You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હોર્મુઝની દરિયાઈ થપાટો વચ્ચે પ્લાસ્ટિકની ટાંકીએ જીવ બચાવ્યો', ગુજરાતના નાવિકોની આપવીતી
"અમે લોકો સૂતા હતા અને ધડામ કરતો અવાજ આવ્યો. અમને ખબર નહોતી કે એ શું હતું. ભયંકર અવાજ સાથે આગ લાગી એટલે અમે તરત સળગતા વહાણમાંથી દરિયાના પાણીમાં કૂદી પડ્યાં. પાણીમાં જ 8 કલાક વિતાવ્યા."
18 મે એ વતન પરત ફર્યા ત્યારે આ શબ્દો ઉમર ફારૂકે કહ્યા હતા.
ઉમર ફારૂક ખલાસી તરીકે આ વહાણમાં ગયા હતા. દુબઈથી પકડેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં જ્યારે ઉમર ફારૂક અમદાવાદ ઍરપૉર્ટ પર ઉતર્યા ત્યારે તેમના ચહેરા પર શાંતિ હતી.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમને ઉપરવાળા સિવાય બીજી કોઈ આશા નહોતી."
ગુજરાત પરત ફરેલા અન્ય નાવિક નાઝીરભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "દરિયાના પાણીમાં જે 8 કલાક અમે કેમ પસાર કર્યા હતા તે મન જાણે છે. અમે અલ્લાહને યાદ કરીને મદદ માગતાં હતાં કે કોઈ બોટ આવે અને અમને મદદ મળે."
આખરે તેમને એક વહાણ મારફતે જ મદદ મળી હતી.
અમેરિકા અને ઇઝરાયલે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ઈરાન પર સંયુક્ત રીતે હુમલો કરતા યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
8 મે ના રોજ હોર્મુઝની સામુદ્રધુનીમાં રહેલું ગુજરાતના સલાયાનું વહાણ 'અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1' જોત જોતામાં આગની લપટોમાં વીંટળાઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વહાણમાં 18 લોકો હતા. જેમાંથી એક નાવિકનું મોત થયું હતું. ઉમર ફારૂક અને નાઝીરભાઈ પણ તે જ વહાણમાં નાવિક તરીકે ગયા હતા. આખરે જીવસટોસટનો ખેલ ખેલીને તેઓ હેમખેમ વતન પરત આવતા તેમણે હાશકારો અનુભવ્યો હતો.
વહાણના માલિક સુલેમાન ભાયાના જણાવ્યા અનુસાર, "વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલી હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતાં તેનો "ભુક્કો" બોલી ગયો હતો."
"વહાણ તૂટી પડતાં તેના પર સવાર 18 નાવિકો દરિયામાં કૂદી પડ્યાં હતાં. મદદ મળવામાં લાંબો સમય લાગી જતાં અલ્તાફ કેર નામના એક નાવિકનું મૃત્યુ થઈ ગયું હતું," એમ સુલેમાન ભાયાએ જણાવ્યું.
કઈ રીતે એક ફોન તારણહાર બન્યો?
વહાણ તો ગણતરીની મિનિટમાં આગમાં હોમાઈ ગયું હતું. પણ તેમાં રહેલી પીવીસી(પોલીવિનાઇલ ક્લૉરાઇડ) એટલે કે પ્લાસ્ટિક પોલીમરની ટાંકીએ લોકોના જીવ બચાવ્યા હતા.
સુલેમાનભાઈએ કહ્યું હતું કે, "જહાજ મિનિટોની અંદર ડૂબવા લગતાં અમારા ક્રૂ મેમ્બર(નાવિકો)ને તાત્કાલિક દરિયામાં કૂદવું પડ્યું હતું. અમારા જહાજમાં પાણી ભરવા માટે 1,000 લિટરની ક્ષમતાવાળી પીવીસીની એક ટાંકી હતી. ક્રૂ મેમ્બર તેને વળગી પડ્યા હતા. અલ્તાફની ઈજાઓ ગંભીર હોવાથી ટંડેલે તેને ટાંકી ઉપર રાખ્યા હતા."
નાવિક નાઝીરભાઈએ અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચતાની સાથે જ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "જ્યારે ટાંકીને વળગીને અમે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં હતાં, ત્યારે અમારા જહાજમાં એક ટંડેલ પાસે ફોન હતો. તેમાં સીમ કાર્ડ નાખીને એક નંબર જે યાદ હતો તે લગાડ્યો અને વાત કરી હતી. તે પછી એક વહાણ અમારી મદદે આવ્યું હતું અને અમને બચાવી લેવાયા હતા."
સુલેમાનભાઈએ જણાવ્યું હતું કે, "ટંડેલે મને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. એટલે મેં તરત જ ઇન્ડિયન સેઇલિંગ વેસેલ્સ ઍસોસિયેશનનો સંપર્ક કર્યો હતો. છેવટે અમને ખબર પડી કે સલાયાનું જ પ્રેમસાગર નામનું જહાજ દુબઈ જઈ રહ્યું હતું અને અમારા વહાણની નજીક હતું. તેથી, અમે તેના માલિકનો અને પછી તેના ટંડેલનો સંપર્ક કરી મદદ માગી, પરંતુ 'અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1'ને શોધતાં શોધતાં 'પ્રેમસાગર' તે જગ્યાએ પહોંચ્યું ત્યારે સવારના 10 વાગી ગયા અને ત્યાં સુધીમાં અલ્તાફનું મૃત્યુ થઈ ગયું હતું."
વહાણ માલિકે ઉમેર્યું હતું કે, "8 મેની વહેલી સવારે 'અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1' પર હુમલો થતાં આ જહાજ મિનિટોની અંદર ડૂબી ગયું હતું."
તેમણે કહ્યું હતું કે, "જો કોઈ વહાણમાં ગાબડું પડે તો તે બે દિવસ સુધી ડૂબતું નથી. જો આગ ફાટી નીકળે તો પણ એક દિવસ સુધી તરતું રહે છે, પરંતુ અમારા વહાણ પર શક્તિશાળી હુમલો કરવામાં આવ્યો હતો. પરિણામે અમારું વહાણ ભુક્કો થઈ ગયું અને અમુક મિનિટોમાં જ ડૂબી ગયું."
42 વર્ષના અલ્તાફભાઈ કેર જેમનું મૃત્યુ થયું તેમને પેટમાં તેમજ હાથ વગેરેમાં ઈજા થઈ હતી. અલ્તાફભાઈ ઉપરાંત અન્ય ચાર નાવિકોને પણ ઈજા પહોંચી હતી.
વહાણ ક્યારે અને કેવી રીતે હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યુ હતું?
'ઇન્ડિયન સેઇલિંગ વેસેલ્સ ઍસોસિયેશન'ના જનરલ સેક્રેટરી આદમ ભાયાનો દાવો છે કે 'અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1' અમેરિકા-ઇઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધનો ભોગ બનનાર 'પ્રથમ ભારતીય વહાણ' છે.
સુલેમાનભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અમેરિકા-ઈરાન વચ્ચે એપ્રિલના પહેલા અઠવાડિયામાં યુદ્ધવિરામ થતાં તેમણે જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર લઇ જવાનું જોખમ ખેડ્યું હતું."
સુલેમાનભાઈએ કહ્યું કે, "અલ ફૈઝ નૂર-એ-સુલેમાનીએ દુબઈ પૉર્ટમાંથી યમન તરફની મુસાફરી 7 મે ના રોજ ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે અંદાજે એક વાગ્યે શરૂ કરી હતી."
તેમણે કહ્યું હતું કે, "આશરે બારેક કલાકની મુસાફરી બાદ વહાણ હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશી ગયું હતું. અમારા વહાણનું ટ્રાન્સ્પોન્ડર ચાલુ હતું, જેથી નજીકનાં વહાણો અને કાંઠા પરની એજન્સીઓને ખબર પડે કે આ કયા દેશનું વહાણ છે. અમારા વહાણ પર ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો હતો, જેથી એજન્સીઓને દૂરથી જ ખબર પડી જાય કે આ ભારતીય વહાણ છે."
"આ ઉપરાંત અમારા જહાજ પર કેવો માલ-સામાન ભરેલો હતો તેની માહિતી આપતી લાઇટો પણ ચાલુ હતી. તેમ છતાં 8 મેએ રાત્રે આશરે એક વાગ્યે અમારા જહાજના ઓમાન કાંઠા તરફના પડખામાં હુમલો થયો. હુમલા પહેલાં અમારા જહાજને કોઈએ કોઈ પણ પ્રકારની ચેતવણી આપી ન હતી,"સુલેમાનભાઈએ જણાવ્યું.
સુલેમાનભાઈએ દાવો કર્યો કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 પર હુમલો થયો ત્યારે તેની નજીકમાં અમેરિકાના નૌકાદળનું એક યુદ્ધજહાજ હતું.
અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 પર કથિત હુમલા સમયે તેની નજીક અમેરિકાના નૌકાદળનાં કોઈ યુદ્ધજહાજની હાજરી કહેતી કે નહીં તે બાબતની બીબીસી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન