને 83 ગોલ્ડ સાથે 269 મેડલ પોતાના નામે કર્યા છે, જ્યારે દક્ષિણ કોરિયાએ કુલ 150 મેડલ જીત્યા છે. તેમાં 39 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
એશિયન ગેમ્સમાં મેડલ જીતવાના મામલે આ ભારતની બીજી સૌથી મોટી સફળતા રહી. આ પહેલાં ભારતે સૌથી વધુ મેડલ હાંગઝોઉ 2023માં જીત્યા હતા, જ્યાં ભારતીય દળે 28 ગોલ્ડ સહિત રેકૉર્ડ 106 મેડલ હાંસલ કર્યા હતા.
હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, AFP via Getty Images
બીબીસી ન્યૂઝ ફારસીએ જણાવ્યું છે કે, યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો છે.
સમાચાર એજન્સીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ હુમલાઓમાં હૂતીઓએ બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રૉનનો ઉપયોગ કર્યો.
હૂતીઓએ કહ્યું છે કે, આ હુમલો સાઉદી અરેબિયા દ્વારા સના અને યમનના અન્ય વિસ્તારો પર કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો.
આ પહેલાં એક પ્રત્યક્ષદર્શીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાંની નજીક ધુમાડો અને આગ જોવા મળી હતી.
સાઉદી અરેબિયાના અધિકારીઓએ અત્યાર સુધી અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર થયેલા હુમલાની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, અરામકોએ પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























