ઝેરનો બગીચો : 'નરકના કૂતરાની લાળથી ઊગતો ઝેરી છોડ', સૂંઘો તો સામે મોત દેખાય

ઝેરના બગીચાની બહાર લગાવેલી ચેતવણીની એક તસવીર - "આ છોડ મારી શકે છે"
ઇમેજ કૅપ્શન, ઝેરના બગીચાની બહાર લગાવેલી ચેતવણી - "આ છોડ મારી શકે છે"
    • લેેખક, ડેલિયા વેન્ચુરા
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

"આ છોડ જીવલેણ હોઈ શકે છે," આવી ચેતવણી લોખંડની કાળી વાડ ઉપર લગાવેલા બોર્ડ ઉપર લખેલી છે અને ગંભીરતા સમજાવવા માટે તેના પર ખોપડી અને હાડકાંનું ચિહ્ન પણ દોરેલું છે.

આ કોઈ મજાક નથીઃ આ દરવાજા પાછળનો ચારેકોર વાડ ધરાવતો વિસ્તાર વિશ્વનો સૌથી પ્રાણઘાતક બગીચો છે અને તે જાહેર જનતા માટે ખુલ્લો છે.

આ બગીચો ઇંગ્લૅન્ડના ઉત્તર-પૂર્વ ભાગમાં, ડ્યૂક્સ ઑફ નોર્ધમ્બરલેન્ડના પૂર્વજોના નિવાસસ્થાન એવા એલનવિક કૅસલના પરિસરમાં આવેલો છે.

જો તમે આ કિલ્લો જોશો, તો તમને તે પરિચિત લાગશેઃ હૅરી પૉટરની પ્રથમ બે ફિલ્મોમાં આ મહેલ હોગવર્ટ્સ સ્કૂલ ઑફ વિચક્રાફ્ટ ઍન્ડ વિઝાર્ડ્રી તરીકે દર્શાવવામાં આવ્યો હતો, અને યોગાનુયોગે તે સુસંગત પણ છે, કારણ કે, આ બગીચો એવી જગ્યાઓનો પડઘો પાડે છે, જ્યાં સદીઓ પૂર્વે ચિકિત્સકો, વૈદો કે પછી ધાર્મિક પ્રતિભાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા છોડ ઊગતા હતા.

રિસિનસ કોમ્યુનિસ એ ઝેરનું એટલું ઉત્પાદન કરે છે કે માઇક્રોસ્કોપિક જેટલું ઓછું ઝેર પણ માણસને મારવા માટે પર્યાપ્ત છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિસિનસ કોમ્યુનિસ એ ઝેરનું એટલું ઉત્પાદન કરે છે કે માઇક્રોસ્કોપિક જેટલું ઓછું ઝેર પણ માણસને મારવા માટે પર્યાપ્ત છે

આ અસ્પષ્ટતા માત્ર ઐતિહાસિક કે સાંસ્કૃતિક નથી, તે આ છોડના સ્વરૂપમાં જ રહેલી છે. "ગાર્ડન ઑફ પોઇઝન્સ"માં તમને એક બાબત એ શીખવા મળે છે કે, કેટલીક વખત મૃત્યુ અને ઈલાજ વચ્ચેની ભેદરેખા ઘણી પાતળી હોય છે.

આ બગીચામાં ઝેરી, નશીલા અને માદક છોડની 100 કરતાં વધુ પ્રજાતિ મોજૂદ છે, જેમકે, ગિનીઝ બુક ઑફ રેકોર્ડ્ઝ જેને વિશ્વનો સૌથી ઝેરી છોડ ગણે છે, તે - રિસિનસ કમ્યુનિસ પણ અહીં છે.

મૂળ આફ્રિકાનો પણ ઉષ્ણકટિબંધીય તથા ઉપ-ઉષ્ણકટિબંધીય અમેરિકામાં કુદરતી રીતે જોવા મળતો આ છોડ રિસિન નામનું ઝેર ઉત્પન્ન કરે છે, જે અત્યંત જોખમી હોય છે.

જોકે, તેનાં બીજ પ્રાચીન સમયગાળાથી એરંડિયું મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. એરંડિયું મેળવવાની પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે, તે પછી તેમાં રિસિન રહેતું નથી.

પરંપરાગત રીતે આ તેલનો પેટ સાફ કરવાની દવા તરીકે તેમજ લુબ્રિકન્ટ્સથી માંડીને કેટલાંક ત્વચા અને વાળની સંભાળનાં ઉત્પાદનોના ઘટક તરીકે ઔદ્યોગિક અને કોસ્મેટિકના ક્ષેત્રમાં ઉપયોગ થતો આવ્યો છે.

પણ જોકે, તે ગમે તેટલો જોખમી હોવા છતાં, એરંડાના છોડ સંપર્કમાં આવવાથી માત્ર સામાન્ય બળતરા જ થતી હોય છે. ખાસ કરીને આ બગીચાના અન્ય છોડોથી અલગ, તે માત્ર સ્પર્શ કરવાથી... અથવા તો અમુક કિસ્સાઓમાં માત્ર સૂંઘવાથી કોઈ નુકસાન પહોંચાડતો નથી.

ગાર્ડનના ગાઇડ ડીન સ્મિથે બીબીસીને સમજાવ્યું હતું, "મુલાકાતીઓએ અંદર પ્રવેશતાં પહેલાં સુરક્ષા સંબંધિત માહિતી મેળવવી આવશ્યક છે."

તેમને કોઈપણ વસ્તુને નહીં સ્પર્શવાની, નહીં ચાખવાની અને નહીં સૂંઘવાની ચેતવણી આપવામાં આવે છે.

તેઓ માત્ર સાંભળી શકે છે અને આશ્ચર્ય વ્યક્ત કરી શકે છે.

તમારા બગીચામાં

પેરુમાં ઑલિયેન્ડરની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેરુમાં ઑલિયેન્ડર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાસ કરીને રસ ધરાવતા માળીઓ માટેની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, બગીચામાં ઉગાડેલા ઘણા છોડ ખૂબ સામાન્ય છે.

સ્મિથ કહે છે, "અહીં જે છોડ ઉગે છે, તેમાંથી ઘણાં જંગલી છે અને મોટા ભાગના છોડને ઉગાડવા સાવ સરળ છે."

તે પૈકીનો એક છોડ છે નેરિયમ ઓલિયેન્ડર, જે મૂળ ભૂમધ્ય સાગરના પ્રદેશ તથા સહરાનો વતની છે, પણ તે લેટિન અમેરિકામાં વ્યાપક સ્તરે જોવા મળે છે. ત્યાં તે વિવિધ નામોથી ઓળખાય છે, જેમકે, ઓલિયેન્ડર, બલાદ્રે, ફ્લાવરિંગ લોરેલ, રોઝ લોરેલ, ટ્રિનિટારિયા તથા રોમન લોરેલ.

તે સુંદર પણ ઝેરી છોડ પૈકીનો એક છે, કારણ કે, તેમાં કાર્ડિયાક ગ્લાઇકોસાઇડ્ઝ હોય છે, જે હૃદયની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરે છે, જેના કારણે ઉબકા-ઉલટીથી જેવાં લક્ષણોથી લઈને એરિથમિયા જેવી ઘાતક સ્થિતિ ઉદ્ભવી શકે છે.

સદ્ભાગ્યે, તેનો સ્વાદ એટલો કડવો હોય છે, ઝેરની અસર થવાના કિસ્સા ભાગ્યે જ બને છે.

તેમ છતાં, તે અપરાધ કથાઓને પ્રેરિત કરવા માટેની આદર્શ સામગ્રી ધરાવે છે, અને આ છોડ આવું એક કરતાં વધુ વખત કરી ચૂક્યો છે. તે કેવળ એક સામાન્ય સુશોભન માટેનો છોડ હોવાની સાથે-સાથે તેનું ઝેરીલાપણું પણ જાણીતું છે.

રોજિંદા જીવન અને ઘાતકીપણાની વચ્ચેના અસ્પષ્ટ ક્ષેત્રમાં ઓલિયેન્ડર વાર્તાઓમાં ચૂપચાપ નીપજતા મોતનું કારણ બનતા ઘરેલૂ ઝેરના સ્વરૂપમાં સહેલાઈથી ફિટ બેસે છે. આ વાર્તાઓમાં શિકાર એવો હોય છે, જેની ઓટોપ્સી અને ટોક્સિકોલોજી ન થાય, ત્યાં સુધી મોત કુદરતી રીતે થયું હોવાનું જ લાગે છે.

પણ વાસ્તવિકતા તરફ પરત ફરતાં, આપણે એ ભૂલવું ન જોઈએ કે, આખો છોડ જ ઝેરીલો હોય છે અને તે છોડ સૂકાઈ જાય, એ પછી પણ તેનું જોખમ ટળી નથી જતું: તેના લાકડામાંથી નીકળતો ધુમાડો પણ હાનિકારક હોઈ શકે છે.

લોકપ્રિય અને વિષાક્ત ઝાડીઓનું બીજું એક ઉદાહરણ રોડોડેન્ડ્રોન છે. વનસ્પતિના આ સમૂહમાં અઝેલિયાનો સમાવેશ થાય છે.

સ્મિથે સમજાવ્યું હતું કે, જો આ છોડ એકબીજાની એકદમ નજીક ઊગે, તો તે માટીને ઝેરીલી બનાવી દે છે, જેના કારણે રોડોડેન્ડ્રોન સિવાય બીજા છોડનો વિકાસ અટકી જાય છે.

તેનાં પાંદડાંમાં ગ્રેયોનાટોક્સિન હોય છે, જે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. સ્મિથ ઉમેરે છેઃ "જોકે, કોઈ ભાગ્યે જ તેને ખાશે, કારણ કે, તેનો સ્વાદ ઘણો જ ખરાબ હોય છે."

જોકે, શક્તિશાળી ન્યૂરોટોક્સિન ફૂલોમાં પણ જોવા મળે છે.

અઝાલીસ નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે, તસવીરોમાં તેમના બગીચા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝાલીસ નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે

જોકે, શક્તિશાળી ન્યૂરોટોક્સિન ફૂલોમાં પણ જોવા મળે છે.

જો મધમાખીઓ માત્ર રોડોડેન્ડ્રોનનાં ફૂલોમાંથી જ નેક્ટર (અમૃત, પિયૂષ) એકઠું કરે, તો મધનો રંગ ઘેરો, લાલાશ પડતો થઈ જાય છે.

આ મધ મૅડ હની તરીકે ઓળખાય છે. આ મધનું સેવન કરવાથી ગંભીર અસર થઈ શકે છે, જે વિશે ઇસુ પૂર્વે 401માં ગ્રીક યોદ્ધા તથા ઝેનોફોને તેમના પુસ્તક એનાબેસિસમાં નોંધ કરી હતીઃ

"મધ ખાનારા સૈનિકો તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા, તેમને ઝાડા-ઉલટી થઈ ગયાં અને તેઓ ઊભા પણ થઈ શકતા નહોતા; ઓછું મધ ખાનારા સૈનિકોએ જાણે ચિક્કાર શરાબ પીધો હોય, એવું લાગતું હતું અને જેમણે ખૂબ મધ આરોગ્યું હતું, તે પાગલ જેવા અને મરવાના હોય, એવા લાગતા હતા."

"તેઓ મોટી સંખ્યામાં શબવત્ પડ્યા હતા, જાણે કે, લશ્કર હારી ગયું હોય... પણ બીજા દિવસે કોઈ મર્યું નહોતું."

તે બધા ભાગ્યશાળી હતા, કારણ કે, ઊંચો ડોઝ પ્રાણઘાતક નીવડી શકે છે.

બે વર્ષ પછી, પ્રાચીન ગ્રીસના સમાન વિશ્વમાં વધુ એક ઝેરીલો પદાર્થ અગાઉ કદી ન સાંભળવા મળ્યું હોય, એ રીતે સાંસ્કૃતિક સ્મૃતિમાં અંકિત થવાનો હતો.

ક્લાસિક્સ

સોક્રેટિસના મૃત્યુથી હેમલૉક એ ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ ઝેર થઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોક્રેટિસના મૃત્યુથી હેમલૉક એ ઇતિહાસમાં સૌથી પ્રસિદ્ધ ઝેર થઈ ગયું

ડેલ્ફીના ઓરેકલે જેમને "ગ્રીકોમાં સૌથી બુદ્ધિમાન" ગણાવ્યા હતા, તે સોક્રેટિસને "શહેર જેમનામાં આસ્થા ધરાવતું હતું, તે દેવતાઓને ન સ્વીકારવા બદલ" તથા એથેન્સના યુવાનોને ભ્રષ્ટ કરવા બદલ ઈસુ પૂર્વે 399માં મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો.

"ફેડો" સંવાદમાં જલ્લાદે સોક્રેટિસને હેમલૉકનો એક પ્યાલો આપ્યો, તે પીધા પછી તેમના ગુરુની અંતિમ ક્ષણોનું પ્લેટોએ વિગતવાર વર્ણન કર્યું છે. જલ્લાદે તેમને - જ્યાં સુધી "પગ કમજોર ન પડવા માંડે, ત્યાં સુધી ચાલતા રહેવાની અને પછી પથારી પર સૂઈ જવાની સૂચના આપી હતી."

સોક્રેટિસે આમ જ કર્યું અને જ્યારે તેઓ પથારીમાં સૂતા હતા, ત્યારે જલ્લાદે "તેમનો એક પગ જોરથી દબાવ્યો અને તેમને પૂછ્યું કે, કશો અનુભવ થાય છે કે કેમ. ત્યારે સોક્રેટિસે જવાબ આપ્યો કે, કશું અનુભવાઈ રહ્યું નથી. તે પછી જલ્લાદે તરત જ તેમના પગ દબાવ્યા અને પોતાના હાથ ઉપર ફેરવીને અમને બતાવ્યું કે, શરીર ઠંડું પડી રહ્યું હતું અને જકડાઈ રહ્યું હતું. પછી તેણે સ્વયં સોક્રેટિસને સ્પર્શ કરીને અમને કહ્યું કે, જે ક્ષણે આ ઠંડી હૃદય સુધી પહોંચી જશે, તે ક્ષણે સોક્રેટિસનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે."

"તેમનું પેડુ પહેલેથી જ જામી ગયું હતું અને તે પછી તેમનું શરીર ઢંકાયેલું હોવાથી ચહેરો ખુલ્લો કરીને તેમણે કહ્યું (અને તે તેમના છેલ્લા શબ્દો હતા): 'ક્રિટો, આપણા પર એસ્ક્યુલેપિયસના એક મરઘાનું ઋણ છે, આ દેવું ચૂકતે કરવાનું ભૂલશો નહીં."

જીવલેણ ઝેર કોનિયમ મેકુલેટમ છોડમાંથી બનાવવામાં આવ્યું હતું.

આખો છોડ, ખાસ કરીને મૂળ તથા બીજ કોનિઇન જેવા ઝેરી આલ્કલોઇડ્ઝનું ઊંચું પ્રમાણ ધરાવે છે. કોનિઇન એક ન્યૂરોટોક્સિન છે, જે સ્નાયુઓના લકવાનું નિમિત્ત બને છે અને તેનો ક્રમ પ્લેટોએ કરેલા વર્ણન સાથે મેળ ખાય છે.

હેમલૉક એ એવો છોડ છે જે આસાનીથી ઉગી નીકળે છે અને સહેલાઈથી ધ્યાનમાં આવતો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેમલૉક એ એવો છોડ છે જે આસાનીથી ઉગી નીકળે છે અને સહેલાઈથી ધ્યાનમાં આવતો નથી

હેમલૉક માત્ર ગાર્ડન ઓફ પોઇઝન્સમાં જ નહીં, બલ્કે લેટિન અમેરિકાના મોટા ભાગના પ્રદેશો સહિત વિશ્વના ઘણા ભાગોમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.

તેનો હાનિરહિત દેખાવ તેને વધુ જોખમી બનાવે છેઃ નાનાં અને નિર્દોષ જણાતાં શ્વેત ફૂલો ધરાવતી એક ઔષધિ, જેને ભૂલથી પાર્સલી, જંગલી ગાજર કે વરિયાળી જેવા તે જ પરિવારના ખાવાલાયક છોડ સમજી લેવામાં આવે છે.

હેમલૉક કોઈ દુર્લભ છોડ ન હોવા છતાં, પોતાના ઝેરીલાપણાની સાથે-સાથે ઈતિહાસ, ચિકિત્સા અને સંસ્કૃતિમાં પોતાની ભૂમિકા બદલ પણ છાપ છોડનારા "ક્લાસિક" છોડમાં હેમલૉક કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ છે.

પરંતુ, આ સિવાય પણ કેટલીક અન્ય જાણીતી પ્રજાતિઓ છે, જેમણે લોકવાયકાઓ, ઐતિહાસિક અપરાધો, સાહિત્ય અને પ્રાચીન ઉપચારમાં દેખા દીધી હતી.

ઉદાહરણ તરીકે, એકોનિટમ નેપેલસ (મંક્સ વૂલ્ફ્સબેન) ગ્રીક પૌરાણિક કથાઓમાં પાતાળ લોક સાથે જોડાયેલું છેઃ હેરાક્લેસ અને સેર્બેરસની પૌરાણિક કથાની અમુક આવૃત્તિઓ મુજબ, આ છોડ નરકના કૂતરાની લાળમાંથી ઉગે છે.

મધ્યયુગીન યુરોપમાં "ધ એસેસિન્સ પ્લાન્ટ (હત્યારાના છોડ)" તરીકે જાણીતો આ છોડ તીર અને શસ્ત્રોની અણી તથા ધારને ઝેર પાવા માટે વપરાતો હતો.

તેમાં એકોનાઇટિનહોય છે, જે વનસ્પતિમાંથી મળતા જાણીતા આલ્કલોઇડ્ઝમાં સૌથી વધુ ઝેરી તત્ત્વોમાંનું એક છે અને તેની નાની અમથી માત્રા પણ પ્રાણઘાતક એરિથમિયા ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.

જો એકોનાઇટને શસ્ત્રો અને હત્યારાઓની દુનિયા સાથે સંબંધ છે, તો બેલાડોના વનસ્પતિ કોઈ કાલ્પનિક દુનિયામાંથી આવતી જણાય છેઃ જાણે કે, ચુડેલ, અડધી રાતે બોલાતા મંત્રોની દુનિયા.

એટ્રોપા બેલાડોના યૂરોપમાં સદીઓથી ચાલી આવતી અંધશ્રદ્ધાનું વહન કરે છે.

એકૉનિટમ નેપેલસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકૉનિટમ નેપેલસ

મધ્યયુગમાં આ વનસ્પતિ જાદૂ ટોણા અને મતિભ્રમ કરનારાં પીણાં સાથે જોડવામાં આવતી હતી, જ્યારે પુનર્જાગરણ કાળ દરમિયાન કેટલીક મહિલાઓએ તેમની કીકીને પહોળી કરવા માટે અને તેમની આંખોને વધુ મોહક બનાવવા માટે આ છોડના અર્કનો ઉપયોગ કરતી હતી, કદાચ તેના કારણે જ આ છોડનું નામ "બેલા ડોના" પડ્યું હશે, જેનો અર્થ થાય છે - સુંદર સ્ત્રી.

પરંતુ તેના રોમેન્ટિક સૌંદર્યની પાછળ યૂરોપનો એક અત્યંત ખતરનાક છોડ છુપાયેલો છે.

તે એટ્રોપિન અને સ્કોપોલામાઇન જેવા પદાર્થો ધરાવે છે, જે મતિભ્રમ, હૃદયના ઝડપી ધબકારા અને ઊંચી માત્રામાં મોતનું કારણ બની શકે છે.

અને ગાર્ડન ઑફ પોઇઝન્સના અન્ય ઘણા છોડની માફક જ - જે જીવ લઈ શકે છે, તે જીવ બચાવી પણ શકે છેઃ બેલાડોનામાંથી એટ્રોપિન મળે છે, જેનો આજે પણ ઓપ્થેમોલોજીમાં, એનેસ્થેશિયામાં તથા હૃદય સંબંધિત કટોકટીની સ્થિતિમાં ઉપયોગ થાય છે.

જીવન અને મૃત્યુની વચ્ચે

બેલ્લાડોના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેલ્લાડોના

સાજા કરનારા ઝેરી છોડની યાદી લાંબી છે.

વાસ્તવમાં, આ બગીચામાં રહેલા કેટલાક અત્યંત ઘાતક છોડ ઉત્તમ ઉપચારનો સ્રોત પણ છે, જેમકે, ટેક્સસ બેકાટા અથવા યૂ, જે સ્તન કૅન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.

કેથરેન્થસ રોઝિયસ અથવા તો વિન્કા બગીચા અને પાર્કમાં જોવા મળતો એક ઘણો જ સામાન્ય સુશોભન માટેનો છોડ છે.

તેના ઘટકો સંભવતઃ ઘાતક હોઈ શકે છે, કારણ કે તે કોષોના વિભાજનની પાયાની પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરે છે, પણ રસાયણ વિજ્ઞાન તથા ચિકિત્સાના ક્ષેત્રે તે જ ઝેરીલાપણું રૂપાંતરિત થઈ જાય છેઃ તેના અમુક આલ્કલોઇડ્ઝ અલગ તારવ્યા પછી શુદ્ધ કરતાં કૅન્સર સામેનાં મહત્વનાં સાધનો બની જાય છે.

અને સામાન્યપણે ફોક્સગ્લવ કે ડિજિટલિસ તરીકે ઓળાતું ડિજિટેલિસ પરપ્યૂરિયા એ બગીચાનું સુંદર ફૂલ છે, જે મનને પ્રફુલ્લિત કરવા ઉપરાંતનું કામ પણ કરે છે.

તે એવા પદાર્થો ધરાવે છે, જે યોગ્ય માત્રામાં આપવામાં આવે, તો હૃદયના ધબકારાનું નિયમન કરે છે, પણ ખોટો ડોઝ આપવામાં આવતાં તે હૃદયને બંધ પણ કરી દે છે.

ફૉક્સગ્લોવ્સ અને પૉપીઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફૉક્સગ્લોવ્સ અને પૉપીઝ

હૃદયની ચોક્કસ સમસ્યાઓની સારવાર માટે વપરાતાં પ્રારંભિક અત્યંત અસરકારક સંયોજનો પૈકીના ડિજિટલિનને ફોક્સગ્લવમાંથી અલગ તારવવામાં આવ્યું હતું અને તેનાં ડેરિવેટિવ્ઝ આજે પણ આધુનિક કાર્ડિયોવસ્ક્યુલર ફાર્માકોલોજીમાં મોજૂદ છે.

જોકે, આમાંથી એક પણ બાબત તેમનું જોખમ ઓછું નથી કરતી. ઉપચાર કરતા હોય તેવા અને ન કરતા હોય, એવા, બંને પ્રકારના છોડ ઝેરી જ હોય છે અને ગાર્ડન ઑફ પોઇઝન્સનો સ્ટાફ આ હકીકતથી સુપેરે વાકેફ છે.

હેડ ગાર્ડનર ટેર્નેન્ટે બીબીસીને જણાવ્યા પ્રમાણે, સ્ટાફ સુરક્ષાનાં વિવિધ પગલાં ભરે છે.

"ફૂલોના અમુક ક્યારામાં કોઈ તકેદારી રાખવાની જરૂર નથી, જ્યારે આક્રમક જાયન્ટ પાર્સલીના ક્યારામાં કામ કરતી વખતે સંપૂર્ણ રક્ષણાત્મક સૂટ, માસ્ક અને ગ્લવ્ઝ પહેરવાં જરૂરી છે."

કેટલાક છોડની કાળજી લેતી વખતે વધારે સાવચેત રહેવું પડે છે.

જિમ્પી-જિમ્પી તરીકે ઓળખાતો ડેન્ડ્રોક્નાઇડ મોરોઇડ્સ નામનો છોડ કાચના ડિસપ્લે કેસમાં રાખવામાં આવ્યો છે અને તેની સંભાળ રાખવા માટે વિશેષ વ્યક્તિ રાખવામાં આવી છે, કેમકે, તેને જરા અમથા સ્પર્શી જવાથી પણ ખૂબ જ પીડા થઈ શકે છે.

"તેમાં નાના-નાના વાળ હોય છે, આથી જો તમે તેની સામી દિશામાં હાથ ફેરવો અને તેમ કરતાં જો તે ત્વચાના સંપર્કમાં આવે, તો છોડના વાળ ત્વચાની અંદર ભોંકાઈને ઝેર દાખલ કરે છે, જેના કારણે વીજળીના ઝાટકા અને દાઝ્યા જેવી બળતરા એકસાથે અનુભવાય છે. "

સાવ સાદા સ્પર્શને કારણે પણ પીડિતોએ સપ્તાહો કે મહિનાઓ સુધી પીડા વેઠવી પડી શકે છે.

તે વનસ્પતિ વિશ્વની સંરક્ષણ વ્યવસ્થા છે, જેમાં જો પ્રાણીઓ તેમને ચાવે કે પછી માળીઓ તેમને કાપે, તે સમયે સાઇનાઇડ જેવા વાયુઓ છોડવાનો પણ સમાવેશ થાય છે (જેમકે, પ્રૂનસ લોરોસેરાસસ, જે ચેરી લોરેલ કે ઇંગ્લિશ બેના નામથી પણ ઓળખાય છે).

જુઓ પરંતુ, અડકો નહીં

ઇમેજ સ્રોત, The Alnwick Garden

ઇમેજ કૅપ્શન, જુઓ, પણ સ્પર્શ ન કરો: જિમ્પી-જિમ્પી છોડને સ્પર્શવા માત્રથી પીડિતને સપ્તાહો સુધી પીડા સહન કરવી પડે છે.

ગાર્ડન ઑફ પોઇઝન્સ ડ્રગ્ઝ ઍજ્યુકેશન પ્રોગ્રામનો પણ ભાગ છે.

અહીં જે છોડ ઉગાડવામાં આવે છે, તેને સ્મિથ "ડ્રગ્ઝની એબીસી" તરીકે ઓળખાવે છે: અફીણનો છોડ (ક્લાસ એ ડ્રગ), ગાંજો (ક્લાસ બી ડ્રગ) અને કેથા એડ્યુલિસ, જે સામાન્યપણે "ખાત" તરીકે ઓળખાય છે (ક્લાસ સી ડ્રગ).

આમ, લોખંડના તે ભયાનક સળિયાની પાછળ એક ઐતિહાસિક મહેલની છાયામાં જાત-ભાતની કહાણીઓથી ભરેલો એક બગીચો ખીલી રહ્યો છે, જે વિશ્વમાં સૌથી ઘાતક હોવા છતાં સુંદરતામાં જરાયે ઊણો ઉતરતો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન