અમદાવાદ પ્લેન ક્રૅશના ફાઇનલ રિપોર્ટ પહેલાં ઍર ઇન્ડિયાનું સંકટ વધુ ઘેરું બન્યું, ઍરલાઇન સામે કેવા પડકારો છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, ટાટા જૂથ, ઍર ઇન્ડિયા ઍરલાઇન્સ, અમદાવાદ પ્લેન ક્રૅશ

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં જૂન, 2025માં પ્લેનનો કાટમાળ દર્શાવતી તસવીર. ભારતીય અધિકારીઓ પ્લેન દુર્ઘટના પરનો તેમનો ફાઇનલ રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરી શકે છે, એવી અપેક્ષા છે
    • લેેખક, નિખિલ ઇનામદાર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

12મી જૂન, 2025ના રોજ લંડન જવા માટે રવાના થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171 અમદાવાદથી ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ દુર્ઘટનાનો ભોગ બની હતી જેમાં એક યાત્રી સિવાય ક્રૂના સભ્યો સહિત વિમાનમાં સવાર બધા જ મુસાફરોનું મોત થયું હતું.

ભારતનું ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી) -આ દુર્ઘટના અંગેનો અંતિમ અહેવાલ એકાદ મહિનાની અંદર રજૂ કરી શકે છે.

260 લોકોના જીવ લેનારી આ ભયાવહ દુર્ઘટના અંગેનાં તારણો આવે, તેની આખી દુનિયા રાહ જોઈ રહી છે, ત્યારે બીજી તરફ, એક પછી એક આવી રહેલા ગંભીર પડકારોએ ઍર ઇન્ડિયાનું સંકટ વધારી દીધું છે.

નેતૃત્વનો અભાવ, વધી રહેલી નાણાંકીય ખોટ, બંધ થઈ ગયેલી ઍર સ્પેસ અને મધ્ય પૂર્વીય ઈંધણની અછતે ઍરલાઇનના મહત્ત્વાકાંક્ષી પુનરુદ્ધાર સામે સવાલ ઊભો કરી દીધો છે.

તાજેતરમાં જ ઘણી ઘટનાઓને કારણે ઍરલાઇનના સલામતી અને કામકાજી ટ્રૅક રેકૉર્ડને લઈને પણ શંકા-કુશંકાઓ થઈ રહી છે.

માર્ચ, 2026માં પૂરા થયેલા વર્ષની ખોટ 2.4 અબજ ડૉલરે પહોંચી જતાં ગયા મહિને ઍર ઇન્ડિયાના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર કૅમ્પબેલ વિલ્સને મિડટર્મમાં રાજીનામું આપી દીધું હતું.

ઍર ઇન્ડિયા હાલમાં ટાટા ગ્રૂપની અંદર સૌથી વધુ ખોટ નોંધાવી રહેલી કંપની છે અને ટાટા બોર્ડ માટે તે સતત વધી રહેલી ચિંતાનો વિષય છે. ટાટા ગ્રૂપે 2022માં સરકાર પાસેથી આ બીમાર ઍરલાઇન હસ્તગત કરી હતી.

સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે, બોર્ડની બેઠક ગયા અઠવાડિયે યોજાઈ હતી, જેમાં તેણે ખર્ચ પર કાપને લગતાં ઘણાં પગલાં અંગે ચર્ચા કરી હોવાનું તેમજ સ્ટાફને "કપરા સમય"ની ચેતવણી આપી હોવાનું કહેવાય છે.

ગત એપ્રિલમાં મુંબઈ ખાતેના ગ્રૂપના હૅડક્વાર્ટરમાં સિંગાપોર ઍરલાઇન્સના સિનિયર આગેવાનના આગમનને પગલે સંકટથી ઘેરાયેલી ઍરલાઇનમાં કંપનીની સહભાગીતા વધવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સિંગાપોર ઍરલાઇન્સ ઍર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે.

ઍર ઇન્ડિયાએ કહ્યું હતું કે, તે બીબીસીના પ્રશ્નો પર ટિપ્પણી નહીં કરે, પણ હવાઈ ઉડ્ડયન નિષ્ણાતો કહે છે કે, વિલ્સનના જવાથી એવા સમયે ખાલીપો સર્જાયો છે, જ્યારે ઍરલાઇનને સાચો માર્ગ બતાવી શકે, તેવી વ્યક્તિની તાતી જરૂર છે.

ઍર ઇન્ડિયાના ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીતેન્દ્ર ભાર્ગવે બીબીસીને જણાવ્યું હતું, "અત્યારે તેમને સ્પષ્ટ વિઝનની જરૂર હતી. ઍર ઇન્ડિયાએ ખાનગીકરણ પછી સ્વયંનું પુનઃ નાવિન્યીકરણ કરવા માટે પાંચ વર્ષનો પ્લાન તૈયાર કર્યો હતો."

"પરંતુ, અત્યાર સુધીની સફર સુખદ ગણાવી શકાય નહીં. તેમના પ્લાન અને અમલીકરણની વચ્ચે ઘણું મોટું અંતર છે અને તે વધી રહ્યું છે."

ઍર ઇન્ડિયાની જટિલ બનતી જતી સમસ્યાઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, ટાટા જૂથ, ઍર ઇન્ડિયા ઍરલાઇન્સ, અમદાવાદ પ્લેન ક્રૅશ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર કેમ્પબેલ વિલ્સને મિડટર્મ રાજીનામું આપી દીધું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ પ્લેન હોનારતમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ઍરલાઇનની સમસ્યાઓને વધુ જટિલ બનાવનારાં આંતરિક અને બાહ્ય પરિબળો તરફ ભાર્ગવ ઇશારો કરે છે.

તેઓ કહે છે કે, ટાટા ગ્રૂપે આ જૂની ઍરલાઇન સાથે સંકળાયેલી સમસ્યાઓને ઓછી આંકી હતી અને વિલ્સન તેમના આગમન પછી પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા માટે પૂરતી ઝડપથી ટીમ ઊભી કરવામાં અસમર્થ નીવડ્યા હતા.

ઍર ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજમાં સુધારો થવાને બદલે, ઍરલાઇને ગયા વર્ષે કામકાજમાં ઘણી શરમજનક ખામીઓ અને સલામતીના ભંગ બદલ જવાબો આપવા પડ્યા હતા.

ગયા માર્ચ મહિનામાં દિલ્હીથી વૅનકુવર જતી તેની ફ્લાઇટને આશરે આઠ કલાક જેટલી ઉડાન પછી દેશની રાજધાની દિલ્હીમાં પરત લાવવાની ફરજ પડી હતી, કારણ કે, તેની પાસે કૅનેડિયન ઍરસ્પેસમાં પ્રવેશવા માટેની નિયમનકારી મંજૂરી નહોતી.

ઍર ઇન્ડિયાએ આ ગરબડ બદલ માત્ર કાર્યાત્મક કારણો ટાંક્યાં હતાં, પણ ભારતની પ્રથમ લો-કોસ્ટ ઍરલાઇન ઍર ડેક્કનના ભૂતપૂર્વ હેડ ઑફ મેન્ટેનન્સ તથા એક્યુમેન એવિએશન કન્સલ્ટન્સીના આલોક આનંદે કહે છે, "આ અત્યંત અસાધારણ બાબત છે અને દર્શાવે છે કે, પ્રક્રિયામાં ક્યાંકને ક્યાંક ચોક્કસપણે કોઈ ખામી સર્જાઈ હતી."

ગયા વર્ષે ભારતની હવાઈ ઉડ્ડયન નિયમનકારીએ દેશની ઍરલાઇન્સના વાર્ષિક ઑડિટના ભાગરૂપે ઍર ઇન્ડિયા ખાતે સલામતીના 51 ઉલ્લંઘનો નોંધ્યાં હતાં.

આંતરિક પડકારોની સાથે-સાથે તેની નિયંત્રણ બહાર જઈ રહેલી કામકાજી સ્થિતિને કારણે પણ કાર્યદેખાવ પર વિપરીત અસર પડી છે.

ઍરલાઇન તેના કાફલામાં ડઝનબંધ નવાં વિમાનો સામેલ કરે, તેવી અપેક્ષા હતી, પણ સપ્લાય ચેઇનની તંગીને લીધે ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે, તેના કારણે જૂનાં પ્લેનોને વિદાય આપવાની કામગીરી અવરોધાઈ ગઈ છે.

વધુમાં, તે જેટલા રૂટ પર કાર્યરત છે, તે રૂટની સંખ્યા 2024થી ઘટી છે અને દિલ્હી-વૉશિંગ્ટન તથા મુંબઈ-સાન ફ્રાન્સિસ્કો જેવી ચાવીરૂપ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, જેની તેની આવક ઉપર અસર પડી હોવાની સંભવિતતા છે.

હવાઈ ઉડ્ડયન વિશ્લેષક મહંતેશ સબરાડે જણાવ્યું હતું કે, તે પછીનો વધુ એક મોટો પ્રશ્ન રૂપિયાના ધોવાણનો છે.

તેઓ કહે છે કે અમેરિકન ડૉલર સામે ભારતીય ચલણ 10 ટકા કરતાં વધુ ગગડ્યું છે, જે આર્થિક સુધારા સામેનો મોટો પડકાર છે, કારણ કે, ઈંધણ સહિત ભારતીય ઍરલાઇન્સના ખર્ચનો ઘણો મોટો હિસ્સો ડૉલર સાથે જોડાયેલો છે.

ઍર ઇન્ડિયા માટે હવે આગળ શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, ટાટા જૂથ, ઍર ઇન્ડિયા ઍરલાઇન્સ, અમદાવાદ પ્લેન ક્રૅશ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં આવેલું ટાટા ગ્રૂપનું હૅડક્વાર્ટર. ઍર ઇન્ડિયાની કટોકટી અંગે ચર્ચા કરવા માટે તાજેતરમાં બોર્ડ મેમ્બર્સની બેઠક યોજાઈ હતી

સબરાડ કહે છે કે, "ટાટા ગ્રૂપ અને સિંગાપોર ઍરલાઇન્સે વધી રહેલી ખોટની ભરપાઈ કરવા માટે ઍરલાઇનમાં હજુ વધુ નાણાં રોકવા પડશે."

તેઓ જણાવે છે કે, "જો 2.4 અબજ ડૉલરની ખોટનો આંકડો સાચો હોય, તો તે આશરે બે દાયકા પહેલાં ટાટા સ્ટીલ દ્વારા બ્રિટનની કોરસ સ્ટીલના બાયઆઉટ પછી ટાટા ગ્રૂપે વેઠવી પડેલી નાણાંકીય મુશ્કેલી સાથે સમાનતા ધરાવે છે."

તેઓ ઉમેરે છે, "શેરધારકોનું સમર્થન જરૂરી છે. તે સમયે ટાટાએ હાર નહોતી માની અને તેઓ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવાનો અનુભવ ધરાવે છે... પણ તેમણે આગળ જતાં નવતર નાણાંકીય વ્યવસ્થા વિશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ."

પરંતુ, આનંદ કહે છે કે, ઍર ઇન્ડિયાના નાણાંકીય કાર્યદેખાવમાં સુધારો થાય, તે પહેલાં પરિસ્થિતિ હજુ વધુ કથળી શકે છે.

આનંદના જણાવ્યા અનુસાર, "મારી ધારણા પ્રમાણે, આ અંદાજીત ખોટ નાવિન્યીકરણ માટે કરવામાં આવેલી ચુકવણીઓના કારણે નોંધાઈ હોઈ શકે છે, તેમજ જૂનાં વિમાનોને પરત આપ્યા પછી લેસર્સને ચૂકવવામાં આવેલા ખર્ચ અને દંડને કારણે નોંધાઈ હોઈ શકે છે, આથી આ પ્રશ્નો સામે આવી રહ્યા છે."

"ઈંધણના ઊંચા ખર્ચ, ચલણનું ધોવાણ અને રૂટ બંધ થવા સહિતના ઘટનાક્રમની અસર પણ આગામી મહિનાઓમાં વધુ તીવ્રતાથી વર્તાશે."

ખાડીના દેશોની ઍરલાઇન્સનું વર્ચસ્વ કમજોર પડતાં મધ્ય પૂર્વમાં અત્યારે ચાલી રહેલા સંઘર્ષે ઍર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું સ્થાન મજબૂત કરવાની તક પૂરી પાડી હતી.

પણ ઍરલાઇન માટે ઍરક્રાફ્ટની પ્રાપ્યતા મોટો અવરોધ બનતાં આ તક ચૂકી જવાઈ છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં, ગયા વર્ષની પ્રાણઘાતક વિમાન દુર્ઘટનાની અંતિમ તપાસના આધારે જે પણ વિગતો બહાર આવશે, તેનાથી એ પણ નક્કી થશે કે, ઍરલાઇન અને તેની પ્રતિષ્ઠા ઉપર તેનાં કેટલાં ગંભીર પરિણામો આવશે.

સબરાડના જણાવ્યા પ્રમાણે, ઍરલાઇન માટેની લાયેબિલિટીઝનું મોટાપાયે નિવારણ થઈ ગયું હશે અને આગળ જતાં કોઈપણ પ્રકારના નાણાંકીય નુકસાનની અપેક્ષા નથી.

જોકે, પ્રતિષ્ઠાની દૃષ્ટિએ જોતાં, તપાસમાં સંભવતઃ કોઈપણ નકારાત્મક તારણો તેની છબિને નુકસાન પહોંચાડી શકે છે, જેને સુધારવા માટે ઍર ઇન્ડિયાએ ભગીરથ પ્રયાસો કરવા પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન