કેબીસી માટે 'હા' પાડતાં પહેલાં અમિતાભે કેમ કહ્યું, 'હા, હું સાઇન કરીશ, પણ…'

    • લેેખક, યાસિર ઉસ્માન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 11 મિનિટ

આજથી 25 વર્ષ પહેલાં ભારતમાં ટીવી પર એક સવાલ ગૂંજ્યો હતો – 'કૌન બનેગા કરોડપતિ'. અને એ અવાજે ભારતીય ટીવીની તસવીર હંમેશ માટે બદલી નાખી.

ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'એ સિલ્વર જૂબિલી પૂરી કરી લીધી. 25 વર્ષથી પતાકા ફરકાવતો એક એવો શો, જેણે માત્ર સવાલ ન પૂછ્યા, પરંતુ કરોડો લોકોને સપનાં પણ બતાવ્યાં.

આ સપનું લોકોને સમજાવતું હતું કે હિંમત અને જ્ઞાનના જોરે જીવન બદલી શકાય છે. પરંતુ આ માત્ર દર્શકોનાં સપનાંની કહાની નથી, આ એ વળાંકની કહાની પણ છે જ્યારે એક સુપરસ્ટારનો સૂરજ આથમી રહ્યો હતો અને એક ટીવી ચૅનલ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હતી.

આ જ સમયે બંનેનાં નસીબ એકબીજાં સાથે અથડાયાં અને સદાને માટે બદલાઈ ગયાં.

25 વર્ષ પહેલાં એવું શું થયું હતું?

25 વર્ષ પહેલાં એવું શું થયું હતું, જેણે ભારતીય ટેલિવિઝન અને અમિતાભ બચ્ચન, બંનેનો સમય બદલી નાખ્યો? તેનો ઉલ્લેખ કરતાં પહેલાં એપ્રિલ 1997ની એક સાંજની વાત...

જયપુરના સિનેમા હૉલ 'રાજમંદિર'માં અમિતાભ બચ્ચનની મહત્ત્વાકાંક્ષી કમબૅક ફિલ્મ 'મૃત્યુદાતા'નો પ્રીમિયર શો હતો. પાંચ વર્ષ પછી અમિતાભ બચ્ચન ઍક્શન ફિલ્મની સાથે મોટા પરદે પાછા આવી રહ્યા હતા. આ ફિલ્મનું નિર્માણ તેમની કંપની 'એબીસીએલ'એ જ કર્યું હતું.

પરંતુ ખુદ અમિતાભ બચ્ચનનાં પત્ની જયા બચ્ચનને જ આ ફિલ્મ એટલી બકવાસ લાગી કે તેઓ અડધી ફિલ્મ પછી ઊઠીને બહાર નીકળી ગયાં. પછીના બે દિવસમાં જ 'મૃત્યુદાતા'નો બૉક્સ ઑફિસ પર મૃત્યુઘંટ વાગી ગયો.

સુપરસ્ટાર તરીકે અમિતાભ બચ્ચનનો સૂરજ 90ના દાયકામાં ઢળવા લાગ્યો હતો. તેમની 'ગંગા જમુના સરસ્વતી', 'તુફાન', 'જાદૂગર' અને 'મૈં આઝાદ હૂં' જેવી મોટી ફિલ્મો ખરાબ રીતે નિષ્ફળ થઈ ગઈ હતી. પછી 'આજ કા અર્જુન' અને 'હમ'થી કંઈક અંશે વાપસી થઈ.

પરંતુ, 'અજૂબા', 'ઇંદ્રજીત', 'અકેલા', 'અગ્નિપથ', 'ખુદા ગવાહ' જેવી ફિલ્મો પડી ભાંગી(ને દર્શકોએ જાકોરો આપ્યો) અને સ્પષ્ટ થઈ ગયું કે એક હીરો તરીકે અમિતાભ બચ્ચનનું સુપરસ્ટારડમ આથમી ચૂક્યું છે.

ત્યાર પછી અમિતાભે થોડા સમય માટે ફિલ્મોમાંથી વિરામ લીધો હતો અને 'એબીસીએલ' (અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ) નામની કંપની શરૂ કરી, જેણે ફિલ્મોથી લઈને મ્યૂઝિક અને ઇવેન્ટ મૅનેજમેન્ટના ક્ષેત્રમાં ઝંપલાવ્યું.

'મૃત્યુદાતા' એબીસીએલ અને અમિતાભ બચ્ચનની બરબાદીની શરૂઆત હતી. પછીનાં બે વર્ષમાં મિસ વર્લ્ડ ઇવેન્ટથી લઈને ફિલ્મ પ્રોડક્શન સુધીનાં એબીસીએલના લગભગ બધા પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા.

સ્થિતિ એટલી બગડી ગઈ કે અમિતાભ બચ્ચન દેવાદાર થવાની સ્થિતિએ પહોંચી ગયા.

હીરો તરીકે અમિતાભ બચ્ચનની 'લાલ બાદશાહ', 'સૂર્યવંશમ' અને 'કોહરામ' જેવી ફિલ્મો બિલકુલ ન ચાલી.

એ સમયે અમિતાભના પુનરાગમનની કશી આશા દેખાતી નહોતી. પરદો, માનો ને કે પડી ચૂક્યો હતો.

બરાબર એ જ સમયમાં, લગભગ અમિતાભ બચ્ચનની જેમ જ, ટીવી નેટવર્ક સ્ટાર ઇન્ડિયા પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહ્યું હતું.

ભારતીય મનોરંજનજગતમાં સેટેલાઇટ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી. કેબલ ટીવી દ્વારા ઝી અને સોની જેવી નેટવર્ક ચૅનલ પોતપોતાના દર્શકો બનાવી ચૂકી હતી. પરંતુ સ્ટાર ટીવીની ઓળખ જરા જુદી હતી.

તે એક એવી ચૅનલ મનાતી હતી, જે અંગ્રેજી બોલનારા શહેરી, ભદ્ર દર્શકો માટે હતી. સામાન્ય ભારતીય દર્શકથી તે દૂર હતી. બિઝનેસની દૃષ્ટિએ તેનું પરિણામ ખૂબ જ ખરાબ હતું.

એડ રેવન્યૂમાં સ્ટાર સોની અને ઝી પછી ત્રીજા નંબરે હતી. 'ટૉપ 10' ટીવી શોઝમાં ઝી ટીવીના નવ શો હતો, સોનીનો એક અને સ્ટારનો એક પણ નહીં. મતબલ કે 'સ્ટાર' ગેમમાં હતી જ નહીં.

કરો યા મરોની આ સ્થિતિમાં સ્ટારના પ્રોગ્રામિંગ હેડ સમીર નાયર અને સીઇઓ પીટર મુખર્જીએ મોટો દાવ રમવાનો નિર્ણય કર્યો. તેમણે દુનિયાના 26 દેશોમાં સફળતાનો પરચમ લહેરાવનાર ગેમ શો 'હૂ વૉન્ટ્સ ટૂ બી એ મિલિયનર'ને હિંદીમાં લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો.

સીમર નાયરના મનમાં તેના હોસ્ટ તરીકે બસ એક જ નામ હતું – હિંદીના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન.

અમિતાભ બચ્ચનની અવઢવની સ્થિતિ

અમિતાભ બચ્ચનની ફિલ્મો ભલે ચાલતી નહોતી, પરંતુ હિંદુસ્તાનમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી લોકો હજુ પણ તેમને સુપરસ્ટાર તરીકે જ ઓળખતા હતા.

સવાલ એ હતો કે શું 'લાર્જર ધેન લાઇફ' અમિતાભ બચ્ચન નાના પરદે આવવા તૈયાર થશે?

વર્ષ 2000 એટલે કે નવી સદી શરૂ જ થઈ હતી, ત્યારે જ, જાન્યુઆરીના એક દિવસે સમીર નાયર અંગ્રેજી શો 'હૂ વૉન્ટ્સ ટૂ બી અ મિલિયનર'ની વીડિયો ટેપ લઈને અમિતાભના બંગલા 'જલસા'એ પહોંચી ગયા.

અમિતાભ આ ઑફરથી આશ્ચર્ય પામ્યા અને પછી વિચારમાં પડી ગયા.

તેમનું માનવું હતું કે તેઓ એક ઍક્ટર છે, ટીવી શો હોસ્ટ નહીં. સમીરે કહ્યું કે કમ સે કમ એક વાર એ શો જોઈ તો લો.

બચ્ચન પરિવાર આ વાત સાથે બિલકુલ સહમત નહોતો. નાના પરદા પર જવું અમિતાભના વ્યક્તિત્વ વિરુદ્ધ લાગતું હતું.

ઘણી બધી બેઠકોની વાતચીત છતાં અમિતાભ બચ્ચન નક્કી નહોતા કરી શકતા કે તેઓ આ પગલું ભરશે કે નહીં?

'હા, હું સાઇન કરીશ, પરંતુ પહેલાં…'

લેખિકા વનીતા કોહલી ખાંડેકરે તેમના પુસ્તક 'ધ મેકિંગ ઑફ સ્ટાર ઇન્ડિયા'માં આ રસપ્રદ કિસ્સો નોંધ્યો છે.

આ પુસ્તક અનુસાર, "જ્યારે નાના પરદે આવવા માટે અમિતાભ બચ્ચનની અવઢવ દૂર ન થઈ ત્યારે તેમને વિશ્વાસ કરાવવા માટે સમીર નાયક, સિદ્ધાર્થ બસુ અને સ્ટારની ટીમ તેમને લંડન લઈ ગઈ."

"ત્યાં એલ્સ્ટ્રી સ્ટુડિયોઝમાં 'હૂ વૉન્ટ્સ ટૂ બી એ મિલયનર'ના સેટ પર એક આખો દિવસ વિતાવવામાં આવ્યો."

અમિતાભ બચ્ચને જોયું કે શોના હોસ્ટ ક્રિસ ટૅરન્ટ સ્ટુડિયોમાં કઈ રીતે દર્શકો સાથે સંવાદ કરતા હતા; સેટની ભવ્યતા, એકસાથે ઘણા કૅમેરાની મૂવમેન્ટ અને સૌથી મહત્ત્વની વાત શોના રોમાંચમાં દર્શકોની ભાગીદારી કઈ રીતે દરેક પળને ખાસ બનાવતી હતી.

લાઇટ્સનો ઝગમગાટ, મ્યૂઝિકની ધબક અને દરેક જવાબની સાથે વધતો તણાવ.

ત્યાંના વાતાવરણને જોઈને અમિતાભ બચ્ચનને કદાય અહેસાસ થયો કે કઈ રીતે એક ટીવી શોમાં પણ સિનેમૅટિક સ્કેલ અને ડ્રામા રચી શકાય છે અને કઈ રીતે દર્શકો તેમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ જાય છે.

ત્યાર પછીનાં વર્ષોમાં કેબીસીનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સિદ્ધાર્થ બસુએ એ ક્ષણોને યાદ કરતાં જણાવ્યું કે એ બધું જોયા પછી અમિતાભ થોડાક સમય માટે ચૂપ થઈ ગયા.

"પછી તેઓ સમીર નાયર તરફ ફર્યા અને ગંભીર સ્વરે પૂછ્યું, 'શું તમે શોને બિલકુલ આ અંગ્રેજોની જેમ જ બનાવી શકો છો?'"

સમીર નાયરે સિદ્ધાર્થ બસુ તરફ જોયું. બસુ જાણતા હતા કે ભારતમાં તેમણે ખૂબ જ સીમિત સંસાધનોમાં પણ મોટા અને જટિલ શો તૈયાર કર્યા છે.

તેમનો જવાબ સ્પષ્ટ હતો – "જો યોગ્ય સંસાધન મળે, તો કેમ નહીં? અમે આ કરી શકીએ છીએ."

આ જ પળથી 'કૌન બનેગા કરોડપતિ'નો પાયો ધીમે-ધીમે પાકો થવા લાગ્યો.

લગભગ ત્રણ મહિનાની મુલાકાતો પછી અમિતાભ બચ્ચને ઐતિહાસિક પગલું ભર્યું અને ટીવીની દુનિયામાં પોતાનો પહેલો કૉન્ટ્રૅક્ટ સાઇન કરી દીધો.

શોનું નામ પહેલાં 'કૌન બનેગા લખપતિ' હતું

શરૂઆતમાં અંગ્રેજીના મૂળ શોના આધારે હિંદીમાં તેનું નામ 'કૌન બનેગા લખપતિ' અપાયું હતું. મૂળ શોની જેમ જ તે અડધા કલાકનો સાપ્તાહિક શો થવાનો હતો.

પરંતુ મહાનાયક અમિતાભ બચ્ચન આવ્યા પછી સ્ટાર માટે આ શોની બાજી હવે વધારે મોટી થઈ ગઈ હતી.

સ્ટારના માલિક રુપર્ટ મર્ડોક ભારત આવ્યા અને ઇનામની રકમ વધારીને એક કરોડ રૂપિયા કરી દીધી, જે એ સમય સુધીમાં ભારતીય ટેલિવિઝનમાં સૌથી મોટી ઇનામી રકમ હતી.

આ રીતે 'કૌન બનેગા લખપતિ' 'કૌન બનેગા કરોડપતિ' બની ગયો. એવું પણ નક્કી થયું કે શો અડધા કલાકના બદલે એક કલાકનો હશે.

સાથે જ અઠવાડિયાના એક દિવસના બદલે એક સપ્તાહમાં ચાર દિવસ પ્રસારિત કરવામાં આવશે અને તે પણ પ્રાઇમ ટાઇમમાં.

લંડનના બુશ સ્ટુડિયોમાં શૂટ થયો કેબીસીનો પહેલો પ્રોમો

માર્ચ 2000માં લંડનના શેફર્ડ્સ બુશ સ્ટુડિયોઝમાં આ ભવ્ય શોનો પહેલો પ્રોમો શૂટ થયો અને અમિતાભ બચ્ચન પહેલી વાર હૉટ સીટ પર બેઠા.

આ પ્રોમોને સિદ્ધાર્થ બસુએ દિગ્દર્શિત કર્યો હતો. 25 વર્ષ પૂરાં થવાના પ્રસંગે એ પળોને યાદ કરતાં બસુએ ટ્વિટ કર્યું.

તેમણે જણાવ્યું કે આ પ્રોમોની લાઇનો ખુદ અમિતાભ બચ્ચને જ લખી હતી અને બસુ માટે બચ્ચન હંમેશાં 'કેબીસીના એબીસી રહેશે'.

આ પ્રોમોમાં પોતાના રણકદાર અવાજમાં અમિતાભ બચ્ચન કહે છે – "મૈં યહાં, આપ વહાં. હમ દોનોં કે બીચ પંદ્રહ સવાલ ઔર આપ બન સકતે હોં કરોડપતિ."

પ્રોમો જોઈને લોકોને અંદાજ તો આવી ગયો હતો કે ભારતીય ટેલિવિઝન પર કશુંક ક્રાંતિકારી થવા જઈ રહ્યું છે.

મુંબઈના ફિલ્મ સિટીમાં ભવ્ય સેટ બનાવવામાં આવ્યો

ફિલ્મ સિટી સ્ટુડિયોમાં તૈયાર કરાયેલો કેબીસીનો સેટ એ સમયે ભારતીય ટીવીનો સૌથી મોંઘો સેટ હતો.

અમિતાભ બચ્ચન રિહર્સલમાં વ્યસ્ત થઈ ગયા હતા.

પ્રોમોમાં તો અમિતાભે પોતે વિચારીને લાઇનો બોલી નાખી હતી, પરંતુ શોમાં શું બોલશે? કઈ શૈલી અપનાવશે જે દેશભરના દર્શકો સાથે કનેક્ટ થઈ શકે?

તેના માટે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લેખકોને બોલાવીને લખાવવામાં આવ્યું. દેશના કેટલાક વરિષ્ઠ પત્રકારોએ આ શો લખવા માટે ઑડિશન આપ્યાં.

એ સમયે શેખર સુમનનો ટૉક શો 'મૂવર્સ ઍન્ડ શેકર્સ' ખૂબ ધૂમ મચાવી ચૂક્યો હતો.

તેના લેખક આરડી તૈલંગને અમિતાભ માટે લાઇનો લખવાનું મુશ્કેલ કામ સોંપવામાં આવ્યું.

શરૂઆતમાં તેઓ પણ તણાવમાં હતા અને અમિતાભ બચ્ચન પણ; પરંતુ, ઘણા દિવસોના રિહર્સલ પછી આખરે વાત જામી ગઈ.

ધીમે-ધીમે પંચ લાઇનો પણ બનવા લાગી. ખાસ કરીને 'કમ્પ્યૂટરજી', 'દેવિયોં ઔર સજ્જનોં' અને 'લૉક કર દિયા જાએ' તો સામાન્ય બોલચાલનો ભાગ બની ગયા.

જૂન 2000માં શોમાં ભાગ લેનાર માટે ચાર શહેરમાં 500 ફોન લાઇનો શરૂ કરી દેવામાં આવી. લગભગ 12 લાખ કૉલ રિસીવ થયા.

તેમાંથી કમ્પ્યૂટર કોઈ નિશ્ચિત ક્રમ વગર એટલે કે રેન્ડમલી 100 કૉલર્સની પસંદગી કરતું હતું, જેમને સવાલ-જવાબ પૂછીને 10 સ્પર્ધકોને શૉર્ટલિસ્ટ કરવામાં આવતા હતા.

પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે અમિતાભ બચ્ચન પહેલો એપિસોડ શૂટ કરવા માટે ફિલ્મ સિટી પહોંચ્યા.

પહેલા શૂટિંગમાં જ મુશ્કેલીઓ

વનીતા કોહલી ખાંડેકરના પુસ્તક 'ધ મેકિંગ ઑફ સ્ટાર ઇન્ડિયા' અનુસાર, શૂટિંગ માટે અમિતાભ જેવા ફ્લોર પર દાખલ થયા ત્યારે જ લાઇટ ગઈ. ખબર પડી કે મુંબઈના ઘણા વિસ્તારોમાં તકનીકી ખામીના કારણે વીજળી ગુલ છે. પછી ત્રણ કલાક રાહ જોયા પછી શૂટિંગ રદ કરવું પડ્યું.

અમિતાભ બચ્ચને વિચાર્યું કે આ તો શોની પહેલાં જ અપશુકન થઈ ગયું. જોકે, ત્યાર પછી કોઈ પણ પરેશાની વગર એપિસોડનું શૂટિંગ પૂરું થયું.

આ શોની પહેલાં સુધી ભારતીય એન્ટરટેઇનમેન્ટ ચૅનલ્સ પર પ્રાઇમ ટાઇમ એટલે કે રાતનો 9 વાગ્યાનો સ્લૉટ ફિક્શન શો માટે જ રિઝર્વ રહેતો હતો.

કેબીસી આ ખ્યાલને તોડનાર પહેલો મોટો પ્રાઇમ ટાઇમ નૉનફિક્શન શો બનવાનો હતો. તેની સામે ઝી અને સોનીના અત્યંત સફળ શો હતા.

આખરે 3 જુલાઈ 2000ની રાત્રે 9 વાગ્યે અમિતાભ બચ્ચનના જાણીતા દમદાર અવાજે દેશભરમાં એલાન કર્યું – નમસ્કાર, હું અમિતાભ બચ્ચન બોલું છું અને તમે જોઈ રહ્યા છો કૌન બનેગા કરોડપતિ.

તે રાત્રે રસ્તા ઉપર સન્નાટો હતો, પરંતુ દરેક ઘરનો ડ્રૉઇંગ રૂમ ઝળહળી ઊઠ્યો હતો.

સૌથી મોટા સુપરસ્ટાર જાણે દરેક દેશવાસીને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા.

તેમની તાજેતરની બધી ફ્લૉપ ફિલ્મો ભૂલીને લોકો મટકું માર્યા વગર ટીવી ઉપર નજર ટાંપીને બેઠા હતા.

અમિતાભ બચ્ચને નાના પડદાને મોટો બનાવી દીધો

જે રીતે તે દરેક વર્ગના દર્શકોની સાથે જોડાયેલો હતો તેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

એક મહિનામાં જ કેબીસી માત્ર એક ક્વિઝ શોથી ઘણો આગળ વધી ગયો હતો. દરેક સવાલની સાથે એક સપનું જોડાયેલું હતું અને દરેક જવાબમાં કોઈનું ભવિષ્ય છુપાયેલું હતું.

કેબીસી, આશાઓની ઉડાન અને નિરાશાના થાકની માનવીય લાગણીની કહાની બની ગયો હતો.

એક બીજુ કેબીસીનો યાદગાર પ્રોમો હતો. જેમાં અમિતાભ બચ્ચનના અવાજમાં માત્ર એટલું જ સંભળાતું હતું – "નૌ બજ ગયે ક્યા?"

તેની એક અસર એ પણ થઈ હતી કે સિનેમાઘરોમાં 9 વાગ્યાના નાઇટ શો ખાલી રહેવા લાગ્યા હતા. કેબીસીનો જાદુ ધીમે-ધીમે વધ્યો હતો.

તે સમયના ટૉપ ટીવી શો હતા – ઝી ટીવીના 'અમાનત' અને 'હસરતેં'. ત્યાર પછી ત્રીજા નંબરે હતો સોની ટીવીનો 'દાસ્તાન'.

આ ત્રણેય ફિક્શન શોનું ટીવી રેટિંગ 9થી 15ની વચ્ચે રહેતું હતું, જ્યારે પહેલા જ અઠવાડિયામાં કેબીસીનું રેટિંગ 10 હતું.

પછી એક મહિનામાં જ રાતના 9 વાગ્યાના સ્લૉટમાં બધાને પછાડીને કેબીસી 18ના રેટિંગ સાથે પ્રથમ ક્રમે હતો.

અમિતાભ બચ્ચન અને સ્ટાર ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો હતો. પરંતુ એનાથી પણ મોટી વાત એ હતી કે અમિતાભ બચ્ચને જબરજસ્ત કમબૅક કરીને નાના પડદાને મોટો બનાવી દીધો હતો.

ડિસેમ્બર 2021માં કેબીસીના એક હજારમા એપિસોડમાં ભાવુક થતાં અમિતાભે એ સમયને યાદ કર્યો હતો, "આ શો વર્ષ 2000માં શરૂ થયો હતો. તે સમયે મને કોઈ આઇડિયા નહોતો. લોકો કહેતા હતા, મોટા પડદા પરથી નાના પડદા પર જવાથી મારી ઇમેજ બગડી જશે."

"પરંતુ મારી સ્થિતિ એવી હતી કે મને ફિલ્મોમાં કામ નહોતું મળતું. પરંતુ શોના પ્રીમિયર પછી જે રીતનાં રિઍક્શન મને મળ્યાં, તેનાથી મને અહેસાસ થઈ ગયો કે મારી દુનિયા બદલાઈ ચૂકી છે."

આ જ વર્ષે ફિલ્મ 'મોહબ્બતેં' દ્વારા અમિતાભ ફિલ્મોમાં પણ જોરદાર રીતે પાછા ફર્યા.

એબીસીએલનું દેવું ધીમે-ધીમે ચૂકવી દેવામાં આવ્યું. કેબીસીએ અમિતાભ બચ્ચનનો સમય બદલી નાખ્યો હતો.

ઝી ટીવી કેબીસીની નકલ કરતો શો લાવી હતી

કેબીસીની અનન્ય સફળતાએ ટેલિવિઝનની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. તેનાથી નંબર વન ચૅનલ ઝી ટીવી હલબલી ગયું હતું. કેબીસીના જવાબમાં ઝીએ ઉતાવળે ઑક્ટોબર 2000માં એક નવો શો લૉન્ચ કર્યો, જેનું નામ હતું 'સવાલ દસ કરોડ કા'.

આ શોના હોસ્ટ હતા અનુપમ ખેર અને મનીષા કોઈરાલા અને ઇનામની રકમ હતી કેબીસી કરતાં 10 ગણી વધુ. પરંતુ જેટલું મોટું ઇનામ, એટલી જ મોટી આશા. પરંતુ અફસોસ કે તેને એટલી જ મોટી નિષ્ફળતા મળી.

ન સેટમાં એ ચમક હતી, ન સવાલમાં એ પડઘો; અને સૌથી મોટી વાત – અમિતાભ બચ્ચન જેવો જાદુ બિલકુલ નહોતો.

પરિણામ એ આવ્યું કે 'સવાલ દસ કરોડ કા' પહેલા જ એપિસોડથી દર્શકોની નજરમાંથી ઊતરી ગયો અને ટીવી ઇતિહાસમાં એક ફ્લૉપ શો બની ગયો.

શાહરુખ ખાનનું કેબીસી

'કૌન બનેગા કરોડપતિ'ની ઓળખ એક જ ચહેરા સાથે જોડાયેલી છે – અમિતાભ બચ્ચન. શોની બધી સીઝન તેમણે જ હોસ્ટ કરી છે, સિવાય કે એક.

વર્ષ 2007માં જ્યારે ત્રીજી સીઝન આવી, ત્યારે અમિતાભ બચ્ચનની ખરાબ તબિયતના કારણે સ્ટાર પ્લસની ઑફર નકારી દીધી.

તેમની જગ્યા બોલીવૂડના નવા સુપરસ્ટાર શાહરુખ ખાને લીધી. શાહરુખ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતા, ફૅન્સના માનીતા.

પરંતુ, જેવી તેમણે કેબીસીની કમાન સંભાળી, ટીઆરપીનો ગ્રાફ નીચે જવા લાગ્યો.

નિર્માતાઓને પણ અહેસાસ થયો કે કેબીસીની ઓળખ અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ સાથે જોડાઈ ચૂકી હતી.

તે સમયે મીડિયામાં શાહરુખ અને અમિતાભના 'કોલ્ડ વૉર'ના સમાચારો ખૂબ છપાયા હતા, પરંતુ બંનેએ આ મુદ્દે મૌન જાળવી રાખ્યું.

વર્ષ 2008માં સોની ટીવીએ આ શોના રાઇટ્સ મેળવી લીધા. વર્ષ 2010માં કેબીસીની ચોથી સીઝન અમિતાભ બચ્ચનની સાથે સોની ટીવી પર આવી.

ત્યારથી લઈને અત્યાર સુધી આ શો સોની ટીવી પર છે અને અમિતાભ બચ્ચનની સાથે જ જોડાયેલો છે.

કેબીસીમાં ઘણા કરોડપતિ બન્યા

પહેલી સીઝનમાં એક કરોડનું ઇનામ જીતનાર હર્ષવર્ધન નવાથે તે સમયે છાપાંનાં મથાળાંઓમાં હતા.

ત્યાર પછી કેબીસીમાં અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકો એક કરોડ જીતી ચૂક્યા છે. પાછળથી ઇનામની રકમ વધારીને સાત કરોડ કરી દેવામાં આવી.

જોકે, મોટા ભાગના સ્પર્ધકો સાત કરોડના જૅકપૉટ સવાલનો જવાબ આપતાં અટકી જાય છે અને આટલી મોટી રકમ હારવાની જગ્યાએ શોને ક્વિટ કરવાનો નિર્ણય લે છે. પરંતુ સીઝન 8માં (વર્ષ 2014) અચિન અને સાર્થક નરૂલા સાત કરોડ રૂપિયા જીતનાર પહેલા સ્પર્ધક બન્યા. તેમના સિવાય અત્યાર સુધીમાં કોઈ આટલી રકમ નથી જીતી શક્યા.

જોકે કેબીસીની સફર સતત ચાલુ છે.

82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનના ગૂંજતા અવાજ સાથે આ 'જ્ઞાનનો રજત મહોત્સવ' સફળ છે.

17મી સીઝનમાં એક વાર ફરીથી આ શો ખાસ શુભેચ્છાઓ "આદાબ, આદર, અભિનંદન, આભાર" સાથે આવવા માટે તૈયાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન