થાઇલૅન્ડના પતાયાને 'પાપોનું શહેર' કેમ કહેવાય છે, ગુજરાતીઓ સહિત વિશ્વભરના પ્રવાસીઓને કેમ આકર્ષે છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, અતાહુઆલ્પા અમેરિસ
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
વિયેતનામ યુદ્ધ કદી પતાયાના દરિયાકિનારા સુધી પહોંચ્યું નહોતું, પરંતુ તેણે આ દરિયાકિનારાને કાયમ માટે બદલી નાખ્યો.
બૅંગકૉકથી આશરે 100 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલા આ દરિયાઈ પર્યટન શહેરે ગયા વર્ષે 1.28 કરોડ થાઈ મુલાકાતીઓ અને 1.06 કરોડ વિદેશી પર્યટકોને આવકાર્યા હતા. આ આંકડા થાઇલૅન્ડના પર્યટન અને રમતગમત મંત્રાલયના છે.
આ આંકડો આ શહેરમાં નોંધાયેલા 1,16,000 રહેવાસીઓની સંખ્યા કરતાં તદ્દન વિપરીત છે. તેમાં લાંબા સમયથી રોકાતા આશરે 4,60,000 મુલાકાતીઓ અને મોસમી કર્મચારીઓની અસ્થાયી વસ્તી પણ ઉમેરાય છે.
બીબીસી દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ સ્રોતોના અંદાજ મુજબ, તેમાં 25,000થી 50,000 જેટલી સેક્સ વર્કરો પણ છે.
દરિયાકિનારો અને ધમધમતા રાત્રિજીવન માટે જાણીતું, થાઇલૅન્ડનાં સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ સ્થળોમાંનું એક આ શહેર હમણાં જ ઐતિહાસિક પડઘા ધરાવતી એક મુલાકાતનું સાક્ષી બન્યું છે.
આ અઠવાડિયે યુ.એસ.એસ.અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજ નજીકના લાએમ ચાબાંગ બંદરે લગભગ 5,000 નાવિકો અને મરીન્સને લઈને લાંગર્યું.

ઇમેજ સ્રોત, Getty Images
નવ મહિના સુધી દરિયામાં રહેવાના, લાંબા સમય સુધી ચાલેલા એક મિશન પછી, આ સૈનિકોમાંથી ઘણાને થોડા દિવસ આરામ કરવા માટે બસોમાં પતાયા લઈ જવામાં આવ્યા.
તેમના આગમનથી આ શહેરના સ્થાનિક વેપારીઓમાં મોટી અપેક્ષાઓ જાગી હતી. આ શહેર 24 કલાક ધમધમતી રહેતી પ્રવૃત્તિ માટે જાણીતું છે, જોકે, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તેના આધારે તેની શેરીઓનું જીવન બદલાતું રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતીઓ સહિત વિશ્વભરમાંથી આવતા પર્યટકોમાં પતાયા ખાસું લોકપ્રિય છે.
દિવસ દરમિયાન પર્યટકો અને પરિવારો દરિયાકિનારે તડકો માણે છે, રસ્તા પરની લારીમાં પૅડ થાઇનો સ્વાદ માણે છે, હાટડીઓમાં કપડાં ખરીદે છે અથવા કામચલાઉ પલંગ પર થાઇ મસાજ કરાવે છે.
રાત પડતાં જ નિયોન લાઇટ્સથી સડકો ઝળહળી ઊઠે છે, જે બાર, પુખ્તો માટેનાં મસાજ પાર્લર, કામુક કાર્યક્રમો રજૂ કરતી નાઇટક્લબો અને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરતી સેક્સ વર્કરોથી ઊભરાય છે.
આ બધું વૉકિંગ સ્ટ્રીટમાં જોવા મળે છે, જે આ શહેરના રાત્રિજીવનનું હૃદય છે અને જેણે તેને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી છે.
એ બાબતની કલ્પના કરવી મુશ્કેલ છે કે હજી થોડા સમય પહેલાં, આ સ્થળ એક નાનકડું ગામ હતું, જ્યાં સ્થાનિક લોકો જીવનનિર્વાહ માટે માછીમારી કરતા હતા.
પતાયા વિશ્વના સૌથી જાણીતા સેક્સ ટૂરિઝમ સ્થળોમાંના એકમાં કેવી રીતે પરિવર્તિત થયું, જેના કારણે તેને 'પાપનું શહેર' એવું ઉપનામ મળ્યું?
વ્યૂહાત્મક સ્થળ પાસેનું માછીમારોનું ગામ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
20મી સદીના પૂર્વાર્ધમાં પટ્ટાયા એક નાનકડો દરિયાકાંઠાનો સમુદાય હતો. અહીં રહેવા માટેની જગ્યાઓ નહોતી, મુલાકાતીઓ માટેની સેવાઓ નહોતી અને અલબત્ત, તેની શેરીઓમાં એક પણ નિયોન લાઇટ નહોતી.
"અમેરિકી સશસ્ત્ર દળોના આગમન પહેલાં તે માછીમારોનું ગામ હતું," 'વૉર, માઇગ્રેશન ઍન્ડ ધ ઓરિજિન્સ ઑફ ધ થાઇ સેક્સ ઇન્ડસ્ટ્રી' અભ્યાસના સહલેખક એવા અર્થશાસ્ત્રી વર્ન લેકફુઆંગફુએ બીબીસીને જણાવ્યું.
જોકે, તેની શાંતિની પાછળ એક ભૌગોલિક લાભ છુપાયેલો હતો: લગભગ 30 કિલોમીટર દક્ષિણે સાટ્ટાહિપનું થાઇ નૌકાદળનુંમથક હતું, જે 1920ના દાયકામાં સ્થાપવામાં આવ્યું હતું.
શીતયુદ્ધ દરમિયાન 1954માં થાઇલૅન્ડ અને અમેરિકાએ અન્ય છ દેશો સાથે મળીને દક્ષિણપૂર્વ એશિયા સંધિ સંગઠન (SEATO)ની સ્થાપના કરી હતી. તેનો હેતુ સામ્યવાદને રોકવા માટે પ્રાદેશિક સંરક્ષણ સંગઠન ઊભું કરવાનો હતો.
આ સંગઠનના છત્ર હેઠળ થાઇ સરકારે પોતાના અમેરિકી ભાગીદારને ઇન્ડોચાઇનામાં તેની કામગીરી માટે થાઇ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી.
પ્રથમ કામગીરી લાઓસ સંકટ દરમિયાન શરૂ થઈ: 1961થી થાઇલૅન્ડમાં મથક ધરાવતાં અમેરિકન વિમાનોએ લાઓસની સરકારને પુરવઠો પહોંચાડ્યો અને 1962માં વૉશિંગટન દ્વારા સામ્યવાદી આગેકૂચને રોકવા માટે થાઇ પ્રદેશમાં સૈનિકો તહેનાત કરવામાં આવ્યા.
અને પતાયામાં ક્યારેય અમેરિકન મથક ન હોવા છતાં, તે આ લશ્કરી માર્ગ પરના સૈનિકો માટે વિરામસ્થળ તરીકે વિકસ્યું.

ઇમેજ સ્રોત, Reuters
કેટલાક અભ્યાસોમાં જણાવાયું છે કે પ્રથમ અમેરિકી સૈનિકો થોડા વહેલા, 1959માં આવ્યા હતા. તે સમયે દેશના આંતરિક ભાગમાં આવેલા કોરાટ પ્રાંતમાં તૈનાત સૈનિકોના એક જૂથે પટ્ટાયામાં રજાના થોડા દિવસો વિતાવ્યા, દરિયાકિનારા પાસે રહેવાની જગ્યાઓ ભાડે લીધી અને પોતાના અન્ય સાથીઓને આ સ્થળ વિશે જણાવ્યું.
જોકે, વેશ્યાવૃત્તિનો જન્મ આ સૈનિકો થકી થયો નહોતો.
"અમેરિકન સૈનિકો આવવાનું શરૂ કરે તે પહેલાં જ થાઇલૅન્ડમાં થાઇ પુરુષોને લક્ષ્ય બનાવતા (મહિલાઓની વેશ્યાવૃત્તિના) વ્યવસાયો અસ્તિત્વમાં હતા," 'સેક્સ ટુરિઝમ ઇન થાઇલૅન્ડ: ઇનસાઇડ ધ એશિયાઝ ઇરૉટિક પ્લેગ્રાઉન્ડ' પુસ્તકના લેખક, સમાજશાસ્ત્રી રોનાલ્ડ વાઇટ્ઝરે બીબીસી મુન્ડોને જણાવ્યું.
પ્રથમ મુલાકાતીઓની ચોક્કસ તારીખ અને સંખ્યા અંગે સ્રોતોમાં મતભેદ હોવા છતાં, પછી વિયેતનામ યુદ્ધ થકી જે પરિવર્તન આવવાનું હતું તેના તેઓ અગ્રદૂત હતા.
વિયેતનામ યુદ્ધ બાદ કેવી રીતે પરિસ્થિતિઓ બદલાઈ
"વિયેતનામ યુદ્ધ એટલે કે સામ્યવાદી ઉત્તર અને વૉશિંગૉનના સમર્થનવાળા દક્ષિણ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાએ 1965માં મોટા પાયે સૈનિકો તહેનાત કરીને પોતાની હાજરી વધારી ત્યારે થાઇલૅન્ડે તેને લશ્કરી દૃષ્ટિએ અનુકૂળ સાબિત થતી ભાગીદારી પૂરી પાડી."
શાંતિના સમયમાં તે સામ્યવાદવિરોધી સાથી દેશ હતો, વિયેતનામની નજીક હતો અને લાઓસ તથા કંબોડિયા સાથે તેની સરહદો જોડાતી હતી. આથી તેનાં હવાઈ મથકો દ્વારા મુખ્ય યુદ્ધમોરચાથી દૂર રહીને હુમલાનાં મિશન શરૂ કરી શકાતાં, તેમને પુરવઠો પહોંચાડી શકાતો અને વિમાનના કાફલાને પરત બોલાવી શકાતા.
લેકફુઆંગફુના અભ્યાસ અનુસાર, ઉત્તર વિયેતનામ પર અમેરિકન વાયુસેનાના લગભગ 80 ટકા હુમલા થાઇ પ્રદેશમાં આવેલા મથકો પરથી કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ (એલ.એસ.ઈ.) દ્વારા પ્રકાશિત થયો હતો.
પતાયાની દક્ષિણે અને અગાઉ ઉલ્લેખ કરાયેલા સાટ્ટાહિપ નૌકાદળના મથકની બાજુમાં આવેલું યુ-તાપાઓ હવાઈ મથક આ નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની મદદથી બનાવવામાં આવેલો તેનો વિશાળ રનવે 1966માં કાર્યરત થયો, એપ્રિલ 1967માં ત્યાં પ્રથમ B-52 બૉમ્બર વિમાનો પહોંચ્યાં અને બે વર્ષ પછી તે અમેરિકન વાયુસેનાની કામગીરીનું મુખ્ય મથક બની ગયું.
યુ-તાપાઓથી B-52 વિમાનોને વિયેતનામમાં પોતાનું મિશન પૂરું કરવામાં બેથી પાંચ કલાક લાગતા હતા, જ્યારે અમેરિકાના ગુઆમ મથક પરથી એ જ મિશન માટે 12થી 15 કલાક લાગતા હતા.
આ રીતે લશ્કરી હાજરી ઝડપથી વધી: 1966ના અંત સુધીમાં થાઇલૅન્ડમાં અમેરિકન વાયુસેનાના 25,000થી વધુ સભ્યો હતા, જે યુદ્ધના ચરમબિંદુએ વધીને આશરે 50,000 થયા હતા. એલ.એસ.ઈ. દ્વારા પ્રકાશિત સંશોધન અનુસાર, 1962થી 1976 દરમિયાન કુલ 700,000થી વધુ અમેરિકન સૈનિકો તેના મથકો પરથી પસાર થયા હતા.
કેટલાક સૈનિકો હવાઈ મિશન અથવા સહાયક કામગીરીમાં ભાગ લેવા માટે થાઇ મથકો પર મહિનાઓ સુધી રોકાતા હતા, જ્યારે કેટલાક 'આરામ અને મનોરંજન'ની રજા દરમિયાન સીધા વિયેતનામથી અહીં આવતા હતા.
માત્ર 1966 અને 1967માં જ થાઇલૅન્ડમાં આવેલા તમામ મુલાકાતીઓમાં આવા સૈનિકો 11થી 16 ટકા જેટલા હતા અને તેમણે દર વર્ષે 6.8 મિલિયન યુ.એસ. ડૉલરથી 10.8 મિલિયન યુ.એસ.ડૉલર જેટલો ખર્ચ કર્યો હતો, એમ અભ્યાસ જણાવે છે.
પતાયામાં આ બંને પ્રકારના પ્રવાસીઓનો મોટો પ્રવાહ એકત્ર થયો.
"આટલા બધા પુરુષો તરફથી માગ હોય, તો તેની અસર પડે જ, કારણ કે અગાઉ ત્યાં ક્યારેય આટલા બધા પુરુષો આવ્યા નહોતા," અર્થશાસ્ત્રી વર્ન લેકફુઆંગફુ સમજાવે છે.
પતાયાનો ઝડપી વિકાસ કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતમાં કેટલાક સ્થાનિકોએ સૈનિકોને રૂમ ભાડે આપવાનું અને તેમને ભોજન તથા અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું; ત્યારબાદ નિપા લૉજ જેવા વધુ મોટા પ્રોજેક્ટ સાથે ઉદ્યોગસાહસિકો આવ્યા. ડિસેમ્બર 1964માં ખુલેલી આ પતાયાની પહેલવહેલી મોટી હોટેલ હતી, જેમાં 112 રૂમ હતા.
તે પછી હજારો યુવાન સૈનિકોની માગ પૂરી કરવા માટે નવી હોટેલ, રેસ્ટોરાં, બાર, મસાજ પાર્લર અને રાત્રિનાં મનોરંજનનાં સ્થળો ઊભાં થયાં.
લેકફુઆંગફુ કહે છે કે, "પતાયા મૂળભૂત રીતે એવું સ્થળ બની ગયું, જે મથકથી બહુ દૂર નહોતું અને જ્યાં લશ્કરી કર્મચારીઓ જઈ શકતા અને, એમ કહીએ તો, મોજમજા કરી શકતા."
ડૉલરની લાલચે આખા થાઇલૅન્ડમાંથી યુવતીઓ અહીં ખેંચાઈ લાવી. એ સમયે દેશ મુખ્યત્વે કૃષિપ્રધાન અને અસમાન હતો.
'વૉર, માઇગ્રેશન ઍન્ડ ધ ઓરિજિન્સ ઑફ ધ થાઇ સેક્સ ઇન્ડસ્ટ્રી' અભ્યાસના સહલેખક કહે છે કે, "આ યુવતીઓ સ્થાનિક નહોતી, કારણ કે માગ પૂરી કરવા માટે એમની સંખ્યા પૂરતી ન હોત."
"એ સમયે આંતરિક સ્થળાંતર ઘણું હતું અને આમાંની ઘણી યુવતીઓ મુખ્યત્વે દેશના ઉત્તરપૂર્વ ભાગમાંથી આવતી હતી, જે સૌથી ગરીબ પ્રદેશ હતો."
તેમના કહેવા મુજબ, સત્તાવાળાઓએ આ ઉદ્યોગને વિકસવા માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી.
1960થી વેશ્યાવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાં, 1966ના 'ઍન્ટરટેઇનમેન્ટ ઍસ્ટાબ્લિશમેન્ટ્સ ઍક્ટ દ્વારા બાર અને મસાજ પાર્લર જેવા વ્યવસાયોની કાયદેસર નોંધણી અને નિયમન કરવાની મંજૂરી આપવામાં આવી.
સંભવિત જાતીય સેવાઓ ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ખાનગી રીતે નક્કી થતી, જેના કારણે એક એવું કાયદાકીય રીતે સંદિગ્ધ ક્ષેત્ર ઊભું થયું, જ્યાં સત્તાવાળાઓ સામાન્ય રીતે આંખ આડા કાન કરતા.

ઇમેજ સ્રોત, Reuters
એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે સૈનિકો માત્ર સેક્સ ખરીદવા માટે પતાયા આવતા નહોતા: દરિયાકિનારો, ભોજન, દારૂ, મનોરંજન અને સાથ—આ બધું એક જ પ્રકારની ઑફરનો ભાગ હતું.
લેકફુઆંગફુ કહે છે કે, "આ સીધેસીધી વેશ્યાગૃહોની શ્રેણી નહોતી, પરંતુ એક નવા પ્રકારનું મનોરંજન હતું: ત્યાં શો હતા, તમે દારૂ પીતા અને કોઈ તમારી સાથે રહેતું, તમારું મનોરંજન કરતું અને તમારી સેવા કરતું. ત્યારે પણ આવું જ હતું અને આજે પણ એવું જ છે."
1975માં યુદ્ધ પૂરું થયું ત્યારે પતાયા હોટેલ, રસ્તા, બાર અને પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાય તથા શ્રમના નેટવર્કથી ભરેલું એક સમૃદ્ધ દરિયાઈ પર્યટન શહેર બની ચૂક્યું હતું.
અને તે જ સમયે, તેણે સેક્સ ટૂરિઝમના સ્થળ તરીકે એવી પ્રતિષ્ઠા મેળવી હતી, જેના કારણે વર્ષો પછી આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેને 'પાપનું શહેર' એવું ઉપનામ આપ્યું.
થાઇલૅન્ડમાં અસ્પષ્ટ કાયદાકીય સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
- થાઇલૅન્ડમાં પુખ્ત વયના લોકો વચ્ચેની સામાન્ય વેશ્યાવૃત્તિ કાયદાકીય રીતે અસ્પષ્ટ છે અથવા વેશ્યાવૃત્તિના નિવારણ અને દમન અંગેના કાયદા હેઠળ ઔપચારિક રીતે પ્રતિબંધિત છે. જોકે, વ્યવહારમાં દેશના કેટલાક રેડ-લાઇટ વિસ્તારોમાં સહિષ્ણુતાપૂર્વક તે ચાલે છે.
- જોકે, સગીર વયના લોકો સાથે સંકળાયેલું સેક્સ ટૂરિઝમ અથવા બાળકોનું જાતીય શોષણ સખત રીતે દંડનીય છે અને તેના માટે ખૂબ આકરી જેલની સજા તથા સક્રિય કાયદાકીય કાર્યવાહી થાય છે.
- થાઇ કાયદો દલાલી, વેશ્યાગૃહો અને જાહેર સ્થળે જાતીય સેવાઓની માગણી અથવા ઑફર પર પ્રતિબંધ મૂકે છે.
- આ પ્રતિબંધ હોવા છતાં, સેક્સ વર્કરો દેશના મુખ્ય પર્યટન કેન્દ્રોમાં ખુલ્લેઆમ કામ કરતા જોવા મળે છે.
'પાપનું શહેર' પતાયા કેવી રીતે બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
1975 અને 1976 દરમિયાન અમેરિકન સૈનિક દળોએ થાઇલૅન્ડ છોડ્યું ત્યાં સુધીમાં પતાયામાં થયેલું પરિવર્તન હવે પાછું ફેરવી શકાય તેમ નહોતું.
પ્રવાસન ઉદ્યોગ પહેલેથી જ ગતિમાં હતો અને તેનું વિસ્તરણ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં તેજી સાથે થયું, અને ખાસ કરીને દરિયાકિનારા, પ્રાચીન સંસ્કૃતિ અને ભોજન માટે જાણીતા આ એશિયન દેશમાં
સમાજશાસ્ત્રી રોનાલ્ડ વાઇટ્ઝર સમજાવે છે કે,"બાર અને અન્ય કામુક વ્યવસાયોને નાગરિક પર્યટકો માટે બદલવાની જરૂર પડી નહોતી. તેઓ સીધા જ ત્યાં પહેલેથી રહેલી ગો-ગો ક્લબો, બ્રુઅરી અને મસાજ પાર્લરમાં જવા લાગ્યા."
અર્થશાસ્ત્રી વર્ન લેકફુઆંગફુ જણાવે છે કે અમેરિકનો પછી યુરોપના મુલાકાતીઓ પણ આવવા લાગ્યા, ખાસ કરીને બ્રિટિશ, જર્મન અને સ્કૅન્ડિનેવિયન લોકો; ત્યાર બાદ રશિયનો આવ્યા અને છેલ્લાં 10 કે 20 વર્ષમાં અન્ય એશિયાઈ દેશોના ગ્રાહકોની સંખ્યા વધી છે.
ગ્રામ્ય ઉત્તરપૂર્વમાંથી સેક્સ વર્કરોનું સ્થળાંતર પણ ચાલુ રહ્યું અને તેમને પતાયાના વ્યવસાયો સાથે જોડતા સ્થળાંતરનાં નેટવર્ક મજબૂત બન્યાં.
એમ એલ.એસ.ઈ. દ્વારા પ્રકાશિત અભ્યાસ જણાવે છે કે,1990 સુધીમાં અમેરિકાએ અગાઉ ઉપયોગમાં લીધેલાં મથકોની નજીકના વિસ્તારોમાં રહેલા સેક્સ વર્કરોની સંખ્યા અન્ય સ્થાનિક લશ્કરી સુવિધાઓની નજીક આવેલા વિસ્તારો કરતાં ચારથી પાંચ ગણી વધારે હતી.

ઇમેજ સ્રોત, Getty Images
પતાયાને બીજો એક લાભ પણ હતો: 90 લાખની વસ્તી ધરાવતી થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકથી એ નજીક છે. સડક માર્ગે ત્યાંથી પતાયા પહોંચવામાં બે કલાકથી પણ ઓછો સમય લાગે છે.
આજે શહેરનો નજારો પણ વધુ વૈવિધ્યસભર છે.
લેકફુઆંગફુ કહે છે કે,"હાલમાં આ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ માત્ર થાઇ નથી; પાડોશી દેશો અને પૂર્વ યુરોપની મહિલાઓ પણ અહીં છે."
બીજી તરફ સમાજશાસ્ત્રી રોનાલ્ડ વાઇટ્ઝર ઉમેરે છે કે, "થાઇલૅન્ડમાં સેક્સ ટૂરિઝમ સાથે સંકળાયેલા મોટા પ્રમાણમાં વ્યવહારો સ્થાનિક પુરુષો અથવા ટ્રાન્સજેન્ડર મહિલાઓ સાથે થાય છે, જેઓ પોતાને લેડીબૉય કહે છે."
તેઓ કહે છે કે, "પતાયામાં પુરુષ વેશ્યાવૃત્તિ માટેના ત્રણ મોટા રેડ-લાઇટ વિસ્તાર છે, જ્યાં થાઇ યુવાનો વિદેશી પર્યટકો અને ઉદ્યોગપતિઓ સાથે પાર્ટી કરે છે અને તેમને જાતીય સેવાઓ પૂરી પાડે છે."
વાઇટ્ઝર પતાયાને "પુખ્તો માટેના એક પ્રકારના ડિઝનીલૅન્ડ" તરીકે ઓળખાવે છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા તેને સામાન્ય રીતે 'પાપનું શહેર' કહે છે, આ નામ થાઇ સત્તાવાળાઓ નકારે છે, જોકે, અમુક અંશે તેને સ્વીકારી પણ લે છે.
મેયર પોરામેસ નગામીચેસે બીબીસીને જણાવ્યું કે, "નિખાલસતાથી કહીએ તો આ શહેર બારની યુવતીઓ માટે જાણીતું છે. અમે આ રૂઢિપ્રયોગોને સમજીએ છીએ. અમે તેને ટાળી શકતા નથી."
અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શોષણ સામે અને ખાસ કરીને બાળ સેક્સ ટૂરિઝમ તથા માનવ તસ્કરી સામે લડે છે.

ઇમેજ સ્રોત, Getty Images
થાઇ લોકોની ધારણા અંગે લેકફુઆંગફુના જણાવ્યા મુજબ, ભૌગોલિક તફાવત છે: ઉત્તર પટ્ટાયા સામાન્ય પર્યટન અને મનોરંજન સાથે સંકળાયેલું છે, જ્યારે દક્ષિણ પટ્ટાયા સેક્સ વેપાર સાથે સંકળાયેલું છે.
"હું કહું કે હું દક્ષિણ પટ્ટાયા જઈ રહ્યો છું, તો લોકો મને વિચિત્ર રીતે જોશે," તેઓ કહે છે.
જોકે, સત્તાવાળાઓ કુટુંબ, રમતગમત, ભોજન અને કૉન્ફરન્સના પર્યટન સાથે સંકળાયેલી છબી રજૂ કરવાનો પ્રયાસ કરે છે.
"અમે એટલું કરી શકીએ કે પટ્ટાયા બદલાઈ ગયું છે એ દેખાડીએ અને હવે અમે રમતગમત, સેમિનાર, વેલનેસ અને આખા પરિવાર માટેની પ્રવૃત્તિઓ જેવી બીજી તકો પણ પૂરી પાડીએ છીએ. આ બધાનું મિશ્રણ છે," મેયરે જણાવ્યું.
પટ્ટાયાની પ્રતિષ્ઠા અને તેના સત્તાવાળાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવા માગે છે તે છબી વચ્ચેનો વિરોધાભાસ આ અઠવાડિયે યુ.એસ.એસ.અબ્રાહમ લિંકનના આગમન સાથે ફરી નજરે ચડ્યો.
અમેરિકી નૌકાદળના અધિકારી ક્રિસ્ટોફર રોબિન્સને ખાતરી આપી કે 5,000 મરીન્સ "અમેરિકાના કાયદા, અમેરિકી નૌકાદળના નિયમો અને થાઇલૅન્ડના કાયદા અનુસાર વર્તન કરશે."
આજે જે પટ્ટાયા પર આ સૈનિકો પગ મૂકે છે તે સ્થળ વિયેતનામ યુદ્ધ સમયના તેમના પુરોગામીઓને આવકારનાર શહેરની સરખામણીએ ઘણું બદલાઈ ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























