ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ-આપને કેવો ફાયદો થયો અને હવે કેવા પડકારો છે?

ઇમેજ સ્રોત, ANI/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે કુલ 9,992 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર વિજય હાંસલ કરીને રાજ્યમાં તમામ મહાનગરપાલિકા, મોટા ભાગની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પર પોતાનું શાસન ભારે બહુમતીથી સુનિશ્ચિત કર્યું છે.
કૉંગ્રેસનો વોટ શૅર ગત ચૂંટણી કરતાં વધ્યો છે અને ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે પોતાને પ્રસ્થાપિત કરી ચૂકેલી આમ આદમી પાર્ટીનો વોટ શૅર ઘટ્યો છે.
ભારતમાં ઘણા બીજા પ્રદેશોની માફક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ કરવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે, બીબીસી ગુજરાતીએ આ ચૂંટણીનાં પરિણામોની રાજ્યમાં વર્ષ 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પર કેવી અસર થશે એ અંગે જાણવા માટે કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોની વિધાનસભાની ચૂંટણી પર કેવી અસર કરશે?

ઇમેજ સ્રોત, Nitin Patel/FB
રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોની છણાવટ કરતાં કહ્યું, "ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય બતાવે છે કે રાજ્યમાં ભાજપનો દબદબો જળવાયેલો રહ્યો છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અમુક જગ્યાએ જ કૉંગ્રેસ માંડ બે આંકડામાં પહોંચી છે, જયારે દક્ષિણ ગુજરાતમાં વર્ચસ્વ જમાવવા માંગતા આપને ભારે નુકસાન થયું છે."
તેઓ કહે છે કે, "સુરતમાં આપે પહેલેથી મનોવૈજ્ઞાનિક યુદ્ધ માટે પોતાના મેયર જાહેર કર્યા હતા, પણ એમને ગઈ ચૂંટણી કરતાં પણ ઓછી બેઠકો મળી છે. એટલે આપની સુરતથી સૌરાષ્ટ્રનાં ગામડાં સુધી પહોંચવાની અપેક્ષા ફળી નથી. બીજી તરફ આ ચૂંટણીમાં એક વાત ફલિત તો થાય છે કે કૉંગ્રેસ ભલે આદિવાસી, ઓબીસી અને દલિતની વાત કરે છે, પણ પાટીદાર મતદારોની ગુજરાતના રાજકારણમાં અવગણના ના કરી શકાય. સુરતમાં આ વખતની ચૂંટણી એનું પ્રતિબિંબ પડે છે."
"સુરતમાં 2021માં પટેલ આપ સાથે હતા, જેના કારણે આપને ફાયદો થયો હતો. એ સમયે અલ્પેશ કથીરિયા, ધર્મેશ માલવિયા જેવા પટેલ નેતાઓ એમની સાથે હતા, હવે એ નથી, તો એમની પાછલી ચૂંટણીમાં જે પકડ હતી એ ઘટી છે. બીજી તરફ, જે રીતે આપના ચૂંટાયેલા લોકો ભાજપમાં ગયા એ પછી મતદારોને એમના પર વિશ્વાસ ના રહ્યો હોય એવું લાગે છે, એટલે આપથી મોઢું ફેરવી લીધું છે."

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી કહે છે કે કૉંગ્રેસ માટે અત્યારે વોટ શૅર થોડો ભલે વધ્યો હોય, પણ સંગઠનની નબળાઈ એમના માટે મોટી મુશ્કેલી છે. ગામડાંમાં ભાજપ સામેનો આક્રોશનો કૉંગ્રેસ લાભ ઉઠાવી શકી નથી.
તેઓ કહે છે, "અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદ અને એની આસપાસના વિસ્તારમાં કૉંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે . આપ માટે સૌરાષ્ટ્રમાં જગ્યા બનવાની અપેક્ષા હતી, પણ આ ચૂંટણીનાં પરિણામો જોતાં આ ગણતરી ખાસ ફળી હોય એવું લાગતું નથી . બીજી તરફ, સાબરકાંઠા અને અરવલ્લીમાં આપે પ્રમાણસર સારું પ્રદર્શન કર્યું છે, પણ તેની પાસે સંગઠન નથી, એ એની મોટી મુશ્કેલી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"અલબત્ત, એમની સોશિયલ મીડિયાની ટીમ ઘણી મજબૂત છે, એ મતદારોના માનસ સુધી પહોંચી શક્યા છે. ઉત્તર ગુજરાતમાં એમનું અણધાર્યું પરિણામ આવ્યું છે. આ સંજોગોમાં આપ માટે ઉત્તર ગુજરાતમાં નવી આશાઓ ઊભી થઈ છે, પણ આ વલણ કેટલું જળવાઈ રહે છે એ એક સવાલ છે . સામેની બાજુએ, કૉંગ્રેસની મોટી ખામી એ છે કે એમની પાસે એક સમયે ડૉક્ટર સેલ, ઍડવોકેટ સેલ, યુવા સંગઠન અને યુનિયનનાં સંગઠનો જેવી મજબૂત ભગિની સંસ્થાઓ હતી, સહકારી ક્ષેત્રમાં એમનું મજબૂત વજન હતું , એ હવે એમની પાસે નથી , જેને ફરીથી બેઠા કરવાનો પ્રયાસ પણ નથી થઈ રહ્યો. આ વાત બતાવે છે કે કૉંગ્રેસ પોતાના જૂના સંગઠન પર લડવા માંગે છે, પણ એ એમની તાકત નથી."
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશયામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપ હાલ જે પ્રકારે જીત હાંસલ કરી છે એ અપેક્ષિત હતી, કારણ કે પહેલેથી 700 કરતાં વધુ બેઠકો પર પક્ષના ઉમેદવાર બિનહરીફ રહ્યા હતા. એટલે એમણે કૉંગ્રેસનું મનોબળ પહેલેથી તોડ્યું હતું, જયારે ચૂંટણીમાં સામા પક્ષનું મનોબળ તૂટ્યું હોય ત્યારે એમનો લડાયક જુસ્સો ઓછો થાય છે. આ સંજોગોમાં કેટલીક જગ્યા જેમ કે, અમદાવાદના ખાડિયા અને રાજકોટના જંગલેશ્વરમાં કૉગ્રેસને જીત મળી છે, પરંતુ આ બાબત ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હરાવવા માટે પૂરતી નથી, કારણ કે કૉંગ્રેસનો વોટ શૅર ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધેલો દેખાય પણ એ 2017ની વિધાનસભાની ચૂંટણીની માફક ભાજપને પડકારીને 99 બેઠકો સુધી સીમિત કરવા જેટલો પૂરતો નથી. એના માટે એમને સંગઠન મજબૂત કરવું પડશે."
શાહ પરિણામો અને પરિસ્થિતિઓનું પોતાનું વિશ્લેષણ આગળ રજૂ કરતાં કહે છે કે આ ચૂંટણીમાં આપ માટે ઊભરવાની તક હતી, પણ એમના આંતરિક વિખવાદો એમને નડી રહ્યા છે.
"આપમાંથી એમના ગણ્યાગાંઠ્યા નેતાઓ નારાજ થઈ રાજીનામું ધરી રહ્યા છે એ પણ એમના માટે મનોમંથનનો વિષય છે. ઉપરાંત આપની બીજા ક્રમની પાર્ટી બનવાની અપેક્ષાઓ અંગે વિચારીએ તો આપણે એ ન ભૂલવું જોઈએ કે આપ 5000 બેઠકો પર લડ્યો છે ત્યારે આંકડાકીય વોટ શૅર કાગળ પર વધુ દેખાય, પરંતુ એ કેટલાક પસંદગીના પૉકેટમાં છે, ભાજપને નવી મ્યુનિસિપાલિટી બનાવવાનું ફીલ ગુડ ફૅક્ટર ફળ્યું છે, આ જોતાં કૉંગ્રેસને જીત માટે સરળ રસ્તો નથી , પણ એ સંગઠનને મજબૂત કરે તો મોટી લડાઈ આપી શકશે."
શું કહે છે રાજકીય પક્ષો?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2021 કરતાં કૉંગ્રેસનો વોટ શૅર 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધ્યો છે, અલબત્ત ઉમેદવારો સામે ધાકધમકી, સત્તાના દુરુપયોગ પછી પણ પક્ષ મજબૂત બની રહ્યો છે.
"કૉંગ્રેસની વાત પર ઓબીસી, આદિવાસી, દલિત તથા લઘુમતીઓને ભરોસો બેસી રહ્યો છે, તેથી જોઈ શકાય છે કે ઓવૈસીની પાર્ટીએ કૉંગ્રેસના ઉમેદવારોને હરાવવા જે રણનીતિ અપનાવી હતી , એમાં કોઈ મતદારને ભરોસો નથી રહ્યો અને લઘુમતી મતદાતા પાછા કૉંગ્રેસ તરફ વળી રહ્યા છે. અમે આ વખતે અમદાવાદમાં લિટ્મસ ટેસ્ટ તરીકે સતત જીતેલા કેટલાક લોકોને ટિકિટ ન આપી, ભણેલા અને યુવા ઉમેદવારોને લડાવ્યા. એ અમારી વ્યૂહરચના હતી, જેમાં સફળતા મળી છે. એટલે 2027ની ચૂંટણીમાં અમે અમારી રીતે સોશિયલ ઍન્જિનિયરિંગ કરી ઉમેદવારો મૂકીશું, અલબત્ત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમારી ગણતરીઓ કરતાં પરિણામ વિપરીત છે, પણ એનો અમે અભ્યાસ કરી અમારી વ્યૂહરચના બનાવીશું."
બીજી તરફ, આપના પ્રવક્તા ડૉ. કારણ બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે 5000થી વધુ બેઠકો પર લડ્યા હતા , આ તમામ જગ્યાઓ પર આપ બીજા સ્થાને છે, આપનો વોટ શૅર ઘટ્યો નથી પણ આપ બીજા સ્થાને આવી ગઈ છે. આ બતાવે છે કે ગુજરાતમાં ભાજપના વિકલ્પ તરીકે મતદારો આપને જુએ છે."
ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કરે કહ્યું કે, "ભાજપનું મજબૂત સંગઠન અને છેવાડાના માણસ સુધી પહોંચવાની શક્તિ અને કાર્યકરોનું જોમ અમારી જીતનું મોટું કારણ છે. હાલનાં પરિણામોના ચૂંટણીપંચ કઈ બેઠક પર કેટલા મત છે એનો અંતિમ રિપોર્ટ મળ્યા પછી એનું અલગ રીતે ઍનાલિસિસ કરીશું, પણ હાલ અમને જે મતદાનનો ડેટા મળ્યો છે, એનું ઉપરછલ્લું ઍનાલિસિસ કરતાં એક વાત દેખાઈ રહી છે કે રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં 2022નાં પરિણામોનું પુનરાવર્તન થશે."
ભાજપ-કૉંગ્રેસ-આપના પ્રદર્શનના આંકડા પર એક નજર
- રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા પરિણામના આંકડા અનુસાર 15 મહાનગરપાલિકાના 261 વૉર્ડ પર 1001 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જે પૈકી 894 બેઠકો પર ભાજપ, 95 બેઠકો પર કૉંગ્રેસ અને છ બેઠકો પર આપની જીત થઈ હતી, જ્યારે એ સિવાયની બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવાર જીત્યા છે.
- 84 નગરપાલિકાના 656 વૉર્ડની કુલ 2,239 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જે પૈકી 1,618 પર ભાજપ, 447 પર કૉંગ્રેસ અને આપને 18 બેઠકો પર જીત મળી છે.
- 34 જિલ્લા પંચાયતોની કુલ 1038 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એ પૈકી 840 બેઠકો પર ભાજપ, 136 પર કૉંગ્રેસ અને 58 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
- 260 તાલુકા પંચાયતોની 3422 બેઠકો પર ભાજપ, 1050 બેઠકો પર કૉંગ્રેસ, 407 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.
- મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેઠકોની ચૂંટણીમાં કુલ મતદાન પૈકી ભાજપને 59.36 ટકા, કૉંગ્રેસને 26.46 ટક અને આમ આદમી પાર્ટીને 10.27 ટકા મત મળ્યા છે.
- નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને કુલ મતદાન પૈકી 52.51 ટકા, કૉંગ્રેસને 30.68 ટકા અને આપને 4.89 ટકા મત મળ્યા છે.
- જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 52.23 ટકા, કૉંગ્રેસને 33.7 ટકા અને આમ આદમી પાર્ટીને 12.4 ટકા મત મળ્યા છે.
- તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 51 ટકા, કૉંગ્રેસને 32.89 ટકા અને આમ આદમી પાર્ટીને 12.67 ટકા મત મળ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















