'વીર્ય અને શુક્રાણુનો ધમધમતો ધંધો', માતા બનવા ઇચ્છુક મહિલાઓનું કેવું શોષણ થાય છે?

- લેેખક, જેમા ડન્સ્ટન
- પદ, બીબીસી વેલ્સ ઇન્વેસ્ટિગેટ્સ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
માતા બનવા માટે ઉત્સુક મહિલાઓનું જાતીય શોષણ થઈ રહ્યું છે અને તેમને વીર્યનાં સસ્તાં, ગેરકાયદે નમૂના ઑફર કરવામાં આવી રહ્યા છે.
તેમાંથી જે કેટલીક મહિલાઓ ગર્ભધારણ માટેની સારવાર કરાવવામાં અસમર્થ હોય, તેઓ સોશિયલ મીડિયા સાઇટ્સ પર વિકલ્પો શોધી રહી છે, જેના કારણે એક મોટું અનિયમિત બજાર વિકસી રહ્યું છે. વળી, કેટલીક મહિલાઓ "સ્પર્મ માટે ટિન્ડર" જેવી વેબસાઇટ્સ તરફ પણ વળી રહી છે.
બીબીસી વેલ્સે તપાસના ભાગરૂપે પોતાની સેવાઓની જાહેરાત કરનારા એક પુરુષ પાસેથી બીજા દિવસે સૅમ્પલની ડિલીવરી મેળવવા 100 પાઉન્ડ ચૂકવ્યા હતા. આ ડિલીવરી તેણે ટોમેટો પ્યૂરીના થીજી ગયેલા કાર્ટનની સાથે મોકલી હતી.
બ્રિટનની ગર્ભધારણ માટેની નિયમનકર્તા સંસ્થાએ ચેતવણી આપી હતી કે, શિકારી ડૉનર્સ મહિલાઓને નિશાન બનાવે, એવું જોખમ છે.
તપાસના ભાગરૂપે, મારે એ જોવું હતું કે, ઓનલાઇન સ્પર્મ (વીર્ય) મેળવવું કેટલું સરળ છે અને આ સેવા ઑફર કરનારા પુરુષોની કમી નહોતી.
એક ઓનલાઇન જાહેરાતમાં મને કહેવામાં આવ્યું હતું કે, હું પોસ્ટ દ્વારા ડિલીવરી મેળવવા માટે જો ડૉનર નામના શખ્સ પર "વિશ્વાસ" મૂકી શકું છું.
તેઓ એક નામચીન ડૉનર છે, જે વિશ્વભરમાં શારીરિક સંબંધ અને કૃત્રિમ ગર્ભાધાન (આર્ટિફિશ્યલ ઇન્સેમીનેશન) થકી 180 બાળકોના પિતા હોવાનો દાવો કરે છે.
ભાગ્યે જ બનતી ઘટનામાં, કાર્ડિફમાં એક કેસ પછી ફેમિલી કોર્ટના ન્યાયાધીશે અનિયંત્રિત સ્પર્મ ડોનેશનનાં જોખમો સામે ચેતવવા માટે તે શખ્સનું નામ રૉબર્ટ એલ્બોન જાહેર કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે બનાવટી નામનો ઉપયોગ કરીને તેમનો સંપર્ક સાધ્યો હતો અને માત્ર થોડા ઇમેઇલ્સ અને ફોન પરની ટૂંકી વાતચીત પછી બીજા જ દિવસે તેમની પાસેથી સ્પર્મની ડિલીવરીની ગોઠવણ થઈ ગઈ હતી. તેમણે અમારી ઓળખની ખરાઈ ન કરી અને અમને તેમનો કોઈ હેલ્થ ચેક-અપ રિપોર્ટ પણ ન બતાવ્યો.
તેમણે અમારી પાસેથી 100 પાઉન્ડ રોકડા લીધા, જે ટપાલ મારફત મોકલવામાં આવ્યા હતા. તેના બદલામાં તેમણે સ્પર્મ ભરેલી એક સિરીન્જ મોકલી, જે આઇસ બ્લૉકની ગરજ સારતા ટોમેટો પ્યૂરીના બૉક્સ સાથે ઠંડી રાખવામાં આવી હતી.
સ્પર્મ મળ્યાના ચાર કલાક પછી લાઇસન્સ ધરાવતા એક ક્લિનિકે તે સેમ્પલ તપાસ્યું અને કહ્યું કે, તમામ સ્પર્મ સેલ્સ (શુક્રાણુઓ) મૃત હતા.
એલ્બોને અમને પૂછ્યું કે, અમે સ્પર્મનો સંગ્રહ અને તેનું પરિવહન કેવી રીતે કર્યું હતું. તેણે કહ્યું હતું કે, તેની ડિલીવરીની પ્રક્રિયામાં સામાન્યપણે ગર્ભધારણ માટે પૂરતા સ્પર્મ જીવિત રહેતા હોય છે અને આ રીતે તેમના દ્વારા "ઘણી સફળ ગર્ભાવસ્થાઓ" થઈ ચૂકી છે.
એલ્બોન અને તેમના જેવા સેંકડો પુરુષો સ્પર્મની શોધ કરી રહેલી મહિલાઓનો સંપર્ક સાધવા માટે ફેસબૂકનો ઉપયોગ કરતા હોય છે - અમુક ગ્રૂપ તો 40,000 જેટલા સભ્યો ધરાવે છે.
હું બ્લૅન્ક પ્રોફાઇલ રાખીને એક ડૉનર ગ્રૂપ સાથે જોડાઈ. મને મળેલા અમુક મૅસેજ સાચા લાગતા હતા, પણ ઘણા લોકોએ જાતીય સંબંધ બાંધવાની ઑફર કરી અથવા તો સેમ્પલ માટે પૈસા માગ્યા, અંગત તસવીરો માગી અને તેઓ ગોઠવણ કરવા માટે સતત મને મૅસેજ કરતા રહ્યા.

ઇમેજ સ્રોત, Fabulous
કેટલાક પુરુષો સતત જાતીય સંબંધ માટે દબાણ કરતા રહ્યા અને મને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા કે, તે સૌથી સસ્તો અને અસરકારક વિકલ્પ રહેશે.
મેં એક મહિલાની ચેતવણી જોઈ. તેણે કહ્યું હતું કે, તેણે નોર્થ વેલ્સમાં એક પુરુષ પાસેથી ડોનેશન મેળવ્યું હતું, પણ તે પુરુષ જાતીય ગુનાઓનો દોષિત હોવાની મહિલાને પછીથી જાણ થઈ હતી.
હ્યુમન ફર્ટિલાઇઝેશન ઍન્ડ એમ્બ્રિયોલૉજી ઑથોરિટી (એચએફઇએ)એ અનિયંત્રિત ડોનેશનને એચએફઇએ-લાઇસન્સ પ્રાપ્ત બહારનાં સ્થળોએ થતા ડોનેશન તરીકે સ્પષ્ટીકૃત કર્યું હતું અને ઉમેર્યું હતું કે, બ્રિટનમાં તે ફોજદારી અપરાધ છે.
સાઉથ વેલ્સનાં ટિયાના અને તેમનાં પત્ની નિક્કીએ અનિયંત્રિત ડોનેશનનો વિકલ્પ અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ એનએચએસ (સરકારી) ફંડિંગ મેળવવા માટે પાત્ર નહોતાં અને ખાનગી રાહે થતી સારવાર તેમને ઘણી મોંઘી લાગી હતી.
ટિયાનાએ કહ્યું હતું, "હું હંમેશાંથી જાણતી હતી કે, હું મા બનવા માગું છું. અમે જાણતાં હતાં કે, અમારા પરિવારમાં કંઈક ખૂટે છે."
તેમણે ઉમેર્યું હતું કે, તેઓ તેનાં જોખમોથી વાકેફ હતાં અને સંભવિત જૉનર તરફથી થતા કોઈ પણ દબાણ પ્રત્યે પણ સાવધ હતાં.
તેમણે કહ્યું હતું, "તમને વિચિત્ર લોકો પણ મળી જાય છે, જેઓ તદ્દન ખોટાં કારણોસર આમાં જોડાય છે."
"એક વેબસાઇટ છે, તે કેટેલોગ અને ટિન્ડરના મિશ્રણ જેવી છે. તમે તેમાં આંખનો રંગ, વાળનો રંગ ફિલ્ટર કરી શકો છો, જેથી તમે જે શોધો છો, તે જ તમને મળી શકે."
આ યુગલ કૃત્રિમ ગર્ભાધાન તરફ નજર દોડાવી રહ્યું હતું, પણ તેણે કહ્યું હતું કે, પુરુષો શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જાતીય સંબંધ બાંધવાનું જ સૂચન કરતા હતા.
"મને લાગે છે કે, હું અને મારી પત્ની એકબીજાંની સાથે હતાં, એ બાબત ઘણી મહત્ત્વની હતી, જેથી કોઈ અમારા પર એવું કામ કરવા માટે દબાણ કરી શકે તેમ નહોતું, જે અમે કરવા ન માગતાં હોઈએ. કારણ કે, જ્યારે તમારે એક બાળક જોઈતું હોય, ત્યારે તમે સાચે જ લાચાર સ્થિતિમાં આવી જાઓ છો."
ટિયાના અને નિક્કીને આખરે એક કો-પેરન્ટિંગ વેબસાઇટ પર એક એવા દાતા મળી ગયા, જે તેમને ભરોસાપાત્ર લાગ્યા. તેમણે એક કરાર તૈયાર કર્યો, જેથી તમામ પક્ષો સંપર્ક અને માતા-પિતાના અધિકારો અંગેના તેમના પ્લાનથી વાકેફ હોય.
પણ આ કરાર કાનૂની નથી
"હજુ પણ એવી શક્યતા છે કે, ભવિષ્યમાં તે આવીને અને વાલી હોવાના હક પર દાવો કરી શકે છે અને અમને અદાલતમાં લઈ જઈ શકે છે," એમ ટિયાનાએ સ્વીકાર્યું હતું.
"પણ મને લાગે છે કે, એવું ન થાય, એ માટે અમે તમામ શક્ય પ્રયાસો કર્યા છે અને મને સાચે જ લાગે છે કે, તે માણસ અમારી સાથે કદી એવું નહીં કરે."
અત્યારે તેમને એક વર્ષનો પુત્ર છે.
"અમે લાંબા સમયથી સંતાનની ખેવના કરી હતી. સ્વાભાવિકપણે જ, અમે જોખમ લીધું હતું, પણ તે સાર્થક ઠર્યું છે."

અનિયંત્રિત (અનરેગ્યુલેટેડ) ડૉનર્સ વિવિધ રીતે સેવાઓ ઑફર કરતા હોય છે, જેમાં મફતમાં શરીર સંબંધ બાંધવાથી માંડીને કૃત્રિમ ગર્ભાધાન માટે સમગ્ર વિશ્વમાં વિશ્વનાં જુદાં-જુદાં સ્થળોએ જવા માટે મુસાફરીનો ખર્ચ વસૂલવામાં આવતો હોય છે.
25 વર્ષના ડૅનિયલ બેયન અમેરિકામાં રહે છે, પણ કૃત્રિમ ગર્ભાધાન માટે ડોનેશન કરવા 2025ના ઊનાળામાં તેમણે બ્રિટનનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસને પગલે ચાર બાળકોનો જન્મ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીબીસીએ ત્રણ દિવસ ડૅનિયલ સાથે ફિલ્માંકન કર્યું હતું. ડૅનિયલ (ડૅન) ઓનલાઇન વીડિયોમાં એવો દાવો કરે છે કે, તેઓ "સૌથી વધુ ફી લેતા ડૉનર" છે અને "નફા માટે કામ નથી કરતા".
તેઓ કહે છે, "સેવા લેનારે માત્ર પ્રવાસ નહીં, બલ્કે મારા સ્વાસ્થ્ય અને મારા રહેવા-જમવાનો ખર્ચ ઊઠાવવામાં પણ મને મદદ કરવી પડે છે."
"વળી, કમ્યુનિકેશન, આરોગ્ય, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી, તેમાં માહિતી મૂકવી, શિક્ષણ આપવાનો ખર્ચ પણ સામેલ છે."
તેમણે બ્રિટનના ક્લાયન્ટ્સને માત્ર પ્રવાસનો ખર્ચ આપવા જ જણાવ્યું હતું, પણ અન્ય સ્થળોએ તેમને ડોનેશન બદલ 20,000 ડૉલર સુધીની ઑફર કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.
જ્યારે બીબીસીએ તેમને જણાવ્યું કે, તેઓ નાણાં ખર્ચવા માટે સક્ષમ હોય, તેવા લોકોનો ફાયદો ઉઠાવી રહ્યા છે, ત્યારે ડૅને કહ્યું: "બીજા લોકો શું વિચારે છે તેની મને પરવા નથી. હું બાળકો માટે અને હું જેમની સાથે કામ કરું છું, તે પરિવારો માટે શું શ્રેષ્ઠ છે, તેની પરવા કરું છું."
ડૅન પોતાને ઓપન ડૉનર ગણાવે છે અને બાળકો સમક્ષ તેમની ઓળખ છતી થાય, તેની સામે તેમને કોઈ વાંધો નથી. આ ઉપરાંત તેઓ તેમની જીવનશૈલી અને હેલ્થ ટેસ્ટનાં પરિણામોના વીડિયો પણ પોસ્ટ કરતા હોય છે, પણ તેઓ દરેક બાબતમાં એટલા "ઓપન" નથી.
તેમણે કહ્યું હતું, "એક ડૉનર તરીકે સ્વયંની સુરક્ષા માટે, તમારા નામે ઘણી સંપત્તિ ન હોવી જોઈએ. જેથી, કોઈ ઈચ્છે, તો પણ તમારા જીવનને અને તમારા પરિવારને બરબાદ ન કરી શકે."
"મને લાગે છે કે, તમારે તમારા આરોગ્ય અને તમારાં એસડીઆઇ સ્ક્રીનિંગ્ઝ વિશે ખોટું ન બોલવું જોઈએ. પણ તમે ક્યાં કામ કરો છો, તમે શું કરો છો, તમારું આખું નામ, સરનામું, વગેરે જેવી માહિતી તમે પૂરી ન પાડો, તો તેમાં કશો વાંધો નથી. આ માહિતી ન આપવા પાછળનું કારણ એ છે કે, જેથી તમારી સેવા લઈ ચૂકેલી કોઈ વ્યક્તિ તમારા પર દાવો ન માંડી શકે."
ડૅને દાવો કર્યો હતો કે, બ્રિટનમાં ડોનેટ કરતી વખતે તેમણે કાયદાનો ભંગ નહોતો કર્યો.

ઇમેજ સ્રોત, Daniel Bayen
બ્રિટનનાં લાઇસન્સ ધરાવતાં ક્લિનિકનું નિયમન એચએફઇએ દ્વારા કરવામાં આવે છે, જેણે તેમની વેબસાઇટ પર એક પેજ બનાવ્યું છે, જ્યાં લોકો કાયદા વિશે જાણકારી મેળવી શકે છે.
એચએફઇએએ કહ્યું હતું કે, તેણે ઘણા અનિયંત્રિત ડૉનર્સ વિશે પોલીસને જાણ કરી હતી.
તેણે જણાવ્યા પ્રમાણે, "એ જાણવું જરૂરી છે કે, નિયમન વિનાના ડૉનરનો ઉપયોગ કરવો એ ફોજદારી ગુનો નથી અને તમે કાયદો તોડી નથી રહ્યા, પરંતુ ડૉનર કે સ્પર્મ ઉપલબ્ધ કરાવવાની આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય લોકો ગંભીર ગુનો કરી રહ્યા હોઈ શકે છે."
એચએફઇ અધિનિયમ અનુસાર, "માનવી દ્વારા ઉપયોગમાં લેવાય, એ માટે અંડકોષ અથવા શુક્રાણુઓના ઉપયોગ, સંગ્રહ, પરીક્ષણ, પ્રોસેસિંગ અને તેના વિતરણની પ્રક્રિયા જો એચએફઇએનું સાઇસન્સ ધરાવતાં ક્લિનિક દ્વારા હાથ ધરવામાં ન આવે, તો તે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે."
એચએફઇએ ખાતે રણનીતિ અને કૉર્પોરેટ બાબતોનાં ડિરેક્ટર ક્લેર એટિંગહોસને કહ્યું હતું કે, એલ્બોન પાસેથી તેમને જે સ્પર્મની ડિલીવરી મળી હતી, તે "આઘાતજનક" હતી.
"કાયદો સ્પષ્ટ છે કે, એચએફઇએ પાસેથી લાઇસન્સ મેળવ્યા વગર સ્પર્મનું પ્રોસેસિંગ ન કરી શકાય, તેનું વિતરણ ન કરી શકાય પણ એલ્બોન સ્પર્મ મોકલીને આ પ્રવૃત્તિ આચરી રહ્યા છે."
તેના જવાબરૂપે, એલ્બોને કહ્યું હતું કે, તેમના પર આ નિયમો લાગુ પડતા નથી, કારણ કે, તેઓ જાણે છે ત્યાં સુધી, ખાનગી ડોનેશન્સ આપવાં (જેમાં તે માટે ચાર્જ વસૂલવાનો પણ સમાવેશ થાય છે) કાયદેસર છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમનાથી કોઈ મહિલાને "સીધું જોખમ" નહોતું.
એટિંગહોસેને કહ્યું હતું કે, ફેસબૂકની માલિકી ધરાવનારી સોશિયલ મીડિયા ફર્મ મેટા "કાયદો તોડવા માટેની સુવિધા પૂરી પાડી રહી હતી" - અને આ મુદ્દો તેમણે ગત માર્ચમાં બ્રિટિશ પાર્લામેન્ટની સિલેક્ટ કમિટિ સમક્ષ ઊઠાવ્યો હતો.
એચએફઇએએ જણાવ્યું હતું કે, તેણે આ મામલે મેટાનો સીધો સંપર્ક પણ સાધ્યો હતો, પણ એટિંગહોસેને ઉમેર્યું હતું કે, તેઓ એ "વાસ્તવિકતા"થી વાકેફ છે કે, આ પ્રકારનાં સોશ્યલ મીડિયા ગ્રૂપ્સને સદંતર બંધ કરી દેવાથી આ વ્યવસ્થા અન્ય કોઈ જગ્યાએ શરૂ થઈ જશે.
"સતત આરોગ્યલક્ષી ચેતવણીઓ આપતાં રહેવાથી અને ક્યાંથી મદદ મેળવવી અને સલામત સારવાર કેવી રીતે શોધવી, તે અંગેના વિકલ્પો આપતા રહેવાથી સમસ્યા ધરમૂળથી નાબૂદ નહીં થાય, પણ મદદ ચોક્કસ મળશે."
આ ઉપરાંત તેમણે વ્યક્તિગત સલામતીની ચિંતા પણ વ્યક્ત કરી હતી.
"આમાંના કેટલાક ડૉનર્સ કુદરતી ગર્ભાધાનની જાહેરાત જ કરતા હોય છે, જે અમુક કિસ્સાઓમાં મહિલાઓને તેમની ઈચ્છા ન હોય તો પણ તેમને શરીરસંબંધ બાંધવાની ફરજ પાડવા સમાન છે."
ફેસબૂકની પેરન્ટ કંપની મેટાએ કહ્યું હતું કે, તે "અમારી સાથે શૅર કરવામાં આવેલી કોઈપણ પોસ્ટ્સ કે ગ્રૂપ્સની સમીક્ષા કરશે અને અમારા નિયમોનો ભંગ કરતી સામગ્રીને દૂર કરશે."
તેણે ઉમેર્યું હતું, "અમે નિયમનકર્તાઓ માટે - આ નીતિઓનો ભંગ ન કરતી પણ સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરતી સામગ્રીને ફ્લૅગ (ચિહ્નિત) કરવાની એક સમર્પિત રિપોર્ટિંગ પ્રક્રિયા ધરાવીએ છીએ. આ મામલે અમે સંબંધિત સત્તાતંત્રોને સહકાર આપી રહ્યાં છીએ."
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું: "નિયમન વિનાનું સ્પર્મ ડોનેશન ઘણાં જોખમો ધરાવતું હોય છે અને તે લાચાર લોકોનું શોષણ કરી શકે છે. અમે નાગરિકોને આ જોખમો સમજવાની અને નિયમન ધરાવતા માર્ગોને અનુસરવાની સલાહ આપીએ છીએ.
"જો આ વિશે કોઈને ચિંતા હોય, તો અમે તેમને પોલીસને આ વિશે જાણ કરવા ઉત્તેજન આપીએ છીએ, જેથી અમે તેમને મદદ પૂરી પાડી શકીએ અને તપાસ હાથ ધરી શકીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















