ઇટાલીનો પીસાનો ટાવર નમેલો હોવા છતાં પડતો નથી, આવી છે ખાસ બનાવટ

ઇમેજ સ્રોત, Sol de Zuasnabar Brebbia via Getty Images
- લેેખક, ડેઇઝી સ્ટિફન્સ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પીસાનો ઢળતો મીનારો ઇટાલીની સૌથી પ્રસિદ્ધ ઇમારતોમાંનો એક છે.
જોકે, એક તરફ નમનારી તે એકમાત્ર ઇમારત નથી.
નૅધરલૅન્ડ્ઝના 'ડાન્સિંગ હાઉસિસ'થી માંડીને ચીનના 'ટાઇગર હિલ પેગોડા' સહિત વિશ્વમાં આવાં બીજાં ઘણાં સ્થાપત્યો આવેલાં છે.
પણ આ ઇમારતો ઢળેલી શા માટે હોય છે?
શું એવું ધારી શકાય કે, તે નમેલા હોવાથી ચોક્કસ પડી જ જશે? શા માટે?
નૅધરલૅન્ડ્ઝની ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજીમાં જિયોટૅકનિકલ પ્રેક્ટિસનાં ઍસોસિએટ પ્રોફેસર ડૉક્ટર મૅન્ડી કોર્ફ આ વિષય પર વાત કરે છે.
ઇમારતો એક તરફ ઝૂકી જવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે.
નૅધરલૅન્ડ્ઝના પ્રખ્યાત 'ડાન્સિંગ હાઉસિસ' જેવા અમુક કિસ્સાઓમાં, ઇમારતો જેના પર ઊભેલી હોય છે, તે પાયાના પ્રકારને કારણે આવો ઝુકાવ થતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાકડાના થાંભલા પર ઊભેલાં ડાન્સિંગ હાઉસિસ

ઇમેજ સ્રોત, Karl Hendon via Getty Images
કોર્ફ કહે છે, "ઍમ્સ્ટર્ડેમ શહેરના કેન્દ્રમાં મોટાભાગનાં ઘર લાકડાના થાંભલા પર બન્યાં છે."
તેમણે સમજાવ્યું હતું કે, આ થાંભલા ઇમારતોની દીવાલો અને મુખ્ય દરવાજાની અંદર બે-બેની જોડી બનાવીને લગાવવામાં આવ્યા છે.
આ સ્તંભોને નરમ માટી, પીટ (છોડના સડી ગયેલા અવશેષો) કે રેતીમાં આશરે 12 મીટરની ઊંડાઈ સુધી ઉતારવામાં આવે છે.
કોર્ફે કહ્યું હતું, "જ્યાં સુધી તે આ રીતે જડાયેલા રહે છે અને થાંભલા મજબૂત રહે છે, ત્યાં સુધી ઘરોને કશું થતું નથી."
પણ જો થાંભલા ખરાબ થવા માંડે કે સડવા માંડે, તો દીવાલો ઉપર તિરાડો પડે છે, એમ તેમણે કહ્યું હતું.
વધુમાં તેમણે સમજાવ્યું હતું કે, સમય વીતવા સાથે ઇમારતો એક તરફ નમી શકે છે, જે માટે એક તરફ મજબૂતાઈ અને બીજી તરફ સડવું તેમજ તેમના પર મૂકવવામાં આવેલા વજનમાં તફાવત જેવાં કારણો જવાબદાર હોય છે.
પીસાના મિનારાને શું થયું...?
માટીની સ્થિતિને લીધે પણ ઇમારતો એક તરફ ઢળી જઈ શકે છે. ઇટાલીના વિખ્યાત ઢળતા મિનારા સાથે પણ આમ જ થયું હતું.
યુનિવર્સિટી ઑફ પીસાના ડિપાર્ટમેન્ટ ઑફ સોઇલ મિકેનિક્સ ઍન્ડ ફાઉન્ડેશન્સના પ્રોફેસર નુનઝિયાન્ટે સ્ક્વેગ્લિયા ટાવરના ઝુકાવ પર દેખરેખ રાખતી ટીમના સભ્ય છે.
સ્ક્વેગ્લિયાએ બીબીસી રેડિયોના કાર્યક્રમ 'વિટનેસ હિસ્ટ્રી' પર જણાવ્યું હતું, "ટાવરનું નિર્માણ થયું, તે ક્ષણથી જ તે ઢળવા માંડ્યો હતો, કારણ કે, ત્યાંની જમીન ઘણી નરમ હતી. તે લગભગ ત્રણથી ચાર મીટર જમીનમાં ધસી ગયો હતો."
આ ઉપરાંત જમીનમાં માનવ-સર્જિત ફેરફારો થવાને કારણે પણ ઇમારતો નમી શકે છે, જેમકે, ડેલ્ફ્ટનો આઉડે કર્ક ટાવર.

ઇમેજ સ્રોત, Sergio Amiti via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"તે પીસાના ટાવરની માફક નમી રહ્યો છે, પણ ઘણા ઓછા લોકો તેના વિશે જાણે છે," એમ કોર્ફે જણાવ્યું હતું.
તેમણે સમજાવ્યું હતું, "તે ટાવર કૅનાલ તરફ નમી રહ્યો છે. કૅનાલ માટે એક તરફથી જમીન ખોદવામાં આવી રહી હતી, પરિણામે ત્યાંની જમીન પોચી થઈ ગઈ હતી. તેના કારણે ઇમારતને એક તરફથી સીધી રાખવા માટે જોઈતું દબાણ ઓછું થઈ ગયું. જ્યારે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તે પછી ટાવર ધીમે-ધીમે નમવા માંડ્યો હતો."
આ ઉપરાંત, ભૂગર્ભ જળના સ્તરમાં ફેરફાર થવાથી પણ ઇમારતો નમી શકે છે. જોકે, કોર્ફે કહ્યું હતું કે, કેટલીક વખત ઇમારતોને ઇરાદાપૂર્વક જ નમેલી બનાવવામાં આવે છે.
તેમણે કહ્યું હતું, "ઍમ્સ્ટર્ડેમનાં ઘણાં ઘરો આગળની તરફ ઝુકેલાં બનાવવામાં આવ્યાં છે, કારણ કે, ભૂતકાળમાં વેપારીઓનાં ઘરો આ રીતે જ બનાવવામાં આવતાં હતાં."
તેમણે સમજાવ્યું હતું, "કૅનાલ પાસે આવેલાં ઘરોને ઘણી વખત આગળ તરફ ઝુકેલાં બનાવવામાં આવતાં હતાં, જેથી ત્યાં સામાન સંગ્રહી શકાય અને તેને સરળતાથી ઘરની અંદર લઈ જઈ શકાય. આમ, જો ઘર આગળની તરફ નમેલાં હોય, તો તેનો અર્થ એ નથી કે, ઘરની રચનામાં કોઈ ખામી છે. પણ જો તે ડાબી કે જમણી બાજુએ નમેલાં હોય, તો તે હેતુપૂર્વકનું નિર્માણ નહોતું."
પીસાના ઢળતા મિનારાની મરામત

ઇમેજ સ્રોત, PhotoFires via Getty Images
આટલી બધી ઇમારતો નમેલી હોવા છતાં આપણને તેની ચિંતા શા માટે નથી થઈ રહી?
ડૉક્ટર કોર્ફના જણાવ્યા પ્રમાણે, કોઈ ઇમારત ઝુકેલી હોય, તો તેનો અર્થ એ નથી કે, તે માળખાગત રીતે કમજોર છે. તેઓ કહે છે, "ઇમારત ઘણી જ વધારે નમે, તો જ તે અસ્થિર થાય છે."
પરંતુ કેટલીક વખત તેની મરામત કરવી જરૂરી હોય છે. પીસાના ઢળતા મિનારા સાથે પણ કંઈક આવું જ થયું હતું.
નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું, તેના થોડા જ સમય પછી ટાવર ઝુકવા માંડ્યો હોવા છતાં 20મી સદીમાં લેવામાં આવેલું માપ દર્શાવે છે કે, આ ઝુકાવ ધીમે-ધીમે વધી રહ્યો હતો અને પરિસ્થિતિ ધીમે-ધીમે કથળી રહી હતી.
"તે સ્થિતિ સાચે જ ચિંતાજનક હતી," એમ સ્ક્વેગ્લિયા કહે છે.
ત્યાર બાદ, 1989માં ઇટાલીના પાવિયામાં સિવિક ટાવર ધરાશાયી થઈ ગયો. સ્ક્વેગ્લિયાના જણાવ્યા મુજબ આ બનાવને પગલે તે પછીના વર્ષે પીસાનો ઢળતો મિનારો બંધ કરી દેવામાં આવ્યો હતો.
પીસાના ઢળતા મિનારાને સલામત રાખવા માટે તેનો ઝુકાવ થોડો ઓછો કેમ કરવો, તે વિશેના ઘણા ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે.
"આખરે અમે માટી નીકાળવાની પદ્ધતિ અપનાવી," એમ સ્ક્વેગ્લિયાએ જણાવ્યું હતું.
"ટાવરને સ્પર્શ્યા વિના અમે તેના પાયાની ઉત્તર તરફની બાજુએથી અમે 37 ક્યુબિક મીટર માટી હટાવી દીધી," એમ તેમણે કહ્યું હતું.
તે પછી પીસાનો ઢળતો મિનારો 11 વર્ષના અંતરાલ બાદ મુલાકાતીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
11 વર્ષ સુધી ચાલેલું મિનારાને સ્થિર કરવાનું કામ 2001માં પૂરું થયું હતું.
'આ એક વિશિષ્ટ કેસ છે'

ઇમેજ સ્રોત, Antonello NUSCA/Gamma-Rapho via Getty Images
કોર્ફના જણાવ્યા પ્રમાણે, કોઈ ઈમારતને સીધી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ એટલો સામાન્ય નથી.
તેઓ કહે છે, "પીસાના ઢળતા મિનારા માટે આ વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય સંજોગોમાં કોઈ આવું નથી કરતું."
વધુમાં તેમણે કહ્યું હતું, "જો ઢળી રહેલી ઇમારતના પાયા લાકડાના હોય (ઍમ્સ્ટર્ડેમનાં ઘરોની માફક), તો તમે તે લાકડાના પાયાને બદલીને ઇમારતના વધી રહેલા ઝુકાવને અટકાવી શકો છો. પણ તે, ઘણું મોટું કામ છે. કારણ કે, તેના માટે આખા ગ્રાઉન્ડ ફ્લૉરને હટાવવો પડે."
કોર્ફ કહે છે કે, જેવી રીતે કારને જૅક લગાવીને ઉપર ઉઠાવવામાં આવે છે, તે જ રીતે ઘરને પણ જૅક લગાવીને તેના ઝુકાવની મરામત કરવી શક્ય છે, પણ કેટલીક વખત તેનાથી ઇમારતને નુકસાન પણ પહોંચે છે.
કોર્ફ કહે છે, "જો ઘર સાચે જ નમી રહ્યું હોય, તો તેને સીધું કરવું ઘણું જોખમી છે, કારણ કે, ઘર પહેલેથી જ તે ઝુકાવને અનુરૂપ થઈ ગયું હોય છે."
"પરિસ્થિતિ વણસે નહીં, તેની કાળજી રાખવી ઘણી જરૂરી છે," એમ તેમણે ઉમેર્યું હતું.
અમુક ઇમારતોને સીધી ઊભી કરવી શક્ય હોવા છતાં તેના પણ અમુક ગેરલાભ રહેલા છે.
કોર્ફે સમજાવ્યું હતું, "આ પ્રકારની કોઈપણ મરામત ઇમારતો સાથે કરી શકાય છે, આ શક્ય છે. પણ તે ઘણો ખર્ચ માગી લેતું કામ છે અને તે અત્યંત જટિલ પ્રક્રિયા છે."
ક્લાઇમેટ ચેન્જની અસર

ઇમેજ સ્રોત, Bloomberg / Contributor via Getty Images
કોર્ફના સંશોધન અનુસાર, એકલા નૅધરલૅન્ડ્ઝમાં જ લગભગ 75,000 ઘરો લાકડાના પાયા ઉપર બનેલાં છે અને તે ધ્વસ્ત થઈ જવાનું જોખમ ધરાવે છે.
વધુમાં, પાયા ઊંડા ન હોવાને લીધે તેના કરતાં ત્રણ ગણાં વધુ ઘરો જોખમી સ્થિતિ ધરાવે છે.
આ સમસ્યાઓ ભવિષ્યમાં વધુ વકરે, તેવી સંભાવના છે.
કોર્ફ કહે છે, "આપણે જોઈ રહ્યાં છીએ કે, આ નુકસાન ઘણું ઝડપથી થઈ રહ્યું છે, કેટલીક વખત ક્લાઇમેટ ચેન્જને કારણે તથા ભૂગર્ભ જળની સપાટીમાં થતા ફેરફારને કારણે."
તેમણે ઉમેર્યું હતું, "જો ભૂગર્ભ જળનું સ્તર ઓછું થઈ જાય, તો લાકડાના પાયા પવનના સંપર્કમાં આવી જશે. તેનાથી તે ઝડપથી ખરાબ થવા લાગે, તેવી શક્યતા છે. વળી, ભૂગર્ભ જળની સપાટીમાં થતાં ફેરફારો પણ માટીનાં સ્તરોને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે જુદા-જુદા પ્રકારના પાયા ધરાવતાં ઘરો માટે શ્રેણીબદ્ધ સમસ્યાઓ સર્જાઈ શકે છે. જોકે, આ એક ધીમી પ્રક્રિયા છે."
પીસાના ટાવરની વાત કરીએ તો, તેની મરામતનું કામ 11 વર્ષ પછી 2001માં પૂરું થયું હતું. તેનો ઝુકાવ 40 સેન્ટિમીટર કરતાં વધુ ઘટી ગયો છે.
એન્જિનીયરોનું માનવું છે કે, ટાવર ઓછામાં ઓછાં બીજાં 200 વર્ષ સુધી સલામત રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















