અમેરિકાની સેનાએ કહ્યું - દક્ષિણ ઈરાનમાં નવા હુમલા શરૂ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સેનાએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ ઈરાનમાં નવા હુમલાઓ કર્યા છે, જેમાં ઈરાની મિસાઇલ બેઝ અને સમુદ્રમાં બારૂદી સુરંગ પાથરવાનો પ્રયાસ કરી રહેલાં જહાજોને નિશાન બનાવાયાં છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ સ્વ-બચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળોના જોખમથી સૈનિકોને બચાવવાનો હતો.
સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હૉકિન્સે જણાવ્યું હતું કે યુએસ સૈન્ય હાલ ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખતા તેના સૈનિકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું હતું કે અમેરિકા સાથેની વાતચીતમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ સંઘર્ષને સમાપ્ત કરવા માટે તાત્કાલિક કોઈ કરાર થવાની શક્યતા નથી.
હૉકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓ દક્ષિણ બંદર શહેર બંદર અબ્બાસ નજીક કરવામાં આવ્યા હતા, જે ઈરાની નૌકાદળના અડ્ડાનું કેન્દ્ર છે અને હોર્મુઝની સામુદ્રધુની પર આવેલું છે.
અગાઉ, ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે બંદર અબ્બાસમાં વિસ્ફોટોના અવાજ સાંભળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
બીબીસી ન્યૂઝના ટોબી માનના અહેવાલના આધારે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે ઈરાન સાથે મળીને આ કામ કરીશું'

ઇમેજ સ્રોત, Roberto Schmidt/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનમાં આવેલા એનરિચ્ડ યુરેનિયમ ભંડારનો નાશ કરવા માગે છે. ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના નિવેદનથી અલગ છે જેમાં તેમણે ઈરાનના એનરિચ્ડ યુરેનિયમને અમેરિકાને સોંપી દેવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું , "એનરિચ્ડ યુરેનિયમ (ન્યુક્લિયર ડસ્ટ) તાત્કાલિક વિનાશ માટે અમેરિકાને સોંપવામાં આવશે. ઈરાન સાથે મળીને એવી જગ્યાએ તેનો નાશ કરવો પણ વધુ યોગ્ય રહેશે જ્યાં એટોમિક ઍનર્જી કમિશન કે સમકક્ષ સંસ્થા આ ઘટનાની સાક્ષી બની શકે."
બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, એક્સિયૉસના રિપોર્ટર બરાક રાવિદ કહે છે કે ટ્રમ્પના નિવેદનથી ખ્યાલ આવે છે કે અમેરિકા તેની અગાઉની માગથી 'પાછું ખસી રહ્યું છે' અને હવે ઈરાન દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોની નજીક જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ ભંડાર કાઢવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત કરવાનું વિચારી શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















